મહાભારતનું યુદ્ધ જીત્યા પછી ધર્મરાજા યુધિષ્ઠિરનો વૈરાગ્યભાવ

પાંડવો અને કૌરવોના વચ્ચે થયેલા ધર્મયુદ્ધમાં અઢારક્ષોણી સેના હોમાઈ ગઈ. કૌરવકુળનો નાશ થયો. સામા પક્ષે પાંડવકુળનો પણ ક્ષય થયો. પાંચ પાંડવો, માતા કુંતિ અને દ્રૌપદી જેવાં જૂજ મહાનુભાવો જ બચ્યાં હતાં. દ્રૌપદીનાં પાંચેય પુત્રોનો અશ્વત્થામાએ વધ કર્યો હતો. આવી વિકટ પરિસ્થિતિ જોયા પછી ધર્મરાજા યુધિષ્ઠિર મહાભારતનું યુદ્ધ જીતી ગયા હતા છતાં આ યુદ્ધની વિભિષિકા જોઈને દ્રવિત થયા. તેમનું હૃદય રડી ઊઠયું. પાંચ પાંડવો અને દ્રૌપદીની હાજરીમાં મહારાજા યુધિષ્ઠિર વિલાપ કરવા લાગ્યા.
પોતાને કુળદ્રોહી, કુળઘાતકી માનીને મનમાં ને મનમાં દુ:ખી થતાં તેમણે કહ્યું :
મેં અર્જુનના પરાક્રમથી અને ભીમની અતુલ્ય શક્તિથી તેમજ ભગવાન શ્રીકૃષ્ણની કુનેહભરી સહાયતાથી આ યુદ્ધ જીત્યું છે. છતાં આ યુદ્ધમાં મારા વડીલો, ભીષ્મપિતામહ, આચાર્ય ગુરૂ દ્રોણ, અને છેલ્લે જાણવા મળ્યા મુજબ મારા મોટાભાઈ કર્ણ જેવા વીર યોદ્ધાઓને ગુમાવીને મેળવેલો વિજય મને સુખકર નથી. હસ્તિનાપુરની આ ગાદી પર બેસવા મારું મન માનતું નથી. હું વનવિચરણ કરીશ. સન્યાસ ગ્રહણ કરીશ. હિમાલયની ગુફાઓમાં રહીશ. ફળ, ફુલ કે કંદમૂળ ખાઈને બાકીની જિંદગી વ્યતીત કરીશ પરંતુ આ સિંહાસન ઉપર હું બેસી શકીશ નહિ.
ધર્મરાજા યુધિષ્ઠિરનાં આવાં હતાશાભર્યાં વચન સાંભળીને અર્જુન એમને અનેકરીતે સમજાવતાં કહે છે :
ક્ષત્રિય માટે સન્યાસ ગ્રહણ કરવો યોગ્ય નથી. તમે ક્ષત્રિય છો. વિજયશ્રીને વરેલા સમ્રાટ છો. તમારે ક્ષત્રિય ગુણધર્મ પ્રમાણે પ્રજાના કલ્યાણનું કામ કરવાનું છે. ક્ષત્રિયના ધર્મ અનુસાર તમારે રાજ્યનો વિસ્તાર કરવાનો છે. અનેક રાજ્યો જીતીને ધન એકઠું કરવું. આતતાયીઓનો સંહાર કરવો. ગૌ, બ્રાહ્મણ, પ્રતીપાળ બનવું. દાન, પૂણ્ય કરવાં. અનેક પ્રકારના યજ્ઞાો કરીને લોકકલ્યાણ કરતા રહેવું. ગુરૂ, ભક્તો અને જ્ઞાાનીજનોની સેવા કરીને તેમના આશીર્વાદ લેવા. વીરત્વને શોભે તેવાં પ્રજાહિતનાં કામ કરવાં. આપના આ શોકમય વિચારોને હઠપૂર્વક દૂર કરો. ભીમસેન, સહદેવ, નકુલ તથા દ્રૌપદીએ પણ આ રીતે ધર્મરાજાને હતાશા ખંખેરીને ક્ષત્રિયને શોભે તેવું વર્તન કરવા પ્રોત્સાહિત કર્યા.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય









