વ્રજની હોળી અને ધૂળેટી રંગ અને રસનો દૈવી ઉત્સવ !
વિચાર વીથિકા - દેવેશ મહેતા
હોળી-ધૂળેટીના દિવસે વ્રજમાં એકેય હાથ કે ચહેરો એવો નથી હોતો જે રંગથી રંગાયેલો ન હોય અને એકેય સ્થાન એવું નથી હોતું જે અબીલ- ગુલાલના વાદળથી રંગીન ન બન્યું હોય.
ભગવાન શ્રીકૃષ્ણના હજારો નામોમાં કેટલાક નામ છે- 'નિત્યોત્સવો, નિત્યસૌખ્યો નિત્યશ્રી નિત્યમંગલ :। એટલે કે તે નિત્ય ઉત્સવમય, સદાસુખમય, સદા શોભામય અને સદા મંગલમય છે. એટલે જ વ્રજમંડળમાં સદાય ઉત્સવ થતા રહે છે અને વ્રજેશ્વરનો સંબંધ આનંદદાયક, રસમય અને મંગલકારી હોય છે, ભગવાનની ભક્તિના બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. ૧) વૈધી ૨) રાગાનુગા. વૈધી ભક્તિ વિધિ-વિધાન પર આધારિત છે જ્યારે રાગાનુગા પ્રેમ અને અનુરાગ પર આધારિત છે. ભગવાન શ્રીકૃષ્ણ આનંદ અને પ્રેમ રસનો સાગર છે. આનંદકાર, પ્રેમાકાર પર બ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણને રાગાનુગા ભક્તિ વિશેષ પ્રિય છે. એટલે જ વ્રજમાં વ્રત, તહેવાર વિધિ- વિધાનયુક્ત ઓછા અને રસમય, પ્રેમ ભરેલાં વધારે હોય છે. પ્રેમની પ્રધાનતાને કારણે આનંદ, ઉલ્લાસ, ઉમંગ અને મોજ-મસ્તી વ્રજના ઉત્સવો તહેવારોની વિશેષતા છે.
વ્રજની હોળીના આનંદ-ઉલ્લાસ આગળ સ્વર્ગનો આનંદ પણ ફીકો અને નિરસ લાગે છે. એટલે જ ભક્ત કવિ નાગરીદાસે લખ્યું હતું- 'સ્વર્ગ બૈકુંઠ મેં હોરી જો નાહિ તો કોરી કહા લૈ કરે ઠકુરાઈ.' રાધા-કૃષ્ણના જીવનકાળથી જ અનુરાગના આ તહેવારને વ્રજના ગામે ગામ અને ઘરે ઘરમાં લોકો રાગ અને રંગ મોજ અને મસ્તી, હાસ્ય અને કટાક્ષ તથા ગીત અને નૃત્યની અવનવી અભિવ્યકિતઓ સાથે હર્ષ-હેતથી માણે છે. હોળી-ધૂળેટીના દિવસે વ્રજમાં એકેય હાથ કે ચહેરો એવો નથી હોતો જે રંગથી રંગાયેલો ન હોય અને એકેય સ્થાન એવું નથી હોતું જે અબીલ- ગુલાલના વાદળથી રંગીન ન બન્યું હોય. એકેય વ્યકિતનું વસ્ત્ર એવું નહીં હોય જે પિચકારીમાં ભરેલા કેસૂડાના રંગથી ભીંજાયેલું ન હોય.
