સત્ય... પ્રેમ...કરુણા
મનુષ્યજીવન એક અવિરતપણે ચાલતી યાત્રા છે. આ યાત્રાને સફળ બનાવનારાં ત્રણ પરિબળો છે : સત્ય, પ્રેમ અને કરુણા.
સત્યનો સામાન્ય અર્થ છે. સાચું, વાસ્તવિક, તથ્યપૂર્ણ. જે વસ્તુ જેવી હોય તેને તેવી જ જાણવી, માનવી અને બીજાઓની સામે પ્રગટ કરવી તે સત્ય. સત્ય ઉત્તમ બળ છે, સૌથી મોટો ધર્મ છે, તપસ્યા છે, યજ્ઞા છે, યોગ છે અને શ્રેષ્ઠ પ્રકાશ છે. ઇશ્વર સત્ય છે. આત્મા સત્ય છે. ઇશ્વરની આ ત્રિગુણાત્મક લીલા સત્ય છે.
કહેવાય છે કે જે સત્યપરાયણ છે તે મહાન તપસ્વી છે, સિદ્ધિઓ તેના ચરણોમાં આળોટે છે. સત્યનું ઉચ્ચારણ કરતાં જીભને શાંતિ મળે છે. વિચાર કરતાં મસ્તક શીતળ બને છે. તેને હૃદયંગમ કરતાં જ દિલને ઠંડક મળે છે. સત્ય માણસના અંત:કરણને શુદ્ધ, નિર્મળ અને પવિત્ર બનાવે છે. મનુષ્ય પોતાનો દૃષ્ટિકોણ બદલે, પોતાનું અને દુનિયાનું સ્વરૂપ સમજે, પોતાને સારા બનાવે તો આખી દુનિયા તેના માટે સારી બની જશે. જે સત્યનિષ્ઠ છે. તેની સાથે સૌ સત્યમય આચરણ કરે છે. વેદ કહે છે :' અસતો મા સદ્ગમયા' અર્થાત અસત્યમાંથી મને સત્ય તરફ લઈ જાઓ.
પ્રેમ એટલે હેત, પ્રીતિ, ચાહ, રુચિ, પ્રેમ તો પારાવાર. એને સ્નેહા સાગર કહો કે સ્નેહાબ્ધિ કિંતુ એમાં ન્હાતાં ન્હાતાં ન કરે નારાયણ અને મોત ભેટી જાય તો મોત પણ મંગળ મહોત્સવ બની જાય. પ્રેમ છે હૃદયનું મીઠું સ્પંદન, પ્રેમ છે વિરહનું મૂગું ક્રંદન, પ્રેમની એક પળ ભલી, પ્રેમની કડી સર્વથી વડી, પ્રેમની શક્તિ અખૂટ, પ્રેમનું બંધન અતૂટ, સમજાય નહિ પ્રેમનો વેશ, ખૂબ વિસ્તીર્ણ છે પ્રેમનો પ્રદેશ.
જગતની ચરાચર સૃષ્ટિમાં સર્વત્ર પ્રેમનો જ પ્રભાવ છે. પ્રેમ એક એવી અલૌકિક શક્તિ છે જેનાથી મનુષ્યને ઘણા લાભ થાય છે. પ્રેમથી માનસિક વિકારો દૂર થાય છે, વિચારોમાં કોમળતા આવે છે, સદ્ગુણોનું સર્જન થાય છે. એનાથી મનુષ્યનાં આયુષ્ય અને શક્તિ વધે છે. પ્રેમ માણસને સાહસિક, ધીરગંભીર અને સહનશીલ બનાવે છે. પ્રેમ એક મહાન સિદ્ધિ છે. આત્માની ઉન્નત અવસ્થા છે, નિર્મળ સાધના છે. પ્રેમ પામનાર આનંદનું વિશ્વ રચી શકે છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ.
કરુણા એટલે દયા, અનુકંપા. અન્યના દુ:ખમાં જ્યારે મનુષ્યની આત્મીયતા ભળે ત્યારે કરુણાનું ઝરણું વહેતું થાય છે. કુદરતની આ સ્નેહભરી સૃષ્ટિનો આવિર્ભાવ કરુણાથી થયો છે. કરુણા અર્થાત્ કોઈ નિ:સહાય માટે તેની પીડામાં સહભાગી થવાની ભાવના. આ ભાવના પ્રક્રિયા વૃક્ષ-વનસ્પતિ જીવજંતુથી માંડીને સૃષ્ટિના કણકણમાં રહેલી છે.
મનુષ્ય જ્યારે કોઈ પંથ ભૂલેલાને રસ્તો બતાવે છે, કોઈ પીડિતના ઘા પર મલમ લગાવે છે તેમજ પોતાની સહાયતાથી કોઈને ઉપર ઉઠતા જુએ છે ત્યારે તેના હૃદયમાં જે અભિનવો આનંદ ઊભરાય છે તે કરુણા છે સંસારમાં એવા અનેક લોકો છે જે દીન, હીન, લાચાર અને અસંસ્કારી દેખાય છે. તેમને જોઈને કંઈક કરવાની ઇચ્છા મનમાં જાગે એ સાચી કરુણા. આદ્ય શંકરાચાર્યે કહ્યું છે કે 'નારાયણ કરુણામય' અર્થાત્ ભગવાન કરુણામય છે. એક ચિંતકે કહ્યું છે કે 'એને ટીકા કરવાનો અધિકાર છે જેનું હૃદય કરુણાથી ભરેલું હોય.'
પ.પૂજ્ય મોરારિબાપુની કથામાં સાંભળેલું એક મનનીય સુવિચાર..
સત્ય એકવચન છે.પ્રેમ દ્વિવચન છે.અને કરુણા બહુવચન છે.
એટલેસત્ય પોતાનામાં રાખો,પ્રેમ બીજાને કરો,અને કરુણા બધા પ્રત્યે રાખો.
- કનૈયાલાલ રાવલ