Magazines

શ્રી રામકૃષ્ણ પરમહંસ એક ઝલક

By GS Team
20 Feb 20204 mins read
This article was originally published on 20 Feb 2020
શ્રી રામકૃષ્ણ પરમહંસ એક ઝલક

બીજાનું સુખ જોઈ દુઃખી થાય તેને ઇર્ષ્યાળુ કહે છે, બીજાનું દુઃખ જોઈ સુખી થાય તેને દુર્જન કહે છે, બીજાના સુખે સુખી થાય તેને સજ્જન કહે છે પણ બીજાના દુઃખે દુઃખી થઈ તેનું દુઃખ દૂર કરે તેને જગત સંત કહે છે.

સંત સમાગમ પારસમણિ જેવો હોય છે. નારદ મુનિનો સંપર્ક થતાં વાલિયો લૂંટારો વાલ્મીકિઋષિ બન્યા, સતી તોરલના સંગે બહારવટિયો જેસલ ભક્ત બન્યો. એ જ રીતે શ્રી.રામકૃષ્ણ પરમહંસના સંપર્ક આવતાં જ એક નરેન્દ્ર નામનો યુવાન સ્વામી વિવેકાનંદ બની ગયા.

શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળમાં કામારપૂકુર ગામે એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ કુટુંબમાં થયો. બાળપણથી જ કુળદેવતા શ્રી. રામચંદ્રની ભક્તિમાં ગળાડૂબ રહેતા. દોડવું હતું ને ઢાળ મળ્યો એ ન્યાયે ભક્તિ જોઈ તેમને કલકત્તાના દક્ષિણેશ્વર કાલીમાતાના પૂજારીનું પદ સોંપાયું.

મહાકાલીની ભક્તિમાં એટલા તલ્લીન રહેતા કે કંઈ સૂધબૂધ જ ન રહેતી. પરિવારને ચિંતા થઈ. સંસાર છોડી ચાલ્યા ન જાય એટલે તાત્કાલિક શારદામણિ સાથે લગ્ન કરાવી દીધાં. બન્યું ઊલટું. સંગ તેવો રંગ. સોબત તેવી અસર. શારદામણિ પણ ભક્તિમય બન્યાં, જાણે અત્રિ- અનસૂયાની જોડી. 

મહાકાલીના સાક્ષાત દર્શનની લગની લાગી. રાતદિવસ સાધના કરી પરિણામ ન આવતાં પરમહંસે તલવારથી પોતાના મસ્તકનું બલિદાન આપવા જેવી તલવાર મસ્તકે મૂકી કે મહાકાલીએ દર્શન આપ્યાં. જેહિ કે જેહિ પર સત્ય સ્નેહૂ સો તેહિ મિંલઈ ન કછૂ સંદેહૂ- મંત્ર સિદ્ધ થયો. 

આનંદનો અવસર આવ્યો. હરખની હેલી થઈ. ધરમની ધજા લહેરાઈ. આસ્થાની આરતી ઉતારી. ખુશીનો ખજાનો મળ્યો. ભક્તિનો ભરોસો ભળ્યો, પ્રેમની પ્રદક્ષિણા થવા લાગી. પ્રસન્નતાનો પ્રસાદ વહેંચાવા લાગ્યો અને મહાકાલી માતાજીની મહેર થઇ.

અધ્યાત્મનો નિનાદ થયો, શબ્દબ્રહ્મનો નાદ થયો, શ્રદ્ધાનો વિજ્ય થયો. મન તરબતર બની અમન બન્યું. આજની ઘડી તે રળિયામણી. આ પારસમણિનો સ્પર્શ સ્વામી વિવેકાનંદને ફળ્યો. ગુરુદક્ષિણામાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. પરમહંસે વિવેકાનંદને સ્પર્શ દ્વારા ઇશ્વરની અનુભૂતિ કરાવી તે સાથે જ તેમના તે કાયમી શિષ્ય થઈ ગયા.

મનની મોલાત આગળ ધનના ઢગલા ફિક્કા પડી જાય છે. પરમહંસ આવા મનના માણીગર હતા. એમને કેન્સર હતું તો એ કહેતા જે ગમે તે મળે એ સુખ અને મળે તે ગમે એ આનંદ. મહાકાલી સાક્ષાત્ હોવા છતાં ક્યારેય કેન્સરની ફરિયાદ ન કરી.

ભક્તિમાં રાજીપો રાખતા, સૌ સાથે ધરોબો રાખતા, ખાલીપો એમનાથી દુર રહેતો, મહાકાલીમાં ભરોસો રાખતા, અભિગમ અનોખો રાખતા, સંસારમાં રહ્યા પણ સંસારના ના થયા એવા 50 (પચાસ) વરસનું આયુષ્ય ભોગવી સ્વધામ જનાર શ્રી.રામકૃષ્ણ પરમહંસે મુમુક્ષુઓ સાથે કરેલા સવાલ- જવાબમાંથી પ્રગટ થતી અમૃતવાણી વાચકોના લાભાર્થે અત્રે સાદર છે, જે સૌને ગમશે.

શ્રી રામકૃષ્ણ પરમહંસની પરમવાણી

1. ઇશ્વરને ત્યાં એવો નિયમ છે કે દરેક આપત્તિનો ઇલાજ એની સાથે જ જન્મે છે.

