જીવનમાં ઘૂંટવા જેવું સૂત્ર : કોઈ જીવની હાય મારે લેવી નથી અને દુર્ગતિનાં દ્વાર ખોલવા નથી

- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
શુદ્ધ ધર્મરત્નની પ્રાપ્તિમાં હેતુરૂપ જે એકવીશ ગુણો ધર્મરત્નપ્રકરણગ્રન્થમાં સેંકડો વર્ષો પૂર્વે દર્શાવાયા છે તે પૈકીના ચોથા 'લોકપ્રિયતા' ગુણ પર આપણી વિચારયાત્રા ચાલે છે. એ માટે જે કેટલાક સોપાનો ગ્રન્થકારે દર્શાવ્યા છે તે પૈકી બીજા સોપાનની વિચારણા કરીએ.
૨) પરલોકબાધક નિંદ્ય પ્રવૃત્તિ ત્યાગ : આલોકબાધક નિંદ્ય પ્રવૃત્તિઓમાં આપણે પરનિંદા-કુસંગ વગેરે બાબતો ગત લેખમાં નિહાળી. એ વર્તમાન જન્મમાં- આલોકમાં નુકસાનકારક હોવાનું સ્પષ્ટ પ્રતીત એ રીતે થાય કે વ્યક્તિએ જેની નિંદા કરી હોય એના તરફથી વૈર-વિરોધ થાય, લોકમાં અપ્રીતિ-અપયશ થાય અને કુસંગનાં કારણે પાંગરેલ દૂષણો વ્યક્તિનાં જીવનની ખાનાખરાબી નોંતરે.
એ જ રીતે, અહીં પરલોકબાધક નિંદ્ય પ્રવૃત્તિઓ એવી લેવાઈ છે કે જેનાં મુખ્ય નુકસાનો પરલોકસંબંધી હોય. હા, આ લેખમાં એ પ્રવૃત્તિઓને કાયદાનું રક્ષણ હોય એથી તેવી પ્રવૃત્તિઓને અહીં કોઈ જલ્દી પડકારી શકતું નથી. પરંતુ પરલોકમાં એનાથી દુર્ગતિ-દૌર્ભાગ્ય-દુ:ખની પરંપરાઓ સુસંભવિત હોવાથી એને યથાર્થપણે જ પરલોકબાધક પ્રવૃત્તિ ગણાવી છે.
આવી પ્રવૃત્તિઓમાં શાસ્ત્રોએ ખરકર્મ વગેરે હિંસક બાબતોને સ્થાન આપ્યું છે. આજના પરિપ્રેક્ષ્યમાં આ બાબતો સાથે પોલ્ટ્રીફાર્મ-મત્સ્યોદ્યોગ- કતલખાના વગેરે અતિ ભયાનક હિંસક વ્યવસાયો સંલગ્ન કરી શકાય. આવી પ્રવૃત્તિઓ સાથે શબ્દો ભલે 'ફાર્મ ઉદ્યોગ' જેવા જોડવામાં આવે. પરંતુ એની એની ભયાનક હિંસકતામાં જરા ય ન્યૂનતા આવતી નથી. જેનો કોઇ વાંક નથી- અપરાધ નથી એવા એ અબોલ જીવોને બેરહેમીપૂર્વક રિબાવી રિબાવીને લાખો-લાખોની સંખ્યામાં ખતમ કરી દેવાય છે. એ અવશ્ય પરલોકની દુર્ગતિનું-દુ:ખનું કારણ બને જ. એ લાચાર મૂંગા જીવોનાં અંતરમાંથી ઊઠતી તીવ્ર મૂક 'આહ' વ્યક્તિના પારલૌકિક જીવનમાં 'દાહ' જગાવ્યા વિના ન રહે. સંત તુલસીદાસે યથાર્થ જ લખ્યું છે કે 'તુલસી ! હાય ગરીબકી, કભી ન ખાલી જાય.'
પરલોકના હિતની વિચારક સમજદાર વ્યક્તિ આવી હિંસક-ઘોર પાપમય પ્રવૃત્તિથી સ્વયંને કેવી દૃઢતાથી બચાવે તેનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ જૈન શાસ્ત્રોમાં મળે છે :
અઢી હજાર વર્ષ પૂર્વેના સમયખંડમાં રાજગૃહીનગરીમાં ભયાનક હિંસાખોર કાલસૌકરિક નામે કસાઈ વસતો હતો. એ બહુ મોટી સંખ્યામાં નિત્યના હિંસાના તાંડવ ખેલતો હતો. એનો એક પુત્ર હતો. નામ એનું સુલસ. એ સમજદાર વિચારક હતો. એને આ ઘોર હિંસાની પરલોકબાધક પ્રવૃત્તિની સખ્ત નફરત હતી. એથી પિતાના મૃત્યુ બાદ સ્વજનોએ એને હિંસાનો ધંધો સંભાળી લેવાનો આગ્રહ કર્યો ત્યારે એણે એ આગ્રહનો ધરાર ઇન્કાર કર્યો. 'કોઈ જીવની હાય મારે લેવી નથી અને દુર્ગતિનાં દ્વાર મારે ખોલવા નથી.' આ નિર્ધાર એણે અત્યંત દૃઢતાથી ઘૂંટયા કર્યો.
