Magazines

કેટલીય બુરાઈની બાદબાકી કરાવે છે લજ્જા...કેટલાય શુભનો સરવાળો કરાવે છે લજ્જા...

By GS TEAM
24 Jun 20267 mins read
કેટલીય બુરાઈની બાદબાકી કરાવે છે લજ્જા...કેટલાય શુભનો સરવાળો કરાવે છે લજ્જા...

- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- મહાનિશીથ એક એવું પ્રખર આગમશાસ્ત્ર છે કે જેનો સમાવેશ છેદસૂત્રોમાં થાય છે અને તેમાં પ્રાયસ્ચિતના ગંભીર વિષયોનું નિરૂપણ છે. તેનો ઉપયોગ પરિણતિવંત ગીતાર્થ ગીરૂભગવંતો જ કરી શકે. એ આગમ એમ કહે છે કે એક વ્યક્તિનું મન થોડું આનાકાની કરતું હોય, પરંતુ તે લજ્જા-શરમથી પણ અખંડ શીલનું-બ્રહ્મચર્યનું પાલન કરે તો તેઓ પણ ધન્ય-કૃતાર્થ છે !

ધર્મરત્નપ્રકરણગ્રન્થકારે જેને નવમા ગુણરૂપે સ્થાન આપ્યું છે તે લજ્જાગુણનું કેટલુંક વિશ્લેષણ આપણે ગત લેખમાં કર્યું. હવે શેષ વિશ્લેષણ આપણે આ લેખમાં કરીશું.

યાદ રહે કે કેટલીક બાબતો એવી હોય છે કે જે ચોક્કસ પરિસ્થિતિમાં ગુણરૂપ હોય અને એ જ બાબત એનાથી વિપરીત ચોક્કસ પરિસ્થિતિમાં નુકસાનરૂપ હોય. ઉદાહરણરૂપે છે દૂધ-માવો વગેરે શક્તિવર્ધક પદાર્થો. વ્યક્તિ નિરામય-સ્વસ્થ હોય ત્યારે આ પદાર્થો આરોગે તો ચોક્કસ એનાથી એનાં સ્વાસ્થ્યને લાભ થાય. પરંતુ જો એ જ વ્યક્તિ અજીર્ણમાં-તાવમાં સપડાઈ ગઈ હોય તો ? તો એ જ દૂધ-માવો વગેરે પદાર્થો આરોગ્યને નુકસાન કરે. કારણ કે નાદુરસ્ત અવસ્થામાં પચવામાં હળવા રહે એ જ પદાર્થો ગુણરૂપ બને, ભારે પદાર્થો નહિ.

લજ્જા-શરમની વાત પણ આવી જ છે. ભોજનની-રૂપિયા વગેરે વ્યવહારોની વાત હોય તો ત્યાં લજ્જા-શરમ નુકસાનરૂપ બને. ત્યાં જે વાત જેવી હોય તે વાત તેવી જ જણાવવામાં કોઈ લજ્જા ન ચાલે. એથી જ સંસ્કૃત-સુભાષિતકારો જણાવે છે કે 'આહારે વ્યવહારે ચ, સ્પષ્ટવક્તા સુખીભવેત્'. એથી વિપરીત, વાત જો ધાર્મિકતાની-નૈતિકતાની હોય ત્યાં લજ્જા-શરમ ચોક્કસ લાભ જ કરે. હિતમાં પ્રવૃત્તિ જો થતી હોય અને ત્યાં મન જોડાવાની થોડી આનાકાની કરતું હોય તો ય લજ્જાથી થતી એ પ્રવૃત્તિ નિતાંત લાભદાયી નીવડે. અહિતથી નિવૃત્તિ જો થતી હોય અને ત્યાં મન અટકવાની થોડી આનાકાની કરતું હોય તો ય લજ્જાથી થતી એ નિવૃત્તિ નિતાંત લાભદાયી નીવડે. ધર્મશાસ્ત્રના સંદર્ભથી સમજીએ આપણે આ વાત.

મહાન શાસ્ત્રકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે એમની ગુજરાતી કૃતિમાં આગમશાસ્ત્રની સાક્ષી સાથે લખી છે આ પંક્તિઓ કે :-

તે કારણ લજ્જાદિકથી પણ, શીલ ધરે જે પ્રાણીજી;

ધન્ય તે કૃતપુણ્ય કૃતારથ, મહાનિશીથે વાણીજી.

