લોકશાહી અને લોકો .
ગણતંત્ર દિવસ પહેલાં જ ગાંધીજી હંમેશા માટે વિદાય લઈ ચૂક્યા હતા. પરંતુ તેમની પ્રજાસત્તાકની કલ્પના બહુ જ સ્પષ્ટ હતી. એ વખતે જેટલી લાગુ પડતી હતી, એટલી જ હજુય લાગુ પડે છે. 'આપણે સૌ એક પિતાનાં સંતાન' પુસ્તકમાં ગ્રંથસ્થ થયેલાં ગાંધીજીના શબ્દોમાં જ તેમની લોકશાહીની વિભાવના સમજીએ..
લોકશાસનના પાયામાં અહિંસા
મારી લોકશાસનની કલ્પના એવી છે કે તેના અમલમાં નબળામાં નબળાને સૌથી સબળાના જેટલી તક હોવી જોઈએ. કેવળ અહિંસા દ્વારા આ થઈ શકે, બીજી રીતે નહીં.
મેં હંમેશાં માન્યું છે કે હિંસા વાટે નાનામાં નાના અને નીચલામાં નીચલા સુધીનાને સામાજિક ન્યાય આપવાનું અશક્ય છે. મેં વધારામાં એમ પણ માન્યું છે કે સૌથી નીચલા થરના લોકોને પણ અહિંસા વાટે યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેમનાં દુઃખો અને અન્યાયોની દાદ મેળવવી શક્ય છે. એ માર્ગ અહિંસક અસહકારનો છે.
અમુક પ્રસંગે અસહકાર સહકારના જેટલો જ ધર્મરૂપ થઈ પડે છે. કોઈ પણ માણસ પોતાની બરબાદી કે ગુલામીના કામમાં પોતાનો સહકાર આપવા બંધાયેલો નથી. પારકે પ્રયત્ને મળેલું સ્વાતંત્ર્ય ગમે તેટલું સદ્ભાવભર્યું હોય તો પણ એવા પ્રયત્ન ન રહે ત્યારે તે ટકાવી શકાશે નહીં. મતલબ કે એવું સ્વાતંત્ર્ય ખરું સ્વાતંત્ર્ય નથી. પણ અદનામાં અદનો માણસ પણ અહિંસક અસહકારથી એવું સ્વાતંત્ર્ય પામવાની કળા શીખી શકે છે ને તે જ ઘડીથી એની હૂંફ અને એનો ઉજાસ એ પોતાના અંતરમાં અનુભવશે.
સવિનય કાનૂન ભંગ નાગરિકનો હક
સવિનય કાનૂનભંગ નાગરિકનો જન્મસિદ્ધ હક છે. માણસ મટીને જ તે તેનો ત્યાગ કરી શકે. સવિનય કાનૂનભંગ કદી પણ અરાજકતા પેદા કરતો નથી. ગુનાહિત કાનૂનભંગમાંથી એ પેદા થાય છે. એવો કાનૂનભંગ હરેક રાજ્ય બળ વાપરીને દાબી દે છે. રાજ્ય એમ ન કરે તો તે પોતે નાશ પામે. પરંતુ સવિનય કાનૂનભંગ દાબી દેવો એ અંતરાત્માને કેદમાં પૂરવા સમાન છે. ખરા આમવર્ગનું પ્રજાતંત્ર ખોટાં અને હિંસક સાધનોથી કદી ન મળે. કારણ, તેમાં દબાવીને અગર તો મારી નાખીને બધા વિરોધીઓના નાશને સ્વાભાવિક પરિણામ તરીકે સ્વીકારવો પડે.
