ટેન્શનથી મુક્ત કેવી રીતે બનશો ?
'કોઈપણ કાર્ય કરવા માટે તેની અગાઉથી તૈયારી અવશ્ય કરવી જોઈએ. સાથે સાથે તે પ્રમાણે પુરુષાર્થ પણ કરવો જોઈએ, પરંતુ પછી તેની રાત્રિ અને દિવસ ચિંતા કરવી તે વ્યાજબી નથી. કામના સમયે કામ, ભોજનના સમયે ભોજન અને આરામના સમયે આરામ પણ કરવો જોઈએ. પુરુષાર્ણ કરીને કાર્ય છોડી દેવું જોઈએ, પછી ભગવાન જે ફળ આપે તેને સ્વીકારવાની તૈયારી રાખીશું
(કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ દીક્ષા ગ્રહણ કરી તેને ૭૮ વર્ષ પૂર્ણ..)
આજના સમયમાં સવારથી માંડીને સાંજ સુધી માણસ દોડતો જ હોય છે. બે ટાઈમ શાંતિથી પરીવાર સાથે ભોજન લેવાનો પણ તેને સમય નથી હોતો, ભોજન લેતા- લેતાં પણ તેનો મોબાઈલ ફોન રણક્તો હોય છે. રાત્રે સૂવે ત્યારે પણ અને સવારે જાગે ત્યારે પણ તે મોબાઈલ ચેક કરે છે. સતત કલાકોના કલાકો આટલી બધી મહેનત કરવા છતા પણ માસની ઉપાધિઓ શમતી નથી. શાંતિ મળતી નથી. તો શાંતિ મળે તે માટે શું કરવું જોઈએ ? ટેન્શનથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ ? આ એક સાંપ્રત સમયનો મહાજટિલ પ્રશ્ન છે ?
જો આપણે ટેન્શનથી મુક્ત થવું હોય તો, શું કરવું જોઈએ ? તેનો સરળ અને સચોટ ઉપાય શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગરના મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ તેમના એક પ્રવચનમાં બતાવ્યો હતો. આવો તેને અત્રે જાણીએ, અને ટેન્શનથી મુક્ત બનીએ.
'કોઈપણ કાર્ય કરવા માટે તેની અગાઉથી તૈયારી અવશ્ય કરવી જોઈએ. સાથે સાથે તે પ્રમાણે પુરુષાર્થ પણ કરવો જોઈએ, પરંતુ પછી તેની રાત્રિ અને દિવસ ચિંતા કરવી તે વ્યાજબી નથી. કામના સમયે કામ, ભોજનના સમયે ભોજન અને આરામના સમયે આરામ પણ કરવો જોઈએ. પુરુષાર્ણ કરીને કાર્ય છોડી દેવું જોઈએ, પછી ભગવાન જે ફળ આપે તેને સ્વીકારવાની તૈયારી રાખીશું. તો ટેન્શન નહિ રહે. ટેન્શનથી મુક્ત થવું હોય તો, પોતાનો જીવન વ્યવહાર ભગવાનને સોંપી દેવો જોઈએ. સવારથી રાત્રી સુધી ખૂબ કામ કરો. ખૂબ મહેનત કરો, પછી ભગવાનને યાદ કરીને સૂઈ જાવ પછી જે ફળ ભગવાન આપે તેને સ્વીકારો. એમાં રાજી રહો. તો હતાશા નહિ આવે, ટેન્શન નહી લાગે. અને બીજા દિવસથી ફરી પુરુષાર્થ કરી શક્શો. અને જીવનમાં કાંઈક હાંસલ કરી શક્શો.
આપણને બધાને અનુભવ છે કે, ઘણી વખત મહેનત બહુ કરી હોય, પણ ફળ સામાન્ય મળે છે. ઘણી વખત મહેનત ઓછી કરી હોય, અને ફળ મોટું મળે છે. ધાર્યામાં પણ ના આવે, તેવું મળે છે. કેમ આવું થાય છે ? માણસનું કામ છે, કાર્ય કરવાનું, ફળ પ્રદાત્તા ભગવાન છે, તેથી ભગવાન જે આપે તેમાં સંતોષ માનવો, અને હર હાલમાં સુખી રહેવું.
