Magazines

દેવ આનંદની જ્વેલ થીફ એટલે બોલિવુડની પહેલી થ્રિલર હાઈસ્ટ

By GS TEAM
18 Jun 20266 mins read
દેવ આનંદની જ્વેલ થીફ એટલે બોલિવુડની પહેલી થ્રિલર હાઈસ્ટ

- દાસ્તાન-એ-સિનેમા

- નેટફ્લિક્સની 'મની હાઈસ્ટ' આવી અને તેણે દર્શકોને હાઈસ્ટ મૂવીઝ-સિરીઝનું ઘેલું લગાડયું. આ એક એવો વેબ શો હતો કે જેને જોવા માટે દર્શકો રાત્રે ત્રણ-ત્રણ ચાર-ચાર વાગ્યા સુધી જાગતા. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો ૧૯૬૭માં દેવ આનંદની થ્રિલર હાઈસ્ટ મૂવી 'જ્વેલ થીફ' આવી. 'જ્વેલ થીફ'થી હિન્દી સિનેમામાં થ્રિલર હાઈસ્ટ પ્રકાર ઈન્ટ્રોડયુસ થયો હતો.

આજકલ ઈન્ડિયા મેં ક્યા ચલ રહા હૈ... આ એક પોપ્યુલર એડની પંચલાઈન છે. જે ખૂબ પોપ્યુલર થઈ. જે સમયે આ એડ આવી ત્યારે કોઈને આ સવાલ પૂછો તો તેમના મનમાં એક પ્રોડ્કટ દેખાતી. પરંતુ, હવે કોઈને પૂછો કે, આજકલ ઈન્ડિયા મેં ક્યા ચલ રહા હૈ...તો કહી શકાય કે, મની હાઈસ્ટ મૂવીઝ-સીરિઝ કા મેજિક ચલ રહા હૈ.. ૨૦૧૭માં નેટફ્લિક્સ પર આવેલી 'મની હાઈસ્ટ' એટલી હદે પોપ્યુલર થઈ કે, તેનો એક એક એપિસોડ જોવા માટે જુવાનિયા ત્રણ-ત્રણ ચાર-ચાર વાગ્યા સુધી જાગતા. તેની પોપ્યુલારિટીને જોઈને મેકર્સે તેને આગળ વધારી. નવી સીરિઝ લાવ્યા પણ પહેલા જેવી મજા નહીં. આ પહેલી વખત નહોતું કે, વિશ્વમાં 'મની હાઈસ્ટ'ના સબ્જેક્ટ સાથેની કોઈ મૂવી-સીરિઝ પોપ્યુલર થઈ હોય. ઓશન્સ સીરિઝ કે જેના 'ઓશન્સ ઈલેવન', 'ઓશન્સ ટ્વેલ્વ' અને 'ઓશન્સ થર્ટીન' જેવા ભાગ આવ્યા તે પણ દર્શકોની પસંદ બન્યા. પણ, હા, 'મની હાઈસ્ટ'ની વાત જ કંઈક અલગ. તેનું જોઈને ભારતીય ફિલ્મ મેકર્સ પણ શીખ્યા. હાલ, નેટફ્લિક્સ પર ચાલી રહેલી ધનુષની 'કાલા' ઈમોશન્સ સાથેનું દેશી વર્ઝન જ છે. આ પહેલી વખત નથી. ભારતમાં આ વિષય પર પહેલા પણ ફિલ્મો આવી. આ સબ્જેક્ટ પર ફિલ્મોની શરુઆત એવરગ્રીન દેવ આનંદે ૧૯૬૭માં 'જ્વેલ થીફ' સાથે કરી. શરુઆત જ હંમેશા મુશ્કેલ હોય. બાકી, પાછળ પાછળ બધા હૈશો કહીને આવી જાય, બસ, તેવું આ ફિલ્મ સાથે પણ થયું. હા..ફિલ્મમાં થ્રિલરનો ભાગ વધારે છે. પણ, આ એક શરુઆત હતી.

સમય કરતા વહેલી આવેલી ફિલ્મ

હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૧૯૬૦નો દાયકો એવો હતો જ્યારે, માઈથોલોજી, સોશિયલ ડ્રામા અને રોમેન્ટિક ફિલ્મોનું રાજ હતું. ક્યારેક ક્યારેક થ્રિલર ફિલ્મો પણ આવતી પણ ગોલ્ડીના નામે ઓળખાતા વિજય આનંદે કંઈક હટકે વિચાર્યું. ગોલ્ડી એવી ફિલ્મ બનાવવા માંગતા હતા કે, જે સુપરફાસ્ટ હોય. તેના પ્લોટમાં નવા પ્લોટ ખૂલે. દર્શકોને છેક છેલ્લે સુધી ખબર ન પડે કે વિલન કોણ છે? આ ફિલ્મ માટે તેમણે મૈસુરના લેખક કે.એ. નારાયણની કહાણીનો ઉપયોગ કર્યો. નામ સાંભળીને કન્ફ્યુઝન થતું હશે. આ એ આર. કે. નારાયણ નહીં કે જેમણે, 'માલગૂડી ડેઝ' અને 'ગાઈડ' લખી. કે.એ. નારાયણ તેમનાથી અલગ.

