Get The App

પિતા મુનિવર દિવ્યરત્નવિજયજી મ.ને અંતિમ અંજલિ: 'હે ઉપકારી....આ ઉપકાર તમારા કદી ય ન વીસરું

અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

Updated: Feb 27th, 2020

GS TEAM

Google News
Google News
પિતા મુનિવર દિવ્યરત્નવિજયજી મ.ને અંતિમ અંજલિ: 'હે ઉપકારી....આ ઉપકાર તમારા કદી ય ન વીસરું 1 - image


વર્ષો પૂર્વે એક સુવાક્ય વાંચ્યું હતું કે' તમે જ્યારે આ ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે માતા-પિતા તમારી સાથે હતા. હવે તમારી ફરજ એ જ છે કે તેઓ જ્યારે છેલ્લોશ્વાસ લે ત્યારે તમે એમની સાથે હો.' શ્રી ફળ ! મંગલમય ગણાતા આ શ્રીફળનો ઉપયોગ સમાજજીવનમાં અલગ અલગ અનેક રીતે થતો નિહાળાય છે. મંદિરમાં પ્રભુ માટે સમર્પિત થવાથી લઈને માંગલિક કાર્ય પ્રસંગે વધેરાવું- દાનવીરોને બહુમાનરૂપે સમર્પિત થવું વગેરે અઢળક રીતે શ્રીફળ સમાજને ઉપયોગી બને છે.

એમ જરૂર કહી શકાય કે શ્રીફળ ન હોય તો ધાર્મિક- સામાજિક પ્રસંગોની ઘણી બાબતો અધૂરી રહી જાય.ચિંતકો ચોક્કસ દૃષ્ટિબિંદુથી શ્રીફળની સરખામણી પિતા સાથે કરે છે. શ્રીફળ ઉપરથી એકદમ કઠોર- મજબૂત હોય છે. પરંતુ એની ભીતરમાં રહેલ મલાઈ- ટોપરું- પાણી ખૂબ મધુર-કોમળ હોય છે. બસ, પિતા પણ હોય છે. આ શ્રીફળ જેવા. માતાની અપેક્ષાએ બહારથી ભલે એ કઠોર લાગે. કિંતુ એમની ભીતરમાં- હૈયામાં સંતાન પ્રત્યે હિતચિંતાભરી મધુરતા-કોમળતા છલકાતી હોય છે.

પણ..સબૂર ! જેમના માટે આ અંતિમ અંજલિલેખ લખાઈ રહ્યો છે તે મરણસમાધિના અદ્ભુત સાધક અમારા પિતામુનિવર દિવ્યરત્નવિજ્યજી મહારાજનાં સંદર્ભમાં અમે એક નવા દૃષ્ટિબિંદુથી એમ ચોક્કસ કહીશું કે તેઓ અમારા માટે સંપૂર્ણત: શ્રીફળ સમા નીવડયા હતા. એ 'એંગલ' છે શ્રીફળની માંગલિકતા. શ્રીફળ જેમ માંગલિક બની રહે છે તેમ અમારા માટે એ પિતામુનિવર 

સર્વત: માંગલિક બની રહ્યા હતા. હા, એમનાં શ્રીફળ સમા વ્યકિતત્વમાં ક્યારેક જરૂરિયાત અનુસાર શ્રીફળની બાહરી કઠોરતા જેવી કડકાઈ પણ હતી, તો બાકીના હર તબક્કે શ્રીફળની ભીતરી મધુરતા જેવું મધુર વાત્સલ્ય પણ છલકાતું હતું. આવો, આજે આ લેખમાં પિતા- મુનિવર દ્વારા અમારા પર થયેલ બેજોડ ઉપકારવર્ષાનું દિગ્દર્શન કરાવતા મજાના પ્રસંગો માણીએ:

૧) સંસ્કરણ ભાવના:

અમારી સાંસારિક જન્મભૂમિ ડભોઈતીર્થ દીક્ષાની ખાણ તરીકે પ્રખ્યાત છે. ત્રણસો પરિવારોના જૈન સંઘમાંથી દોઢસો દીક્ષા થઈ એ જ દર્શાવે છે કે ત્યાં દીક્ષાનું વાતાવરણ કેવું સહજ છે. અમે પણ બાળવયથી દીક્ષા લેવાની વાતો કરતા અને અગિયારમાં વર્ષે દીક્ષા સ્વીકારી. પિતાજીએ અમારી છ વર્ષની વયથી કડક નિયમ બનાવ્યો હતો કે' અમારે નિત્ય ત્રણ સામાયિક કરી નિશ્ચિત શ્લોકો કંઠસ્થ કરવા જ.' જ્યારે શાળાકીય રજાઓ- વેકેશન હોય ત્યારે અમને આ નિયમ બહુ આકરો લાગતો. કેમકે ત્યારે બીજા બધા બાળકો સવારથી સાંજ ક્રિકેટ વગેરે રમતા હોય. જ્યારે અમારે ઉપરોક્ત નિયમવશ ફરજિયાત ત્રણ કલાક ધર્મક્રિયા- ધર્માભ્યાસમાં વિતાવવાના આવે.

એકવાર અમે એમને બાલસુલભ ભાવે પૂછયું: 'ભાઈને આવો નિયમ નથી, તો મને આવો નિયમ કેમ ?' એમણે તુર્ત ઉત્તર આપ્યો કે' ભાઈ દીક્ષા નથી લેવાનો અને તું લેવાનો છે. માટે તારે એ નિયમ પાળવાનો છે.' માત્ર આટલેથી જ તેઓ અટકતા નહિ, બલ્કે એ વયે કલ્યાણમંદિરથી લઈને સિંદૂરપ્રકર સુધીના અમે કંઠસ્થ કરેલ સૂત્રોનો સ્વાધ્યાય પણ તેઓ લેતા. એક ગૃહસ્થ વ્યાપારી- ગામની મોભી વ્યકિત આઠ-નવ વર્ષના સંતાનના ધર્માભ્યાસ માટે આટલી ખેવના રાખે ભોગ આપે એ કેવી વિસ્મયપ્રદ ઘટના લાગે ? યાદ આવે અહીં એક સંસ્કૃત સુભાષિતની વાત કે ' જે માતા-પિતા સંતાનના અભ્યાસમાં કાળજી લેતા નથી એ ખરેખર તો સંતાનના શુત્ર છે.' આ સંદર્ભમાં પણ અમારા પિતાજીની મૂઠી ઊંચેરી વિશેષતા એ હતી કે તેઓએ અમારા વ્યાવહારિક અભ્યાસની તો કાળજી રાખી જ, ઉપરાંત એથી અનેકગણી કાળજી અમારા ધાર્મિક અભ્યાસની રાખી...

૨) ધર્મભાવના:

ઇ.સ.૧૯૭૭ સમર્થ સંઘનાયક યુગદિવાકર આ.ભ. ધર્મસૂરીશ્વરજીમ. સા. મુંબઈથી શત્રુંજ્યમહાતીર્થના બે હજાર યાત્રિકોયુક્ત પદયાત્રાસંઘ સાથે ડભોઈતીર્થે પધાર્યા. એ દિવસોમાં એમની નિશ્રામાં અંજનશલાકા- પ્રતિષ્ઠા અને ડભોઈની જ પાંચ બાલકુમારિકાનો દીક્ષામહોત્સવ યોજાયો હતો. એ પાંચમાં બે અમારા સગા બહેનો પણ દીક્ષાર્થી હતા. હજારોની મેદની વચ્ચે દીક્ષાસમારોહ જારી હતો. ત્યાં કોઈ જ'પ્રી-પ્લાનીંગ' વિના અચાનક જ આચાર્યદેવ ધર્મસૂરીશ્વરજીએ જાહેરમાં મંચ પરથી અમારા પિતાજીને સંબોધતા કહ્યું : ' મફતભાઈ !દીકરીઓને દીક્ષા અપાવો છો એ અનુમોદનીય જ છે. પરંતુ અમારી આશા તમારા નવવર્ષીય બાલકુમાર રાજુ માટે છે. આવા તેજસ્વી બાળકો દીક્ષા લે તો એનાથી જૈન શાસનને લાભ થશે. 

તમે એને શાસનનાં ચરણે ધરો.' પ્રતિસાદરૂપે પિતાજીએ તુર્ત માઈક હાથમાં લઈ કોઈ ગોળ ગોળ વાત કર્યા વિના સ્પષ્ટ કહ્યું કે ' આજની ક્ષણથી જ રાજુ આપને સુપરત કરું છું. આપ અને એના મામામહારાજ પૂ.સૂર્યોદયવિજયજી એને ભણાવીને તૈયાર કરો. આપ જે દિવસે કહેશો એ દિવસે દીક્ષા અપાવવાની મારી તૈયારી છે.' અને...એમણે મને ઊંચકીને જાહેરમાં ધર્મસૂરિદાદાને અર્પણ કર્યો ! અલબત્ત, ત્યારે એમની આંખોમાં લાગણીનાં અશ્રુ હતા. પરંતુ આજે એ ઘટના વિચારતા એમ અવશ્ય મહેસૂસ થાય છે કે પિતાજીમાં પરાકાષ્ઠાની શાસનનિષ્ઠા હતી. તે વિના અચાનક કાચી ક્ષણમાં કોઈ પિતા પોતાની સંતતિ શાસનચરણે ધરવા તૈયાર ન થઈ જાય.

૩) ઘડતરભાવના:

ઉપરોક્ત ઘટનાના દોઢેક વર્ષ બાદ તેઓએ અમને શત્રુંજ્યમહાતીર્થે દીક્ષા અપાવી. માત્ર અગિયાર વર્ષની બાળવયે દીક્ષા સ્વીકાર્યા બાદ અમારું જીવન રમતિયાળ કે પ્રમાદીન થઈ જાય તે માટે તેઓ જ્યારે જ્યારે વંદનાર્થે આવે ત્યારે ત્યારે અમને બે જ વાત વારંવાર ભારપૂર્વક સમજાવે કે ' ખૂબ ભણીને તૈયાર થજો. ભણશો તો જ સંઘ-સમાજમાં તમને સારું સ્થાન-માન મળશે. અને ઉત્તમ આચારસંપન્ન બનજો. તમે આત્મકલ્યાણ માટે દીક્ષા લીધી છે. તો એ લક્ષ્ય આચારસંપન્નતાથી જ સિદ્ધ થશે.' આજે જીવનમાં જો યત્કિંચિત્ પણ કાંઈ વિશેષતા કદાચ હશે તો એનું શ્રેય જીવનશિલ્પી ગુરુદેવ આ.ભ.સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજને અને ઉપરોક્ત ખેવના કરનાર પિતાજીને જ અપાય. બન્ને એવા શિલ્પી હતા જેમણે શિસ્ત- સંસ્કારનાં ટાંકણાથી અમારું ઘડતર કર્યું.

૪) હિતભાવના:

દીક્ષાજીવનમાં અભ્યાસ-યોગસાધના- શિષ્યસંપદા બાદ ગુરુદેવે અમને ગણિ-પંન્યાસપદપ્રદાન કર્યું અને સંયમના સત્તાવીશ વર્ષ વીત્યા બાદ અમને આચાર્યપદપ્રદાનનો નિર્ણય ઘોષિત કર્યો. શિષ્યો માટે આ ખૂબ મહત્ત્વનો ગુરુભક્તિપ્રસંગ હતો. એથી શિષ્યોએ અમારા ગુરુદેવની સંમતિ લઈ આચાર્યપદપ્રસંગે 'ગુરુકૃપાની ગૌરવગાથા' નામે જીવનપરિચયપુસ્તિકા પ્રકાશિત કરવાનું નિર્ધાર્યું. મફતભાઈને આ સમાચાર મળતાં એમણે ડભોઈથી જ અમને સંદેશો પાઠવ્યો કે'હજુ તમારી કારકીર્દિ દીર્ઘ છે.

હાલમાં જીવનપુસ્તિકા થાય એ હિતાવહ નથી. પૂરેપૂરી પીઢતા પરિપક્વતા આવ્યા પછી આ થાય તો સારું.' અમે એમની આ ભાવના ઝીલી લઈ ગુરુદેવને અને શિષ્યોને મનાવી લીધા કે 'પુસ્તિકા પ્રગટ ન થાય તો એમાં કાંઈ નુકસાન નથી થવાનું. ભલે પિતાજી સંસારી હો, પરંતુ એમની હિતચિંતાભરી ભાવના વધાવવી એ મારું કર્તવ્ય છે.' એ પુસ્તિકાનું પ્રકાશન ત્યારે તો મુલત્વી રાખ્યું. ઉપરાંત આજ દિન સુધીએ દિશામાં શિષ્યોને કોઈ પ્રયાસ કરવા નથી દીધો. એક સંસારી પિતા આચાર્યપદારોહણનાં પ્રાંગણે આવેલ સંયમી પુત્ર માટે પણ કેવી હિતચિંતા કરી શકે તે આ ઘટનામાં હૂ-બ-હૂ પ્રતિબિબિત થાય છે.

