Magazines

હસતા હસતા પાપો કરશો તો પાપો વળગી જશે...રડતા રડતા પાપો કરશો તો પાપો સળગી જશે...

By GS TEAM
27 May 20266 mins read
હસતા હસતા પાપો કરશો તો પાપો વળગી જશે...રડતા રડતા પાપો કરશો તો પાપો સળગી જશે...

- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- ''વ્યક્તિને આગનો ડર જબરજસ્ત હશે તો તે લબકારા મારતી ભયાનક આગથી દૂર જ રહેશે. રખે ને એ આગ લપેટમાં લઈ લે તો ? વ્યક્તિને સાપનો જોરદાર ભય હશે તો સાપનું નામ સાંભળતાવેંત એ ત્યાંથી પલાયન થઈ જશે. ક્યાંક સાપ ડંખ મારી દે તો ? વ્યક્તિને પાણીનો ડર હશે તો એ તળાવ-નદી-સ્વીમીંગપુલ વગેરેથી દૂર ભાગશે. ક્યાંક લપસ્યા અને ડૂબી ગયા તો ? જે નિયમ ઉપરોક્ત બાબતોમાં કાર્યરત છે એ જ નિયમ પાપનાં ક્ષેત્રે પણ કાર્યરત છે કે જેટલો પાપનો ભય વધુ, એટલી પાપથી દૂરી વધુ.''

ધર્મરત્નપ્રકરણ ગ્રંથના કર્તા મહર્ષિ ધર્મપ્રાપ્તિની ભૂમિકારૂપે જે એકવીશ ગુણો દર્શાવે છે તેમાં આજે આપણે વિચારીશું છઠ્ઠા ક્રમનો ગુણ. એનું નામ છે પાપભિરુતા.

ભીરુતાનો અર્થ છે ભય. સામાન્ય દ્રષ્ટિથી વિચારીએ તો ભય અવગુણની-ખામીની કક્ષામાં આવે, ગુણની-વિશેષતાની કક્ષામાં નહિ. એક-બે ઉદાહરણોથી આ વાત સમજીએ: ધારો કે એક વિદ્યાર્થી બુદ્ધિશાળી-હોંશિયાર છે, સાથે જ પુરુષાર્થશીલ-ખંતીલો છે. સંપૂર્ણ વર્ષ મહેનત કરી એણે બધા જ વિષયો બરાબર તૈયાર કર્યા છે. પરંતુ પરીક્ષાનો એના મનમાં જબરજસ્ત ડર-ફોબિયા હોય તો ? તો એ ભયનો માર્યો પરીક્ષાપેપર લખવામાં ઘણી ગરબડો કરી બેસશે અને ફલસ્વરૂપે ઉચ્ચ ક્રમાંકથી-ઉચ્ચ રેન્જથી વંચિત રહેશે. ધારો કે એક વ્યક્તિએ પોતાનાં પ્રવચનનો વિષય બરાબર તૈયાર કર્યો છે, એનું રીહર્સલ પણ એણે બરાબર કર્યું છે. પરંતુ એ મંચનો ડર-સભાનો ભય અનુભવતો હોય તો ? મંચ પર આવતાં જ એને પરસેવો છૂટી જશે અને જે મુક્ત મને એ કહેવા ચાહતો હશે તે કહી નહિ શકે. બન્નેમાં કારણ એ જ કે ભય.

