ભક્તિ આપણને જીવનની પ્રત્યેક ઘટનાને માણતાં શીખવે છે

સુખ-દુ:ખ, માન-અપમાન, લાભ-હાની, મારું-તારૃં, મનમાં ચાલતા આંદોલન સમુદ્રમાં ઉઠતા તરંગો જેવાં છે. સાગર કિનારે જઇને બેસીએ ત્યારે દૂરથી આવતાં મોજાં પગ પાસે આવીને વિખેરાઈ જાય છે અને સમુદ્રની ગહેરાઈમાં સમાઈ જાય છે. બીજી જ ક્ષણે નવા તરંગો સર્જાયા કરે છે. સંતો કહે છે : સમુદ્રમાં ઊઠતા અને સમાઈ જતા તરંગો 'શાંતધર્મા' છે. આપણે તેમાં રહેલા લયને જાણતાં શીખવાનું છે.
આપણા જીવનમાં હરપળ આવી ઘટનાઓ સર્જાયા કરે છે એ વખતે ભક્તિનું શરણ લઈએ તો સમજાશે કે આવી ઘટનાઓ સમુદ્રના તરંગોથી વિશેષ કાંઈ નથી. જીવનને સમજવા માટે ભગવાનની કૃપાને સમજવી પડશે. ભગવાન કૃપાળુ છે. દયાનો સાગર છે. આનંદરૂપ છે. આવો અનુભવ કરવા ભગવાનની ભક્તિ કરવાનો મહિમા છે.
ભક્તિ જીવન જીવવાની કળા છે.
- ભક્તિ એ જીવનનો પ્રાણ છે.
- ભક્તિની અભિવ્યક્તિ પરમાત્માના ગુણાનુવાદમાં, ગીતમાં, કિર્તનમાં, શ્રવણમાં, સેવામાં, નામ સ્મરણમાં અને નૃત્યમાં એમ અનેક પ્રકારે થાય છે.
- ભક્તિ એટલે પરમાત્માના ચરણોમાં 'સર્વસ્વ'નું સમર્પણ.
- ભક્તિમાં વિરહ છે, વેદના છે વ્યથા છે. વલોપાત છે.
રોઈ રોઈ અખિયાઁ પ્યાસી
નૈના હરિ દર્શનકી પ્યાસી.
- પાણીથી વિખૂટા પડેલા માછલાની જેમ તરફડાટ. પ્રભુ દર્શનની તીવ્રતમ ઝંખના. 'હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ.' પરમાત્મા પ્રાપ્તિ માટે ભક્તિનો માર્ગ સુગમ દેખાતો હોવા છતાં કઠિન છે. સંસારના પદાર્થો અને વ્યક્તિઓ તરફથી મોં ફેરવી પરમાત્મા તરફ વાળવાનું કામ ભક્તિ કરે છે. વાસના કે કામનાની અવસ્થા શાંત થાય પછી શુધ્ધ પ્રેમ જે રહે , જે ઝંખના રહે તે ભક્તિ. આવી ભક્તિ શુધ્ધ પ્રેમનું સર્વોત્તમ રૂપ છે. મીરાં અને નરસિંહની ભક્તિ તેનાં ઉત્તમ ઉદાહરણ છે.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય








