Magazines

પુષ્પની શોભા સૌંદર્યથી નહિ, સુવાસથી છે... વ્યક્તિની શોભા સૌંદર્યથી નહિ, શીલથી છે...

By GS TEAM
13 May 20266 mins read
પુષ્પની શોભા સૌંદર્યથી નહિ, સુવાસથી છે...  વ્યક્તિની શોભા સૌંદર્યથી નહિ, શીલથી છે...

- અમૃતની અંજલિ આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'આયતનનો અર્થ છે સ્થાન. શીલવાન વ્યક્તિ એવાં સ્થાનનું આસેવન કરે કે જેનાથી એના સદાચારો-ચારિત્રનિષ્ઠા પુષ્ટ થાય. જ્યાં સદાચારો શિથિલ થાય એવાં સ્થાનોમાં ન એ રહે, ન એની અવર-જવર હોય.'

ધર્મરત્નપ્રકરણ ગ્રન્થના એકવીશ પૈકીના ચતુર્થ ગુણ લોકપ્રિયતાનાં વિશ્લેષણના આજના અંતિમ ચરણમાં પ્રવેશતા પૂર્વે એક નાનકડા દૃષ્ટાંતથી પ્રારંભ કરીએ.

સાધનામાર્ગના રસિક એક યુવાનના ગામમાં કોઈ મહાન સાધક વરિષ્ઠ સંત આવ્યા. યુવકે દિવસો સુધી એમનાં પ્રવચનો સાંભળ્યા બાદ એકવાર પોતાની ડાયરી ધરી સંતને કહ્યું : ' આપની સાધનાપથદર્શક હિતશિક્ષા આમાં લખી આપો. ' સંત એક જ વાક્યમાં માર્મિક હિતશિક્ષા લખી : ' તારી જાતને ઓળખ.' ' થોડાં વર્ષ બાદ એવા જ બીજા મહાન સંત ગામમાં પધાર્યા. યુવકે એમનાં ય પ્રવચનો દિવસો સુધી સાંભળ્યા બાદ હિતશિક્ષા માટે એમની પાસે ડાયરી ધરી. એ સંતે લખ્યું : ' તારી જાતને ભૂલી જા, સાવ ઓગાળી દે એને.'

યુવક મુંઝાઈ ગયો. બન્ને સંત મોટા ગજાના. છતાં એમની વાતમાં સાવ સામસામા છેડા જેવો વિસંવાદ કેમ ? એણે આ વાત સાધનામાર્ગમાં ઊંડા ઉતરેલ પોતાના મિત્રને જણાવી. મિત્રે મલકાતા મુખે કહ્યું : 'ભાઈ ! આમાં ક્યાં ય વિરોધ છે જ નહિ. વિરોધનો માત્ર આભાસ છે. પહેલા સંતે જે કહ્યું એનું તાત્પર્ય એ છે કે તું તારી ભીતરી જાતને- અંતરાત્માને ઓળખ. સાચી સાધના એ છે. બીજા સંતનાં કથનનો સાર એ છે કે તું તારી બાહ્ય જાતને અવસ્થાને સાવ ભૂલી જા. તું શ્રીમંત-વ્યાપારી-વકીલ-ડોક્ટર વગેરે કાંઈ પણ હો : એ ઓળખને સાવ ઓગાળી દે. આમ બન્નેની વાત પરસ્પર સંવાદી અને સંપૂરક છે.' યુવકને સંતોષ થયો આ પ્રત્યુત્તરથી.

જેમ આ દૃષ્ટાંતમાંની પરસ્પર વિરોધાભાસી જણાતી વાતો વાસ્તવમાં વિરોધી નથી, તેમ જૈન શાસ્ત્રોમાં આવતી લોકસંજ્ઞાાત્યાગ અને લોકપ્રિયતાની વાત પરસ્પર વિરોધી નથી. લોકસંજ્ઞાાનો અર્થ છે લોકમાં પોતાની વાહ વાહ- પ્રશંસા- પ્રસિદ્ધ થાય તેવી તીવ્ર મનોવૃત્તિ-ઝંખના. સાધકે આવી લોકસંજ્ઞાાનો ત્યાગ કરવાનો હોય. કારણકે એની સાધનાનું લક્ષ્ય લોકરંજન નથી, આત્મરંજન છે. સાધક માટે આવું વિધાન કરનાર શાસ્ત્રો અહીં ધર્મરત્નપ્રકરણમાં લોકપ્રિયતાનું વિધાન કરે છે. પરંતુ એનું હાર્દ વાહવાહી પ્રશંસા મેળવવાનું જરા ય નથી. અહીં હાર્દ એ છે કે ગુણવત્તા એવી કેળવો કે લોકપ્રિયતા આપોઆપ આવી મળે. અહીં પણ લોકપ્રિયતાની ઝંખના કરવાની વાત નથી. બલ્કે ગુણવત્તા કેળવવાની જ વાત છે.

