દરમાં જવું હોય તો સાપે સીધા થવું જ પડે...મોક્ષમાં જવું હોય તો વ્યક્તિએ સરલ થવું જ પડે...

- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- 'દર્દ જેમ શરીરનાં સ્તરે સૌથી વધુ નુકસાન કરે, તેમ કામ-ક્રોધ- અહંકારાદિ દોષો આત્માનાં સ્તરે સૌથી વધુ નુકસાન કરે. દર્દ થતાંર્વેત-રોગનો ખ્યાલ આવતાંવેંત વ્યક્તિ ડોક્ટર પાસે પહોંચી જાય છે અને કાંઈ શરમ-લજ્જા અનુભવ્યા વિના જે અંગમાં જે દર્દ થતું હોય તે યથાવત્ કહે. સરવાળે વ્યક્તિ આસાનીથી રોગમુક્ત બને. આ જ ઉપક્રમ દોષો માટે હોવો જોઈએ કે પોતાના દોષોની-દોષજન્ય પાપોની સંપૂર્ણ આલોચના કોઈપણ પ્રકારની શરમ લજ્જા અનુભવ્યા વિના સદ્ગુરુભગવંત પાસે કરવી જોઈએ. તો પ્રાયશ્ચિત્તાદિનાં માધ્યમે દોષમુક્તિ મળે.'
શુદ્ધ ધર્મપ્રાપ્તિમાં ભૂમિકારૂપ જે એકવીશ ગુણો ધર્મરત્નપ્રકરણગ્રન્થમાં દર્શાવાયા છે તેમાં આજે આપણે વિચારીશું સાતમા ક્રમનો ગુણ. એનું નામ છે અશઠતા.
શઠતાનો અર્થ છે દંભ-લુચ્ચાઈ-કપટ. અશઠતાનો અર્થ છે સરલતા. વ્યક્તિમાં દંભ મુખ્યત્વે બે કારણે જોવા મળે : (૧) પોતાના દોષો-ખામીઓ છુપાવવા માટે અને (૨) પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે. પહેલાં કારણનો દંભ વ્યક્તિને આધ્યાત્મિક દૃષ્ટિએ પીછેહઠ કરાવે. જ્યારે બીજા કારણનો દંભ વ્યક્તિને ભૌતિક દૃષ્ટિએ પીછેહઠ કરાવે. જરા વિસ્તારથી સમજીએ આ વાત.
દર્દ જેમ શરીરનાં સ્તરે સૌથી વધુ નુકસાન કરે, તેમ કામ-ક્રોધ-અહંકારાદિ દોષો આત્માનાં સ્તરે સૌથી વધુ નુકસાન કરે. દર્દ થતાંવેંત-રોગનો ખ્યાલ આવતાવેંત વ્યક્તિ ડોક્ટર પાસે પહોંચી જાય છે અને કાંઈ શરમ-લજ્જા અનુભવ્યા વિના જે અંગમાં જે દર્દ થતું હોય તે યથાવત્ કહે. સરવાળે વ્યક્તિ આસાનીથી રોગમુક્ત બને. આ જ ઉપક્રમ દોષો માટે હોવો જોઈએ કે પોતાના દોષોની-દોષજન્ય પાપોની સંપૂર્ણ આલોચના કોઈ પણ પ્રકારની શરમ-લજ્જા અનુભવ્યા વિના સદ્ગુરુભગવંત પાસે કરવી જોઈએ. તો પ્રાયશ્ચિત્તાદિનાં માધ્યમે દોષમુક્તિ મળે. પરંતુ ત્યાં ઘણીવાર વ્યક્તિનો અહં આડો આવે કે આવી કબુલાતથી મારી છાપ શી બનશે ? એથી તે શઠતા-દંભનું આચરણ કરીને દોષો છુપાવે. આ સ્થિતિ આત્મકલ્યાણ માટે ખૂબ અવરોધક બને. જૈન શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ એક તરફ દંભ સેવે અને બીજી તરફ અતિ ઉગ્ર તપ કરે તો પણ એનું કલ્યાણ થાય નહિ.
