સ્વભાવ ગેસ પરની તપેલી જેવો ગરમ ન રાખીએ...સ્વભાવ ફ્રીઝની પાણીની બોટલ જેવો શીતળ રાખીએ...

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- કેટલીક વ્યક્તિઓ હોય છે ફ્રીઝમાં રહેલ પાણી જેવી. ફ્રીઝના પાણીની બોટલ જોતાં જ સમજી શકાય કે આનો દેખાવ શીતળ છે. સ્પર્શ શીતળ છે અને આસ્વાદ પણ શીતળ છે. એની જેમ સૌમ્ય સ્વભાવની વ્યક્તિ દેખાવમાં શીતળ હોય, વાણીમાં શીતળ હોય અને વર્તનમાં ય શીતળ હોય. નક્કી આપણે કરવાનું છે કે આપણે ગેસ પરની તપેલી જેવા બનવું છે કે ફ્રીઝમાં રહેલ પાણીની બોટલ જેવા ?
ધર્મરત્ન પ્રકરણ ગ્રન્થના કર્તા મહર્ષિ. ધર્મપ્રાપ્તિયોગ્યતાના ત્રીજા ગુણરૂપે જે વિશેષતા રજૂ કરે છે તે એવી છે કે એનું મૂલ્ય અધ્યાત્મજગતમાં ખૂબ છે અને વ્યવહારજગતમાં ય જબરજસ્ત છે. એ ગુણનું નામ છે પ્રકૃતિસૌમ્યતા.
સૌમ્ય વ્યક્તિ એને કહેવાય કે જેની મુખાકૃતિ શાંત હોય, જેની વાણી શાંત-સૌજન્યસભર હોય; અને જેનું વર્તન શાંત-વિવેકસભર હોય. આપણી આસપાસ કેટલીય વ્યક્તિઓ એવી હોય છે કે જે ગેસ પર રહેલ તપેલીનું પ્રતિનિધિત્વ કરતી હોય. ગેસ પરની તપેલી જેમ તમતમી જાય તેમ એ વ્યક્તિઓની મુખાકૃતિ તમતમતી હોય. જોતાં જ એમ લાગે કે આની સાથે પનારો પાડવામાં સાર નથી. ભડકો થતાં વાર નહિ લાગે. જો ખ્યાલ ન રખાય તો ગેસ પરની તપેલીમાં રહેલ દૂધ-પાણી વગેરે ગરમ ગરમ સ્વરૂપે બહાર નીકળી આવે, તેમ જો પેલી વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં ખ્યાલ ન રખાય તો એનાં મુખમાંથી એલફેલ વાણી ગરમ ગરમ સ્વરૂપે બહાર આવે. ગેસની તપેલીને જો સ્પર્શીએ તો ચોક્કસ દાઝી જવાય, એમ ગુસ્સાખોર વ્યક્તિઓ સાથે કામ પાડીએ તો એના ગુસ્સાનો ભોગ બનવાની શક્યતા લગભગ આવે.
આની સામે કેટલીક વ્યક્તિઓ હોય છે ફ્રીઝમાં રહેલ પાણી જેવી. ફ્રીઝના પાણીની બોટલ જોતાં જ સમજી શકાય કે આનો દેખાવ શીતળ છે. સ્પર્શ શીતળ છે અને આસ્વાદ પણ શીતળ છે. એની જેમ સૌમ્ય સ્વભાવની વ્યક્તિ દેખાવમાં શીતળ હોય, વાણીમાં શીતળ હોય અને વર્તનમાંય શીતળ હોય. નક્કી આપણે કરવાનું છે કે આપણે ગેસ પરની તપેલી જેવા બનવું છે કે ફ્રીઝમાં રહેલ પાણીની બોટલ જેવા ?
ગ્રન્થકાર પ્રકૃતિસૌમ્યતાગુણ દર્શાવવા દ્વારા નિર્દેશ એ કરે છે કે બનવા જેવું શાંત-શીતલ છે. બિલકુલ ફ્રીઝની બોટલ જેવા ! મૂલ ગ્રન્થકારે આ ગુણનાં વિવરણરૂપે જે ચાર બાબતો દર્શાવી છે.
