વિનય-વિદ્યા-વિચક્ષણતાનો વિરલ ત્રિવેણી સંગમ દિવંગત યુવામુનિવર નમ્રરત્નવિજયજી મહારાજ

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- ''માત્ર છ વર્ષનો સંયમપર્યાય હોવા છતાં આ મુનિવરે પાંચસો આયંબિલ માસક્ષમણ - વર્ધમાનતપઓળી - ચોવિહાર - સાથે સિદ્ધગિરિરાજ સાત યાત્રા શત્રુંજયમહાતીર્થનવાણુંયાત્રા અને સાડા પાંચ હજાર કિલોમીટરનો પગપાળા વિહાર કર્યો છે.''
'કેટલું જીવ્યા' એ શબ્દ કોન્ટેટીનો નિર્દેશ કરે છે, જ્યારે 'કેવું જીવ્યા' એ શબ્દ ક્વોલિટીનો નિર્દેશ કરે છે. જીવનનો સાચો મહિમા એનાં વર્ષોથી કોન્ટેટીથી કદી નથી થતો, બલ્કે તેની ગુણવત્તાની ક્વોલિટીથી નક્કી થાય છે. આ સંદર્ભમાં અમે સન્નિષ્ઠ પ્રામાણિકતાથી અને હાર્દિક ગૌરવથી એમ જરૂર લખી શકીએ કે તા.૧૨-૩-૨૦૨૬, ફાગણ વદિ નોમે પદયાત્રા-વિહાર દરમ્યાન અકસ્માતમાં કાલધર્મ (અવસાન) પામેલ. અમારા પટ્ટધર આચાર્ય રશ્મિરત્નસૂરિજીના શિષ્ય માત્ર એકવીસ વર્ષના યુવામુનિવર શ્રી નમ્રરત્નવિજયજી મહારાજે જીવનને ખરા અર્થમાં મહિમામંડિત - સાર્થક કર્યું છે.
આ યુવામુનિવરની વિશિષ્ટ ગુણવત્તાની ત્રણ વિસ્તૃત બાબતોનાં નિરૂપણમાં જતાં પૂર્વે આપણે એમની સંયમભાવનાની અને તપભાવનાની વિગતલક્ષી ઝલકો નિહાળીએ : જગવિખ્યાત જૈન મહાતીર્થ શત્રુંજયગિરિરાજના છાયાવર્તી પાલિતાણાના મૂલ વતની અને મુંબઈ-કાંદિવલીમાં વસતા આ મુમુક્ષુએ ઈ.સ.૨૦૨૦માં કોરોના લહેર પૂર્વે કાંદિવલીમાં જ ભવ્ય મહોત્સવપૂર્વક અમારી પાસે સંયમધર્મ અંગીકાર કર્યો. ત્યારે પરિવારમાં માત્ર એમની જ સંયમની ભાવના હતી. પરંતુ એમણે જે ઉલ્લસિત ભાવે નૈષ્ઠિકપણે સંયમસાધના આરંભી એનાં કારણે માત્ર ત્રણ વર્ષ બાદ એમના પૂરા પરિવારે સંયમ સ્વીકાર્યો. તે પૈકી પિતા બન્યા મુનિ શૌર્યરત્નવિજયજી, સગા નાનાભાઈ બન્યા મુનિ ધૈર્યરત્નવિજયજી અને માતા બન્યા સા. શ્રી હિતાર્થમિત્રાશ્રીજી. તેઓ સહુ અમારી નિશ્રામાં સંયમસાધના કરી રહ્યાં છે. એમની આ સંયમ સાધનાના મૂલમાં હતા દિવંગત મુનિવર નમ્રરત્નવિજયજી.
માત્ર છ વર્ષનો સંયમપર્યાય હોવા છતાં આ મુનિવરે પાંચસો આયંબિલ - માસક્ષમણ - વર્ધમાનતપઓળી - ચોવિહાર છટ્ઠ સાથે સિદ્ધગિરિરાજ સાત યાત્રા-શત્રુંજયમહાતીર્થનવાણુંયાત્રા અને સાડા પાંચ હજાર કિલોમીટરનો પગપાળા વિહાર કર્યો છે. હવે આપણે નિહાળીશું એમના પ્રેરક જીવન પ્રસંગોની ગૂંથણી સાથેના ત્રણ વિશિષ્ટ ગુણો :
(૧) વિરલ વિનયશીલતા :- જૈન શાસ્ત્રો કહે છે કે ''વિણઓ સવ્વગુણાણં મૂલં.'' ભાવાર્થ કે આત્મકલ્યાણ કરાવનાર તમામ ગુણોનું મૂલ છે વિનય. આથી સાધક સંયમીઓ માટે વિનયગુણને સર્વોપરિ મહત્વ અપાયું છે. આ વિનયગુણનું વિશ્લેષણ શાસ્ત્રો અલગ અલગ વિવિધ માપદંડોથી કરે છે. આપણે એ પૈકીના ત્રણ મુખ્ય માપદંડોથી મુનિવરના ઉત્તમ વિનયગુણનું દર્શન કરીએ :
(અ) વૈયાવચ્ચ. આ શબ્દનો સાચો અર્થ છે ગુરુજનોની બાહ્ય સ્તરની સેવા-ભક્તિ. સમ્યક્ત્વના સડસઠ બોલની સજ્ઝાયમાં લખાયું છે કે વિનીત શિષ્ય વિદ્યાસાધકની જેમ અંશમાત્ર આળસ વિના ગુરુજનોની ભક્તિ સેવામાં તત્પર રહે. દિવંગત મુનિવર નમ્રરત્નવિજયજીમાં અમે આ ગુણ સતત ઝળહળતો નિહાળ્યો છે. અમારું દૃઢ મન્તવ્ય છે કે એમનામાં સેવાભક્તિનો આ ગુણ નૈસર્ગિક હતો, કુલની ખાનદાનીનો હતો. જાણે કે એમનો એક પગ કાયમ અમારી પાસે અને બીજો પગ એમના ગુરુદેવ આચાર્ય રશ્મિરત્નસૂરિજી પાસે રહેતો. પહેલી મિનિટે એ અમારી ભક્તિ કરતા હોય, તો પાંચમી મિનિટે એમના ગુરુદેવની ભક્તિ કરતા હોય! એ ય! પુર્ણ પ્રસન્નતાથી અને ચીવટથી. એમની સેવાભક્તિની એક ખાસિયત એ હતી કે કોઈપણ કાર્ય ભૂલ્યા વિના દરેક કાર્યો સમય પૂર્વે સંપન્ન કરે અને એમના હસ્તક ન હોય તેવાં બે-ચાર કાર્યો ય સહજતાથી કરી દે.
(બ) ઈંગિતાકારસંપન્નતા. શ્રી ઉત્તરાધ્યયનઆગમ આ શબ્દો દ્વારા કહે છે કે જે નહિ કહેવાયેલ વાતને ય ઈશારામાત્રથી - હાવભાવથી સમજી જાય તે છે ઉત્તમ વિનયી શિષ્ય. શ્રી નમ્રરત્નવિજયજીમાં આ લક્ષણ અમે એમના દીક્ષાસમયથી જ સહજ નિહાળ્યું છે : ઈ.સ.૨૦૨૦. એમની દીક્ષાની એ પ્રથમ વર્ષે અમારું ચાતુર્માસ મુંબઈના બોરીવલી - જામલીગલીસંઘમાં હતું. અમારી પાટથી એમનું આસન પાંચ ફૂટ દૂર. ત્યારે એવું અનેકવાર બનતું કે અમારે પાણી વાપરવાની ઈચ્છા થઈ હોય, પરંતુ હજુ કહ્યું ન હોય. છતાં એ પાણીની પાત્રી ભરીને આવી જાય. અમે ગમ્મતમાં એકવાર કહ્યું : ''કેમ? તમે મન:પર્યવજ્ઞાની છો ? વગર કહ્યે ખબર કેવી રીતે પડે છે કે અમને પાણીની જરૂર છે ?'' એ હસતાં હસતાં બોલ્યા :'' સાહેબજી! આપને પાણી વાપર્યે અર્ધો-પોણો કલાક થઈ ગયો હોય, આપ લેખનમાં કે લોકસંપર્કમાં વ્યસ્ત હો, એથી હું સમજી જાઉં કે હવે સાહેબજીને પાણીની જરૂર પડશે જ.'' ગુરુ વિચારોનાં કેન્દ્રમાં હોય - જીવનનાં કેન્દ્રમાં હોય ત્યારે આવી ઈંગિતાકાર સંપન્નતા પ્રગટી શકે !