એમાંથી વ્યક્તિની મુક્તિ ન જ ફળે. વ્યક્તિગત મુક્તિ કેવળ નિર્ભેળ અહિંસામાંથી પરિણમે. દુનિયામાં આટલા બધા માણસો હજુ છે એ જણાવે છે કે, દુનિયાનું બંધારણ હથિયારબળ ઉપર નથી, પણ સત્ય, દયા કે આત્મબળ ઉપર છે. એટલે મોટો ઐતિહાસિક પુરાવો તો એ જ છે કે દુનિયા લડાઈના હંગામો છતાં નભી છે. એટલે લડાઈના બળ કરતાં બીજું બળ તેનો આધાર છે. હજારો બલ્કે લાખો માણસો પ્રેમવશ રહી પોતાનું જીવન ગુજારે છે, કરોડો કુટુંબોના કલેશનો સમાવેશ પ્રેમભાવનામાં થઈ જાય છે.
આપણે બધા આપણી ફરજ અદા કરીએ તો હક આપણી પાસે જ છે
સ્વરાજ કેવળ આપણી પોતાની અંદરની તાકત પર, ગમે તેવા પ્રતિકૂળ સંજોગો સામે થવાની આપણી શક્તિ પર આધાર રાખે છે. અરે, જે સ્વરાજ મેળવવાને અને નભાવવાને એ પ્રકારના સતત પ્રયાસની જરૂર ન હોય તેની કંઈ કિંમત નથી. એટલે વચનથી અને કર્મથી મેં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે રાજકીય સ્વરાજ એટલે મોટા ભાગનાં સ્ત્રીઓ અને પુરુષો માટેનું સ્વરાજ વ્યક્તિના સ્વરાજ કરતાં વધારે નથી અને તેથી વ્યક્તિના સ્વરાજને માટે અથવા માણસે પોતાના પર પોતાનું શાસન સ્થાપવાને માટે જે સાધનો જરૂરી છે, બરાબર તે જ સાધનો સ્વરાજ મેળવવાને પણ જરૂરી છે.
હકનું બીજ ફરજ છે. આપણે બધા આપણી ફરજ અદા કરીએ તો હક આપણી પાસે જ છે. ફરજ છોડી હકને બાઝવા જઈશું તો તે ઝાંઝવાનાં નીર જેવા છે. જેમ તેની પાછળ જઈએ તેમ તે નાસે છે. એ જ વસ્તુ કૃષ્ણ તેની દિવ્ય વાણીમાં ગાઈ બતાવી ઃ 'હે રાજા, કર્મનો જ તને અધિકાર છે; ફળનો કદી ન હજો.' કર્મ તે ધર્મ છે; ફળ તે હક છે.
બધા નાગરિકોને સમાન અધિકાર
સમાજની મારી કલ્પના એ છે કે આપણે બધા સરખા જન્મેલા છીએ, એટલે કે આપણને સરખી તક મેળવવાનો અધિકાર છે, છતાં સૌની શક્તિ સરખી નથી. એ વસ્તુ સ્વભાવતઃ જ અશક્ય છે. દાખલા તરીકે સૌની ઊંચાઈ, રંગ કે બુદ્ધિ સરખી ન હોઈ શકે. એટલે કુદરતી રીતે કેટલાકની શક્તિ વધારે કમાવાની હશે અને કેટલાકની ઓછું કમાવાની. બુદ્ધિશાળી માણસોની શક્તિ વધારે હશે, અને તેઓ પોતાની બુદ્ધિનો એ માટે ઉપયોગ કરશે. તેઓ જો રહેમ રાખીને બુદ્ધિ વાપરશે તો તેઓ રાષ્ટ્રની સેવા કરશે.
એવા લોકો રક્ષક તરીકે જ રહી શકે, બીજી કોઈ રીતે નહીં. હું બુદ્ધિશાળી માણસને વધારે કમાવા દઉં. હું તેની બુદ્ધિના વિકાસને રોકું નહીં. પણ જેમ બાપના બધા કમાતા દીકરાની આવક કુટુંબના સહિયારા ખાતામાં જમા થાય છે તેમ એમની વધારે કમાણીનો મોટો ભાગ રાષ્ટ્રના હિત માટે જમા થાય છે તેમ એમની વધારે કમાણીનો મોટો ભાગ રાષ્ટ્રના હિત માટે વપરાવો જોઈએ. તેઓ પોતાની કમાણી રક્ષક તરીકે જ રાખી શકે. આવું હું જરાયે ન કરી શકું એમ બને. પણ હું એને માટે પ્રયત્ન કરી રહ્યો છું. અંગ્રેજો ચાલ્યા જાય એટલામાં પૂર્ણ સ્વરાજ આવી નથી જતું. દરેક નાગરિકને થઈ જવું જોઈએ કે હવે હું મારું ભાગ્ય ઇચ્છું તેમ ઘડી શકું એમ છું.