સ્વયં ભગવાને કહ્યું છે કે, કર્મ કર્યા કરો. ફળ હું આપીશ.
તેથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના કર્તાપણાને આપણે સ્વીકારીશું તેટલું ટેન્શન ઓછું થશે.'
આવો, સરસ ટેન્શનમાંથી મુક્ત થવાનો ઉપદેશ આપણે સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ એ આપ્યો છે. તેમની પાસે જવાથી આપણા જટિલ પ્રશ્નોના સમાધાન મળી જાય છે. તેમની પાસે બેસવાથી મનના સંકલ્પો શમી જાય છે. તે એક અનુભવી સંત છે. આજે તેમને સંત જીવન સ્વીકાર્યું એને ૭૮ વર્ષ પૂર્ણ થયા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પોતાના ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીના વચને આજથી ૭૮ વર્ષ પૂર્વે કડીમાં સંવત્ ૧૯૯૮ના ફાગણ સુદ ત્રીજના દિવસે દીક્ષા આપી હતી.
હાલ, તેઓ ૯૯ વર્ષે પણ આપણા પ્રશ્નોના તરત સોલ્યુશન આપે છે કારણકે, તે અનુભવી સંત છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય સંત છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે સારાય વિશ્વમાં મોટા મોટા મંદિરો છે, અનેક સંતો વિચરણ કરીને સંસ્કારોનું સિંચન કરે છે, એ આનંદની વાત છે, પરંતુ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ વિદેશની ભૂમિ ઉપર ઇ.સ.૧૯૪૮માં તેમના ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને તેમણે પ્રથમ પગ મૂક્યો હતો. અને શ્રી સ્વામિનારાયણ ભગવાને બતાવેલા સિધ્ધાતોના પ્રવર્તનના તેમણે પાયા નાંખેલા છે. કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીના મનુષ્ય સ્વરુપના દર્શન કરેલા હોય તેવા એક માત્ર હાલ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ સંત છે. માત્ર જીવનપ્રાણ સ્વામીબાપાએ મણિનગરમાં જ્યારથી પાયા નાંખ્યા ત્યારથી તેમની સાથે પડછાયાની જેમ રહ્યા છે. અને શૂન્યમાંથી સર્જન કરવા માટે પોતાનું સમગ્ર જીવન તેમણે સમર્પિત કરી દીધું છે. જીવનપ્રાણ સ્વામીબાપાએ બતાવેલા ત્યાગી સંતોના નિયમધર્મો અકબંધ રહે, તે માટે તેમણે ૬૨ વર્ષની વયે ફરીથી માત્ર હાથમાં પૂજાની ઝોળી અને ભગવાનના નામની માળા લઈને એ જ મણિનગરમાં ફરી ધૂણી ધૂણી ધખાવી છે. તેમનું જીવન સાદગીથી ભરેલું છે.
મોટાઈનો આડંબર નહી, પ્રવચનમાં શબ્દોની કોઈ ઝાકમઝોળ નહીં.
મોં પર આધ્યાત્મિકતાનું ભારેખમપણું નહીં.
ઉપકાર કર્યાનો લગારેક પણ અણસાર નહીં.
બસ! શ્રી સ્વામિનારાયણ ભગવાને, જીવનપ્રાણ બાપાશ્રી અને ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ જે જ્ઞાાનમૃત આપ્યું છે, તે સૌને પીરસવાનો આગ્રહ અને ઉત્સાહ આટલી ઉંમરે પણ છે.
આવા, શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગર- અમદાવાદના વિરલ સંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને તેમના ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ દીક્ષા આપી તેને ફાગણ સુદ- ત્રીજ તા.૨૬માર્ચના રોજ ૭૮ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આપણે સહુ કોઈ તેમણે આપેલા જીવન સંદેશને જીવનમાં ચરિતાર્થ કરીએ, અને આવા વિરલ સંત વધુ સમય સુધી આપણા સહુ વચ્ચે રહે અને જનસમાજને તેમનો લાભ મળતો રહે તે માટે આપણે સહુ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે, તેમને સ્વસ્થ દીર્ઘાયું અર્પે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