Magazines

શુભનો સ્વીકાર જીવનમાં શુભનો સરવાળો કરે...અશુભનો અસ્વીકાર જીવનમાં અશુભની બાદબાકી કરે...

By GS TEAM
10 Jun 20266 mins read
શુભનો સ્વીકાર જીવનમાં શુભનો સરવાળો કરે...અશુભનો અસ્વીકાર જીવનમાં અશુભની બાદબાકી કરે...

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

ધર્મરત્નપ્રકરણગ્રન્થકર્તા મહર્ષિ શુદ્ધ ધર્મપ્રાપ્તિની ભૂમિકાના જે એકવીશ ગુણો દર્શાવે છે તેની સરલ વિવેચનધારામાં આજે આપણે યથાક્રમે લઈશું આઠમો ગુણ. એનું નામ છે સુદાક્ષિણ્ય. શું છે આ ગુણ ? આપણે પ્રથમ તો એનો શબ્દાર્થ સમજીએ.

'દાક્ષિણ્ય' શબ્દનો અર્થ છે પોતાની ઇચ્છા-ભાવના ન પણ હોય તો ય કોઈની પ્રાર્થનાનો- અનુરોધનો સ્વીકાર કરવો. ઉદાહરણથી આ વાત સ્પષ્ટ સમજાશે. જેમ કે માર્ગથી અજાણ કોઈ વ્યક્તિ કહે કે ' મને ગામબહાર સુધી માર્ગ બતાવવા આવશો.'' ત્યારે દાક્ષિણ્યગુણસંપન્ન વ્યક્તિ, અગત્યના કાર્યવશ એની ઇચ્છા ન હોય તો પણ, માર્ગ બતાવવાની હા કહેશે અને અજાણ પ્રવાસીને ગામબહાર સુધી સલામત પહોંચાડશે. કારણ એ જ કે એનામાં પ્રાર્થના ભંગભીરુતા હોય છે. એટલે કે એ કોઈની વિનંતિનો અસ્વીકાર કરવામાં શરમ-સંકોચ અનુભવે.

પણ... સબૂર ! માત્ર ના કહી શકવાની શરમ-સંકોચનાં કારણે 'દાક્ષિણ્ય' ગુણની કક્ષા સર કરી શકાતી નથી. કેમકે કોઈ પણ બાબતમાં ના ન કહી શકવાની શરમ કેટલીક વાર તો સાવ વાસ્તવિકપણે દુર્ગુણ બની જાય. જેમ કે કોઈ જુગારી કહે કે ' મારી સાથે જુગાર રમવા ચાલ ને !'' કોઈ ચોર કહે કે 'મારી સાથે ચોરી કરવા આવ ને !' આવી સ્થિતિમાં વ્યક્તિ જો શરમ-સંકોચવશ ના ન કહી શકે તો ત્યાં દાક્ષિણ્ય સ્પષ્ટપણે દુર્ગુણરૂપ બની જાય. વસ્તુત : એ જ દાક્ષિણ્ય ગુણસ્વરૂપ છે કે જે શુભ-સારી બાબતોની વિનંતિમાં ના કહેતા શરમ અનુભવે. આ નિર્દેશ મજબૂતપણે કરવા માટે જ ગ્રન્થકારે 'સુ-દાક્ષિણ્ય' શબ્દપ્રયોગ કર્યો છે. 'સુ' એટલે સારી બાબતોનું દાક્ષિણ્ય. આ પદાર્થ સ્પષ્ટ કરવા ટીકાકર્તાએ લખ્યું છે કે 'યદિહ પરલોકોપકારિ પ્રયોજનં તસ્મિન્નેવ દાક્ષિણ્યવાન્, ન પુન:પાપહેતાવપીતિ સુશબ્દેન દાક્ષિણ્યં વિશેષિતમ્.'