૫) પિતૃત્વભાવના:

અનુભૂતિની એરણ પર ચકાસતાં આવડે તો, માતૃત્વ જેટલું જ પિતૃત્વ પણ પ્રેમનો પર્યાય ભાસે. એથી જ કોઈ ચિંતકે બન્નેના પ્રેમને એક કાવ્યપંક્તિમાં આબાદ કંડાર્યો છે કે 'પિતાનો પ્રેમ પહાડથી ય ઊંચો, માતાનો પ્રેમ દરિયાથી ય ઊંડો.' પિતૃત્વના આ પ્રેમનો ઘટનાત્મક સ્પર્શ અમને એમની દીક્ષા બાદ ડગલે ને પગલે થતો રહ્યો છે.

અમારા આચાર્યપદારોહણના સાડા ચાર વર્ષો બાદ એંશી વર્ષની જૈફ વયે તેઓ સંયમી બન્યા. એ પછી કાલધર્મપર્યંત અમે એમની સાથે રહ્યા. ક્યારેક શાસનકાર્યોની અતિશય જવાબદારીવશ સંઘો સાથે દીર્ઘમીટીંગ થાય અને પછી તુર્ત લેખનકાર્ય હાથમાં લઈએ તો એ તુર્ત આવીને કહે : 'લખવાનું પછી થશે. પહેલા થોડો આરામ કરી લો. શરીર નિચોવાઈ જાય એ હદે કામ ન કરવું.' ક્યારેક સતત પ્રવચનોનાં કારણે અવાજ બેસી જાય તો કહે : 'પ્રવચન બાદ ગૃહસ્થો સાથે એક અક્ષર પણ વાત ન કરો. અવાજ ચાલ્યો જશે તો તમે કોઈ જ શાસન પ્રભાવના નહિ કરી શકો.' સાચું કહીએ તો પિતૃત્વ પ્રેમનો પર્યાય હોવાની અનુભૂતિ છેલ્લા સાડા દશ વર્ષમાં ખૂબ પ્રગાઢ રીતે અમને થઈ છે.

૬) આરાધના ભાવના:

ઇ.સ.૨૦૧૩માં અમારું ચાતુર્માસ મુંબઈના ચેમ્બુરતીર્થે થયું. તીર્થપ્રતિષ્ઠાનું એ સુવર્ણવર્ષ હોવાથી ત્યારે ગુરુદેવની પ્રેરણાથી સામૂહિક બસો બાવન વર્ષીતપનું આયોજન થયું. અમારાસહિત કુલ સત્તાવશ શ્રમણ-શ્રમણીઓ એ વર્ષીતપ-આરાધનામાં સામેલ થયા. એક ઉપવાસ મહામુશ્કેલીએ કરનાર અમારા માટે વર્ષીતપ ચમત્કારથી કમ બાબત ન હતી.

આથી જ્યારે તે વર્ષીતપ નિર્વિઘ્ન પૂર્ણ થયો ત્યારે અમારા શ્રમણ- શ્રમણીઓએ વર્ષીતપ- આરાધનામાં સામેલ થયા. એક ઉપવાસ મહામુશ્કેલીએ કરનાર અમારા માટે વર્ષીતપ ચમત્કારથી કમ બાબત ન હતી. આથી જ્યારે  તે વર્ષીતપ નિર્વિઘ્ન પૂર્ણ થયો ત્યારે અમારા શ્રમણ-શ્રમણીવરગે અમને અલગ અલગ આરાધના દાન કર્યું. પિતાજી મહારાજનું વય ત્યારે ચોર્યાશી વર્ષનું હતું. આમ છતાં તેઓએ ઉત્સાહથી અમારી પાસે આવી પોતાના તરફથી કરવા ધારેલ આરાધનાદાનની નોંધ અમને આપી.

એમાં લખ્યું હતું કે' તમારા વર્ષીતપ નિમિત્તે હું દશહજાર આઠસો શ્લોકનો સ્વાધ્યાય- ચારસો વાર જ્ઞાાનના એકાવન ખમાસમણ- ચારસો કલાક મૌન- ચારસોવાર કર્મક્ષયનો કાઉસ્સગ્ગ અને ચાલીશવાર નમોત્થુણં સૂત્રની બાંધી માળા ગણીશ.' ખ્યાલમાં રહે કે તેઓ નિત્ય ત્રણ કલાક મૌન-નિત્ય ચારસોથી વધુ શ્લોકોનો સ્વાધ્યાય- કુલ પચીશ લાખ નવકાર મન્ત્ર અને છત્રીશ લાખ અર્હમન્ત્રનો જાપ કરનાર આરાધક મહાત્મા હતા. છતાં આટલું આરાધનાદાન અમારા પરની અને આરાધના પરની પ્રીતિ વિના ક્યાંથી સંભવે ?