પણ... સબૂર ! માત્ર એક જ ક્ષેત્ર એવું છે કે જેમાં ભય અવગુણની-ખામીની કક્ષામાં નથી ગણાતો, બલ્કે ગુણની-વિશેષતાની કક્ષામાં ગણાય છે. એ ક્ષેત્ર છે પાપ. પાપનો ભય જેટલો વધુ એટલી વ્યક્તિની આરાધકતા વધુ. એથી જ ગ્રન્થકારે મૂળ ગાથામાં આ પંક્તિ લખી છે કે 'તો ખલુ ધમ્મારિહો ભીરુ.' ભાવાર્થ કે માટે જ પાપભીરુ વ્યક્તિ ધર્મ માટે યોગ્ય છે. આપણે સંક્ષેપમાં પાપભીરુતાના કેટલાક લાભો વિચારીએ:

* પાપનો ભય બનતી શક્યતાએ પાપથી દૂર રખાવે. માનસશાસ્ત્રનો એક નિયમ છે કે જે બાબતનો ડર-ભય વ્યક્તિને હોય તે બાબતથી વ્યક્તિ દૂર રહે. ઉદાહરણરૂપે, વ્યક્તિને આગનો ડર જબરજસ્ત હશે તો તે લબકારા મારતી ભયાનક આગથી દૂર જ રહેશે. રખે ને એ આગ લપેટમાં લઈ લે તો ? વ્યક્તિને સાપનો જોરદાર ભય હશે તો સાપનું નામ સાંભળતાવેંત એ ત્યાંથી પલાયન થઈ જશે. ક્યાંક સાપ ડંખ મારી દે તો ? વ્યક્તિને પાણીનો ડર હશે તો એ તળાવ-નદી-સ્વીમીંગપુલ વગેરેથી દૂર ભાગશે. ક્યાંક લપસ્યા અને ડૂબી ગયા તો ?

જે નિયમ ઉપરોક્ત બાબતોમાં કાર્યરત છે એ જ નિયમ પાપનાં ક્ષેત્રે પણ કાર્યરત છે કે જેટલો પાપનો ભય વધુ, એટલી પાપથી દૂરી વધુ. સંતોના ઉપદેશ વિના કે ગ્રન્થો-પુસ્તકોનાં વાંચન-મનન વિના પણ ગળથૂથીમાંથી મળેલ સંસ્કારમાત્રથી વ્યક્તિ પાપના ભયવશ પાપથી કેવી રીતે દૂર રહે એ જાણવું છે ? તો વાંચો આ સત્ય ઘટના:

ઇ.સ. ૧૯૮૬. ગુજરાત તરફથી વિહારયાત્રામાં અમે એક દિવસ અમારા ગુરુદેવો સાથે નવસારી નિકટના તપોવન-સંસ્કારધામમાં સ્થિરતા કરી. ત્યારે તપોવનપ્રણેતા પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવર ત્યાં હતા. આત્મીયતાભર્યા વાર્તાલાપમાં એમણે તપોવનનો એક હૃદયસ્પર્શી પ્રસંગ કહ્યો. એ પ્રસંગ કાંઇક આવો હતો.

તપોવનનો એક કર્મચારી ઉપાશ્રયમાં કાજો કાઢી રહ્યો હતો. એ સમયે પંન્યાસજી ઉપાશ્રયમાંથી બહાર જઈ રહ્યા હતા. અચાનક એમના ખ્યાલમાં આવ્યું કે અત્યારે ઉપાશ્રયમાં કાજો કાઢનાર સિવાય કોઈ વ્યક્તિ નથી અને ગુરુપૂજનની થાળી રૂપિયાથી છલોછલ છે. એમને જિજ્ઞાસા થઈ કે આ લલચામણી સ્થિતિમાં ગરીબ-અભણ કર્મચારી શું કરશે ? ઉપાશ્રયની બહારના ભાગે ઓથ લઈને તેઓ અંદરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા.

પેલો કર્મચારી કાજો લેતાં લેતાં ઠેઠ ગુરુપૂજનની રૂપિયા છલોછલ થાળી સુધી આવી ગયો. પણ એણે રૂપિયા લેવાની તો શું, એના તરફ નજર પણ માંડવાની દરકાર સુદ્ધાં ન કરી ! એ માત્ર કાજો કાઢવાનાં પોતાના કાર્યમાં જ મગ્ન હતો. હવે પંન્યાસજીએ ઉપાશ્રયમાં પ્રવેશી પેલા કર્મચારીને કહ્યું: 'આ ઉપાયશ્રયમાં કોઈ હાજર ન હતું. તારી સામે જ રૂપિયાથી છલોછલ થાળી હતી. તને કોઈ અટકાવનાર ન હતું, તો તને થાળીમાંથી રૂપિયા લેવાનું મન ન થયું ?'

