દુષ્કૃતોના ત્યાગનો મન્ત્ર છે ' મિચ્છા મિ દુક્કડં'...સુકૃતોના સ્વીકારનો મન્ત્ર છે ' ઇચ્છામિ સુકડં'...
અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
જો આપણે એમાં શુભ વૃત્તિઓ- પ્રવૃત્તિઓના મોતીના દાણા જેવા સરસ અક્ષરો અંકિત કરીએ તો આપણી કક્ષા હોંશિયાર વિદ્યાર્થી જેવી સિદ્ધ થાય જે સરવાળે આપણને સજ્જન- ધર્મિષ્ઠ બનવા તરફ લઈ જાય.
નાના બાળકને પાટી ભલે સાવ કોરી મળે. એમાં કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન ખરો ત્યાં ઉપસ્થિત થાય છે કે એ કોરી પાટીમાં બાળક કરે છે શું ? જો એ બાળક કોરી પાટીમાં આડા-અવળા લીટા-ચકરડા કરીને પાટી બગાડી મૂકે તો એની કક્ષા નાદાનની હોવાનું નક્કી થાય અને જો એ બાળક એમાં સરસ મજાના મોતીના દાણા જેવા મરોડગાર અક્ષરો અંક્તિ કરે તો એની કક્ષા ભણતરમાં રસ ધરાવતા હોંશિયાર વિદ્યાર્થીની હોવાનું નક્કી થાય.
જે વાત બાળકની છે એ જ વાત આપણા જેવી દરેક સરેરાશ વ્યકિતની છે. આપણને મળ્યું છે પાટી જેવું આ મજાનું જીવન. પ્રશ્ન એ નથી કે જીવન જ્યારે મળ્યું ત્યારે કોરી પાટી જેવું હતું. પ્રશ્ન એ છે કે આપણે એમાં શું અંકિત કરીએ છીએ. જો આપણે એમાં ગલત વૃત્તિઓ- પ્રવૃત્તિઓના આડાઅવળા લીટા-ચકરડા કરીને જીવનની પાટી બગાડી મૂકીએ તો આપણી કક્ષા નાદાન વિદ્યાર્થી જેવી સિદ્ધ થાય જે સરવાળે આપણને દુર્જન બનવા તરફ લઈ જાય. અને જો આપણે એમાં શુભ વૃત્તિઓ- પ્રવૃત્તિઓના મોતીના દાણા જેવા સરસ અક્ષરો અંકિત કરીએ તો આપણી કક્ષા હોંશિયાર વિદ્યાર્થી જેવી સિદ્ધ થાય જે સરવાળે આપણને સજ્જન- ધર્મિષ્ઠ બનવા તરફ લઈ જાય. અરે ! આ કાર્ય પણ ફક્ત પ્રભુકૃપાથી જ થશે એમ માનીને ભક્ત કવિજને આની જવાબદારી પ્રભુ પર મૂકતી મજાની પંક્તિઓ લખી છે કે :
હવે તો અક્ષર પાડો પ્રભુજી
મારી કોરી પાટી છે...
જીવનની પાટી પર શુભના સરસ અક્ષરો અંકિત થાય એ માટે જ,' અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રન્થના જે શ્લોક પર આપણે ચિંતનયાત્રા કરીએ છીએ તેમાં ગ્રન્થકારે પ્રસ્તુત કર્યો છે 'સુકૃતા ભિલાષ' નામનો ગુણ. સુકૃતનો અર્થ છે શુભકાર્ય- ઉત્તમ કાર્ય કે જે પુણ્યબંધ કરાવે યાવત્ કર્મનિર્જરા કરાવે. એ સુકૃત દીન-દુ:ખીના આંસુ લૂંછવારૂપે પણ હોય અને રોગીજનોની સેવા- શુશ્રૂષારૂપે પણ હોય, એ મુશ્કેલીગ્રસ્ત વ્યકિતઓને મદદરૂપે પણ હોય અને વૃદ્ધોની- વડીલોની દિલચશ્પ સારસંભાળરૂપે પણ હોય, એ સુપાત્ર ક્ષેત્રોમાં મુક્ત હાથે દાનરૂપે પણ હોય અને શીલ-સદાચારોનાં પાલનરૂપે પણ હોય, એ શરીરની આકરી કસોટી કરતી તપસ્યાઓ- ધર્મક્રિયાઓ રૂપે પણ હોય અને ઉત્કૃષ્ટ શુભ ભાવોરૂપે પણ હોય. જીવનની પાટી પર આવાં આવાં સુકૃતોના અક્ષરો જો મસ્ત- મરોડદાર રૂપે અંકિત કરવા હોય અને સાતત્યસભર કરવા હોય તો સુકૃતો અંગે ' ત' અક્ષરથી શરૂ થતાં પાંચ ઉત્તમ દૃષ્ટિબિંદુઓ આપણે આત્મસાત્ કરવા જોઈએ.'ત' અક્ષરથી આરંભાતાએ પાંચ દૃષ્ટિબિંદુઓ કાંઈક આવા છે.