૭) જવાબદારી ભાવના:

ધર્મધામતીર્થે અમારી નિશ્રામાં ગત માસમાં અંજનશલાકા અને ઉપધાનમાળનો વિરાટ મહોત્સવ ઉજવાતો હતો. તેમાં અચાનક તા.૧૬-૧ના એમનું સ્વાસ્થ્ય ખૂબનાજુક થતાં ડોક્ટરોની સલાહ અનુસાર અપવાદમાર્ગે એમને તત્કાલ મુંબઈ- બોરીવલીમાં હોસ્પિટલાઈઝ કરવાનો નિર્ણય કરાયો. અમે એમની સમાધિ માટે સાથે જવાની વાત કરી. તો કહ્યું:'ના, આજે રાત્રે અંજનનું મુખ્ય વિધાન છે. પરમ દિવસે ઉપધાનતપમાળ છે. તમારી હાજરી અહીં જરૂરી છે.  તમે માળ પછી તરત નીકળી જ્જો.' એમ જ થયું. અમે અઢાર સાધુ- સાધ્વીજી બોરીવલી પહોંચ્યા ત્યારે એમને પરમ સંતોષ થયો.

નિત્ય સમાધિસ્તોત્રશ્રવણાદિ જારી હતા. ત્યારે ફક્ત એકવાર પૂછયું: 'તમારે જીરાવલાતીર્થની પ્રતિષ્ઢામાં જવું પડશે ને ?' અમે કહ્યું :' જ્યાં સુધી તમે સ્વસ્થ ન થાવ ત્યાં સુધી મારે ક્યાંય જવું નથી. પ્રતિષ્ઢાની ચિંતા અત્યારે નથી કરવી. 'અંતિમ માંદગીમાં પણ પોતાનાં કારણે શાસનકાર્યોમાં વિક્ષેપ ન આવે તેની જવાબદારી-કાળજી એમની આ વાતોમાં પ્રતિબિંબિત થતી હતી. જો કે, તેઓ પુણ્યશાળી એવા હતા કે એમની બધી જ બાબતો બરાબર સચવાવા સાથે એક પણ શાસનકાર્યમાં વિક્ષેપ ન આવ્યો. બધે જ અમારી હાજરી રહી. અમારાં શાસનકાર્યોમાં કોઈ વિક્ષેપ ન આવે એવી એમની ભાવના ઊપકારનો જ એક પ્રકાર હતો ને ?

૮) વાત્સલ્યભાવના:

મહાનદીઓ ગ્રીષ્મકાળમાં ય સુકાય નહિ, એમ પિતાનું વાત્સલ્ય અંતિમ માંદગીમાં ય સુકાય નહિ. અમને આવા બે અનુભવો એમના હોસ્પિટલવાસ દરમ્યાન થયા. એક એ કે હોસ્પિટલની નજીક સંઘ ઉપાશ્રય હોવા છતાં પ્રથમ દિવસે રાત્રે અમે હોસ્પિટલમાં પિતાજી.મ.ના ખંડમાં જ સંથારો (શયન) કરવાનું રાખ્યું. મનમાં એમકે રાત્રે ક્યાંક સ્વાસ્થ્ય અણધાર્યો વળાંક લે તો અંતિમ ક્ષણોમાં સમાધિ માટે પ્રેરણા કરી શકાય. પરંતુ રાત્રે અર્ધો કલાકે-કલાકે ડોક્ટરોની અવર-જવર એટલી રહી કે વારંવાર સંથારો ઉઠાવવો પડે. નાદુરસ્ત પિતાજી મહારાજે આ દૃશ્ય નિહાળી અમને કહ્યું :' અહીં નિત્ય એક શ્રમણ- એક સેવક સૂએ છે એ બસ છે. તમે આચાર્ય છો. આ રીતે સંથારોએ યોગ્ય નથી. તમે સાંજે ઉપાશ્રયમાં જઈ ત્યાં જ સંથારો કરો. એ જ વિવેક છે.' અમને ત્યારે લાગ્યું કે આ એમનો વિવેક નહિ, વાત્સલ્ય બોલતું હતું.. બીજો પ્રસંગ બન્યો આ જ 'અમૃતની અંજલિ'ના લેખનો.