રસિક શિરોમણિ શ્રીકૃષ્ણ અને પ્રેમરસ પરિપૂર્ણા રાધિકા સાથે ટોળીમાં વ્રજવાસીઓ એકમેક પર રંગ છાંટતા હર્ષોલ્લાસથી ગીતો ગાતા, હાસ્ય-કટાક્ષ કરતા ફરતા હોય એની મસ્તીનું વર્ણન શબ્દોથી શી રીતે કરી શકાય ? વ્રજના કવિઓએ એ માટે પ્રયાસ કર્યો છે
'આજ બિરજમેં હોરી રે રસિયા,
હોરી રે રસિયા બરજોરી રે રસિયા ।
કોન કે હાથ કમોરી રે રસિયા ।।
કૃષ્ણ કે હાથ કનક પિચકારી,
રાધા કે હાથ કમોરી રે રસિયા ।।
ઉડત ગુલાલ લાલભયે બાદર
કેસર રંગ કો ઘેરી રે રસિયા ।।
રસિયા કૃષ્ણે વ્રજમાં એવી ધમાલ મચાવી છે કે તે રંગ નાખ્યા વિના કોઈને છોડતા નથી. બિચારી ગોરી રાધા અને ગોપી રસિયા શ્યામસુંદરને વારંવાર અનુનય, વિનય, વિજ્ઞાપ્તિ કરે છે કે તું મારા પર રંગ ના નાંખ, મારા વસ્ત્રોને પિચકારી મારી ના ભીંજવ, મારી સાસુ અને નણંદ મને લઢશે. તું મને રંગીશ તો હું તને ગાળો દઇશ :
'મત મારો શ્યામ પિચકારી, અબ દેઉંગી ગારી ।
ભીજેગી લાલ નઈ અંગિયા, ચૂંદરિ બિગરેગી ન્યારી ।
દેખેંગી સાસ રિસાયેગી મો પે, સંગકી ઐસી હે દારી ।
હઁસેગી દે દે તારી ।
જો કે આવી રાવ-ફરિયાદ- વાંધો- વિરોધ દર્શાવ્યા પછી તે પોતે જ રંગોત્સવમાં તદ્રૂપ- તલ્લીન- તન્મય થઈ જાય છે તે કૃષ્ણના હાથે રંગાય છે તે માટે, એમની પિચકારીથી ભીંજાય છે તે માટે પોતાને મહાભાગ્યશાળી માનવ ! લાગે છે તે કહેવા લાગે છે- હે કૃષ્ણ ! હવે તું તારી ઇચ્છા હોય તે કરી લે. મારા પર જ્યાં રંગ નાંખવો હોય ત્યાં નાંખી લે પણ કેવળ મારી આ આંખોમાં રંગ ના નાખીશ. નહીંતર હું તારું આ અનુપમ રૂપ કેવી રીતે જોઈ શકીશ ? એટલા માટે મેં થોડો ઘૂંઘટ નાંખી રાખ્યો છે. એને તું ના હટાવ :
'ભાવૈ તુમ્હૈ સો કરો મોહિ લાલ,
પૈ પાઉ પરૌ, જિન ઘૂંઘટ ટારો ।
વીર કી સૌં હમ દેખિ હૈ કૈસે,
અબીર કી સૌં હમ દેખિહૈ કૈસે,
અબીર તો આંખ બચાય કે ડારો ।।
રસિયામાં વ્રજાગંનાઓની કૃષ્ણનો બદલો લેવાની પણ મધુર રીત યોજાય છે. રસિયાએ અમને બહુ હેરાન કરી છે આજે એને હેરાન કરવાનો અવસર આવ્યો છે એ અમે છોડવા માંગતા નથી. 'હોરી ખેલન આયો શ્યામ આજ યાય રંગમેં બોરૌ રી । કોરે-કોરે કલસ મંગાઓ રંગ-કેસર ઘોરી રી । રંગ-બિરંગૌ કરો આજ કારે તે ગૌરો રી । પીતાંબર લેઉ છીન યાહિ પહરાય દેઉ ચોરો રી । હરે બાંસ કી બાંસુરિયા જાહિ તોહ મરોરો રી । હા-હા ખાય પરૈ જબ પૈયા તબ યાહિ છોરો રી । વ્રજનો ફાગ ઉત્સવ સ્વર્ગના સુખને પણ ભૂલાવી દે તેવો છે. એટલે જ રસિક હૃદયના પ્રેમી ભક્તો ઇચ્છે છે- 'બરસાને ચલો ખેલે હોરી । પર્વત પે વૃષભાન મહલ હૈ, જહાં બસે રાધા ગોરી ।। જો રસ વ્રજકે મોહિ, સો રસ તીન લોક હૈ નાહિ ।'