આખરે સુલસ પર સ્વજનોનું દબાણ એ હદે વધી ગયું એ અજ્ઞાન સ્વજનો એમ બોલવા માંડયા : 'તારે કતલનો આ વ્યવસાય કરવો જ પડશે એમાં જે પાપો લાગે એ અમને આપી દેજે. ' સુલસ સમજતો હતો કે આમ કહી દેવાથી કાંઈ પાપોથી- એની સજાથી છૂટી ન શકાય. સ્વજનોને આ બોધપાઠ પ્રત્યક્ષપણે આપવા એણે અન્ય કાર્ય કરતાં કરતાં જાણી- બુઝીને કુહાડાનો નાનો શો ઘા પોતાના પગ પર માર્યો, લોહીની ધાર છૂટી. સુલસ વેદનાથી તીવ્ર ચીસો પાડતા બોલ્યો : ' આ દુ:ખ અસહ્ય છે. તમે આ દુ:ખ થોડું થોડું વહેંચી લો.' સ્વજનોએ કહ્યું : ' ઘા તને થયો છે. તો એનું દુ:ખ અમે શી રીતે લઈ શકીએ ?' સુલસે તુર્ત અનુસંઘાન કર્યું કે ' તો પછી પાપો હું કરું, એ તમે શી રીતે લઈ શકો ?'
૩) ઉભયલોકબાધક નિંદ્ય પ્રવૃત્તિ ત્યાગ : કેટલીક નિંદ્ય પ્રવૃત્તિઓ એવી છે કે એના દુષ્યરિણામો આ લોકમાં અને પરલોકમાં વ્યક્તિને અનુભવવા પડે છે. એથી અહીં શબ્દ પ્રયોગ થયો છે ઉભયલોકબાધક. ઉભયલોક એટલે આ લોક અને પરલોક. ધર્મરત્નગ્રન્થના ટીકાકાર આવી પ્રવૃત્તિરૂપે જુગાર- દારુ- ચોરી-પરસ્ત્રીગમન વગેરે સાત વ્યસનોનો ઉલ્લેખ કરે છે. આ વ્યસનો એવા છે કે જે વર્તમાન જન્મમાં અપયશ- જેલ- ખૂન જેવાં નુકસાનો નોંતરે અને ભાવિ જન્મમાં દુર્ગતિ-દરિદ્રતા- દુર્ભાગ્ય જેવાં નુકસાનો નોંતરે.
ધર્મરાજ યુધિષ્ઠિર હો કે મહાબલવાન નળરાજા હો : એમણે એકમાત્ર જુગારનાં વ્યસનનાં કારણે સર્વસ્વ ગુમાવ્યું, ઘણું કષ્ટ વેઠયું અને અપયશ નોંતર્યો. તો ગુર્જરેશ્વર રાજા અજયપાલે પરસ્ત્રીગમનનાં પાપનાં કારણે કૂતરા જેવું કનિષ્ઠ મોત મેળવ્યું. રાજા અજયપાલની એ જીવનઘટના આપણે સંક્ષેપમાં નિહાળીએ :
પરમાર્હત જીવદયાજ્યોતિર્ધર સમ્રાટ કુમારપાલ પછી ગુજરાતનો નાથ બન્યો રાજા અજયપાલ. નાસ્તિક અને અનેક કુટેવો ધરાવતા રાજાને પોતાના બે યુવાન અંગરક્ષકોની માતા સાથે અનૈતિક સંબંધો હતા.' પાપ પીપળે ચડીને પુકારે' એ ન્યાયે આ વ્યભિચાર એ અંગરક્ષકોના ખ્યાલમાં આવી ગયો. એક રાતની વાત. ઘાંઘો અને વૈજલી નામે એ બન્ને અંગરક્ષકો રાજાના મહેલમાં ફરજ પર હતા. એમની માતા ઘરે એકલી હતી. રાજા તક સાધીને અંધારી રાત્રે ચોરની જેમ એકાકી એનાં ઘરે પહોંચી ગયો અને ત્યાં વ્યભિચારની વિકૃત લીલા રચાઈ. આ તરફ, શંકા હોવાનાં કારણે બન્ને યુવાન ભાઈઓ બહાનું બતાવી ઘરે ઉપડયા. રાજા રંગે હાથે ઝડપાઈ જતાં બન્નેએ આક્રોશની પરાકાષ્ઠાએ રાજા પર ધડાધડ તલવારોના ઘા કર્યા. ભયંકર ઘાયલ રાજા જેમ તેમ જીવ બચાવીને ભાગ્યો. લોહીલુહાણ રાજા કોઈની નજરે ન ચડી જવાય તેમ છુપાતો ઘસડાઈને જતો હતો.