લોકપ્રિયતા આપોઆપ અપાવે તેવા ગુણોરૂપ છ સોપાનોમાં આજે આવે છે પાંચમું સોપાન.

૫) વિનયસંપન્નતા : વ્યવહારમાં આપણે નિહાળીએ છીએ કે વ્યક્તિ હોંશિયાર-આવડતસભર હોય, પરંતુ ઉદ્વત- અહંકારી- અન્યોને ઉતારી પાડનારી હોય તો એ સામી વ્યક્તિને પ્રિય નહિ જ બને. એથી વિપરીત વ્યક્તિમાં હોંશિયારી- આવડત પ્રમાણમાં ઓછી પણ હોય, પરંતુ એ જો વિનયશીલ- નમ્ર હોય તો સામી વ્યક્તિને અવશ્ય પ્રિય બની રહે. આ સંદર્ભમાં યાદ કરીએ 'પ્રશમરતિ' ગ્રન્થકારનું એક વિધાન. તેઓ કહે છે કે વ્યક્તિ પાસે કુળ-રૂપ-યૌવન-વાણીવૈભવ-સંપત્તિ વગેરે ચાહે તેવી વિશેષતાઓ હોય. પરંતુ જો વિનયશીલતા-નમ્રતા અને શાંત સ્વભાવ ન હોય તો એ વ્યક્તિ જરા ય ન શોભે : જેમ જલ વિના નદી ન શોભે એમ ! હજુ એક ઓર વાત એ જ 'પ્રશમરતિ' ગ્રન્થની. ત્યાં એક પછી એક ગુણોની શૃંખલા રચાઈ. વિનયથી ગુરુસેવાગુણ મળે, ગુરુસેવાથી શ્રુતજ્ઞાાન મળે. આ રીતે એક પછી એક ગુણ જોડતા જઈ અંતે મોક્ષપ્રાપ્તિ સુધીનો ઉપક્રમ દર્શાવ્યો છે. મતલબ કે વિનય તો સર્વ ગુણોનું, મોક્ષનું પણ મૂલ છે.

વિનયશીલ-નમ્ર વ્યક્તિ લોકપ્રિય કેવી હોય અને એનામાં ગુણોનો-શક્તિઓનો વિકાસ કેવો અદ્ભુત હોય એ નિહાળવા આપણે ઉદાહરણ લઈએ અમારા પરમગુરુદેવ યુગાદિવાકર આ.ભ.શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજનું.

આ તમામ વિશિષ્ટતાઓનાં મૂળમાં હતો એમનો અદ્ભુત વિનય. એમના ગુરુદેવે એમની દીક્ષાના પાંચમા વર્ષે એક સંસ્કૃત પ્રસ્તાવનામાં એમના માટે આ હેરતપ્રેરક શબ્દો લખ્યા છે કે : 'નૈસર્ગિક કુલજ વિનયવૈયાવૃત્યાદિસદ્ગુણભાક્.' ભાવાર્થ કે તેઓ સહજ સ્વાભાવિક અને કુલીનતાજન્ય વિનય-સેવા વગેરે સદ્ગુણયુક્ત હતા. પાંચ વર્ષના દીક્ષિત શિષ્ય માટે ગુરુદેવ સ્વયં આવા શબ્દો લખે એ એમની ઉત્કૃષ્ટ વિનયશીલતાના જાણે 'ગોલ્ડ મેડલ' છે.

(૬) શીલસંપન્નતા : ધર્મરત્નપ્રકરણગ્રન્થકારે શીલસંપન્ન વ્યક્તિને કીર્તિમાન-લોકપ્રિય- સદ્ગતિગામી જણાવી છે. પરંતુ એની કોઈ વિશેષ વ્યાખ્યાઓ કે લક્ષણો નથી દર્શાવ્યા. લોકમાં શીલસંપન્ન વ્યક્તિ માટેની સામાન્ય ધારણા એ હોય છે કે તે વ્યક્તિ સદાચારી હોય, તેની ચાલચલગત સારી હોય, લોકમાં એના આચાર પ્રત્યે સદ્ભાવ પ્રવર્તતો હોય. જો કે અન્યત્ર શીલસંપન્નતાના કેટલાક લક્ષણો દર્શાવ્યા છે ખરા. જે ઉપરોક્ત ધારણાને મજબૂત બનાવે તેવા જ છે. આપણે એમાંનાં કેટલાક લક્ષણો નિહાળીએ :

- આયાતસેવા. આયતનનો અર્થ છે સ્થાન. શીલવાન વ્યક્તિ એવાં સ્થાનનું આસેવન કરે કે જેનાથી એના સદાચારો- ચારિત્રનિષ્ઠા પુષ્ટ થાય. જ્યાં સદાચારો શિથિલ થાય એવાં સ્થાનોમાં ન એ રહે, ન એની અવર-જવર હોય. કારણ બહુ સ્પષ્ટ છે કે ધનવાન વ્યક્તિ ગુંડાઓ-ચોરો-લૂંટારાઓની વસતિમાં રહે નહિ કે ત્યાં એની અવર-જવર ન રાખે. કેમ કે એને ખબર છે કે આવું કરવામાં મહામહેનતે મેળવેલ ધન લુંટાઈ જશે. બરાબર એ જ રીતે શીલવાન વ્યક્તિ વિચારતી હોય છે કે શીલ નબળું પાડી શકે એવા વેશ્યાગૃહ-વિજાતીય સાથે એકાંતમિલન- ઠઠ્ઠા- મશ્કરી વગેરેથી દૂર જ રહેવાય. નહિં તો સદાચાર ધન લુંટાઈ જાય. માટે એ ખોટાં સ્થાનોથી દૂર રહે.

શીલસંપન્ન વ્યક્તિની આ જાગૃતિ કેવી બેમિસાલ હોય તે 'પ્રશમરતિ' ગ્રન્થમાં નિર્દિષ્ટ પ્રાચીન દૃષ્ટાંત દ્વારા જાણીએ.

નગરના એક શ્રીમંત શેઠ. એ જેમ સંપત્તિથી સંપન્ન હતા, તેમ એ અને એમનો પરિવાર સંસ્કારોથી ય સંપન્ન હતો. પરંતુ એક ઘટના પરિવારમાં એવી આકાર લેવા માંડી કે એનાથી શેઠને ચેતવા જેવું-ચિંતા કરવા જેવું લાગ્યું. બન્યું એવું કે પુત્રના લગ્ન થયા એટલે પરિવારમાં યુવાન સ્ત્રી (પુત્રવધૂ) આવી. છેલ્લા દિવસોથી એ રોજ વારંવાર ભવનના ઝરુખા પાસે આવ્યા કરે અને પા કલાક-અર્ધોકલાક ત્યાં કામ વિના ઉભી રહે. શેઠને આમાં અજુગતું લાગ્યું.

પુત્રવધૂને જરા ય સંશય ન થાય તે રીતે શેઠે 'વોચ' કરી તો કારણ સમજાયું કે ઝરુખાની બરાબર સામેના ઘરમાં નવો પરિવાર રહેવા આવ્યો હતો. એમાંનો એક રૂપવાન છેલબટાઉ નવયુવાન ઘણો બધો સમય એની બારીમાં ઉભો રહી નખરાં કરતો હતો. પુત્રવધૂ ય નવયુવાન અને રમણીય, સામે પેલો યુવાન પણ તેવો જ. શેઠને લાગ્યું કે આમાં ગમે ત્યારે વ્યભિચારનો ભડકો થયા વિના નહિ રહે.

એમણે ગંભીર વિચારપૂર્વક આનો ઉપાય કર્યો કે પહેલા ઘર બદલો. ઘર જો આ જ હશે તો સમજાવટ-નિષેધ પછી ય છાનાં- છપનાં સંબંધ શરૂ થઈ જશે. એમણે વ્યવસાયમાં મોટી નુકસાની આવ્યાનો દેખાવ કરી એ મહાલય જેવું ભવન કાઢી નાંખ્યું. નજીકના ગામમાં નાનું મકાન લઈ એ સહુ ત્યાં રહેવા ગયા. નોકર-ચાકરનો વૈભવ જતો રહ્યો. હવે રસોઈ- ઘરસફાઈ- વસ્ત્રો ધોવાં વગેરે સર્વ જવાબદારી પુત્રવધૂએ અદા કરવા માંડી. સવારથી રાત એ કાર્યોમાં વ્યસ્ત રહે અને રાત્રે થાકીને લોથપોથ થઈ નિદ્રાધીન થઈ જાય. એક મિનિટની ફુરસદ એને ન મળતી. પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે એનાં મનમાંથી પેલા યુવાનના વિચારો નીકળી ગયા. આયતનસેવા-અનાયતન ત્યાગથી શીલ કેવું સચવાય તે આ પ્રાચીન દૃષ્ટાંતમાં પ્રતિબિંબિત થાય છે.

આ ઉપરાંત વિકારી વચનો-દ્વિઅર્થી વિકારી ભાષાનો ત્યાગ, ઉદ્ભટ-અસભ્ય વેશત્યાગ, વિજાતીય વ્યક્તિ ઘરે એકલી હોય ત્યારે એના ઘરે જવું નહિ વગેરે પણ શીલસંપન્નતાનાં લક્ષણો છે.

છેલ્લે શીલસંપન્નતાના સંદર્ભમાં એક વાત : પુષ્પની શોભા સૌંદર્યથી નહિ, સુવાસથી છે... વ્યક્તિની શોભા સૌંદર્યથી નહિ, શીલથી છે...