(ક) ઈચ્છાશૂન્યતા. શિષ્ય માટે શાસ્ત્રે એક લક્ષણ દર્શાવ્યું છે 'અણિચ્છે.' મતલબ કે ગુરુ સમક્ષ એની પોતાની કોઈ સ્વતંત્ર ઈચ્છા ન હોય. ગુરુની ઈચ્છા તે જ શિષ્યની ઈચ્છા. એક માર્મિક સુવાક્ય આ સંદર્ભનું ટાંકીએ કે ''મસ્તક મુંડાવીએ ત્યારે મુનિ થવાય અને મન મુંડાવીએ ત્યારે સાચા શિષ્ય થવાય.'' મન મુંડાવવું એટલે ? પોતાની સ્વતંત્ર ઈચ્છાનો અભાવ. મુનિવર શ્રી નમ્રરત્નવિજયજીનો એક ખૂબ હૃદયસ્પર્શી પ્રસંગ આ અનુસંધાનમાં નિહાળીએ :
એમની દીક્ષાના હજુ ચાલીશ દિવસ માંડ થયા હતા. શ્રમણ જીવનના નિયમ મુજબ વડીદીક્ષાના યોગ અને માંડલીના સાત આયંબિલ તાજા જ પૂર્ણ થયા હતા. ત્યાં અમારા શ્રમણ-શ્રમણીપરિવારમાં પાંચસો આલંબિલની વિચારણા થઈ. અમારા સહિત ઓગણસાઠ શ્રમણ-શ્રમણી આ તપમાં સામેલ થવાના હતા. નમ્રરત્નવિજયજીને સંસારીપણામાં આયંબિલતપ ફાવતો ન હતો. એમને પુછાયું : ''તમારે શું કરવું છે ?'' એ સમજીને બોલ્યા : ''આપની ભાવના હોય તો હું પણ બધાની સાથે પાંચસો આયંબિલ કરીશ.'' દીક્ષા બાદ તુર્ત આવેલ આટલી મોટી તપશ્ચર્યાને આટલી સહજતાથી ઝીલવી કોઈ આસાન વાત નથી જ!
(૨) વિરલ વિદ્યારુચિ : નમ્રરત્નવિજયજીની એક નેત્રદીપક વિશેષતા એ હતી કે સેવાભક્તિનાં કાર્યો પુર્ણ થતાંવેંત એ અભ્યાસમાં ઊતરી જાય. એમને ક્યારે ય અભ્યાસ માટે સૂચન ન કરવું પડે, સમય બચાવી બચાવીને ભણે. તો હજુ છ માસ પૂર્વે અમદાવાદ - પંકજ સંઘનાં અમારાં ચાતુર્માસમાં તેઓ દર એકાંતર દિવસે પાંચથી છ કિ.મી.નો જવા-આવવાનો વિહાર કરી એમના વડિલ ગુરુબંધુ મુનિવર્ય શ્રી પ્રશમરત્નવિજયજી પાસે સંસ્કૃતનો અભ્યાસ કરવા જતા. ફલસ્વરૂપે તેઓએ પ્રકરણો - કર્મગ્રન્થોનો અર્થસહિત અભ્યાસ, સંસ્કૃત અભ્યાસ, સંસ્કૃત ચરિત્રોનું વાંચન વગેરે શ્રુતસાધના ઉલ્લેખનીય કરી.