હવે, તમે એ વિચારો કે ગોલ્ડી કેવા જિનિયસ હશે. તેમણે ૧૯૬૫માં 'ગાઈડ' બનાવી. એવી મૂવી કે જીવન જીવવાની ફિલોસોફીથી ભરપૂર. ત્યારબાદ, ૧૯૬૭માં 'જ્વેલ થીફ'. બંને ફિલ્મોનો વિરોધાભાસ જુઓ. 'ગાઈડ'માં ગોલ્ડીનું કામ હતું, રાજુ ગાઈડને સાહિત્યની સૌથી ઉપલી હરોણમાં મૂકવાનું. જ્યારે, 'જ્વેલ થીફ'માં તેમણે એવું રહસ્ય ઊભું કર્યું કે, દર્શકો છેક સુધી વિચારતા રહ્યા કે વિલન કોણ હશે? દેવ આનંદના પડછાયામાં ઢંકાઈ ગયેલા ગોલ્ડી કોઈ સામાન્ય ફિલ્મમેકર નહોતા. સામાન્ય હોત તો એવો સબ્જેક્ટ સિલેક્ટ કરત કે જે હિટની વ્યાખ્યા બન્યો હોય. પણ ગોલ્ડીએ કંઈક અલગ જ સબ્જેક્ટની ફિલ્મ પર કામ કર્યું. જે સમય જતાં ક્લાસિક્સમાં સ્થાન પામી.

મજરૂહ સુલતાનપુરીના શબ્દોનો જાદુ

આપણે હિલસ્ટેશન પર જઈએ તો શું થાય છે? આપણે વાતાવરણને અનુભવીએ છીએ. તેવો જ જાદુ કેટલાક કવિઓને મળ્યો છે. તેમના શબ્દો આપણને આઉટ-ઓફ-ધ-વર્લ્ડ એક્સપિરિન્સ કરાવે છે. મજરુહ સુલતાનપુરી તેમાંના જ એક. તેમને કામ સોંપવામાં આવ્યું હતું કે, તમારે એવી ફિલ્મના સોંગ્સ લખવાના છે જે થ્રિલર છે. દર્શકોને છેક સુધી ખબર નથી કે, ગુનેગાર કોણ છે ? આ રહસ્ય પર મજરુહ સુલતાનપુરી લખ્યું, 'યે રાત અકેલી હૈ..બુઝ ગયે દિયે..' ત્યારબાદ, તેમણે 'રુલા કે ગયા સપના મેરા બેઠી હું કબ હો સવેરા...'સાથે ફિલ્મમાં ઈમોશન્સને ઉમેર્યા. 'દિલ પુકારે..' સાથે એક પ્રેમીને અવાજ આપ્યો. 'યે દિલ ના હોતા બેચારા..' સાથે એક ખોવાઈ ગયેલા આત્માની વાત કરી. 'હોંઠો મે ઐસી બાત...'સાથે તેઓ આ ફિલ્મને એક અસાધારણ લેવલ પર લઈ ગયા. આ તેમના શબ્દોનો જ જાદુ જેના કારણે સોંગ્સ દેવ આનંદની જેમ એવરગ્રીન બન્યા. બાકી, ફિલ્મો આવે છે અને જાય છે. સોંગ્સ થોડા સમય માટે હિટ પછી સાંભળવા પણ નથી ગમતા.

ગુરુ દત્તની ફિલ્મની ધૂન 'જ્વેલ થીફ'માં

એસ.ડી. બર્મને 'યે દિલ ના હોતા બેચારા' ની એ સીટી વગાડવા જેવી ધૂન ૧૯૬૬માં ગુરુ દત્તની ફિલ્મ 'બહારેં ફિર ભી આયેંગી' માટે કમ્પોઝ કરી હતી. પરંતુ, જ્યારે તે ફિલ્મમાંથી બર્મનદાને કાઢીને ઓ.પી. નૈયરને મ્યુઝિક ડિરેક્ટર તરીકે લેવામાં આવ્યા ત્યારે જોવા જેવી થઈ. બર્મનદા આ ધૂનને 'જ્વેલ થીફ'માં લઈને આવ્યા. તેમના પુત્ર આર.ડી. બર્મને સંગીત સહાયક તરીકે તેને નવો ઓપ આપ્યો. આમ, દુનિયાને ગજબની ધૂન મળી. આ ધૂન પણ કંઈ ઓરિજનલ નહોતી. તેને બ્રિટિશ આર્મી કમ્પોઝિશન 'કર્નલ બોગી માર્ચ' પરથી લેવામાં આવી હતી. આ એ જ માર્ચ છે જે 'ધ બ્રિજ ઓન ધ રિવર ક્વાઈ' ફિલ્મના છેલ્લા સીનમાં વાગે છે. આ બર્મનદાનો જાદુ જેણે એક મિલિટરી સોંગને મજાની ધૂનમાં ફેરવ્યું.