૧) તરસ : લગભગ આપણે સહુએ અનુભવ અનેકવાર કર્યો હશે કે પાણીની તરસ જ્યારે જ્યારે લાગી ત્યારે ત્યારે આપણે પાણી મેળવવાના પ્રયાસો ખૂબ કર્યા હોય. એમાં ય નિયમ એ છે કે તરસ જેમ વધુ તીવ્ર હોય તેમ પાણી પામવાના- પીવાના પ્રયાસો વધુ તીવ્ર હોય. તરસ તીવ્ર હોય ત્યારે વ્યકિત બધાં જ કાર્યો પડતાં મૂકી પહેલા પાણીનો પ્રબંધ કરે અને તો જ એની તરસ તીવ્ર છે એમ પ્રતીતિ થાય. ખબર છે પેલી મર્મકથા ?
ગ્રીષ્મની ગરમીના દિવસો અને મધ્યાહ્નના આકરા તાપનો સમય. ટ્રેઈન એક નાનકડા સ્ટેશને પાંચ મિનિટ માટે ઉભી હતી. મુસાફરો તરસથી આકુળ-વ્યાકુળ હતા. ત્યાં જ 'ઠંડુ પાણી.. ઠંડુ પાણી'ની બૂમ લગાવતો કિશોર દરેક ડબ્બા તરફ ઝડપથી ફરી વળ્યો. એનો તો આ રોજિંદો વ્યવસાય હતો. મુસાફરો પણ હાથમાં આવે એ ગ્લાસ ઉઠાવી ઠંડું જળ ગટગટાવી જતા અને પછી કિશોર કહે એ રકમ ચૂકવી દેતા. આ દોડાદોડીમાં કિશોર નવા ડબ્બા પાસે ગયો. ત્યાં બારી પાસે બેસેલ શેઠે એને પૂછયું : ' આ પાણીનો ગ્લાસ લાવ. કેટલી કિંમત થશે એની ?'
કિશોરે સૂચક નજરે શેઠ સામે જોઈને કહ્યું :' રહેવા દો, શેઠ ? તમને તરસ લાગી હોય એવું દેખાતું નથી.' શેઠે નારાજગીથી કહ્યું : ' કેમ આમ કહે છે તું ?' કિશોરે માર્મિક ઉત્તર આપ્યો : 'શેઠ ! આજ સુધી જેટલા મને મળ્યા એમણે પહેલા પાણી પીધું છે ને પછી કિંમત પૂછી છે. કેમ કે એમને મન તરસ મુખ્ય હતી, કિંમત ગૌણ. એક તમે જ પહેલા એવા મળ્યા છો કે જેમને મન કિંમત મુખ્ય છે, તરસ ગૌણ. માટે કહું છું કે તમને તરસ લાગી હોય એવું દેખાતું નથી !!'
બસ, આ પાણીની તરસની જેમ સુકૃતની તરસ હોવી જોઈએ. જો સુકૃતો પ્રત્યે તરસની કક્ષાનો ભાવ આવે તો એ સુકૃતો માટે થતો સંપત્તિનો વ્યય- સમયનો વ્યય- શક્તિનો વ્યય વ્યકિતને નડે નહિ, બલ્કે સાર્થક લાગે. તોતિંગ સંપત્તિ સુકૃત માટે આપવાનો અવસર મળે ત્યારે એમને 'ખંખેરાઈ ગયા'ની લાગણી ન થાય, બલ્કે ' સરસ લાભ મળ્યો' નો ભાવ થાય. કોઈની અણધારી શુશ્રુષામાં બે-ચાર કલાક આપી દેવાનું બને ત્યારે 'ફસાઈ ગયા'ની લાગણી ન થાય, બલ્કે' આજે દિવસ સાર્થક થઈ ગયો'ની અનુભૂતિ થાય...
