Get The App

દેવોના વૈદ્ય અશ્વિનીકુમારો પાસેથી કાયાકલ્પ કરાવી અત્યંત સુંદર અને યુવાન દેહ પ્રાપ્ત કરનાર ચ્યવન ઋષિ

વિચાર વીથિકા - દેવેશ મહેતા

Updated: Feb 27th, 2020

GS TEAM

Google News
Google News
દેવોના વૈદ્ય અશ્વિનીકુમારો પાસેથી કાયાકલ્પ કરાવી અત્યંત સુંદર અને યુવાન દેહ પ્રાપ્ત કરનાર ચ્યવન ઋષિ 1 - image


મહર્ષિ ચ્યવનનું જીવન બ્રહ્મોપાસના અને તપસ્યામાં જ વીત્યું. તે તપશ્ચર્યાની સ્થિતિમાં ખૂબ લાંબા સમય સુધી બેસી રહેતા. એમના શરીર પર ઊધઇના રાફડા જામી જતા ! 

સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માજીએ વરુણના યજ્ઞામાં એક પુત્ર ઉત્પન્ન કર્યો. એનું નામ ભૃગુ રાખવામાં આવ્યું. તપશ્ચર્યાથી ભૃગુ મહર્ષિ બન્યા. ભૃગુ ઋષિએ પુલોમા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. પુલોમાં ગર્ભવતી હતી ત્યારે તેને પ્રલોમા નામનો રાક્ષસ ઉઠાવીને લઈ ગયો. ઝડપથી દોડતી હોવાને કારણે પુલોમાનો ગર્ભ ચ્યવિત થઈ ગયો. તેને એક મહા તેજસ્વી પુત્રનો જન્મ થયો. તે પુત્રને જોતાં જ તેના તેજથી તે રાક્ષસ ભસ્મીભૂત થઈ ગયો. ભૃગુ અને પુલોમાનો એ તેજસ્વી પુત્ર જ મહર્ષિ ચ્યવન બન્યા.

મહર્ષિ ચ્યવનનું જીવન બ્રહ્મોપાસના અને તપસ્યામાં જ વીત્યું. તે તપશ્ચર્યાની સ્થિતિમાં ખૂબ લાંબા સમય સુધી બેસી રહેતા. એમના શરીર પર ઊધઇના રાફડા જામી જતા ! એમાં ચ્યવન ઋષિનું શરીર તો દેખાતું જ નહીં, માત્ર તેજથી તંગતગતી બે આંખો જ દેખાતી. એક દિવસ મનુના બ્રહ્મનિષ્ઠ પુત્ર રાજા શર્યાતિ તેમની પુત્રી સુકન્યા, એની સખીઓ અને સેના સાથે તે જંગલમાં આવી પહોંચ્યા જ્યાં ચ્યવન ઋષિનો આશ્રમ હતો. સુકન્યા એની સખીઓ સાથે વનમાં વિહાર કરવા નીકળી. ત્યાં વૃક્ષોને નિહાળતાં સુકન્યાએ એક રાફડાના છિદ્રમાં બે આગિયાની જેમ ચમક્તી ચ્યવન મુનિની આંખો જોઈ બાલ્યકાળની ચંચળતાથી તે આગિયા છે એમ સમજી તેણે બે કાંટાથી તે વીંધી કાઢી. તેમાંથી રક્તની ધારા વહેતી જોઈ તે ગભરાઈને ત્યાંથી નાસીને તેના સખી સમુદાયમાં આવી ગઈ. તેણે કોઈને કશું કહ્યું નહીં.

આ તરફ રાજા, તેનો પરિવાર અને સેના બધા જ ચ્યવન મુનિનો અપરાધ થવાથી પ્રભાવિત થયા. એમની મળ-મૂત્રાદિ ક્રિયાઓ બંધ થઈ ગઈ. રાજા શર્યાતિને ખ્યાલ આવી ગયો કે કોઈએ ચ્યવન ઋષિનો અપરાધ કર્યો હશે. તેમણે તમામને આ વિશે પૂછયું ત્યારે એમની પુત્રી સુકન્યાએ ભૂલથી જે બન્યું હતું તે કહી દીધું. તે ચ્યવનમુનિ પાસે સુકન્યાને લઈને આવ્યા. 

તેમની પૂજા- અર્ચના અને સ્તુતિ કરી તથા પોતાની પુત્રીથી અજ્ઞાાનવશ જે અપરાધ થઈ ગયો હતો તે બદલ ક્ષમા માંગી, અપરાધના પ્રાયશ્ચિત રૂપે ચ્યવન ઋષિ જેમ કહે તેમ કરવા તત્પરતા બતાવી. ચ્યવન મુનિએ શર્યાતિને કહ્યું- 'રાજન્ ! આ અપરાધ તારી કન્યાએ અજ્ઞાાનવશ કર્યો છે એ વાત સાચી. પણ હું વૃધ્ધ છું અને હવે મારી બન્ને આંખોની દૃષ્ટિ પણ જતી રહી છે તો મારું ધ્યાન કેવી રીતે રાખીશ ? જેણે અપરાધ કર્યો છે તે આ તારી સુકન્યાને જ મારી દેખભાળ માટે મૂકી જા.' રાજા શર્યાતિએ તેની પુત્રીને પૂછયું તો તેણે મુનિની પત્ની બની એમની સેવા-ચાકરી, દેખભાળ રાખવા સંમતિ દર્શાવી. શર્યાતિએ સુકન્યાના ચ્યવનઋષિ વિધિ પુર:સર લગ્ન કરાવી દીધા. એ પછી રાજા એની સેના લઈ એની રાજધાનીમાં ચાલ્યો ગયો.