હવે વિચારીએ બીજા કારણનો દંભ. સંસારમાં ડગલેને પગલે એવું નિહાળવા-અનુભવવા મળે છે કે વ્યક્તિ સંપત્તિનો સ્વાર્થ સિદ્ધ કરવા સિફતથી જૂઠાણાં ચલાવવારૂપ દંભ સેવે, તો નાનો-મોટો લાભ ઝડપવા કો'કને શીશામાં ઉતારવાનો દંભ સેવે, ક્યાંક કોઈને પાછા પાડવા દંભનું નાટક કરે, તો ક્યાંક ગુના છુપાવવા દંભ આચરે. જો કે, આમાં ઘણી વાર એવું ય બને કે દંભનો ચહેરો ખુલ્લો થઈ જતાં વ્યક્તિ અન્યોની નજરમાંથી સાવ ઉતરી જાય : પેલા યુવાનોની જેમ.
સવાર સવારમાં એક ભાઈ બસ પકડવાની ધૂનમાં જાણે આંખો મીંચીને દોડતા હતા. અચાનક એમનો પગ કેળાની છાલ પર પડયો અને એ લપસીને જોશભેર પટકાયા. પછડાટ એટલી જોરમાં હતી કે ભાઈનું હાડકું ભાંગી ગયું. ઉભા કેવી રીતે થવું અને ઘરે કેવી રીતે પહોંચવું એની ચિંતા ભાઈને ઘેરી વળી. કારણકે અહીં આસપાસમાં એકે ય સ્વજન મળે તેમ ન હતું.
પણ...ભાઈના સદ્નસીબે અચાનક ચાર-પાંચ સેવાભાવી યુવાનો દોડતા આવી ગયા. ભાઈને સાવચેતીથી ઊંચકી તેઓ રોડના કિનારા પરના હાડવૈદ્યના દવાખાને લઈ ગયા. ત્યાં હાડવૈદ્ય પાસે હાડકું બેસાડી પાટાપીંડી સુધીની સારવાર પણ એ સેવાભાવી યુવાનોએ જ કરાવી. એ દરમ્યાન જ યુવાનોએ ભાઈ પાસેથી ફોનનંબર લઈ ભાઈના ઘરે જાણ કરી. પાટાપીંડી થઈ ત્યાં સુધીમાં ભાઈના સંબંધીઓ કાર લઈને લેવા આવી ગયા. યુવાનોનાં કારણે આ બધી પ્રક્રિયા એવી સ્મૂથ થઈ કે ભાઈને કાંઈ ચિંતા ન કરવી પડી. તેઓ પ્રભાવિત થઈ ગયા યુવાનોથી કે આજના કાળમાં આવા પરગજુ અને સેવાભાવી લોકો હોય છે ખરા.
કારમાં બેસી ઘરે જવા રવાના થતાં પૂર્વે ભાઈએ કૃતજ્ઞાતા દાખવી દરેક યુવાનને પાંચસો-પાંચસો રૂ.ભેટ આપ્યા અને સાથે પૂછયું : ' તમે આટલો સમય મારા માટે આપ્યો તો તમારી નોકરી કે ધંધામાં ખલેલ ન પડી ? શું કામકાજ કરો છો તમે ?'
પેલા યુવાનો મૌન રહ્યા. પરંતુ દવાખાનાની બાજુવાળા દુકાનદારે વચ્ચે દરમ્યાનગીરી કરતા કહ્યું કે ' બસ, એમનો આ જ ધંધો છે કે રાત્રે રોડ પર કેળાંની છાલો નાંખી જવી અને દિવસે તમારા જેવા કો'ક ઇજાગ્રસ્ત થાય ત્યારે ઊંચકીને આ દવાખાને લાવવા. આ માટે હાડવૈદ્ય તરફથી એક કેસદીઠ કમિશન આમને અપાય છે. ઉપરાંત તમારા જેવા ભદ્રિક દર્દીઓ મોટું ઇનામ આપે તે અલગ!'
ભાઈ સ્તબ્ધ બની ગયા આ વિચિત્ર સેવાભાવી (!) યુવાનોની વિચિત્ર હરકત પર...
શઠતા-દંભ કેવો ખતરનાક હોય છે તે 'અધ્યાત્મસાર' ગ્રન્થના એક શ્લોક પરથી સમજાય છે. એ શ્લોક કહે છે કે :-
સુત્યજં રસલામ્પટચં,
સુત્યજં દેહભૂષણમ્ ;
સુત્યજા: કામભોગાધા :
દુસ્ત્યજંદમ્ભસેવનમ્.
ભાવાર્થ કે રસનાની લંપટતા-સ્વાદનો ત્યાગ કરવો હજુ આસાન છે, દેહની સારસંભાળ-શૂશ્રૂષાનો ત્યાગ હજુ આસાન છે ; અરે ! કામભોગનો ત્યાગ પણ હજુ આસાન છે. દુષ્કર છે માત્ર દંભસેવનનો ત્યાગ. આ શ્લોક એ નિર્દેશ કરે છે કે ત્યાગ અને વૈરાગ્ય આચારમાં દૃશ્યમાન થાય તેવું જીવન હજુ સહેલું છે પરંતુ મનમાંથી દંભ-માયાની વૃત્તિ છૂટવી કાફી કઠિન છે !
હવે આપણે વિચારીએ ધર્મરત્નપ્રકરણગ્રન્થકારે સ્વયં ગાથામાં દર્શાવેલ દંભનાં બે નુકસાનો. અલબત્ત, ગાથામાં સકારાત્મક શૈલીની રજૂઆત છે કે જે અશઠ-નિષ્કપટ છે તેને આ બે વિશિષ્ટતાઓ મળે છે. આપણે એ જ પદાર્થ નકારાત્મક શૈલીથી રજૂ કરી રહ્યા છીએ કે જે શઠ-નિષ્કપટ દંભી છે તેને બે નુકસાનો મળે છે. આ રીતે અન્યત્ર પણ ક્યાંક રજૂઆતશૈલીમાં ફર્ક રખાશે, પરંતુ પદાર્થ એ જ રહેશે.
દંભનું પ્રથમ નુકસાન એ છે કે દંભી-કપટી વ્યક્તિ ક્યારે ય અન્યો માટે વિશ્વાસપાત્ર ન રહે. વ્યક્તિગત હો કે સમષ્ટિગત અનુભવ હો : એમાં એ ખાસ નિહાળવા મળે છે કે એક-બે વાર જે વ્યક્તિ કપટ કરીને- ખોટું બોલીને છેતરી ગઈ હોય એના પર પછી કોઈ વિશ્વાસ ન મૂકે. અરે ! પછી એ ખરેખર નિષ્કપટપણે વર્તે-સાચું બોલે તો પણ વ્યક્તિને-સમાજને એનાં વાણી-વર્તન પર વિશ્વાસ ન પ્રગટે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બાળકથાઓમાં પૂર્વે આવતી 'વાઘ આવ્યો રે વાઘ' કથા. શરૂઆતમાં બે વાર ભરવાડબાળકે લોકોને દોડાવવા કપટભાવે આ જૂઠાણું ઉચ્ચાર્યું હતું અને એ કપટનો ભોગ બની લોકો બે ય વાર ધારિયા-તલવાર સાથે દોડયા પણ ખરા. પરંતુ ત્રીજી વાર જ્યારે ખરેખર વાઘ આવ્યો અને બાળકે બૂમો પાડી ત્યારે કોઈ બચાવવા ન આવ્યું. કારણ ? એની વાત-વર્તન પર કોઈને વિશ્વાસ ન રહ્યો માટે.