મહાનિશીથ એક એવું પ્રખર આગમશાસ્ત્ર છે કે જેનો સમાવેશ છેદસૂત્રોમાં થાય છે અને તેમાં પ્રાયસ્ચિતના ગંભીર વિષયોનું નિરૂપણ છે. તેનો ઉપયોગ પરિણતિવંત ગીતાર્થ ગીરૂભગવંતો જ કરી શકે. એ આગમ એમ કહે છે કે એક વ્યક્તિનું મન થોડું આનાકાની કરતું હોય, પરંતુ તે લજ્જા-શરમથી પણ અખંડ શીલનું-બ્રહ્મચર્યનું પાલન કરે તો તેઓ પણ ધન્ય-કૃતાર્થ છે ! જેઓ મન-વચન-કાયા: આ ત્રિકરણયોગથી નૈષ્ઠિક બ્રહ્મચર્યપાલન કરે તે તો ધન્યતમ-અતિ અતિ કૃતાર્થ છે જ. પરંતુ તેઓ ઉપરોક્ત રીતે ય નિયમપાલન કરે છે તેઓ પણ ધન્ય કૃતાર્થ છે.'

આપણે હવે આ નિરૂપણને તર્કથી સંગત કરીએ. ધારો કે એક વ્યક્તિ કોઈ જ નિયન્ત્રણવિહીન વ્યભિચારી-દુરાચારી છે એના તો મન-વચન-કાયાના ત્રણેય યોગો દૂષિત છે. એથી એ સોએ સો ટકા દોષગ્રસ્ત છે. આના મુકાબલે જેઓએ લજ્જાવશ પણ અબ્રહ્મચર્યસેવનરૂપ પાપથી નિવૃત્તિ અકબંધ રાખી છે એનાં જીવનમાં કમ સે કમ સાડા છાસઠ ટકા દોષમુક્ત છે. એનું ગણિત આપણે આ રીતે માંડીએ કે મનના સવા તેંત્રીસ ટકા, વચનના સવા તેંત્રીસ ટકા, કાયાના સવા તેંત્રીસ ટકા : આ અંદાજે જીવન લગભગ સો ટકાનું ગણાય. જેમણે લજ્જાવશ પણ બ્રહ્મચર્ય પાલન કર્યું છે તેનાં જીવનના-વચનના અને કાયાના મળી સાડા છાસઠ ટકા તો શુદ્ધ થઈ જ ગયા. હવે રહી મનની વાત. તો ત્યાં ચોવીશે ય કલાક મનનાં નબળા વિચારો રમે એવું ન પણ બને. એથી એના પણ કેટલાક ટકા ઉમેરાતાં લજ્જાશીલ વ્યક્તિનું જીવન સાડા છાસઠ ટકાથી પણ વધુ શુદ્ધ બને. આવી વ્યક્તિને ધન્ય-કૃતાર્થ જરૂર કહી શકાય. યાદ રહે કે એની આ ધન્યતામાં લજ્જાગુણનો સિંહફાળો છે !

હવે વિચારીએ ધર્મરત્નપ્રકરણ ગ્રન્થકારે જ ગાથામાં દર્શાવેલ બે લાભો.

એમાંનો પ્રથમ લાભ છે સદાચારનું પાલન. ગ્રન્થકાર એના માટે પંક્તિ લખે છે કે 'આચરઈ સદાચરં' લજ્જાશીલ વ્યક્તિ સદાચારોનું પાલન નિર્લજ્જની અપેક્ષાએ, બહુ આસાનીથી કરી શકે. કારણ કે એની લજ્જાશીલતા એને એ સમજાવે કે જે નથી કરવા જેવું એ ન કરવું અને જે કરવા જેવું છે એ કરવું. તો જ સમાજમાં ઇજ્જતભેર રહી શકાશે. આડુંઅવળું કરવા ગયા તો કાચી સેકન્ડમાં બેઇજ્જતી થવાની. આવો પાઠ એકાદ નાની શી ગલતીમાંથી શીખવા મળી જાય તો લજ્જાશીલ વ્યક્તિ માટે એ કેવો સજ્જડ બની રહે એ જાણવું છે ? તો વાંચો આ ઘટના :

