કાયા હજી સાજી છે... હાથમાં હજી બાજી છે...ત્યાં સુધી ધર્મ કરી લેવાની તક તાજી છે...

- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- 'પ્રતિભા એવી અદ્ભુત બાબત છે કે જે શબ્દના લોકપ્રસિદ્ધ અર્થને ય સાવ અલગ સંદર્ભમાં અદ્ભુત સ્વરૂપે રજૂ કરે. માત્ર શબ્દાર્થના જ સંદર્ભની વાત શા માટે ? અન્ય પણ કેટલીક બાબતો એવી છે કે જેને પ્રતિભા સાવ નવીનપણે-અલગપણે- અદ્ભુતરૂપે રજૂ કરે. ધર્મરત્નપ્રકરણગ્રન્થપ્રરૂપિત એકવીશ ગુણો પૈકી આજે જે ગુણનું વિવેચન આપણે કરવાનું છે એનું અર્થઘટન ગ્રન્થકારે લોકપ્રસિદ્ધ અર્થથી સાવ અલગ અને ઉચિત કર્યું છે. આ માટે આપણે ગ્રન્થકારની પ્રજ્ઞાને 'માર્ગસ્થ પ્રતિભા' શબ્દથી નવાજી શકીએ.'
પ્રતિભા એવી અદ્ભુત બાબત છે કે જે શબ્દના લોકપ્રસિદ્ધ અર્થને ય સાવ અલગ સંદર્ભમાં અદ્ભુત સ્વરૂપે રજૂ કરે. માત્ર શબ્દાર્થના જ સંદર્ભની વાત શા માટે ? અન્ય પણ કેટલીક બાબતો એવી છે કે જેને પ્રતિભા સાવ નવીનપણે-અલગપણે- અદ્ભુતરૂપે રજૂ કરે. ધર્મરત્નપ્રકરણગ્રન્થપ્રરૂપિત એકવીશ ગુણો પૈકી આજે જે ગુણનું વિવેચન આપણે કરવાનું છે એનું અર્થઘટન ગ્રન્થકારે લોકપ્રસિદ્ધ અર્થથી સાવ અલગ અને ઉચિત કર્યુ છે. આ માટે આપણે ગ્રન્થકારની પ્રજ્ઞાને 'માર્ગસ્થ પ્રતિભા' શબ્દથી નવાજી શકીએ. આવો, નિહાળીએ એ બીજા ક્રમાંકનો ગુણ અને તેનું સાવ અલગ-મસ્ત અર્થઘટન.
એ બીજા ગુણનું નામ છે રૂપવત્તા એટલે રૂપવાનપણું. દુનિયા રૂપવાન શબ્દનું અર્થઘટન કરે છે અત્યંત સુંદર- દેખાવડી વ્યક્તિ. એવી સુંદર વ્યક્તિ કે એની ઉપસ્થિતિમાત્રથી સામી વ્યક્તિ અંજાઈ જાય-પ્રભાવિત થઈ જાય. લોકો રૂપવાન શબ્દનો આ અર્થ કરી સૌંદર્યમઢયા બનવામાં રાચતા હોય છે. એ માટે તેઓ વિધાતાએ આપેલ રૂપ ઉપરાંત કૃત્રિમ વિધાતાનો- બ્યૂટીશીયનનો ઉપયોગ કરી, હોય એનાથી વધુ રૂપવાન દેખાવામાં રાચતા હોય છે. હજુ બાકી રહેતું હોય તેમ રોજિંદા વ્યવહારમાં પાવડર-લીપસ્ટીક- ડાઈ દ્વારા કાળા કેશ વગેરેનો પ્રયોગ ચાલુ રહે અને આ બધાની સામે પર્સનાલીટી ઉભી કરે તેવાં વસ્ત્રો ! માનવીને જાણે આ ઉક્તિ પર ભરપૂર વિશ્વાસ છે કે 'એક નૂર આદમી, હજાર નૂર કપડાં...
દુનિયામાં પણ આ રૂપવાન-પર્સનાલીટીસભર દેખાવાની વાતને કેવું મહત્ત્વ મળે છે એ જાણવું છે ? તો વાંચો છેલ્લા મોગલ બાદશાહ બહાદુરશાહ 'ઝફર' સાથે સંલગ્ન આ ઘટના :
બાદશાહે એક વાર એના મહેલમાં ઊંચા દરજ્જાના ઊર્દૂ શાયરોની મહેફિલ યોજી. એમાં નામાંકિત શાયરો આવ્યા. શાયરીઓની જોરદાર રંગત જામી. અંતે ભોજનસમારોહ યોજાયો. એમાં બાદશાહની બિલકુલ બાજુમાં બેસેલ ટોચના શાયરે વિચિત્ર હરકત શરૂ કરી. જમવાની જે સ્વાદિષ્ટ વાનગીઓ હતી તેને તેઓ કપડાં પર નાખતા ગયા અને બોલતા ગયા : 'ખાઓ, પીઓ. આ બધું માન તમને છે.' ચોંકી ગયેલા બાદશાહે પૂછયું : અરે ! આવું વિસંગત વર્તન કેમ ? આમાં તો કપડાં બગડે છે અને તમે સ્વાદવંચિત રહો છો એ અલગ.' શાયરે ગંભીર મુદ્રામાં ઉત્તર આપ્યો : 'જહાંપનાહ ! હું જ્યારે મહેફિલમાં આવ્યો ત્યારે આપના ચોકીદારોએ મને વસ્ત્રો પરથી સામાન્ય-મુફલિસ વ્યક્તિ સમજી અંદર આવવા ન દીધો. મારો દેખાવ પણ ત્યારે અસ્ત-વ્યસ્ત હતો. મેં મારૃં નામ આપ્યું. આપનું આમન્ત્રણખત આપ્યું. તો ય ચોકીદારે મને ધરાર આવવા ન દીધી. આખરે હું ફરી ઘરે ગયો. બની-ઠની નવાં મોંઘા વસ્ત્રો પરિધાન કરી આવ્યો ત્યારે જ મને પ્રવેશ મળ્યો. એથી મને થયું કે મારા કરતા માન આ વસ્ત્રોને દેખાવને છે. માટે ભોજન પણ એને જ ધરું !' બાદશાહ સજ્જડ થઈ ગયા.
દુનિયા 'રૂપવાન'નો શું અર્થ કરે છે અને એમાં કેવી ઘેલી થાય છે તે ઉપરોક્ત ઘટનામાં ખૂબ સરસ પ્રતિબિંબિત થાય છે.
પણ... સબૂર ! ધર્મરત્નપ્રકરણ ગ્રન્થકાર ધર્મપ્રાપ્તિની યોગ્યતા માટે જે 'રૂપવાન' શબ્દનો પ્રયોગ કરે છે તેમાં આ દુન્યવી અર્થ સંદર્ભ નથી. તેઓ 'રૂપવાન' શબ્દની સાથે એવી ત્રણ બાબતો જોડે છે કે જે ધર્મપ્રકરણીના સંદર્ભમાં ખૂબ જ વાસ્તવિક લાગે- પરફેક્ટ લાગે. પ્રથમ વાત તેઓ એ કરે છે કે સંપૂર્ણ અંગ-ઉપાંગયુક્ત હોય તે વ્યક્તિ છે રૂપવાન, બીજી વાત એ કે જે પાંચે ય ઇન્દ્રિયથી પરિપૂર્ણ હોય તે વ્યક્તિ છે રૂપવાન; અને જે શારીરિક સામર્થ્યયુક્ત હોય- સુસંહનનયુક્ત હોય તે રૂપવાન. સારાંશ એ થયો કે જેનામાં આ ત્રણેય બાબતોનું સંમિશ્રણ હોય તેને કહેવાય ધર્મપ્રાપ્તિની દૃષ્ટિએ રૂપવાન. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ ત્રણમાંથી એકેયમાં ગોરી ત્વચા-ઇમ્પ્રેસીવ દેખાવ-મેકઅપના યા વસ્ત્રોના ભભકા વગેરેને સ્થાન નથી. ગ્રન્થકારે જે ત્રણ બાબતોનો ઉલ્લેખ કર્યો તેની ધર્મપ્રવૃત્તિના સંદર્ભમાં અનિવાર્ય ઉપયોગિતાનું આપણે ક્રમશ: વિશ્લેષણ કરીએ :
પ્રથમ વાત છે ધર્મપ્રાપ્તિને યોગ્ય વ્યક્તિ સંપૂર્ણ અંગોપાંગયુક્ત હોવી જોઈએ, વિકલાંગન હોવી જોઈએ. કલ્પના કરો કે સાડા ત્રણ હજારથી અધિક સોપાન ધરાવતા શ્રી શત્રુંજયગિરિરાજની નવાણુંયાત્રામાં હજારો યાત્રિકો સામેલ થયા છે. (પાલિતાણામાં પ્રતિવર્ષ શિયાળામાં અને ગ્રીષ્મઋતુમાં આ કલ્પના વાસ્તવિકતામાં પરિણમે છે જ.) એ સમયે કોઈ બે પગે અપંગ યાત્રિકને શત્રુજંયગિરિરાજની નવાણુંયાત્રાના તીવ્ર ભાવો પ્રગટે, તો શું એ નવાણુંયાત્રા પગપાળા કરી શક્શે ? ઉત્તર છે ના. ધારો કે ગામમાં ઉપાશ્રયના પ્રથમ મજલે ગુરુભગંવતના નિયમિત પ્રવચનો ખૂબ સરસ થાય છે. ઉપાશ્રયમાં લીફ્ટ નથી. કોઈ બે પગે અપંગ નિયમિત એ પ્રવચનોનો લહાવો લેવાની તમન્ના રાખે તો શું એ રોજ રોજ લાભ લઈ શક્શે ? ઉત્તર છે ના. કેમ કે એકાદ દિવસ એને કોઈ ઉંચકીને લઈ જઈ શકે. રોજ માટે એ શક્યતા પ્રાય: ન રહે.
કલ્પના કરો કે એક વ્યક્તિએ ખભાથી બન્ને હાથ સાવ ગુમાવ્યા છે. આ વ્યક્તિ શ્રમણ-શ્રમણીભગંવતોને ગોચરી સ્વયં વહોરાવવારૂપ સુપાત્રદાનનો લાભ લેવાની તીવ્ર ઝંખના રાખે તો શું તે એ લાભ મેળવી શકે ? ઉત્તર છે ના. ધારો કે એ જ વ્યક્તિ પરમાત્મા તીર્થકર પ્રભુની નવ અંગે સ્વયં પૂજા કરવાના અતિ તીવ્ર મનોરથો કરે તો શું એના એ મનોરથ સાકાર થઈ શકે ? ઉત્તર છે ના. આ અને આવી આવી તમામ ધર્મકરણીમાં એની વિકલાંગતા એને બાધક બને છે.
બીજી બાબાત છે ધર્મપ્રાપ્તિને યોગ્ય વ્યક્તિ પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ હોવી જોઈએ. કલ્પના કરો કે એક વ્યક્તિ જન્મજાત બધિર-શ્રવણેન્દ્રિયરહિત છે. શું આ વ્યક્તિ ધર્મપ્રવચન સાંભળવા ચાહે તો સાંભળી શકે ? ધારો કે એક વ્યક્તિ બે ય આંખે અંધ છે અને એને પ્રભુપ્રતિમાનાં દર્શનની-શ્રમણોનાં દર્શનની તીવ્રતમ ઝંખના ધરે તો શું એ દર્શન કરી શકે ? બન્નેનો ઉત્તર છે ના. આમાં ઇન્દ્રિયોની ન્યૂનતા-ખામી પ્રતિબંધક છે.
ત્રીજી બાબતરૂપે ગ્રન્થકારે જણાવ્યું કે ધર્મપ્રાપ્તિયોગ્ય વ્યક્તિમાં ઉચિત શારીરિક સામર્થ્ય જોઈએ. આના માટે અમે સ્વયં નજરે નિહાળેલ એક સત્ય ઘટના જ ટાંકીશું :
ઇ.સ.૨૦૦૫. અમારા પરમતારક ગુરુદેવ પૂજ્ય પ્રૌઢપ્રભાવશાળી આચાર્યપ્રવર શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સિદ્ધક્ષેત્ર- પાલિતાણામાં સામૂહિક ચાતુર્માસ- ઉપધાનતપ- નવાણુંયાત્રા- પદયાત્રાસંઘે આદિ અનુષ્ઠાનોની સળંગ સાતમાસ અખંડ શૃંખલા રચાઈ. તે પૈકી ઉપધાનતપમાં ચુસ્ત શ્રમણ જેવું જીવન અને ૪૮ કલાકે એક વાર જ ભોજન જેવા અનેક નિયમો હોય. એમાં ઉપવાસમાં કોઈ એલોપથી દવા પણ ન લેવાય. આ ઉપધાનતપ માટે અમેરિકાના અમારા ધર્મપરિચિત રાજેન્દ્રભાઈ ખાસ અમેરિકાથી પાલિતાણા આવ્યા. પૂરા પચાસ દિવસ આ તપ પાલિતાણા રહેવાની રજાઓ વગેરેની એમણે આગોતરી વ્યવસ્થા કરી. આરાધનાનાં તમામ ઉપકરણો સાથે લઈને એ આવ્યા. ઉપધાનતપ માટેના ઉત્સાહથી તેઓ થનગનતા હતા.
