હોળી- ધૂળેટીના ધર્મ સંસ્કૃતિ ધબકાર, લોક હૃદયમાં કરે થનગનાટ !
'ધૂળેટી' એટલે આનંદના- પ્રસન્નતાના રંગમાં નિર્દંભ પણે રંગાઈ જવું... ના, માન ન અપમાન, ના, મોટાઈ, ના કોઈ ભેદ બસ, રંગેચંગે રંગાઈ જવાનું.. વન, ડુંગરિયે, નગર, ગામડે સૌ રંગોની મહેફિલને મસ્તી બનીને માણે છે
આપણી ગૌરવવંતી ધર્મસંસ્કૃતિ (ઋષિ સંસ્કૃતિ) રૂપી મહાસાગરનાં અમૂલ્ય રત્નોમાં 'પર્વો'નું સ્થાન છે. પરમતત્ત્વના આનંદને બહુજનહિતાય- સુખાય ન્યોછાવર કરનાર પર્વો, સરળતા અને પ્રસન્નતાથી ભર્યા ભર્યા છે. પ્રાચીન સંસ્કૃતિના સંસ્કારને નવપલ્લવિત કરે છે. જીવન સાથેના ધર્મસંસ્કૃતિના સબંધોના તાણાવાણા મજબૂત કરે છે.
ધર્મસંસ્કાર, જ્ઞાાનવિચાર, વિવેકદૃષ્ટિ, પ્રભુઆસ્થા, વિવિધતામાં ઐક્ય તથા જીવનપ્રણાલિકામાં તાજગીથી માનવ જીવનને સ્પંદિત કરી, પ્રેમ-પ્રસન્નતાભર્યા. જીવનસંગીતને પર્વો જીવંત રાખે છે.
હોળીનું પર્વ ભક્ત પ્રહ્લાદની દૃઢ ભક્તિની યાદ અપાવે છે. જે ભગવાનનો બને છે તેનું રક્ષણ ભગવાન કરે છે. એવી આસ્થા મજબૂત થાય છે. સર્વવ્યાપક પ્રભુ જડ એવા થાંભલામાંથી નૃસિંહરૂપે પ્રગટ થયા. આ પ્રસંગને યાદ કરી નરસિંહ મહેતાએ ગાયું છે.
સ્થંભથકી પ્રભુપ્રગટિયાને લીધું નૃસિંહરૂપ,
પ્રહ્લાદજીને ઉગારિયા, વ્હાલે માર્યો હિરણ્યકં ભૂપરે..
ધૂળેટી પર્વે શ્રીકૃષ્ણે વ્રજમાં ખેલેલી ધૂળેટીના પ્રસંગોની યાદ આવે છે. મધ્યકાલીન ભક્ત કવિઓએ 'ફાગુ' કાવ્યો દ્વારા ભક્તિરસ પ્રગટ કર્યો છે. સૂરદાસે ગાયું છે.
- હરિસંગ ખેલતિ હૈ સબ ફાગ
કરત પ્રગટ ગોપી, ઉર અંતરકો અનુરાગ.
ડફ, બાંસુરી, રુંજ, અરુ મહુઅરિ, બાજત તાલમૃદંગ
અતિ આનંદ મનોહર બાની, ગાવત ઉઠતિ તરંગ.
- છિરક્ત છીટ છબીલી રાધે, ચંદન ભરભર બોરીરે
અબિલ ગુલાલ, વિવિધરંગ, સોંધો લોચન ભર ગઈ શેરીરે..
હોળી પ્રગટે એટલે આનંદની ચિચિયારીઓથી ને જયનાદથી વાતાવરણ ગાજી ઉઠે છે. પ્રગટેલી હોળીનાં સૌ દર્શન કરે છે. ભાવથી પ્રદક્ષિણા કરે છે. નવપરણિત વરકન્યા પૂજન કરે છે. જન્મેલ બાળકને હોળી આસપાસ ફેરવે છે. ધાણી, ખજૂર, શ્રીફળ હોળીમાં હોમવામાં આવે છે. ઢોલના નાદથી વાતાવરણ ગાજે છે. વનપ્રદેશમાં તો ભાતીગત વેશભૂષામાં સજ્જ થઈ ઢોલ- કૂંડીના નાદે નર્તન કરે છે. ઘણી,ખજૂર, ગરમ થયેલું કોપરું કફ-વાયુને ભગાડે છે.
ઋગ્વેદની પહેલી ઋચા (મંત્ર)'અગ્નિ' શબ્દથી શરૂ થાય છે. ઋગ્વેદના પ્રારંભમાં અગ્નિનો (દેવતાનો) મહિમા છે. આપણા ધર્મનાં અગ્નિને પરમાત્માનું જ્યોતિસ્વરૂપ કહ્યું છે અગ્નિની સાત જવાળાઓ- કાલી, કરાલી, મનોજવા, સુલોહિતા, ધ્રૂમ્રવર્ણ, સ્ફૂર્િંલગી અને વિશ્વરુચિ નામથી ઓળખાય છે.