મોડી સાંજે મમ્મી શાક લઈને ઘરમાં પ્રવેશી અને થેલી થાળીમાં ઊંધી વાળી. મમ્મીના આશ્ચર્ય વચ્ચે એમાંથી કોથમીરની મોટી ઝૂડી નીકળી. મમ્મી ખુશખુશાલ થઈ ગઈ કે ચાલો, હવે બે-ત્રણ દિવસ કોથમીર ખરીદવી નહિ પડે. પણ એને થયું ખરું કે આ કોથમીર અહીં આવી ક્યાંથી ? ત્યાં મમ્મી સાથે ગયેલો છ-સાત વર્ષનો ચિન્ટુ બોલ્યો કે 'મમ્મી ! તું અને શાકવાળો વાતો કરતા હતા ને, ત્યારે મેં આ ઝૂડી થેલીમાં નાંખી દીધી હતી !' મમ્મી રાજી થઈ ગઈ ચિન્ટુની આ હોંશિયારી (?) ઉપર.

પણ... આ શું ? થોડે દૂર હિસાબ-કિતાબનું કામ કરી રહેલ પપ્પા આ શબ્દો સાંભળીને ઊભા થયા અને ચિન્ટુ પાસે આવીને એમણે ધડાધડ ચાર તમાચા ઝીંકી દીધા ચિન્ટુને. કાનમાં તમરા બોલી જાય એવા જોરથી વાગેલ તમાચાથી ચિન્ટુ રડવા માંડયો. ત્યાં જ પપ્પાનો અવાજ ગુસ્સાથી ગાજ્યો : 'ખબરદાર જો હવેથી આવી રીતે કાંઈ પણ ઉઠાવી લાવ્યો તો. આ હોંશિયારી નથી, ચોરી જ છે. આજે શાક-પાંદડા ચોરતા શીખ્યો તો કાલે રૂપિયા-સોનું ચોરતા શીખીશ.' પપ્પાનો ગુસ્સો એવો હતો કે મમ્મી પણ કાંઈ બોલી ન શકી. ચિન્ટુની તો હેસિયત જ ક્યાંથી હોય કાંઈ બોલવાની ?ળ

પરંતુ એ રાત્રિએ ચિન્ટુને ઊંઘ ન આવી. એને શરમ એ વાતની હતી કે બાલચેષ્ટામાં પોતે કરેલ નાની ભૂલનાં કારણે એ પપ્પાની નજરમાં ચોર બની ગયો હતો. પપ્પાએ ભલે એને 'ચોર' શબ્દથી સંબોધન ન હતું કર્યું પણ એમના શબ્દોનો ભાવ તો આ જ હતો. શરમવશ એ ખૂબ રડયો. અંતે એણે નક્કી કર્યું કે હવે રમત રમતમાં ય કોઈની વસ્તુ ઉઠાવીશ નહિ : ભલે ને એ કિંમતી ન પણ હોય.

આ નાનકડી-નગણ્ય લાગે તેવી ઘટનાને વર્ષો વીતી ગયા. ચિન્ટુ અભ્યાસ પૂર્ણ કરીને બેન્કની સર્વિસમાં ગોઠવાયો. પપ્પા-મમ્મી સ્વર્ગવાસી થઈ ચૂક્યા હતા. ઘરની નાજુક સ્થિતિ અને બહેનોના લગ્નપ્રસંગો : આ બે વચ્ચે અને કેટલીક વાર તો એવું ભીંસાવાનું બન્યું કે રૂપિયા માટે તડપવું પડે. પણ એણે ક્યારેય બેન્કમાંથી રૂપિયા તફડાવવાની ગુસ્તાખી ન કરી. આવો અછડતો વિચારમાત્ર આવે ન આવે ત્યાં જ એની સામે બાલ્યાવસ્થાની એ રાત્રિ તરવરી ઊઠે અને એમાં મનમાં વિચારો ઉમટે કે 'તે રાત્રે તો માત્ર પપ્પાની નજરમાં ગુનેગાર ઠર્યો હતો, પણ હવે જો કાંઈ ખોટું કરીશ તો દુનિયાની નજરમાં ગુનેગાર ઠરીશ. ના, મારાથી એવું કોઈ કાર્ય ન થાય કે મને બે-ઇજ્જત કરે.' અને... એ વિષમ-ભીષણ સ્થિતિમાં તેમજ પછીના સમયમાં ય એણે ય એક પણ નોટ આઘી-પાછી ન કરી. એ લજ્જાવશ પણ પ્રામાણિકરૂપે સદાચાર-અખંડ-અવિચલ સ્થિર રહ્યો.