દીક્ષા પછી તેઓ અખબારો વાંચતા ન હતા, માત્ર' અમૃતની અંજલિ' વાંચવાની છૂટ રાખતા હતા. મુંબઈના ગુજરાતસમાચારમાં ' ધર્મલોક' પૂર્તિ પ્રતિ સોમવારે પ્રગટ થતી હોવાથી એમણે છેલ્લો લેખ તા.૨૦-૧ના સોમવારે હોસ્પિટલના બિછાને વાંચ્યો. આશ્ચર્યએકેતે લેખ માતા-પિતાની ભક્તિ અંગે હતો ? જાણે કુદરતે જ આ યોગાનુયોગ રચ્યો હતો. વાંચીને ખુશઈ વ્યકત કરવાપૂર્વક એમણે કહ્યું :' સમયની ખેંચનાં કારણે અન્ય લેખન છોડવું પડે તો છોડજો. પણ 'અમૃતની અંજલિ' લખવાનું છોડશો નહિ. કારણકે એનાથી લાખો લોકો સુધી સારી વાતો પહોંચે છે.' જાણે જતાં જતાં પણ તેઓ કર્તવ્યનો દિશાનિર્દેશ વત્સલભાવે કરી રહ્યા હતા.

૯) તન્મયતાભાવના:

કાલધર્મના બાર કલાક પૂર્વે બુધવારે સાંજે અમારા સાંસારિક બહેનો સા.વિશ્વરત્ના- ધર્મા- મિત્રાશ્રીજીએ એમને આબેહૂબ શત્રુંજ્ય ભાવયાત્રા કરાવી. એમાં તેઓ એટલા તન્મય હતા કે જ્યારે દાદાનો દરબાર આવ્યો ત્યારે જાણે સાક્ષાત્ આદિનાથદાદા સામે હોય તેમ ત્રણ મિનિટ સુધી બે હાથ જોડી બંધ આંખે પિતાજીમ. એ મસ્તક નમાવી રાખ્યું. એમની આ તન્મયતાએ અમને છેલ્લો ઉપકારક પાઠ મૌનપણે શીખવ્યો કે આરાધનામાં પ્રણિધાન કેવું અદ્ભુત હોવું જોઈએ....

પિતાજી મ.ના કાલધર્મ બાદ, આ.શીલચન્દ્રસૂરિજી- આ. હેમચન્દ્રસાગરસૂરિજી- આ. જયસુંદરસૂરિજી- આ. સાગરચન્દ્રસાગરસૂરિજી વગેરે આચાર્યોના તથા અમારા સમુદાયના ડભોઈના મુનિવર જયભદ્રવિજયજી વગેરેના અનેક પત્રો આવ્યા. સૌનો સમાન સૂર એ હતો કે જીવનની ઢળતી સન્ધ્યાએ આટલું આરાધનાસમૃદ્ધ સંયમજીવન અને સમાધિથી ભર્યું ભર્યું મરણ બહુ વિરલ વ્યકિતને જ પ્રાપ્ત થાય.

છેલ્લે અંતરની એક વાત:

વર્ષો પૂર્વે એક સુવાક્ય વાંચ્યું હતું કે' તમે જ્યારે આ ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે માતા-પિતા તમારી સાથે હતા. હવે તમારી ફરજ એ જ છે કે તેઓ જ્યારે છેલ્લોશ્વાસ લે ત્યારે તમે એમની સાથે હો.' પિતાજી મ.ની દીક્ષા બાદ, આ સુવાક્ય અમારા માટે સત્ય ઠરે એવી તીવ્ર ઝંખના હૈયે હતી. શ્રમણજીવન-આચાર્ય તરીકેની જવાબદારીઓ વગેરે કારણે ક્યારેક મનમાં અજંપો જાગતો હતો કે 'છેલ્લી ઘડીએ ક્યાંક પિતાજીમ.થી વિખૂટા નહિ રહી જવાય ને ?' આજે એ વાતે પરમ સંતોષ છે કે અંતિમ ક્ષણે સતત એક કલાકથી વધુ સમય નવકારશ્રવણ સાથે અમે સહુ સાથે રહી શક્યા. એ સંતોષ હૈયે સમાવી ઉપકારસ્મૃતિનો આ અંતિમ લેખ સમાપ્ત કરતાં એ જ લખીશું કે :-હે ઉપકારી ! આ ઉપકાર તમારા કદી ય ન વીસરું.

Tags :