રબર બજારમાં રૂંધાયેલી માગ પાછી ફરીઃ ભાવ છ વર્ષની ટોચે પહોંચ્યા
- ઉભી બજારે : દિલીપ શાહ
- ઓટોમોબાઈલ તથા ટાયર ઉદ્યોગના વપરાશકારો રબ્બર બજારમાં ફરી દાખલ થયા ઃ ઉત્પાદનમાં પણ પીછેહટ નોંધાઈ
વૈશ્વિક સ્તરે ૨૦૨૦ના વર્ષે વિદાય લીધી છે ત્યારે લુકિંગ બેકમાં જોઈએ તો વિદાય લેતા વર્ષમાં ચીનના ઘાતક વાયરસનો ઉપદ્રવ વિશ્વભરમાં વધતાં વિવિધ કોમોડિટીઝના બજારો પર તેની ઓછેવત્તે અંશે અસર જોવા મળી છે. જોકે હવે નવા ૨૦૨૧ના વર્ષના આગમનને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વૈશ્વિક સ્તરે કોરોના વિરોધી વેકસીનના આશાસ્પદ અહેવાલો આવી રહ્યા છે એ જોતાં વિશ્વના વિવિધ બજારોના ખેલાડીઓની નજર હવે આવા વેક્સીનની પ્રગતિ પર રહી છે. આ ખેલાડીઓના જણાવ્યા મુજબ ૨૦૨૦ની સરખામણીએ ૨૦૨૧નું આવતું નવું વર્ષ ચોક્કસપણે પ્રોત્સાહક નિવડવાની શક્યતા છે. ઘણી બજારોમાં તો આવા આશાવાદના સંકેતો અત્યારથી જ દેખાવા માંડયા છે. આવી એક મહત્ત્વની કોમોડિટીમાં રબ્બરનો પણ સમાવેશ થાય છે. વિશ્વબજારના ખેલાડીઓ હવે કોવિડમાંથી મળનારી રાહત પર નજર માંડીને બેઠા છે. આવા માહોલમાં રબ્બર બજારના સૂત્રોના જણાવ્યા મુજબ બજારમાં માગ તથા પૂછપરછો ફરી વધી રહ્યાના સંકેતો મળ્યા છે તથા બદલાતા સંજોગોમાં રબ્બરના ભાવ પણ ઊંચા જતા જોવા મળ્યા છે. રબ્બર બજારના જાણકારોના જણાવ્યા મુજબ બજાર ભાવ ઉંચકાઈ છ વર્ષના નવા ઊંચા મથાળાને આંબી ગયા છે. એકંદરે કોરોના તથા લોકડાઉનની સૂસ્તી ખંખેરીને રબ્બર બજારમાં તેજીનું આગમન જોવા મળ્યું છે તથા તેના પગલે રબ્બરનું ઉત્પાદન કરતા ખેડૂતો તથા પ્લાન્ટેશનવાળાઓના ચહેરા પર રોનક પાછી ફરી છે.
રબ્બરનો ઉપયોગ કરતા વિવિધ ઉદ્યોગોમાં ઓટોમોબાઈલ તથા વાહન ઉદ્યોગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તથા રબ્બર બજારમાં તાજેતરમાં વાહન ઉદ્યોગ તરફથી આવતી માગમાં વૃધ્ધિ જોવા મળી છે. કોરોના કાળમાં પબ્લીક ટ્રાન્સપોર્ટના બદલે વ્યક્તિગત વાહનોનું વલણ વધ્યું છે તથા આના પગલે તાજેતરના મહિનાઓમાં ઓટો ઉદ્યોગ ક્ષેત્રે માગ વધતાં તેના પગલે હવે રબ્બર બજારમાં પણ આવા ઓટો ઉદ્યોગ તરફથી આવતી પૂછપરછોએ વેગ પકડયો છે. ઓટો ઉદ્યોગમાંથી ટાયર માટેની માગ વધી છે તથા ટાયર ઉદ્યોગમાંથી રબ્બર બજારમાં માગ વૃધ્ધિ જોવા મળી છે. ૨૦૨૦ના પૂર્વાર્ધમાં રબ્બરની માગ ધીમી પડયા પછી ૨૦૨૦ના ઉત્તરાર્ધમાં આવી માગ ફરી ઉંચકાઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. રબ્બર બજારમાં એનઆર ગ્રેડના માલોના ભાવ ૨૦૨૦ના આરંભમાં ફેબુ્રઆરી મહિનામાં કિલોના રૂ.૧૩૫ રહ્યા હતા તે લોકડાઉનના આરંભમાં ઘટી રૂ.૧૨૫ સુધી બોલાયા હતા. આ પછી ભાવ વધુ નીચા ઉતરી રૂ.૧૧૬ સુધી જતા રહ્યા હતા. જોકે ત્યારબાદ અનલોકની શરૂઆત થતાં જુલાઈ પછીના ગાળામાં રબ્બરના ભાવ આંચકા પચાવી ફરી ઉંચા જવાની શરૂઆત થઈ હતી તથા તાજેતરમાં ઉંચામાં ભાવ વધી કિલોના રૂ.૧૬૦ સુધી ટ્રેડ થતા જોવા મળ્યા છે. આવા ભાવ આ પૂર્વે ૨૦૧૪ના વર્ષમાં દેખાયા હતા એવું રબ્બર બજારના પીઢ વેપારીઓએ જણાવ્યું હતું. ભારત સરકારે દેશમાં થતી વાયરોની આયાત પર અંકુશો લાદતાં તેની અસર પણ રબ્બર બજાર પર પોઝીટીવ જોવા મળી છે. ટાયરોની આયાત ઘટતાં ઘરઆંગણે ટાયર બનાવતા ટાયર ઉત્પાદકો પાસે સ્થાનિક માગ વધી છે અને તેના પગલે આવા રબ્બર બજારમાં તાજેતરમાં વધ્યાના વાવડ મળ્યા છે.