2. નિરાકારવાદ અને સાકારવાદ બન્ને સત્ય છે.

3. જડ વસ્તુનું પૂજન કરવું એ કનિષ્ટ છે.

4. વાઘની અંદર પણ નારાયણ છે પણ તેને આલિંગન અપાય ?

5. ભક્તનું હૃદય એ ભગવાનનું દીવાનખાનું છે.

6. પૂર્વજન્મના સંસ્કાર અવશ્ય માનવા પડે છે.

7. પૈસો આવતાં જ ભલભલા માણસના સ્વભાવ બદલાઈ જાય છે.

8. ભગવાનનું જે સ્વરૂપ આપણને પ્રિય હોય તેનું ધ્યાન ધરવું.

9. પ્રારબ્ધકર્મ સૌએ ભોગવવું જ પડે છે, તેમાંથી કોઈ જીવ બાકાત નથી.

10. રેશમનો કીડો પોતે જ પોતાનું કેદખાનું રચે છે. તેવું માણસ માટે માયાનું છે.

11. જે કંઈ થયું છે, થાય છે અને થશે- એ સર્વ. ઇશ્વરની ઇચ્છાથી જ થાય છે.

12. મહેનત કર્યા વગર કોઈને ય અહીં કશું મળતું નથી, જો મળે તો ટક્તું નથી.

13. મોંઢેથી મીઠું બોલે પણ હૃદયમાં ઝેર હોય એવા માણસો વધારે હોય છે.

14. ભક્તિ એ ચંદ્ર છે અને જ્ઞાન એ સૂર્ય છે.

15. રાવણમાં રજોગુણ, કુંભકર્ણમાં તમોગુણ અને વિભિષણમાં સત્ત્વગુણ હતો.

16. જ્યાં સુધી કર્તાભાવ છે ત્યાં સુધી પ્રભુદર્શન નથી.

17. બ્રહ્મ મોંઢેથી કહેવાનો વિષય નથી. હૃદયથી અનૂભૂતિ કરવાનો વિષય છે.

18. ઇશ્વરના નામનું મુખત્યારનામું કરી દો, તમારો બધો વહીવટ એ સંભાળી લેશે.

19. જેનું નામ છે પણ નાશ નથી તેનું સ્મરણ કરો.

20. તમે જેને શોધો છો તે કસ્તુરી મૃગમાં છે તેમ તમારી પાસે જ છે.

21. પાન કે ફળ પાકું થાય ત્યારે તે આપોઆપ જ ખરી પડે છે.

22. સૂર્યોદય પછી અંધારું નથી તેમ આત્મજ્ઞાન થયા પછી અજ્ઞાન નથી.

23. લસણની વાસ દુર કરવી અઘરી છે તે જ રીતે માયાથી મુક્ત થવું અઘરું છે.

24. લાકડામાં અગ્નિ છે એ જ્ઞાન, તેને સળગાવી રસોઈ બનાવીએ તે વિજ્ઞાન.

25. સુગંધ અને દુર્ગંધ બેઉ વાયુમાં ભળ્યા છતાં વાયુ પોતે તો બન્નેથી અલિપ્ત રહે છે.

26. બધાને બધાના ગુરુ થવું ગમે છે પણ ચેલા કોઈને થવું નથી.

27. અહંકાર મૂક્યા પછી કરેલો મંદિર પ્રવેશ યોગ્ય ગણાય છે.

28. દોરામાં ગાંઠ પડયા પછી તે સોયમાં પરોવી શકાતો નથી, માયા મોટી ગાંઠ છે.

29. સાચું બોલવું એ કળિયુગની મોટામાં મોટી તપસ્યા છે.

30. કાંચન અને કામિનીએ ભલભલા ઋષિ-મુનિ- ભક્તોની ભક્તિમાં ભંગ પાડયો છે.

31. શુદ્ધાત્મા નિર્લિપ્ત છે, અકર્તા છે, અભોક્તા છે, પ્રકૃતિથી પર છે.

32. દૂધ અને દહીમાં પગ રાખે છે તે ઘીની મજા માણી શક્તો નથી.

33. ફૂલ બેઠા પછી ફળ બેસે તેમ જ્ઞાન મળે પછી આત્મભાન થાય છે.

34. વાચન પછી મનન શ્રેષ્ઠ છે, મનન પછી અનુભવ શ્રેષ્ઠ છે.

35. ભમરો ફૂલ ઉપર ન બેસે ત્યાં સુધી જ ગણગણે છે, બેઠા પછી શાંત થઈ જાય છે.

36. સૃષ્ટિના તમામ તત્ત્વોનો લય આકાશમાં થઈ જાય છે.

37. મૌન સહેલું છે પણ ખપ પૂરતું જ બોલવું બહુ અઘરૂ છે.

38. નિષ્કામ કર્મ કર્યા વગર ચિત્તની શુદ્ધિ ક્યારેય થતી નથી.

39. જેમ નાક વડે પુષ્પની સુગંધ અનુભવાય છે તેમ અંતઃકરણથી ઇશ્વર ઓળખાય છે.

40. ધર્મ એટલે ઇશ્વર તરફ જવાનો માર્ગ.

- પી.એમ.પરમાર