Magazines

મરચામાં પાક ઘટવા છતા કેરી ફોરવર્ડ સ્ટોકના પગલે પુરવઠો જળવાયો

By GS TEAM
28 Dec 20251 min read
મરચામાં પાક ઘટવા છતા કેરી ફોરવર્ડ સ્ટોકના પગલે પુરવઠો જળવાયો

ભારતમાં મરચાંનું ઉત્પાદન આશરે ૨૦ ટકા ઘટયું છે. વાવેતરનો વિસ્તાર ઘટતાં તથા જીવાતનો ઉપદ્રવ વધતાં ૨૦૨૫-૨૬નો મરચાનો  પાક  ઘટયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. મરચા ઉગાડતા ઘણા ખેડૂતો મકાઈ, કપાસ, કઠોળ વિ. પાકો તરફ વળતાં વર્ષ દરમિયાન જોવા મળ્યા છે. જોકે પાછલા વર્ષનો સિલ્લક સ્ટોક સારો હોતાં મરચામાં સપ્લાય લાઈન જળવાઈ રહી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન મરચાની નિકાસમાગ અપેક્ષાથી ધીમી રહી હતી. મરચાના વાવેતરનો વિસ્તાર આશરે ૩૦ ટકા ઘટયો છે. પાકનું ચિત્ર જોકે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વધુ સ્પષ્ટ થવાની શક્યતા બજારમાં બતાવાઈ રહી હતી. જો કે મરચાનો કેરી ફોરવર્ડ સ્ટોક આંધ્રમાં આશરે ૫૫ લાખ ગુણમી (૫૦ કિલોની) તથા તેલંગણામાં ૩૬ લાખ અને કર્ણાટકમાં ૪૫ લાખ ગુણી મનાઈ હતી. ચીનની માગ ધીમી હતી. નવો પાક ૨૦ ટકા ઘટવાની ભીતિ છે. તથા નવો પાક ૧૧થી ૧૨ લાખ ટનનો મનાતો થયો હતો.દરમિયાન,વિવિધ ઉત્પાદક મથકોએ નવા માલોની છૂટીછવાઈ આવકો શરૂ થઈ ગઈ છે. તથા નવા માલોના ભાવ પાછલા વર્ષની સરખામણીએ ઉંચા બોલાઈ રહ્યાના નિર્દેશો તાજેતરમાં દક્ષિણ-ભારતના વિવિધ ઉત્પાદક મથકો પરથી મળી રહ્યા હતા.