ધર્મરત્નપ્રકરણગ્રન્થકાર બીજો લાભ દર્શાવે છે પ્રતિજ્ઞાા પાલનની તત્પરતા. કોઈ શુભ બાબત કરવાનો સંકલ્પ યાવત્ નિયમ-પ્રતિજ્ઞાા લજ્જાશીલ વ્યક્તિ સ્વીકારે તો એ સંકલ્પ-પ્રતિજ્ઞાા એ નહિ તોડે. મોટી કસોટી આવી જાય તો પણ એની લજ્જાશીલતા એની પાસે એવા જ વિચારો કરાવશે કે ના, ના, મારે પ્રતિજ્ઞાા તોડવી નથી. પ્રતિજ્ઞાા તોડું તો મારી ઇજ્જત શું ? કિંમત શું ? શરૂઆતમાં લજ્જાથી ટકી રહેતી પ્રતિજ્ઞાા આગળ જતાં ખુમારી સુધી પરિણમે. લજ્જાવશ થતું પ્રતિજ્ઞાાપાલન કેવાં કેવાં નિમિત્તો સામે ય અકબંધ રહે તેનો નિર્દેશ કરતા ટીકાકારભગવંતે પંક્તિ લખી છે કે 'સ્નેહ-બલાભિયોગાદિના પ્રકારેણાપિ.' મતલબ કે લજ્જાશીલ વ્યક્તિને પ્રતિજ્ઞાાભંગ માટે સ્નેહથી-લાગણીથી પટાવવામાં આવે કે બલથી-શક્તિથી ધમકાવવામાં આવે : એ શરતનાં કારણે ન ડગે. ટીકાકર્તાના આ શબ્દો બિલકુલ સત્ય ઠેરવે તેવી વાંચો આ સત્ય ઘટના :

નાનકડા પરિવારનો યુવાન પિતા બિલકુલ નાસ્તિક અને વ્યસનના રવાડે ચડેલો. એની સામે યુવાન માતા પૂરી ધાર્મિક. પુત્રને ય એણે ધર્મી બનાવેલ. એક રાત્રે પિતા ઘરે આવ્યો ત્યારે એણે દ્રશ્ય જોયું કે નાનકડી આઠ વર્ષીય બાળક સૂઈ શકતો ન હતો. ઘડી ઘડી પડખા ફેરવતો હતો. પિતાએ પૂછયું : 'કેમ ? તબિયત બગડી છે ?' ના, આજે પર્યૂષણામહાપર્વનો પ્રથમ દિવસ છે. મેં જીવનનો પ્રથમ ઉપવાસ કર્યો છે. એની ભૂખ-તરસવશ ઊંઘ નથી આવતી.' નાનો પુત્ર બોલ્યો. પિતાએ લાગણીથી કહ્યું : 'નાના બાળકને ઉપવાસ શેના ? ચલ, ખાઈ લે પેટ ભરીને, કાંઈ પાપ ન લાગે.' દીકરો ન માન્યો તો છેલ્લે ગુસ્સે થઈને યુવાન ચિલ્લાયો : 'ખાઈ લે, નહિ તો લાફા મારીશ.' નાનકડો દીકરો તો ય ન ડગ્યો. એના શબ્દો એ હતા કે 'ઉપવાસના પચ્ચક્ખાણ લીધા પછી ઉપવાસ તોડાય જ શી રીતે ? કાલે હું મારા મિત્રોને મોઢું શું બતાવું ?' એણે ઉપવાસ અખંડ પૂર્ણ કર્યો જ.

છેલ્લે એક વાત : લજ્જા એવો સદ્ગુણ છે કે જે જીવનમાં અઢળક શુભનો સરવાળો કરે અને જીવનમાંથી અઢળક બુરાઈની બાદબાકી કરે.