એને અત્યંત તરસ લાગી હોવાથી એક ઘરની બહારની ખુલ્લી કુંડીમાંથી પાણી પીવા માંડયો. અવાજ આવતાં જાગી ગયેલ ઘરમાલિકે કૂતરું પાણી બગડતું હશે સમજી ઉપરથી મોટો પથ્થર ફેંક્યો. રાજાના ત્યાં જ રામ રમી ગયા ! પરસ્ત્રીગમનનું પાપ રાજાને કેવા કરુણ મોત તરફ લઈ ગયું !
ઉપરોક્ત ત્રણમાંથી કોઈ પણ વિભાગની નિંદ્ય પ્રવૃત્તિ હો : એમાં રાચનાર વ્યક્તિ લોકપ્રિય બની શકતી નથી. લોક એટલે ? ગ્રન્થકારે એની વ્યાખ્યા કરી છે શિષ્ટજનો-સંસ્કારી જનોનો સમૂહ. આવા સમૂહને ઉપરની એક પણ વાત ક્યાંથી પસંદ આવે ? બીજી એક સ્પષ્ટતા કે ગ્રન્થકારે જે ઉપરોક્ત ત્રણ વિભાગ કર્યા તે જલ્દીથી સમજાય તે માટે છે. આમ છતાં એ લક્ષ્યમાં રાખવું કે આ તમામ પ્રવૃત્તિ ઓછે- વધતે અંશે આ લોક-પરલોકને નુકસાનકર્તા છે. કોઈ એક જ લોકને નુકસાન કરે એમ એકાંતે ન સમજવું.
૪) દાનપ્રવૃત્તિ : ગ્રન્થકાર ભગવંત લોકપ્રિયતાનું ચતુર્થ સોપાન દર્શાવે છે દાન. વ્યક્તિ જો સંપત્તિથી સમૃદ્ધ હોય તો જેટલું શક્ય હોય એટલું દાન એણે કરતા રહેવું જોઈએ. ક્યાંક એ દાન ધર્મક્ષેત્રનું હોય, તો ક્યાંક એ દાન-દયા અનુકંપાક્ષેત્રનું હોય. એ દાનથી ક્યાંક અબોલ જીવોનાં આંસુ લુંછાય, તો ક્યાંક એનાથી દીન-અનાથ-ક્ષુધાપીડિતોના પેટ ભરાય. આવી આવી દાનપ્રવૃત્તિઓનો લાભ વ્યક્તિઓને મળ્યો હોય તો એ વ્યક્તિઓમાં દાતા લોકપ્રિય થાય અને એનો લાભ જો સંસ્થાઓને મળ્યો હોય તો દાતા સંસ્થાઓમાં લોકપ્રિય થાય. આ વિધાનની પ્રતીતિ માટે યાદ કરીએ ભારતની આઝાદી પૂર્વેના ભાવનગરરાજ્યના દીવાન પ્રભાશંકર પટ્ટણીની નાનકડી છતાં પ્રેરક ઘટના :
આઝાદી પૂર્વેના કેટલા ય રાજાઓનાં અને એમના દીવાનોનાં નામ વિસરાઈ ગયા છે. પરંતુ પ્રભાશંકર આમાં અગ્રગણ્ય અપવાદ હતા. એ ત્યારે ય લોકપ્રિય હતા અને આજે ય છે. એમાં એક મુખ્ય કારણરૂપ એમની દાનવૃત્તિ ગરીબોને સહાયની વૃત્તિ યાદ કરીએ તો, એક વાર એ મુંબઈના રાજમાર્ગ પરથી જતા હતા, ત્યાં પાછળથી બૂમ આવી : ' એય પટણા, તું અહીં બની-ઠનીને ફરે છે અને મને ખાવા-પહેરવાનાં ઠેકાણાં નથી. કાંઈ મદદ કર. સાથે રહેલ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા કે દીવાનને તુંકારે અને 'પટણા' જેવા તુચ્છકારે બોલાવનાર આ કોણ છે ? પ્રભાશંકરે ખીસામાં બસો રૂપિયા હતા તે એને મલકતા મુખે આપી દીધા. એ કાળે બસો રૂ. મોટી રકમ હતી. પેલી વ્યક્તિ રાજી થઈને ગઈ. અધિકારીઓએ એની તોછડી ભાષાની વાત કાઢતા પટણીએ હસીને કહ્યું : ' એ મારાથી વયમાં મોટા હતા. એથી આવું બોલે. એ શબ્દોથી ખોટું ન લગાડાય, એની -જરૂરિયાત સંતોષાઈ એનો આનંદ માણવો જોઈએ.
ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને દળવા ;
તમારા કર્ણ-નેત્રોની, ઉઘાડી રાખજો બારી...