પ્રથમ દિવસે ચોવીશ કલાકના પૌષધ સાથે એમણે અન્ય બસો સાઠ તપસ્વીઓ સાથે ઉપધાનતપમાં પ્રવેશ કર્યો. પણ મધ્યાહન થતાં એમની બેચેની શરૂ થઈ. અમને કહે : 'રોજની પાંચ ગોળી મારે કમ્પલસરી લેવી જ પડે છે. આમાં કાંઈ છૂટ ન મળે ?' અમે ના કહી. સાંજ અને રાત્રિ સુધીમાં તો એમની સ્થિતિ નાજુક થઈ ગઈ. મહાપરાણે બીજી પ્રભાતે છ કલાકે પૌષધ પરાવી એમને મુક્ત કર્યા ! શું કારણ આમ બનવામાં ? એમની ભાવનાની શિથિલતા ? ના. શારીરિક સામર્થ્યની શિથિલતા આમાં જવાબદાર હતી. ગ્રન્થકારે માટે એને સ્થાન આપ્યું છે.
હવે એક મહત્ત્વની વાત. શું આ ત્રણ બાબત ન હોય તો વ્યક્તિ ધર્મપ્રાપ્તિ યોગ્ય ન જ બને ? ના. ટીકાકારે ' પ્રાયિક ચૈતત્ લખીને સ્પષ્ટતા કરી છે કે સામાન્યપણે આ ત્રણ વિશેષતા જોઈએ. પરંતુ આમાં ય કોઈ વિશેષતા ન હોય તો પણ ધર્મપ્રાપ્તિ કેટલાક કિસ્સામાં શક્ય છે જે મધ્યમ-અપર જેવા ભેદથી સમજાવાઈ છે.
'રૂપવાન' શબ્દના ઉપરોક્ત અદ્ભુત અર્થઘટનમાંથી આપણે બે સાર લેવા જેવા છે : (૧) આપણને જો ત્રણે ય બાબતો સરસ મળી હોય તો એનો અનુપયોગ કે દુરુપયોગ ન કરવો. અનુપયોગ એ છે કે બધી શક્યતા છતાં પૂજા- પ્રભુદર્શન- તપ જેવા અનુષ્ઠાનોથી દૂર ભાગવું. દુરુપયોગ એ છે કે સક્ષમ હાથ હોવા છતાં પૂજાનાં બદલે હાથથી હત્યા-હિંસાદિ કરવા, આંખથી પ્રભુદર્શનનાં બદલે વિકારોત્તેજક દૃશ્યો જોવાં અને શક્તિ છતાં તપનાં બદલે રાત્રિભોજન-અભક્ષ્ય ભક્ષણ કરવું. (૨) આપણને જો ત્રણે ય બાબતો બરાબર મળી છે તો એનો ધર્મકૃત્યનાં ક્ષેત્રે સદુપયોગ કરવો. અમારી નિશ્રામાં પ્રતિવર્ષ થતાં સામૂહિક માસક્ષમણો (સળંગ ત્રીશ ઉપવાસ)માં જોડાઈને નવ વર્ષમાં કુલ ત્રણ હજાર બસો તેંતાલીશ તપસ્વીઓએ માસક્ષમણ તપ કર્યા એ છે સદુપયોગ.
આ સદુપયોગનાં અનુસંઘાનમાં મસ્ત વાત : કાયા હજી સાજી છે... હાથમાં હજી બાજી છે... ત્યાં સુધી ધર્મ કરવાની તક તાજી છે...