૨) તલપ : તરસ કરતા અનેકગણી તીવ્રતા ધરાવતું સોપાન છે આ તલપ. ક્યારે ય અનુભવ થયો છે વ્યસની વ્યકિતઓનો ? એમનામાં પોતાના 'ફેવરીટ' વ્યસન પ્રત્યે ભયંકર તલપ હોય છે. દારુ-સીગારેટ કે તમાકુનું સખત વ્યસન ધરાવનાર વ્યકિતને પોતાનાં તે તે વ્યસનો પ્રત્યે એવી ખતરનાક તલર- લગાવ હોય છે કે દારુ-સીગારેટ- વ્યસનનાં નુકસાનો એને ચાહે તેવા ફોટોગ્રાફસ- ફિલ્મ કે સત્ય ઘટનાઓથી સમજાવાય તો ય એ દારુ-સીગારેટ- તમાકુ નહિ જ છોડી શકે. અરે ? ખુદ એ પોતે પોતાના વ્યસનોથી થતી તબાહી અનુભવતી હોય તો ય એ પેલા વ્યસનોને નહિ જ છોડી શકે.
બસ, આવા પરાકાષ્ઠાના લગાવથી વ્યકિત જ્યારે સુકૃતો માટે મચી પડે ત્યારે આત્મસાત્ થાય આ બીજી કક્ષા.' લલિતવિસ્તરા' નામે ગ્રન્થમાં મહાન પૂર્વાચાર્ય સૂરિપુરંદર હરિભદ્ર- સૂરીશ્વરજીમહારાજે તીર્થકરભગવાનના પુણ્યત્માની દશ મૌલિક લાક્ષણિકતા દર્શાવતા એક શબ્દપ્રયોગ કર્યો છે 'પરાર્થવ્યસની'. મતલબ કે એ પુણ્યાત્માઓ પરોપકારના વ્યસની હોય. પરોપકારની તક મળે ત્યારે ત્યારે પરોપકાર કર્યા વિના એમને ચેન જ ન પડે. વ્યસનની- તલપની ટૂંકી વ્યાખ્યા એ કે એને એના વિના ચાલે જ નહિ. આ જ રીતે જ્યારે સુકૃતો પ્રત્યેની તલપ આવે ત્યારે વ્યકિતને એ કર્યા વિના ચેન ન પડે. અમારા સ્વાનુભવની વાત કરીએ તો, છેલ્લા ચાર ચાતુર્માસોથી અમારી નિશ્રામાં સામૂહિક માસક્ષમણો થાય છે. જેનો ચાર વર્ષનો કુલ સરવાળો છે સાતસો પંચોતેર માસક્ષમણ. માહોલ ત્યારે એવો બને છે કે ઘણા બધા ભાગ્યવાનો શક્તિ-સંયોગો અતિક્રમીને એ તપ કરવા તત્પર બની જાય. સ્વાભાવિક જ છે કે દરેક તપસ્વીને આટલા દીર્ઘ અને કઠિન તપ માટે સ્વજનોની અનુમતિ મળે જ એવું ન પણ બને. તો ય કેટલાક તપસ્વીઓને માસક્ષમણ નામે આ સુકૃત પ્રત્યે એવો તલપની કક્ષાનો લગાવ પ્રગટે કે ઘરે કોઈને જાણ ન થાય એ રીતે ઉપવાસ કર્યે જાય. ગોરેગામના ચાતુર્માસમાં એક તપસ્વીએ અઢાર ઉપવાસ સુધી ઘરમાં કોઈને માસક્ષમણનો ખ્યાલ આવવા ન દીધો હતો, તો પાર્લાનના ચાતુર્માસમાં એક તપસ્વીએ અગિયાર ઉપવાસ સુધી ઘરમાં કોઈને અણસાર આવવા દીધો ન હતો. શું છે આ ? ચોક્કસ પણે માસક્ષમણના સુકૃત પ્રત્યેનો તલપની કક્ષાનો તીવ્ર લગાવ. તો જ વ્યકિત તમામ સંયોગોની ઉપરવટ જઈ આ રીતે તપ કરી શકે.....
૩) તરવરાટ : તરવરાટ એટલે તે તે કાર્ય કરવાની સ્ફૂર્તિ- ઉત્સાહ- ઉમંગ. મા- ભોમ પ્રત્યે મરી ફીટવાની તમન્ના ધરાવતો સૈનિક જ્યારે યુદ્ધભૂમિ પર જાય ત્યારે એનો તરવરાટ જુસ્સો જબરજસ્ત હોય છે. પહેલી જ વાર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની રમવાની તક મળે ત્યારે એની તૈયારી માટે ખેલાડીનો તરવરાટ કો' અજબ-ગજબનો હોય છે. એજ રીતે, સુકૃતની તક મળે ત્યારે વ્યકિતનો ઉલ્લાસ- ઉમંગ છલકાતો નિહાળવા મળે તો એને કહેવાય તરવરાટ.