'હોળી' જેવા 'અગ્નિઉત્સવ' વિશ્વની બીજી સંસ્કૃતિઓમાં પણ ઉજવાય છે. હોળીમાંથી પ્રગટ થતી લાલ, પીળી, કેશરી, આછીવાદળી, જવાળાઓ નાચતી લાગે છે. ચારે બાજુ રંગીન પ્રકાશ વહેંચે છે. એક અદ્ભૂત દૃશ્ય ઉભું થાય છે. બળતાં લાકડાંમાંથી ભડભડ.. તડતડ અવાજ થતા હોય..ને થોડી થોડીવારે તેમાંથી પ્રકાશિત સ્ફૂર્િંલગ ચોપાસ પથરાતા હોય, એ માણવા જેવું દૃશ્ય છે. એવું સંશોધન થયું છે કે આ તડતડ અવાજ સાંભળીને બ્લડપ્રેસર ઘટે છે. હોળીની પ્રદક્ષિણા ફરતાં ફરતાં જે આહ્લાદક ગરમીનો અનુભવ થાય છે તે શુદ્ધઘીના ગરમ ગરમ શીરાનો અનુભવ કરાવે છે.
હોળી પ્રસંગે ભારતમાં ઘણાં એવાં સ્થાન છે કે જ્યાં સળગતી હોળીમાંથી પસાર થવાનાં, ધગધગતા અંગારા ઉપર ખુલ્લાપગે ચાલવાનાં ચમત્કાર ભર્યા દૃશ્યો જોવા મળે છે.
'ધૂળેટી' એટલે આનંદના- પ્રસન્નતાના રંગમાં નિર્દંભ પણે રંગાઈ જવું... ના, માન ન અપમાન, ના, મોટાઈ, ના કોઈ ભેદ બસ, રંગેચંગે રંગાઈ જવાનું.. વન, ડુંગરિયે, નગર, ગામડે સૌ રંગોની મહેફિલને મસ્તી બનીને માણે છે. મુક્તપણે માણવાથી વિકૃતભાવોનું નહેરીકરણ દ્વારા શુદ્ધિકરણ થાય છે.
વન-ડુંગરના પ્રદેશમાં કે પાદરે ખીલેલાં કેશૂ-વૃક્ષોએ વધાવવા જેવાં હોય છે. કેસૂડાનાં વૃક્ષો જન અને વનને રંગી નાખે છે. લોકોને નર્તન કરાવે છે. વનડુંગરે ગવાતાં લોકગીતોના મધુરસૂરો જાણે વેદોનીઋચાઓ ગવાતી હોય તેવો દૂરથી અનુભવ કરાવે છે.
મહારાષ્ટ્રના જેજૂરીના ભગવાન ખંડોબાના મંદિરમાં દરેક સોમવતી અમાસના દિને એકબીજા ઉપર હળદર ઉડાડવામાં આવે છે ને ઉત્સાહભેર નાચગાન થાય છે. હોળી- ધૂળેટીના દિવસોમાં જ 'જયરણછોડ.. માખણચોર' જયનાદ કરતા લાખો પદયાત્રીઓ ડાકોર જાય છે.
ધૂળેટીના દિને ભેદભાવ વિનાના ઐક્યના રેલાતા રંગો જોઈ ચિંતન પ્રગટે છે કે વિવિધ રંગો પણ ઇશ્વરની અમૂલ્ય ભેટ છે. ગાયો ભલે વિવિધ રંગની હોય છે. પણ દૂધ તો એક જ રંગનું (સફેદ) આપે છે. એમ પર્વના અવનવા રંગો ભલે હોય પણ બધા મળી 'ઐક્ય' અને 'સમભાવના' બની જાય છે.
ઢોલ, કૂંડી, પાવો, શહનાઈ, થાળી, ચંગ આ બધાં હોળીધૂળેટીનાં લોકવાદ્ય છે. એનો અલગ અલગ નાદ કે એ બધાંની જુગલબંદીનો નાદ સાંભળવા જેવો છે. સાતસૂરોના દ્રુત-વિલંબિત તાલ-લય, 'બ્રહ્મનાદ'નો અનુભવ કરાવી શકે છે.
પૂનમનો પીળો પ્રકાશભર્યો,
આભે, પૂર્ણ ચંદ્ર ખીલે.
ધરતી પર 'હોળી' પ્રગટે,
ને...'ધૂળેટી' રંગો વરસાવે ત્યારે,
રણકી ઊઠે, ઉત્સવ- ઘંટિકાઓ,
માનવમન- મંદિરોમાં..
- લાભુભાઈ ર.પંડયા