એથી વિપરીત વાત છે નિષ્કપટતાની. વ્યક્તિ કાયમ કપટરહિતપણે-સચ્ચાઈપૂર્વક પ્રવર્તતી હોય તો લોકોને એની વાત પર વગર તપાસે વિશ્વાસ હોય. આવી વ્યક્તિ કદાચ સંયોગવશ જાણતા-અજાણતા દંભ સેવે-ગલત બોલે તો પણ એ સમયે વિશ્વાસ અકબંધ હોવાથી એ સ્વીકારાઈ જાય. ઉદાહરણ છે 'અશ્વત્થામા હત:, નરો વા કુંજરો વા' બોલનાર યુધિષ્ઠિરનું. એ કાયમ નિર્દંભ સત્ય ઉચ્ચારતા હોવાથી, શત્રુપક્ષે રહેલ દ્રોણાચાર્યે એમની વાત વિશ્વાસથી સ્વીકારી લીધી ! હા, અહીં એક વાત ખાસ યાદ રાખવી કે એકવાર આવો દંભ-ગલત વાત આવે પછી વિશ્વસનીયતા તૂટે જ તૂટે. દંભનું-કપટનું આ ખૂબ મોટું નુકસાન છે. કારણકે 'વિશ્વાસ' માટે તો એમ કહેવાય છે કે 'વિશ્વાસ સમગ્ર વિશ્વનો શ્વાસ છે.'
દંભનું-કપટનું બીજું નુકસાન એ છે કે કપટી-વ્યક્તિ ક્યાં ય પ્રશંસાપાત્ર નથી બનતી. એ પોતાની કપટકળાના જોરે સામી વ્યક્તિને છેતરી લે-લાભ અંકે કરી લે તો ય એને શિરપાવરૂપે 'લુચ્ચો-કપટી-દગાખોર' જેવાં જ વિશેષણો મળે ! આનાથી વિપરીત, વ્યક્તિ સરલ-નિર્દંભ બનીને વર્તે તો એની ભૂલ હશે તો ય એ અન્યની નજરમાં આદર પામશે. આપણે સંક્ષેપમાં એનું ઉદાહરણ નિહાળીએ :
લોકમાન્ય ટિળક શાળામાં ભણતાં હતા ત્યારની વાત. શિક્ષકે દરેક વિધાર્થીને ગૃહકાર્યરૂપે દશ દાખલા આપ્યા હતા. શિક્ષકને પોતાને ય ખ્યાલ હતો કે દાખલા કઠિન છે. બીજે દિવસે શાળાના અન્ય વિદ્યાર્થીઓના દાખલા તપાસાયા તો કોઈનો એક-કોઈના-બે-કોઈના ત્રણ દાખલા સાચા હતા અને બાકીના ખોટા હતા. પૂરા વર્ગમાં એક ટિળક જ એવા નીકળ્યા કે જેમના તમામ દાખલા સાચા હતા. આફ્રીન થઈ ગયેલ શિક્ષકે તે કાળે જેનું મૂલ્ય ખૂબ ગણાય તે એક રૂપિયો ઇનામમાં આપ્યો, પણ.. આ શું ? બાલ ટિળક રડવા માંડયા. શિક્ષકે કારણ પૂછયું તો એ રડતા રડતા બોલ્યા : 'આમાં ચાર દાખલા મેં ગણ્યા છે, બાકીના સ્વજનોએ ગણ્યા છે' ટિળકની આ નિર્દંભતા-સરલતાથી એકદમ ખુશ શિક્ષકે બીજા ચાર રૂપિયા આપતાં કહ્યું : 'પહેલો રૂપિયો તારી હોંશિયારીનું ઇનામ હતું. આ ચાર રૂપિયા તારી સરલતાનું ઇનામ છે.'
છેલ્લે સરલતાના સંદર્ભમાં એક વાત : 'દરમાં જવું હોય તો સાપે સીધા થવું જ પડે. મોક્ષે જવું હોય તો વ્યક્તિએ સરલ થવું જ પડે...'