શ્રી શત્રુંજ્ય જેવા સર્વોત્તમ તીર્થાધિરાજની ભક્તિ માટે- શુદ્ધિકરણ માટે હાલની વ્યવસ્થા મુજબ ત્રણ દિવસ સેવા આપવાની તક મળે ત્યારે યુવાનનો ઉત્સાહ છલકાય, તો સંઘનાં આયોજનોમાં સેવા આપવાની તક આવે ત્યારે વ્યકિતમાં આગળ પડતો ભોગ આપવાની તત્પરતા ઝળકે, મોટો 'ધર્મલાભ' થાય ને વડીલોની ચિરંજીવ પુણ્યસ્મૃતિ થતી હોય ત્યાં વ્યકિતને મોટાં દાન કરવાની ઉછળતી ભાવના પ્રગટે, તો તપની તક મળે ત્યાં મોટી છલાંગ લગાવવાનો ઉમંગ આરાધકમાં છવાય. આ બધા યને આપણે કહી શકીએ તરવરાટ. આ સંદર્ભમાં એક ઘટના, આ લેખ જ્યાંથી લખાય છે તે ધર્મધામ- નાગેશ્વરપાર્શ્વતીર્થના ઉપધાનતપની જ ટાંકીએ :
અહીં આ લખાય છે ત્યારે એટલેકે ડિસેમ્બરમાસમાં ઉપધાનતપઆરાધના થઈ રહી છે. એમાં વાલકેશ્વર-પ્લેઝન્ટપેલેસના એક તપસ્વી આરાધના કરે છે. તપસ્યાના ઓગણીશમા દિવસે સવારે અમને એમના સમાચાર કોઈના દ્વારા મળ્યા કે ' ગુરુદેવને કહો આજે જિનાલયમાં દર્શનસમયે મારા વતી પ્રભુપ્રાર્થના કરે કે મારા સોળ ઉપવાસ નિર્વિધ્ન થાય.' અમને આશ્ચર્ય એટલા માટે થયું કે હજુ બે દિવસ પૂર્વે તો આ તપસ્વીએ ' વર્ટીગો'ની તકલીફ થતી હોવાની ફરિયાદ કરી હતી. ક્રિયાવિધિ બાદ તેઓ અમારી સમક્ષ એક સાથે સળંગ સોળ ઉપવાસનાં પચ્ચક્ખાણ લેવા આવ્યા. અમે એમને થોડી સાવધાની સૂચવી કે 'ઉપધાન તપમાં ક્રિયા ઘણી બધી હોય છે અને તમને થોડા દિવસ પૂર્વે તકલીફ પણ થઈ છે. તો ત્રણ ત્રણ ઉપવાસથી આગળ વધવું હિતાવહ છે.' તુર્ત એ કહે : 'સાહેબજી ! અહીં એક તરફ અદ્ભુત પ્રભાવશાલી નાગેશ્વરપાર્શ્વપ્રભુ છે અને બીજી તરફ આપ છો. પછી મારે કાંઈ વિચારવાનું હોય જ નહિ. મને ખાતરી છે કે સોળ ઉપવાસ સરસ થઈ જ જશે. આપ પચ્ચક્ખાણ લીધા અને એ સોળ ઉપવાસ- ઉપધાનતપમાં ખૂબ સરસ આગળ વધી રહ્યા છે. એમનું નામ છે જિજ્ઞાાબેન.
૪) ત્વરા : એક સુવાક્ય એમ કહે છે કે ' કોઈ પણ શુભ કાર્યને કાલ પર ન જવા દો અને કોઇ પણ ગલત કાર્યને આજ પર ન આવવા દો.' કારણ ? એ જ કે કાલે વિચાર પલટાઈ જાય એવું બને અને ક્યારેક તો આયુષ્ય પૂરું થઈ જતાં કાલ આવે જ નહિ એવું ય બને. આ બન્ને પરિસ્થિતિમાં સત્કાર્યથી વંચિત ન રહી જવાય એ માટે સત્કાર્યનો વિચાર આવતાંવેંત એનો ત્વરાપૂર્વક અમલ કરવો એમ એ સુવાક્યના પૂર્વાર્ધનો નિર્દેશ છે. આપણી સંસ્કારપરંપરા 'સુકૃત કરવામાં કોઈ વિલંબ ન કરવો' આ વિચારધારા કેવી જડબેસલાખ રજૂ કરે છે એ દાનેશ્વરી કર્ણના એક મસ્ત જીવનપ્રસંગમાં સરસ નિહાળાય છે.