જે સુદાક્ષિણ્યવાન્ વ્યક્તિ હશે તે ચોરી-જુગાર-ભ્રષ્ટાચાર- વ્યભિચાર જેવા પાપકાર્યો માટે આમન્ત્રણ આવે ત્યારે ભલે સ્પષ્ટ ના કહી દે. પરંતુ પરોપકારનાં ધર્મનાં કાર્યો માટે આમન્ત્રણ આવે ત્યારે પ્રતિકૂળતા હોય તો ય શરમવશ-સૌજન્યવશ ના નહિ કહી દે. ઉદાહરણરૂપે, એ વ્યક્તિ જમવા બેસી હોય. ભૂખ કકડીને લાગી હોય. ભોજન એના પૂરતું એક થાળ જેટલું હોય. એ સમયે ગરીબ ભિક્ષુ આવીને કહે : ' શેઠ ! બે દિવસથી ભૂખ્યો છું. થોડું ભોજન આપો ને ?' ત્યારે એ વ્યક્તિ થોડી ભૂખ સહીનેે ય એ ગરીબને થોડુંક આપશે. ના કહેવામાં એ શરમ અનુભવશે... ધારો કે સુદાક્ષિણ્યવાન વ્યક્તિ નાણાંકીય તંગી અનુભવતી હોય. ઘણી બધી જવાબદારીઓ નાણાંભીડનાં કારણે અટવાતી હોય. એવી સ્થિતિમાં કોઈ ગરીબ કેન્સરનો દર્દી દવા માટે સહાય લેવા આવશે તો એ ત્યારે પણ ના કહેવાના બદલે 'ફુલ નહિ તો ફુલની પાંખડી' રૂપે બસો-પાંચસો રૂપિયા આપશે. કેમ કે સાવ ના કહેવામાં એ શરમ અનુભવશે. એ સમજતી હોય છે કે આ બન્ને કાર્યો પરોપકારનાં-પરલોકહિતનાં છે.

ધારો કે એક વ્યક્તિ પ્રભુપૂજા કે સદ્ગુરુભગવંતનાં પ્રવચન માટે જતી હોય અને એ સુદાક્ષિણ્યગુણસંપન્ન વ્યક્તિને કહે કે ' ચાલ, મારી સાથે આ અનુષ્ઠાનમાં. થોડો ઘણો ધર્મ કરીશ તો સંસ્કાર-સદ્ગતિ પ્રાપ્ત થશે.' ત્યારે કોઈ કારણસર એ રુચિ-અનુકૂળતા વગેરે ન હોય તો ય એ શરમવશ ના નહિ કહી શકે અને ભાવ ન હોય તો ય એમાં જોડાશે. જો,કે ઊંડે ઊંડે એ સમજતી હોય કે આ ધર્મપ્રવૃત્તિ પરલોકહિતકારી તો છે જ. અરે ! આ પ્રભુપૂજા કે પ્રવચનશ્રવણ જેવી નાની ધર્મપ્રવૃત્તિની વાત તો શું, જૈન શાસ્ત્રમાં એવાં ય ઉદાહરણો નોંધાયેલા છે કે જેમાં વ્યક્તિએ માત્ર ને માત્ર સુદાક્ષિણ્યવશ સંયમ સ્વીકારવા જેવી-સંસારત્યાગ જેવી જબરજસ્ત મોટી કઠીન ધર્મપ્રવૃત્તિ અપનાવી હોય. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ આશ્ચર્યજનક ઘટના :

રાષ્ટ્રકૂટ નામે નગર. ત્યાં એક ધર્મી પરિવારમાં બે ભાઈઓ વસે. મોટા ભાઈનું નામ ભવદત્ત અને નાના ભાઈનું નામ ભવદેવ. એ પૈકીના ભવદત્તે નાની વયે સંસાર ત્યાગીને સંયમનો માર્ગ અંગીકાર કર્યો. દીક્ષા લઈને એ ગુરુભગવંત સાથે દૂર દૂરના પ્રદેશોમાં વિચરવા માંડયા. એનાથી સ્વાભાવિક જ ગામ સાથે-પરિવાર સાથે એમને કોઈ સંબંધ ન રહ્યો. એ યુગમાં કોઈ સંપર્ક માધ્યમો પણ ન હતા. એથી ક્યાં શું ચાલે છે ? એની ઝાઝી માહિતી ન હોય.