જેમ દેવહૂતિએ કદર્મ મુનિની સેવા કરી હતી એમ સુકન્યાએ એના વૃદ્ધ તપસ્વી મુનિ ચ્યવનની અનન્ય પ્રેમથી સેવા કરવા માંડી હતી. તે રાત-દિવસ એમનું ધ્યાન રાખતી અને એમની તપશ્ચર્યામાં કોઈ તકલીફ ન પડે તેમ સતત સહયોગ કરતી.  એક દિવસ દેવોના વૈદ્ય અશ્વિનીકુમારો એમના આશ્રમમાં આવ્યા ચ્યવનમુનિએ એમનો ઉત્કૃષ્ટ સત્કાર કર્યો. એનાથી પ્રસન્ન થઈ બન્ને અશ્વિનીકુમારોએ તેમને કહ્યું :' બ્રહ્મન્ ! અમે તમારા પર શું ઉપકાર કરીએ ?' ચ્યવન મુનિએ જવાબ આપતાં કહ્યું- ' હે દેવો ! તમે બધું જ કરવા સમર્થ છો. તમે મારી વૃદ્ધાવસ્થા દૂર કરી મને નવયુવાન બનાવો. ગ્રહ ગ્રહીષ્યે સોમસ્ય યજ્ઞો વામપ્યસોમપો : । ક્રિયતાં મે વયો રુપં પ્રમદાનાં યદીપ્સિતમ્ ।। સોમયજ્ઞામાં જે ભાગ તમને મળતો નથી તે હું આપીશ.

મારી પત્નીને પસંદ આવે તે માટે સ્ત્રીઓને ગમે તેવી મારી ઉંમર અને રૂપ બનાવો.'તે બન્ને દેવવૈદ્યોએ એમની વાતનો સ્વીકાર કર્યો. તેમણે એક દિવ્ય સરોવરનું નિર્માણ કર્યું. અભિમંત્રિત જળવાળા એ સિદ્ધ સરોવરમાં ચ્યવન મુનિએ સ્નાન કર્યું. એમની સાથે બન્ને અશ્વિનીકુમારોએ પણ એમાં ડુબકી મારી. થોડીવાર પછી તેમાંથી ત્રણ એક સરખારૂપવાળા અત્યંત સુંદર, નવયુવાન શરીરવાળા પુરુષો બહાર આવ્યા. ચ્યવનમુનિનો કાયાકલ્પ થઈ ગયો હતો. અત્યંત વૃદ્ધ, કરચલીઓવાળો, બધે નસો દેખાતી હોય એવો દેહ હવે અત્યંત સુંદર અને યુવાન થઈ ગયો હતો. સુકન્યાની પતિવ્રતાની કસોટી કરવા અશ્વિનીકુમારોએ દૈવી સરોવરમાંથી એક સરખા દેખાવવાળા ત્રણ દેવતાઈ રૂપો પ્રગટ કર્યા હતા. તેણે અશ્વિનીકુમારોની ખૂબ સ્તુતિ કરી અને એ ત્રણમાંથી પોતાના પતિને અલગ દર્શાવવા વિનંતી કરી.

એનાથી સંતુષ્ટ થઈ બન્ને અશ્વિનીકુમારો ત્યાંથી અંતર્ધાન થઈ ગયા હતા અને સુકન્યા એના અતિ સુંદર, નવયુવાન શરીરવાળા પતિ ચ્યવન મુનિ સાથે રહેવા લાગી હતી, સુકન્યાના પિતા રાજા શર્યાતિ પણ પ્રથમ તો કાયાકલ્પ પામેલા, નિરોગી, બન્ને આંખે દેખતા, સુંદર, યુવાન જમાઈ ચ્યવનને ઓળખી શકયા નહોતા ! પછી ચ્યવન મુનિએ રાજા શર્યાતિ પાસે સોમયાગ કરાવ્યો અને પોતાની શક્તિથી સોમયાગથી વંચિત રહેતા અશ્વિનીકુમારોને સોમભાગ આપ્યો હતો. દેવરાજ ઇન્દ્ર ગુસ્સે ભરાઈ વજ્ર લઈને મારવા આવ્યા તો ચ્યવન મુનિએ વજ્ર સાથે એમનો હાથ જડ, નિષ્ક્રિય બનાવી દીધો હતો. ચ્યવન મુનિને પ્રમતિ નામનો પુત્ર જન્મ્યો હતો. તે બધા ભૃગુવંશમાં ઉત્પન્ન થવાથી' ભાર્ગવ' કહેવાયા. 

Tags :