પેલા ગરીબ કર્મચારીએ કમાલનો ઉત્તર આપ્યો: 'મહારાજ સાહેબ ! મારા બાપે મને નાનપણમાં શિખવાડયું હતું કે બે હાથે મહેનત કરીને પેટ ભરજે, એમાં પેટ કદાચ ન ભરાય તો માંગીને પેટ ભરજે પણ ચોરી કરીને પેટ ન ભરતો. ચોરી તો પાપ છે.' બસ, ત્યારથી મેં નક્કી કર્યું છે કે જિંદગીમાં ક્યારેય ચોરીનો વિચાર પણ ન કરવો !'

પાપના ભય પાપથી કેવી દૂરી અપાવે તે આ ઉદાહરણમાં સરસ પ્રતિબિંબિત થાય છે....

* પાપનો ભય પાપક્રિયામાં રસ-મજા ઉત્પન્ન ન થવા દે. કેટલીક વાર સંયોગો-પરિસ્થિતિ જ એવી સર્જાય કે જેનાં કારણે પાપનો ભય પ્રબલ હોવા છતાં વ્યક્તિએ અનિચ્છાએ પાપાચરણ કરવું જ પડે. ઉદાહરણરૂપે લઇએ એક ચુસ્ત ધર્મનિષ્ઠ પરિવારની જૈન કન્યા. એણે એના પિતૃગૃહે કંદમૂળ વાપર્યું તો ન હોય, એને સમાર્યું પણ ન હોય. કેમકે જૈન પરંપરા કંદમૂળ અનંતકાય હોવાથી એમાં ખૂબ મોટી હિંસા થવાનું માને છે. ધારો કે આ કન્યા લગ્ન પછી કોઈ એવા પરિવારમાં સ્થાયી થઈ કે જ્યાં કંદમૂળનો ઉપયોગ નિઃસંકોચ થતો હોય. કન્યા ત્યાં પણ કંદમૂળ ન વાપરે, પરંતુ નિત્યના સંકલેશ ટાળવા કંદમૂળ સમારવા સુધી તૈયાર થાય. એ સમજતી હોય આ ક્રિયા પાપ છે. આથી એ ન છૂટકે રડતા રડતા એ કંદમૂળ સુધારે. શું એ સમયે તે ક્રિયામાં એને રસ-મજા હોય ? નહિ જ. આ સ્થિતિમાં એને કર્મબંધ નહિવત્ અત્યલ્પ થાય.

આથી વિપરિત છે રસપૂર્વક-મજાપૂર્વક થતા પાપોનું પરિણામ. જૈન ઇતિહાસમાં સમ્રાટ શ્રેણિકનું કથાનક આવે છે. ધર્મપ્રાપ્તિ પૂર્વે એમણે શિકારમાં એક બાણથી ત્રણ જીવોની હત્યાનું પાપ કર્યું. પછી એનો આનંદ-ખુશી અનુભવતા એ બોલ્યા કે 'મારું કૌશલ્ય કેવું અજબ કે મેં એક બાણે ત્રણેયને માર્યા !' સ્પષ્ટપણે આમાં પાપનો ભય નહિ, મજા હતી-તીવ્ર રસ હતો. પરિણામરૂપે એમણે એવું પ્રગાઢ કર્મ બાંધ્યું કે મૃત્યુ પછી નરકે ગયા. કોઈ ઉપાયે બચી શક્યા નહિ. અમે એટલે જ પ્રવચનસભાઓમાં શ્રોતાવર્ગને એક સૂત્ર આપતા હોઈએ કે 'જે પાપની મજા ભારે એ પાપની સજા ભારે... જે પાપમાં મજા (રસ) નહિ તે પાપની સજા ખાસ નહિ...' પાપનો ભયનો મહાન લાભ આ છે કે એ પાપમાં મજા ઉત્પન્ન ન થવા દે.

* પાપનો ભય થઈ ગયેલ પાપનો ડંખ પ્રગટાવે. ક્યારેક ખુલ્લા પગે રાજમાર્ગો પર-કેડી પર ચાલવાના પ્રસંગ બન્યા હોય તો એવો અનુભવ પણ પ્રાયઃ થયો હશે કે પગમાં તીક્ષ્ણ કાંટો યા નાની ધારદાર પતલી ધાતુની અણીદાર ચીજ વાગી જાય. એ ભલે ન દેખાય એ રીતે પગમાં ખૂંપી ગઈ હોય. પરંતુ એ સતત ખટક્યા તો કરે જ. આ ખટકો વ્યક્તિનો પ્રવાસ અટકાવે. એ વ્યક્તિને એક તરફ બેસી કાંટો યા અણીદાર ચીજ પગમાંથી બહાર કાઢવા મજબૂર કરે જ. આના પરથી નિયમ નક્કી થાય કે જે ખટકે એ અટકે જ. જે ડંખે એ જીવનમાંથી દૂર થાય જ.

પાપ પણ જ્યારે અંતરને ડંખે છે-ખટકે છે ત્યારે એ આજે નહિ તો એક દિવસ અવશ્ય વિદાય થાય છે. આ વાત જૈન કથાસાહિત્યની એક ઘટનામાં બરાબર પ્રતિબિંબિત થતી નિહાળીએ:

દ્રઢપ્રહારી નામે ભયાનક ડાકુ. માનવ મારવો એને મન મચ્છર મારવા બરાબર. એક વાર એણે ખીરનું પાત્ર ઝૂંટવી લેવા જેવી સાવ ક્ષુલ્લક બાબતે બ્રાહ્મણ-સ્ત્રી-ભ્રૂણ અને ગાય: જગતની આ ચાર ઘોર ગણાતી હત્યાઓ કરી. એ ત્યાંથી ભાગી છૂટયો. એ દિવસે પ્રથમવાર એનાં મનમાં પાપનો ભય-ડર જાગ્યો. પોતે ભયંકર પાપકૃત્ય કર્યું છે એનો ડંખ પ્રગટયો. પરિણામ ? પરિણામરૂપે એ અલ્પ સમયમાં શેતાનમાંથી સંત-જૈન શ્રમણ બન્યો. એ પછી એણે સળંગ ઉપવાસ પર ઉપવાસની એવી અતિ ઘોર તપશ્ચર્યા કરી કે છ માસમાં એ સાધનાનું સર્વોચ્ચ શિખર કેવલજ્ઞાન પામ્યો ! પાપભીરુતામાંથી પ્રગટેલ પાપના ડંખનું આ ઉત્તમ પરિણામ હતું !

ધર્મરત્નપ્રકરણની મૂલગાથામાં પાપભીરુતા પ્રગટાવવાનાં ત્રણ કારણો દર્શાવાયા છે: (૧) આ લોકમાં-વર્તમાન જીવનમાં ખૂન-ચોરી-વ્યભિચારાદિ પાપોથી જેલ-સજા જેવાં નુકસાનો થાય. (૨) તે હિંસા-ચોરી આદિ પાપોથી પરલોકમાં નર્કાદિ દુર્ગતિનાં દુઃખો સહવાનું નુકસાન થાય. (૩) સમાજમાં અપયશ-અપકિર્તીનું નુકસાન થાય. આ ત્રણ કારણો સમ્યગ્ વિચારવાથી જીવનમાં પાપભીરુતાનો ગુણ પ્રગટે.

છેલ્લે એક વાત કે: 'હસતા હસતા પાપો કરશો તો પાપ વળગી જશે... રડતા રડતા પાપો કરશો તો પાપો સળગી જશે...'