પહેલી બાબત છે સૌમ્યતા પ્રકૃતિગત બનાવવી જોઈએ. જૈન આગમોમાં પ્રકૃતિવિનીતતા-પ્રકૃતિભદ્રકતા વગેરે વિવિધ શબ્દો મળે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. સંદેશ શાસ્ત્રોનો એ છે કે તે તે ગુણો વ્યક્તિમાં પ્રકૃતિગત-સ્વભાવગત બની જવા જોઈએ. પ્રસ્તુતમાં વિચારીએ તો, જે સૌમ્યતા ઉપલક-આભાસી હોય એ નિમિત્તો મળતાં જ-કસોટીઓ થતાં જ બાષ્પીભવન પામે અને વ્યક્તિ પર ગુસ્સો-આક્રોશ હાવી થઈ જાય. આપણી પાસે સૌમ્યતા પ્રાય: નથી અને હોય તો મહદંશે આવી તકલાદી છે કે જે કસોટીમાં તૂટી-તરડાઈ જાય. ગ્રન્થકાર જે પ્રકૃતિગત સૌમ્યતા કહે છે તે કસોટીઓ વચ્ચે ય પ્રાય: અડીખમ ટકી રહે. આવી સૌમ્યતાની-શાંતિની પ્રતીતિ કરવી છે ? તો વાંચો આ દ્રષ્ટાંત કથા :
વહેલી પ્રભાતે નદીપ્રવાહમાં એક સંત સ્નાન કરતા હતા. ત્યાં એમણે એક વીંછી નદીપ્રવાહમાં તણાતો નિહાળ્યો. કિનારો એકદમ નિકટ હતો એથી સંતે વિચાર્યું કે ઝડપથી એને હાથમાં લઈ કિનારા પર ફગાવી દઉં. તો જ એનો જીવ બચે. સંતે આ આશયથી વીંછીને હાથમાં લીધો. હજુ એક ક્ષણ જાય એ પૂર્વે તો વીંછીએ કાતિલ ડંખ માર્યો. સંતનો હાથ પીડાથી વિચલિત થઈ ગયો અને વીંછી હાથમાંથી નદીમાં પડયો. દયાળુ સંતે ફરીવાર વીંછીને ઊંચક્યો. ત્યારે પણ આ જ ક્રમનું અને ત્રીજી વાર ઉઠાવ્યો ત્યારે પણ આ જ ક્રમનું પુનરાવર્તન થયું. સંતને ત્રણ ત્રણ વાર કાતિલ ડંખ લાગ્યા.
પારાવાર પીડા વચ્ચે સંત એને ચોથી વાર બચાવવા જતા હતા ત્યાં થોડે દૂર ખેતરમાંથી ખેડૂતનો અવાજ આવ્યો : 'ંમહાત્માજી ! વીંછીને મરવા દો. તમે જેટલી વાર બચાવવા જશો એટલીવાર એ ડંખ મારશે. એનો સ્વભાવ જ ડંખ મારવાનો છે.' સંતે સ્મિત કરતા કહ્યું : 'એનો સ્વભાવ ડંખ મારવાનો છે તો મારો સ્વભાવ બચાવવાનો છે. એ અણસમજુ હોવા છતાં એનો ડંખ મારવાનો સ્વભાવ ન છોડે તો હું સમજુ હોવા છતાં મારો બચાવવાનો સ્વભાવ કેમ છોડું ?'
તીવ્ર ડંખની કસોટીઓ વચ્ચે ય પોતાનો સ્વભાવ અકબંધ રાખનાર એ સંતની સૌમ્યતાને આપણી કહી શકીએ પ્રકૃતિગત સૌમ્યતા. રાજકીય દાવપેંચ ખેલનારાઓ કે દંભીજનો પોતાનું કામ કરાવી લેવા માટે વિપરીત વાતાવરણમાં શાંત ચહેરો-શાંત વર્તન રાખે અને કામ કઢાવી લીધા પછી બેફામ વાણી-વર્તન કરે એ તો દંભ છે - કપટ છે, પ્રકૃતિસૌમ્યતા નહિ.
ગ્રન્થકાર બીજી બાબત એ કહે છે કે જેઓ પ્રકૃતિસૌમ્ય છે તેઓ પ્રાય: હિંસાદિ પાપપ્રવૃત્તિમાં સંલગ્ન ન થાય. 'આદિ' શબ્દથી ઝઘડો-મારામારી-વેર વગેરે બાબતો લઈ શકાય. જેઓ પ્રકૃતિસૌમ્ય છે તેઓ આવી આવી પ્રવૃત્તિઓમાં એટલે સંલગ્ન ન થાય કે તે બાબતો એમના સ્વભાવથી વિરૂદ્ધ છે. સામાન્યત: નિયમ એ છે કે જે જે બાબતો વ્યક્તિના સ્વભાવથી વિરૂદ્ધ હોય તે તે બાબતોમાં વ્યક્તિ જલ્દી ન જોડાય. જે વ્યક્તિ વાચાળ હોય-બોલ્યા વિના જેને ચાલતું જ ન હોય આવી વ્યક્તિ સળંગ બે-પાંચ દિવસનું કે ચોવીસ કલાકનું મૌનવ્રત લેવાનું સામાન્ય સંજોગોમાં પસંદ ન કરે. એ એમાં અસહજતા-અકળામણ અનુભવે. બસ, આ જ વાત લાગુ પડે. ઝઘડો-મારામારી-હિંસાની બાબતોમાં પ્રકૃતિસૌમ્ય માટે.
કદાચ વિશિષ્ટ સંયોગો સર્જાય અને આવી પ્રવૃત્તિમાં જોડાવાની સ્થિતિ આવે ત્યારે ય એ એનાથી દૂર રહે અથવા જોડાય તો અસહજતા અનુભવે. આ સંદર્ભમાં અમને યાદ આવે છે લગભગ વીશ-બાવીશ વર્ષ પૂર્વેની ઘટના. એક જૈન વ્યાપારી પાસેથી કોઈ સામાન્ય વ્યક્તિએ તે સમયે રૃા. પંદર લાખ ઉછીના લીધા હતા. ધંધામાં નુકસાન કે બગડેલી દાનત : જે બન્યું તે. પણ એ સામાન્ય વ્યક્તિએ વ્યાજ તો ન આપ્યું. મુદ્દલ રકમમાંથી એક રૂપિયો ય ન આપ્યો ! બે-ચાર વ્યવહારશાણા મિત્રોએ વ્યાપારીને સલાહ આપી કે 'સીધી રીતે ઘી ન નીકળે ત્યારે વાંકી આંગળીએ ઘી કઢાય. એમ આ સીધી રીતે ન માને તો વ્યવસાયિક ગુંડા જેવા લોકો દ્વારા એનાં હાડકાં ખોખરાં કરાવાય. તો બધી રકમ પરત આવી જશે.' વ્યાપારી પ્રકૃતિસૌમ્ય હતો-ધર્મી હતો. એણે કહ્યું : 'મારે આવાં હાડકાં ખોખરાં કરવાનાં કામ નથી કરાવતા. એ પંદર લાખ રૃા. ન મળે તો મારું ઘર અટકી નથી જવાનું. હું માની લઈશ કે એ રકમ દાનમાં ગઈ છે.'
શું છે આ ? પ્રકૃતિસૌમ્યતા ગુણનો પ્રભાવ. ગ્રન્થકારે એટલે જ પંક્તિ લખી છે કે 'ન પાવકમ્મે પવત્તએ પાયં.' મતલબ કે આવી વ્યક્તિ પ્રાય: હિંસાદિ પાપકર્મોમાં પ્રવર્તે નહિ.