હિંસાથી મેળવેલો વિજય અલ્પજીવી હોય છે
આમજનતાની હિંસા એ રોગ કદી પણ નાબૂદ નહીં કરી શકે. એ ગમે તેમ હો, અત્યાર સુધીનો અનુભવ બતાવે છે કે, હિંસાનો વિજય અલ્પજીવી હોય છે. એમાંથી વધારે હિંસા પેદા થાય છે. અત્યાર સુધી જેની અજમાયશ કરવામાં આવી હતી તે એક પ્રકારની હિંસા અને કૃત્રિમ અંકુશો હતાં અને તે પ્રધાનપણે હિંસક લોકોની ઇચ્છા પર અવલંબતાં હતાં. પણ અણીને વખતે સ્વાભાવિક રીતે જ એ અંકુશો તૂટી જાય છે.
આપણે આપણા સિદ્ધાંતને બરાબર જાળવીશું. અને આપણી લડતને શોભાવશું. પણ આપણા વાવટા તળે જબરાઈથી લોકોને લાવીએ તો આપણે આપણા સિદ્ધાંતને ગુમાવી બેસીએ. સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી સ્વતંત્ર થવાનો અવિરત પ્રયત્ન, પછી એ સરકાર પરદેશી હોય કે રાષ્ટ્રીય હોય. લોકો જીવનની પ્રત્યેક બાબતને સુવ્યવસ્થિત કરવા માટે સરકાર પાસે આશા રાખ્યા કરે એવી સ્વરાજ સરકાર અફસોસજનક બની જશે.
આદર્શ રાજ્ય તે છે જેમાં રાજ્યસત્તા નથી
મને નામની રાજ્યસત્તા નથી જોઈતી, કામની જોઈએ છે. એ આપણું સાધ્ય નથી, પણ પ્રજાની સ્થિતિ દરેક રીતે સુધારવાનું સાધન છે. રાજ્યસત્તા મેળવવી એટલે દેશના પ્રતિનિધિઓ દ્વારા પ્રજાજીવનને ઘડવાની સત્તા મેળવવી. પણ પ્રજાજીવન આપોઆપ ઘડાતું જાય તો પ્રતિનિધિઓને સત્તા આપવાની ગરજ ન રહે. તે વેળા એક પ્રકારનું સંસ્કારી, સંયમી અરાજક હશે. એ અરાજકમાં દરેક પોતપોતાના અંકુશમાં હશે, પોતપોતાનો રાજા હશે.
એ એવી રીતે પોતાને અંકુશમાં રાખશે કે જેથી તેના પડોશીને તે જરાયે હરકતકર્તા ન થઈ પડે. એટલે આદર્શ રાજ્ય તે છે જેમાં રાજ્યસત્તા નથી, કારણ સામુદાયિક રાજ્ય જ નથી. પણ એ આદર્શ લીટીની વ્યાખ્યા જેવું થયું. એટલે જ થૉરોએ પોતાનું મહાવાક્ય ઉચ્ચાર્યું કે જેમાં રાજ્યસત્તાનો અમલ અલ્પમાં અલ્પ તે રાજ્ય ઉત્તમોત્તમ. હું જાણું છું કે સાચું લોકતંત્ર અહિંસામાંથી જ ફલિત થઈ શકે. જગતના સમવાયતંત્રની રચના અહિંસાના પાયા ઉપર જ થઈ શકે, અને જગતનાં કામકાજમાં હિંસાનો સર્વથા ત્યાગ કરવો પડશે.
