મહાશિવરાત્રિનું મહાપર્વ
'ઓમ ત્ર્યંબકમ યજા મહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ્, ઉર્વા ઋકમિવ બંધના મૃત્યોર્મોક્ષી યમામૃતામ્'
મહાવદ ચૌદશનાં પવિત્ર દિવસે આવતું ભક્તિપ્રેમનું મહાપર્વ મહાશિવરાત્રિએ, માનવ જીવનમાં અનેરો ઉત્સાહ, આનંદ અને શિવ દ્રષ્ટિ જાગૃત કરવાની પ્રેરણા આપતું જાય છે.
મહાશિવરાત્રિ એટલે વ્યષ્ટિમાંથી સમષ્ટિમાં જીવાત્મામાંથી શિવત્ત્વમાં જવાનો માર્ગ સૂચવતો દિવસ. આ શુભદિનનો અંતિમ ઉદ્દેશ જીવતરની એક એક ક્ષણને શિવયુક્ત કરવાનો છે.
શિવરાત્રિએ ભગવાન શિવજીનું સાનિધ્ય સાધવાનો સર્વોત્તમ દિવસ મનાયો છે. આજના મંગલમય દિવસે જીવમાત્ર જો સદાશિવની ભક્તિ સાધના કરે તો ભોલેશ્વર નીલંકઠ મહાદેવની
કૃપા નિરંતર ઉતરે છે. અલખની આરાધના અને સદાશિવની ભક્તિ સાધનાએ શિવત્ત્વ પ્રાપ્ત કરવાની એક અમોધ શક્તિ છે. આમાં 'ૐ નમઃ શિવાય'નો સતત મંત્ર જાપથી તન-મનમાં
શિવ-શક્તિનો સંચાર થતો જાય છે.
શિવરાત્રિ શબ્દનાં અર્થમાં સૂક્ષ્મ મર્મ છૂપાયેલો છે. બ્રહ્માંડનાં અણુ-અણુમાં રહેલું વ્યાપક ચૈતન્ય એટલે શિવસ્વરૂપનું તત્ત્વ. અત્રિ એટલે ત્રણ ગુણોથી પર છે તે તત્ત્વ. અર્થાત શિવરાત્રિએ
શિવશક્તિના ઐક્યનો બોધ પ્રાપ્ત કરવાનો અવસર. કલ્યાણકારી શિવએ દેવાધિદેવ મહાદેવ છે અને તેઓ સ્વયં ત્રિતત્ત્વનાં અધિષ્ઠાતા છે. તેઓનું સ્થાન છે, વારાસણી. આ વારાસણી
એટલે ભૂમધ્ય- ભ્રુકુટિની વચ્ચે આવેલું આજ્ઞા ચક્ર. આ આજ્ઞાચક્રમાં શિવશક્તિત્વ ભક્તિ સાધના દ્વારા પ્રવેશે છે. જીવનો આજ્ઞાચક્રમાં પ્રવેશ થતાં તેના મુક્તિનું રહસ્ય પ્રગટ થતું હોય છે.
સર્વ ઉપાસકોનું અંતિમ લક્ષ્ય પણ આજ છે.
જીવ જ્યારે પણ આજ્ઞાચક્રમાં પ્રવેશે છે. એજ ક્ષણે શિવત્ત્વનાં પરમાનંદની અનુભૂતિ થતી હોય છે. એ વખતે કામ, ક્રોધ, લોભ, મોહ જેવાં વિકારો જવા લાગે છે, અને અંતરમાંથી નાદ
ગુંજી ઉઠે છે. શિવોહ્મ... શિવોહ્મ.. ત્યારે જ યથાર્થ શિવપૂજન પૂર્ણ થતું હોય છે. આ શિવરાત્રિની પ્રાર્થના છે, ' હે દેવોનાં દેવ, તું મને દુષ્ભાવોનાં અંધકારમાંથી શિવત્ત્વનાં પ્રકાશનાં પંથ
પર ચાલવાની શક્તિ આપ. સાથે નિરર્થક ચિંતન અને નિષેદ્યાત્મક આચરણથી અલિપ્ત રાખ.
હર હર મહાદેવ- જય જય મહાદેવ
- પરેશ અંતાણી