આ ફિલ્મમાં વિલન કોણ...?

આ ફિલ્મનો એ જાદુ કે બધાને છેક સુધી લાગે કે, હીરો દેવ આનંદ જ વિલન છે. પણ, તેનું રહસ્ય છેલ્લી રીલમાં ખૂલે છે. આ વિલનના રોલ માટે સૌથી પહેલી ઓફર રાજ કુમારને કરવામાં આવી હતી. તેમણે ના પાડી એટલે ગોલ્ડીએ અશોક કુમારનો સંપર્ક કર્યો. તેઓ હાર્ટ ઓપરેશન બાદ ઘરે આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે જ ગોલ્ડી ભાઈ દેવ આનંદ સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન તો વાત ન થઈ શકી. પરંતુ, એક દિવસ અચાનક ગોલ્ડીએ દાદામોનીને કહ્યું કે, મારી નવી ફિલ્મ છે. જેમાં, દર્શકોને છેક છેલ્લે ખબર પડે છે કે, જેની પર સૌથી વધુ વિશ્વાસ કરતા હતા તે જ વિલન છે. તમે એક હિંમતવાન કલાકાર છો. આ રોલ તમારા સિવાય કોઈ ન કરી શકે. આમ, આ ફિલ્મનો સૌથી ચેલેન્જિંગ રોલ અશોક કુમારને મળ્યો.

વૈજયંતિમાલાની સરપ્રાઈઝ એન્ટ્રી

શાલિનીના રોલ માટે પહેલા સાયરા બાનુને ઓફર આપવામાં આવી હતી. પરંતુ, તેઓ દિલીપ કુમાર સાથે લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હોવાથી તેમણે ના પાડી અને વૈજયંતિમાલાની એન્ટ્રી થઈ. આ એન્ટ્રી કંઈ જેવી તેવી નહોતી. તે સમજવું હોય તો 'રાત અકેલી હૈ..' અને 'હોઠોં મેં ઐસી બાત..' સોંગ્સના વીડિયો જોઈ લેવા. તમને સમજાશે કે, તેમની એક્ટિંગ જ જેના કારણે ફિલ્મમાં ચાર ચાંદ લાગ્યા.

આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મનો પ્રભાવ

આ ફિલ્મ માટે કહેવામાં આવ્યું કે, તેની સ્ટોરીમાં આલ્ફ્રેડ હિચકોકની 'નોર્થ બાય નોર્થવેસ્ટ' ફિલ્મનો પ્રભાવ છે. એક નિર્દોષ માણસની થ્રિલર સ્ટોરી કે જેમાં, એક જેન્ટલમેન એક મોટા ષડયંત્રમાં ફસાઈ જાય છે. હિચકોકનો કેરી ગ્રાન્ટ મુશ્કેલીઓનો સામનો સહજતાથી કરતો જ્યારે, દેવ આનંદ સ્ટાઈલિશની સાથે સાથે લાચાર પણ દેખાય છે. કદાચ, એટલે જ દર્શકોની સહાનુભૂતિ તેને મળે છે.

એક રેસિપી, અનેક વાનગીઓ

આપણે બધામાંથી કેટલાક જિજ્ઞાાસુ જીવ. એટલે ખબર પડે કે, આ જગ્યાએ સારી સેન્ડવિચ મળે છે. તો પછી વહેલા જે સમયે સેન્ડવિચ બનતી હોય તે સમયે પહોંચી જાય. બાજુમાં ઊભા રહીને તેને બનતી જુએ. બીજા દિવસે ઘરે ટ્રાય કરે ત્યારે ખબર પડે કે, તેણે જે પ્રોડક્ટ યુઝ કરી તે મે પણ યુઝ કરી. પણ સેન્ડવિચ તેવી ના બની. આવું ફિલ્મમેકર્સ સાથે પણ થાય. કોઈ સુપરહિટ ફોર્મ્યુલાલા દર વખતે ન ચાલે. દેવ આનંદે ભાઈ ગોલ્ડી સાથે મળીને 'જ્વેલ થીફ' બનાવી. તે સમયે તે સુપરહિટ રહી. બોક્સઓફિસ પર ધૂમ કમાણી કરી. દેવ આનંદ વર્ષો પછી થયું આ રેસિપીને ફરી એકવાર ટ્રાય કરું. અને ૧૯૯૪માં ફિલ્મની સિક્વલ 'ધ રિટર્ન ઓફ જ્વેલ થીફ' આવી. જેમાં, દેવ આનંદ અને અશોક કુમારની સાથે જેકી શ્રોફ અને ધર્ર્મેન્દ્ર હતા. આ રેસિપીમાં વધુ તડકો હોવા છતાં ફિક્કી લાગી. એટલે દરેક ક્રિએટિવ વાનગીનું આવું. વધારે હાથ એટલે વધારે સ્વાદ જેવું અહીં ન હોય. અહીં, તો જેના મનની ઊપજ હોય તેને ખબર હોય કે, આ રેસિપી કેટલી ચાલવાની.