ચૂંટાવાથી જ સત્તા મળે તે માન્યતા ખોટી
આપણે લાંબા વખતથી એમ માનવાને ટેવાયા છીએ કે પ્રજાને સત્તા કેવળ ધારાસભાઓ મારફતે મળે છે. આ માન્યતાને હું આપણી એક ગંભીર ભૂલ માનતો આવ્યો છું. એ ભ્રમનું કારણ કાં તો આપણી જડતા છે, કાં તો અંગ્રેજોના રીતરિવાજોએ આપણા પર જે ભૂરકી નાખી છે તે છે. બ્રિટિશ લોકોના ઇતિહાસના ઉપરચોટિયા અભ્યાસ પરથી આપણે એવું સમજ્યા છીએ કે, રાજતંત્રની ટોચે આવેલી પાર્લમેન્ટોમાંથી સત્તા ઝમીને પ્રજાની અંતર ઊતરે છે.
સાચી વાત એ છે કે, સત્તા લોકોમાં વસે છે, લોકોની હોય છે, અને લોકો પોતાના પ્રતિનિધિઓ તરીકે વખતોવખત જેમને પસંદ કરે છે તેમને તેટલા વખત પૂરતી તેની સોંપણી કરે છે. અરે, લોકોથી સ્વતંત્ર એવી પાર્લામેન્ટોની સત્તા તો શું, હસ્તીયે હોતી નથી. સત્તાનો અસલ ભંડાર સત્યાગ્રહ અથવા સવિનયભંગની તાકાત છે.
એક આખી પ્રજા પોતાની ધારાસભાના કાયદાઓ પ્રમાણે ચાલવાનો ઇન્કાર કરે, અને એવા સવિનયભંગનાં પરિણામો વેઠવાને તૈયાર થાય તો શું થાય તેની કલ્પના કરો! એવી પ્રજા સરકારના ધારાસભાના ને વહીવટી તંત્રને આખું ને આખું થંભાવી દેશે. સરકારનું પોલીસનું ને લશ્કરનું બળ, ગમે તેવી જબરી હોય તો પણ લઘુમતીને દબાવવા પૂરતું જ કામ આવે છે. પણ આવી પડે તે બધું સહન કરવાને જે આખી પ્રજા તૈયાર હોય તેના દ્રઢ સંકલ્પને નમાવવા કોઈ પોલીસને કે કોઈ લશ્કરની જબરદસ્તી કામ આવતી નથી.
વળી, પાર્લામેન્ટની પદ્ધતિનો રાજવહીવટ પાર્લમેન્ટના બધા સભ્યો વધુમતીથી થયેલા નિર્ણયોને તાબે થવાને ખુશી હોય તો જ ઉપયોગી થાય છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે પાર્લમેન્ટની રાજ્યપદ્ધતિનો વહીવટ પરસ્પર અનુકૂળ સમૂહોમાં જ ઠીક ઠીક કામ આપે છે.
મારી દ્રષ્ટિએ થોડા બહુમતીને માન ન આપનારને આપણે પશુબળથી વશ કરવા નથી માગતા, પણ તેમને સમજાવીને તેમનો હૃદયપલટો કરવા ઈચ્છીએ છીએ. એમ ન હોય તો ગામડાંના લોકોનો તો આપણે નાશ જ કરવો રહ્યો. કેમ કે ઉતાવળમાં જે નવી નવી વસ્તુઓ આપણે પચાવી શક્યા હોઈએ, અને જેમને પચાવવામાં આપણને ઘણાં વર્ષો વીતી ગયાં હોય, તે તે લોકોની પાસે એક ક્ષણમાં કરાવવા આપણે ઈચ્છીશું; અને એ ઇચ્છાનો અમલ લોકોની પાસે હથિયારબળથી કરાવવા મંડી જશું, તો સ્વરાજ્ય જેવી વસ્તુનો સ્વાદ કરોડો ભલા લોકો તો કદી પામવાના નથી. હથિયારબળ ઉપર રચાયેલું તંત્ર લોકોની જે લૂંટ આજે ચાલી રહી છે તેવી લૂંટ ઉપર જ રચી શકાય... આપણે ઓલમાંથી નીકળી ચૂલમાં પડયા બરાબર થવાના.