ગ્રન્થકાર ત્રીજી સરસ વાત એ જણાવે છે કે પ્રકૃતિસૌમ્ય વ્યક્તિ છે તેની સાથે લોકો સુખેથી-આસાનીથી સંબંધ-સંપર્ક રાખે.' 'હોઈ સુહસેવણિજ્જ' આ ગ્રન્થકારનું વચન છે. વ્યવહારજગતમાં આપણે ડગલે ને પગલે એ નિહાળીએ છીએ અને અનુભવપીએ પણ છીએ કે જે વ્યક્તિ શાંત સ્વભાવની હોય, ચર્ચાસ્પદ મુદ્દામાં પણ ઉશ્કેરાઈ જઈ એલફેલ ન બોલતી હોય, ઉદ્ધત-ઉદ્દંડ વર્તન ન કરતી હોય એની સાથે લોકો જલ્દીથી સંપર્ક રાખે. એની સાથે ચર્ચા કરે-કામ પણ કરે. આનાથી વિપરીત જે વ્યક્તિ ગુસ્સામાં જ હોય, એલફેલ બોલનાર હાય, ઉધ્ધત વર્તન કરનાર હોય એની સાથે લોકો જલ્દી ચર્ચામાં-કામમાં જોડાવા તૈયાર નહિ થાય. કદાચ જોડાવું જ પડે તો તેઓ ખપપૂરતા જોડાઈને એમાં ય સાવધાની રાખે કે ક્યાંક મારી સાથે ભિડાઈ ન જાય-ઝઘડી ન પડે.
અમે તો એવું જ નિરીક્ષણ ક્રર્યું છે કે શાંતિથી વાત કરનાર વ્યક્તિ સાવ સામાન્ય-નાની હોય અને એના મુકાબલે ગુસ્સાથી ગમે તેમ વર્તનાર વ્યક્તિ શક્તિશાળી હોય તો ય ઘણીવાર નાની વ્યક્તિની વાત સ્વીકાર્ય બની જતી હોય છે. વર્ષો પૂર્વે નજરોનજર અનુભવેલ આવી સત્ય ઘટના નિહાળીએ :
અમે એક શહેરના ઉપાશ્રયે ચાતુર્માસ હતા. ટ્રસ્ટીમંડળના એક ટ્રસ્ટી ખૂબ ઉશ્કેરાટવાળા. વાત-વાતમાં ગમે તેને ગમે ત્યાં હડફેટે લઈ લે. એ જ ઉપાશ્રયનો એક કર્મચારી કામગરો અને શાંત સ્વભાવનો હતો. સંઘમાં એ કર્મચારીની છાપ ઉમદા. એક દિવસ અમારી પાસે ચાર-પાંચ ટ્રસ્ટી બેઠા હતા અને પેલા ગુસ્સાબાજ ટ્રસ્ટી રાડારાડ કરતા આવ્યા. એ ઉશ્કેરાટમા બોલવા માંડયા : 'પેલા કર્મચારીએ આજે મેં બતાવેલ કામ કરવાની ના પાડી એને અત્યારે ને અત્યારે નોકરીમાંથી કાઢી મૂકો. નહિ ચાલે એ.' પેલો કર્મચારી પણ એમની પાછળ આવ્યો હતો.
અન્ય ટ્રસ્ટીઓએ પૂછયું : 'તેં આમનું કામ કરવાની ના કહી ?' પેલાએ દ્રઢતાથી કહ્યું : 'હા.' અમને લાગ્યું કે હવે આની નોકરી જવાની. એણે આગળ કહ્યું : 'સાહેબો ! કોઈ દિવસ કોઈને કામની ના નથી કહી. મને કામનો વાંધો નથી. પણ આ શેઠ મારી સાથે પશુ જેવો વ્યવહાર કરે છે, ગમે ત્યારે ધમકાવે-ગાળો દે એ મને પસંદ નથી. એમને કહો કે મારી સાથે માણસ સમજીને વ્યવહાર કરે. નહિ તો હું નોકરી છોડવા તૈયાર છું.' અને.... આશ્ચર્ય ! ટ્રસ્ટીઓએ એની નોકરી ચાલુ રાખી પેલા ગુસ્સાબાજ ટ્રસ્ટીને ઠપકો આપ્યો !
પ્રકૃતિસૌમ્યતાની હજુ કેટલીક બાબતો આપણે વિચારીશું આગામી લેખમાં...