કહે છે કે દાનેશ્વરી કર્ણ નિત્ય પ્રભાતે દાન આપતો હતો અને એમાં એકવાર દાન-શાળામાં આવેલ કોઈ ભૂદેવે હાથ લંબાવવામાં વિલંબ કર્યો. રાજાકર્ણે એ સમયે હૃદયમાં અંકિત થઈ જાય એવો ઉત્તર આપ્યો કે :-
ચલં ચિત્ત ચલં વિત્ત, ચલં જીવિતમાવયો :
પ્રસારય કરં વિપ્ર ! ધર્મસ્ય ત્વરિતા ગતિ :
મતલહ કે' હે બ્રાહ્મણ ! દાન માટે હાથ જલ્દી લંબાવો. કારણકે (૧) ચિત્ત ચંચળ છે. દાન આપવાના મારા ભાવો ક્યારે પલટાઈ જશે એનો કોઈ ભરોસો નથી. (૨) સંપત્તિ પણ ચંચળ છે. આજે જે દાન માટે વિપુલ સામગ્રી છે તે કાલે સંપત્તિના અભાવે ન પણ હોય. ૩) જો ચિત્ત અને વિત્ત, બન્ને બરાબર રહે તો ય આપણા બન્નેનું આયુષ્ય દીર્ઘ રહે એ નિશ્ચિત નથી. આયુષ્ય સમાપ્ત થઈ જશે તો દાનનું સુકૃત મારાથી થઈ શક્શે નહિ. આ ત્રણેય કારણ જોતાં ચોક્કસ કહી શકાય કે ધર્મની- સુકૃતકાર્યોની તક જલ્દી જતી રહે તેવી હોય છે. માટે તમે દાન સ્વીકારવામાં વિલંબ ન કરો.' લેનાર નહિ, આપનાર આ રીતે ત્વરા કરે એ કલ્પના જ કેવી રોમાંચક છે ! સુકૃત પ્રત્યે ત્વરાનો અભિગમ આવો ઉત્કટ જોઈએ..
૫) તન્મયતા : સત્કાર્ય દાનનું હોય કે સેવાનું, તપસાધનાનું હોય કે આત્મ-કલ્યાણનું: એ કરવા માટે ત્વરા હોય અને પછી વેઠ ઉતારાય તો એ ન ચાલે. સુકૃત કરવા માટે જેમ નિર્ણયાદિની સ્તરે ત્વરા જોઈએ. એમ કરવાના સમયમાં તન્મયતા જોઈએ. એવાં ઓત-પ્રોતભાવે એ સુકૃત થાય કે લાભ અનેકગણો પ્રાપ્ત થાય. જૈન ઇતિહાસમાં ધન્નાશ્રેષ્ઠીનું મસ્ત ઉદાહરણ મળે છે. એમને એક સાથે તમામ ઋષિ-સમૃદ્ધિનો ત્યાગ કરીને અને પોતાના બનેવી શાલિભદ્ર શ્રેષ્ઠીને એવો ઉજ્જવલ ત્યાગ કરવા પ્રેરિત કરીને ત્વરાનું શ્રેષ્ઠ આલંબન તો પ્રસ્તુત કર્યું. ઉપરાંત વૈભારગિરિ પર અંતિમ અશનઆરાધના સમયે સ્વજનો સામે નજર પણ ન કરવાની તન્મયતા- અંતિમ આરાધનામાં ઓતપ્રોતતા દાખવીને એમણે તન્મયતાનું પણ શ્રેષ્ઠ આલંબન પ્રસ્તુત કર્યું હતું. પરિણામ ? પરિણામ એ આવ્યું કે તેઓ એ જ ભવના અંતે સિદ્ધિપદ પામ્યા.
છેલ્લે 'પંચસૂત્ર' ગ્રન્થ આધારિત મજાની વાત : દુષ્કૃતોના ત્યાગનો મન્ત્ર છે. 'મિચ્છા મિ દુક્કડં.' સુકૃતોના સ્વીકારનો મન્ત્ર છે ' ઇચ્છામિ સુકડં '.