થોડાં વર્ષો બાદ ભવદત્તમુનિ ગુરુદેવ સાથે વિચરતા વિચરતા રાષ્ટ્રકૂટનગરથી નિકટના પ્રદેશમાંથી પસાર થતા હતા. એમણે તીવ્ર ભાવનાપૂર્વક ગુરુદેવને કહ્યું : 'મારું સાંસારિક ગામ અહીંથી ખૂબ નિકટ છે. આપ અનુજ્ઞાા આપો તો હું ત્યાં જઈને સાંજ પૂર્વે સાથે થઈ જઉં. મને આશા છે રકે હું મારા સાંસારિક ભાઈને પણ સંયમધર્મમાં સામેલ કરી શકીશ.' ગુરુભગવંતે સંમતિ આપી અને ભવદત્તમુનિ આશાભર્યા અંતરે રાષ્ટ્રકૂટ તરફ સંચર્યા.

પણ... આ શું ? મુનિવર ત્યાં પહોંચ્યા ત્યારે તો એમના પગતળેથી ધરતી સરકી જાય એવો માહોલ હતો. યુવાન ભવદેવના લગ્ન લેવાયા હતા. ભવદેવ ખુદ એની ભાવિ પત્ની નાગિલાને સજાવી રહ્યો હતો. ઢોલ-વાજિંત્રોના નાદ ગૂંજી રહ્યા હતા. ભાઈમુનિવરને અચાનક પધારેલ જોઈ પરિવારજનો આનંદિત થઈ ગયા. પરંતુ મુનિવર તો પોતાના લક્ષ્ય પ્રત્યે જાગૃત હતા. ધર્મોપદેશ આપી ગોચરી (ભિક્ષા) સ્વીકારી તેઓ વિદાય થયા. ભવદેવ સૌજન્યથી ભાઈમહારાજને મૂકવા ગયો. મનમાં એમ કે 'ભાઈમહારાજ જવાનું કહેશે ત્યારે પાછો વળી જઈશ.' એ હતો મુનિરાજ સાથે, પણ એનું મન ઘરે હતું- પત્ની પાસે હતું, ભવદત્તમુનિ એને ઠેઠ ગુરુભગવંત સુધી લઈ આવ્યા અને ગુરુદેવને કહ્યું : ' આ મારો સાંસારિક નાનો ભાઈ છે. એને દીક્ષા પ્રદાન કરો.'

ભવદેવ ક્ષણભર ચોંકી ગયો. કેમ કે દીક્ષાની તો એને કલ્પના ય ન હતી. પરંતુ એ સુદાક્ષિણ્યગુણસંપન્ન હતો. ગુરુભગવંતે એને પૂછયું ત્યારે એ ના ન કહી શક્યો ! એની દીક્ષા થઈ ગઈ. દાયકાઓ પર્યંત  છેલ્લા શ્વાસ સુધી એમણે સંયમપાલન કર્યું. અલબત્ત, વિચારોનાં સ્તરે એમને આરોહ-અવરોહ નડયા. પરંતુ અંતે એમાં ય આરોહમાં સ્થિર રહી એમણે આચારનાં સ્તરે સંયમ અખંડ પાળ્યું. માત્ર સુદાક્ષિણ્યથી-શરમથી લેવાયેલ સંયમનું પરિણામ આગળ જતાં એ આવ્યું કે એ પછીના શિવકુમારના ભવમાં એમણે ઉત્કૃષ્ટ ભાવપૂર્વક દિલોજાનથી સંયમપ્રાપ્તિનો પુરુષાર્થ કર્યો. તે પછીનાં જંબકુમારના જન્મમાં આ જ ભવદેવના જીવે સોળ વર્ષની ઊગતી વયે છલોછલ વૈરાગ્યપૂર્વક પ્રભાવિત થઈ એમની આઠ પત્નીઓ સહિત કુલ પાંચસો છવીશ વ્યક્તિઓએ એમની સાથે દીક્ષા સ્વીકારી. એ જંબૂસ્વામી તે જ ભવનાં અંતે સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધ-બુધ્ધ-મુક્ત થયા...

હવે આપણે નિહાળીશું સુદાક્ષિણ્યગુણથી થતાં નજરે તરી આવે તેવા લાભો :

ઉત્તમ ગુણવાન વ્યક્તિઓનો સંયોગ: જે વ્યક્તિ શરમ સંકોચવશ ના ન કહેવાથી પણ શુભ-સારી બાબતોમાં સામેલ થાય છે એનાં જીવનમાં અનાયસે જ શુભનું-ઉત્તમનું આચરણ કરનાર ગુણીજનો સાથે સંપર્ક વધવાનો જ. ઉદાહરણરૂપે વિચારીએ આપણે એ જ ભવદેવમુનિની વાત. એમણે શરમવશ પણ સંયમધર્મનો સ્વીકાર કર્યો, તો એમને સદ્ગુરુભગવંતનો-સંયમનિષ્ઠ શ્રમણોનો સંસર્ગ મળ્યો. આગળ જતાં આ ગુણવાન વ્યક્તિઓના સંસર્ગનો સરવાળો જ નહિ, બલ્કે ગુણાકાર એવો થયો કે ત્રીજા જંબૂકુમારનાં જન્મમાં એમને સાક્ષાત્ તીર્થકર પરમાત્મા ભગવાન મહાવીરદેવની પ્રાપ્તિ થઈ અને સદ્ગુરુરૂપે  ગણધર સુધર્માસ્વામીભગવંતની ઉપલબ્ધિ થઈ...

જીવનમાં શુભનો સરવાળો યાવત્ ગુણાકાર : એક વ્યક્તિ શરમવશ ના ન કહી શકવાથી પણ પ્રભુપૂજા-પ્રવચન- સંયમીભક્તિ જેવાં ધર્મકાર્ય કે સેવાકાર્ય કરે ત્યારે એનાં જીવનમાં શુભનો-સુકૃતોનો સરવાળો થતો જાય. આના મુકાબલે જે વ્યક્તિ બેશરમીથી એકઝાટકે તે તે ધર્મકાર્યોની-સેવાકાર્યોની ના કહી દે એનાં જીવનમાં એનો કોઈ સરવાળો-ઉમેરો ન થાય એ સમજાય તેવી વાત છે. અરે ! સુદાક્ષિણ્યવંત વ્યક્તિનાં જીવનમાં કેટલીક વાર શુભનો સરવાળો જ નહિ, બલ્કે ગુણાકાર પણ થાય. ભવદેવમુનિનાં જીવનમાં આ વાત સુપેરે નિહાળાય છે. ભવદેવકુમાર તરીકે એમનાં જીવનમાં વૈરાગ્ય નહિ, રાગ હતો. ભવદેવમુનિ બન્યા પછી ખૂબ મહેનતે વૈરાગ્ય અંકુરિત થયો. શિવકુમારનાં જન્મમાં વૈરાગ્ય પ્રબળ બન્યો, પરંતુ જંબૂકુમારના જન્મમાં તો એ ગુણાકાર પામી વીતરાગમાં પરિણમ્યો.

ગુણોની વૃદ્ધિ : સુદાક્ષિણ્યવશ જે જે શુભ પ્રવૃત્તિઓ થાય તે આગળ જતાં આત્મામાં ગુણોનું પ્રાગટય કરાવે. કોઈને દાનની- સહાયની પ્રવૃત્તિ થાય તો એ આગળ જતાં પરોપકારનો ગુણ પ્રગટાવે. ભવદેવે દીક્ષા નામે શુભ પ્રવૃત્તિ અપનાવી તો એ તેનાં જીવનમાં વૈરાગ્ય-જયણા-ચારિત્રબહુમાન વગેરે ગુણો પ્રગટાવનાર બની.

છેલ્લે એક વાત : 'અહંકાર અને અનુકૂલતા ગૌણ થાય ત્યારે સુદાક્ષિણ્યગુણના વિકાસની શક્યતા પ્રબળ બને સરલ થવું જ પડે...'