(૩) વિશિષ્ટ વિચક્ષણતા : વિવિધ શ્રમણપરિવારો હો કે વિવિધ સંઘો હો : ક્યારે ક્યાં ઔચિત્યનો કેવો વ્યવહાર કરવો ? સંઘની કઈ બાબતોમાં રસ લેવાય કે ન લેવાય ? આ બધામાં એમને સહજ વિચક્ષણતા વરી હતી. એટલે જ એમના કાલધર્મદિને અમારું અને એમના ગુરુદેવ આ. રશ્મિરત્નસૂરિજીનંક 'ફીલીંગ્સ' એક સરખું હતું કે અન્ય શ્રમણો અલબત્ત સારા જ છે. પરંતુ આવા સમર્પિત અને સમજદાર શ્રમણો મળવા દુર્લભ છે.
એમની સમર્પિત ગુરુભક્તિજનિત પુણ્યના ચમકારા એમની પાલખીયાત્રાદિમાં આ રીતના સર્જાયા કે :- (૧) તેઓ માત્ર છ વર્ષના સંયમપર્યાયી મુનિ હોવા છતાં એમની અંતિમ ઉછામણીઓ અને પાલખી યાત્રા મોટા સૂરિભગવંતને છાજે એવી થઈ. ચિક્કાર જનમેદની હતી. જેમાં અલગ અલગ અનેક સંઘોના ટ્રસ્ટીઓ - પ્રમુખો વગેરે હતા. (૨) રૂ.પચાસ લાખથી વધુની ઉછામણીઓ - જીવદયાઊપજ થઈ. (૩) કાલધર્મના માત્ર ચોવીશ કલાકમાં, આ લખાય છે ત્યાં સુધીમાં તીસથી વધુ ગચ્છાધિપતિઓ - આચાર્યદેવો આદિના પત્રો સ્વયંભૂપણે આવ્યા છે. જેમાં તપાગચ્છાધિપતિ મનોહરકીર્તિસાગરસૂરીજી - ગચ્છાધિપતિ હેમચન્દ્રસૂરિજી - ગચ્છાધિપતિ - અભયદેવસૂરિજી - અચલગચ્છાધિપતિ કલાપ્રભસાગરસૂરિજી - ગચ્છાધિપતિ નરદેવસાગરસૂરિજી - ગચ્છાધિપતિ નિત્યાનંદસૂરિજી તેમજ આ. શીલચન્દ્રસૂરિજી - હેમચન્દ્રસાગરસૂરિજી વગેરે મુખ્ય છે. તો ગચ્છાધિપતિ યશોવર્મસૂરિજી - ગચ્છાધિપતિ આ. કલ્પતરુસૂરિજી - આ . રત્નસુંદરસૂરિજી વગેરેએ દીર્ઘ ટેલીફોનીક વાર્તાલાપ દ્વારા મુનિવરને અંજલિ અર્પી (૪) મુનિવરે કાલધર્મના બે દિવસ પૂર્વે સહજભાવે પાલિતાણામાં વિશિષ્ટ ધર્મકાર્યનો ભાવ દર્શાવેલ. આથી અમારા હસ્તક નિર્માણાધીન પાલિતાણાના વિરાટ ધર્મસંકુલ 'શત્રુંજય - સૂર્યોદયધામ'માં એમની સ્થાયી સ્મૃતિની ઘોષણા થઈ. છેલ્લે યુવામુનિવર માટે એ જ અંજલિપંક્તિ લખીશું કે :-
લાખો આતે લાખો જાતે, કોઈ નહિ નિશાની હૈ;
જિસને કુછ કરકે દિખલાયા, ઉનકી અમર કહાની હૈ...