દરમિયાન, લોકડાઉન દરમિયાન ગ્લોવ્ઝ તથા પ્રોટેક્ટીવ સાધનો બનાવતા ઉત્પાદકોની માગ પણ રબ્બર બજારમાં જોવા મળી હતી. વિશેષરૂપે મેડિકલ વપરાશમાં રબ્બરની માગ આ ગાળામાં વધી હતી. આ પૂર્વે આવા સાધનો સાઉથ- ઈસ્ટ દેશોમાંથી ભારતમાં આવતા હતા પરંતુ કોરોના કાળમાં દેશમાં થતી આવી આયાત ઘટતાં ઘરઆંગણે બનતા આવા સાધનોની માગ સ્થાનિકમાં વધી હતી અને તેની અસર પણ રબ્બર બજાર પર જોવા મળી હતી. ૨૦૨૦ના અંત ગાળામાં રબ્બરના ભાવ જોકે ઉંચા ગયા છે પરંતુ આગળ ઉપર લાંબો સમય આવા ઉંચા ભાવ જળવાઈ રહેશે કે નહિં. એ વિશે રબ્બર બોર્ડના સૂત્રો શંકા બતાવી રહ્યા છે. રબ્બરના ભાવ વધતા રબ્બર ઉગાડતા ખેડૂતોમાં આનંદ દેખાયો છે પરંતુ રબ્બર ઉગાડતા ખેડૂતોએ લાંબા ગાળાના આયોજનમાં હેકટરદીઠ રબ્બરની પેદાશ વધારવા તેમજ રબ્બરની ગુણવત્તા વધારવા તરફ પણ લક્ષ આપવું જરૂરી છે એવું રબ્બર બોર્ડના સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું. રબ્બરના ઉત્પાદન ખર્ચ ઉંચો છે તે નીચો લાવવા જરૂરી છે. ઈન્ડિયન રબ્બર ડિલર્સ ફેડરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ દરીયાઈ વાહન વ્યવહારમાં ભાડા વધ્યા છે તથા શિપમેન્ટોના આગમનમાં પણ વિલંબ થતા ઘરઆંગણે રબ્બરનો વપરાશ કરતા ઘણા ઉદ્યોગો સ્થાનિક રબ્બર બજારમાં દાખલ થયા છે. ચીનમાં ઔદ્યોગિક રિકવરી વહેલી શરૂ થઈ છે અને વિશ્વબજારમાં પણ રબ્બરના ભાવ ઉંચા ગયા છે. હાલ તુરત તો રબ્બરના બજાર ભાવ કિલોના રૂ.૧૫૦ની ઉપર જ રહેવાની શક્યતા ખેલાડીઓ બતાવી રહ્યા છે. દેશમાં રબ્બરનું ઉત્પાદન ગયા વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબરના ગાળામાં આશરે પાંચ લાખ બે હજાર ટન જેટલું નોંધાયું છે તેની સામે પાછલા વર્ષે ૨૦૧૯માં આ ગાળામાં આવું ઉત્પાદન આશરે પાંચ લાખ ૩૪ હજાર ટન આસપાસ થયું હતું. આમ ગયા વર્ષે ઘરઆંગણે રબ્બરનું ઉત્પાદન પણ નીચે ઉતર્યું છે. ગયા વર્ષે ખાસ કરીને એપ્રિલથી જૂનના લોકડાઉનના ગાળામાં આવું ઉત્પાદન ઘટી આશરે ૮૨ હજાર ટન થયું હતું. જે પાછલા વર્ષે આ ગાળામાં આશરે ૧ લાખ ૨૩ હજાર ટન જેટલું થયું હતું. આ ગાળામાં જોકે રબ્બરની માગ, આયાત તથા નિકાસમાં પણ ઘટાડો જોવા મળ્યા છે.