Magazines

"વહેમ વિચારોને વ્યગ્ર કરી દે છે" .

By GS TEAM
8 Apr 20265 mins read
"વહેમ વિચારોને વ્યગ્ર કરી દે છે"                              .

- રાજા રોજ કઠિયારાને નજર સામે જુએ. તેમણે મંત્રીને બોલાવી આ કઠિયારાની તપાસ કરાવડાવી. કઠિયારો મહેલની સામે જ કેમ બેસે છે? મંત્રી કઠિયારાને મળ્યો, પૂછયું. કઠિયારો ભોળો હતો. જે હતું તે સાચેસાચું કહી દીધું. મંત્રી દંગ રહી ગયો. તેણે રાજાને વાત કરી. કઠિયારો રાજાના મરવાની રાહ જુએ છે!

દૂતકર્મ પતાવી શ્રીકૃષ્ણ પાછા ફરતા હતા ત્યારે તે કુંતીજીના ચરણસ્પર્શ કરવા ગયા. હવે યુધ્ધ અનિવાર્ય હતું. કુંતીજીને પાંડવોની વીરતા પર ભરોસો હતો. છતાં તે મા હતી. કુંતીજીએ યુધ્ધ માટે પાંડવોમાં ઉત્સાહ પેદા કરવા શ્રીકૃષ્ણને માતા-વિહુલાની કથા કહી. અને આશા રાખી કે આ 'વિહુલોપાખ્યાન' સાંભળીને શ્રીકૃષ્ણ પાંડવોને યુધ્ધ માટે ઉત્સાહિત કરશે. વિહુલા એક ક્ષત્રિયાણી હતી. એકવાર તેનો પુત્ર સંજય યુધ્ધમાં હારી ગયો. ત્યારથી તેનું મનોબળ તૂટી ગયું હતું. તે નિરૂત્સાહી થઈ ગયો હતો. તેને વહેમ હતો કે હવે તે યુધ્ધને લાયક રહ્યો નથી. મરવાની બીક પેસી ગઈ હતી. કશું કામ કર્યા વગર કાયરની માફક ખૂણામાં પડી રહેતો. મા-થી તેની આ દશા સહન થતી નહોતી. એકવાર વિહુલાએ સંજયને મહેણા-ટોણા મારીને ઉત્તેજિત કર્યો. 'એય કાયર ! ઊઠ.ઉભો થા. એકવાર યુધ્ધમાં હારી ગયો તેથી શું થઈ ગયું ! શું તારી જિંદગી ખતમ થઈ ગઈ છે ? (યાવજજીવં નિરાશોસિ) શું આખી જિંદગી આમ બાયલો થઈને ખૂણામાં પડી રહીશ ? (માત્માનમવમન્યસ્વ.. મા ભૈસ્ત્વં પ્રતિસંહર) તુ ખુદને કમજોર માની જાતની અવગણના કરવાનું બંધ કર. મનમાંથી વહેમ કાઢી નાખ. શુભસંકલ્પ કર. સારા વિચારો કર. નીડર બન. મરી મરીને જીવવા કરતાં જુસ્સાપૂર્વક, ઉમંગથી, થનગનાટથી જીવ. ધુમાડો ફેલાવતા ધીરે ધીરે બળતા લાકડા કરતાં બે ઘડી માટે પણ તેજ ફેલાવતા દીવાની માફક જીવ. તું ક્ષત્રિય છે. બહાદુર છે. જાત પ્રત્યે શંકા, વહેમ કેમ રાખે છે ? (નૈવ રાજ્ઞા દર : કાર્યો... વર્તેત દીર્ણવત) ગમે તેવી કપરી  સ્થિતિ પેદા થાય ભયભીત થઈ ગભરાઈ ના જા ! ભલે મનમાં વહેમ ઉભો થયો હોય પણ ડરપોકની માફક વર્તન ના કર. સંજય, તને મારી વાત સમજાતી હોય તો ઉગ્ર બન, સાગરમાં ઉઠતા મોજાંની માફક જોશમાં આવ. કાયરતા છોડ અને વિજય માટે તૈયાર થા.' માતાની આવી મર્મસ્પર્શી વાણી સાંભળી સંજય વહેમ અને ભય ખંખેરી બેઠો થયો. જોશમાં આવ્યો. યુધ્ધની તૈયારી કરી. શત્રુને હરાવી રાજ્ય પર અધિકાર પ્રાપ્ત કર્યો.

વહેમ એટલે મનમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતા. ખોટી શંકા, ખોટો ભ્રમ, ખોટો સંદેહ. માણસને જાત પરથી વિશ્વાસ ઉઠી જાય ત્યારે વહેમ જન્મ લે છે. તીખું ખાતાં કે ઠંડુ પીણું પીતાં ગાયક એમ વિચારે કે હવે ગળું બગડશે તો ? તો, બગડી જ જવાનું. વીણા વાદકની આંગળીઓમાં ખાલી ચઢી હોય અને તે એવું વિચારે કે વીણા બરાબર વગાડી શકીશ કે નહિ ? તો તે સારી રીતે નહિ જ વગાડી શકે. પરીક્ષાના દિવસે જ વિદ્યાર્થીને પરિણામની ચિંતા થાય તો પેપર લખતી વખતે તેની યાદશક્તિ તેને સાથ નહિ જ આપે. વહેમના કારણે જ માણસ દુ:ખી થાય છે. ઉદાસ રહે છે. ઊજાગરા કરે છે. ગુસ્સે થાય છે. સંબંધ બગાડે છે. એકલો પડી જાય છે. ભય કે વહેમ વાસ્તવિક કરતાં કાલ્પનિક વધારે હોય છે.

એક લોકકથા છે. કઠિયારો જંગલમાં જઈ ચંદનના ઝાડના લાકડાં કાપી, ભારો બાંધી નગરમાં વેચવા આવે. ચંદનના લાકડાં ગરીબો લે નહિ અને સામાન્ય નગરજનોને પોષાય નહિ. તે આખો દિવસ નગરમાં ફરે પણ માલ વેચાય નહિ. આમ એક અઠવાડિયું વીતી ગયું. એક વૃધ્ધનગર જને તેને સલાહ આપી. 'ભાઈ, આ નગરમાં તુ ગમે એટલી મહેનત કરીશ પણ તારો માલ વેચાશે નહિ. હા, જો આ નગરનો રાજા મરી જાય તો ચંદનના લાકડાં તરત વેચાઈ જાય. રાજાને અગ્નિદાહ દેવા ચંદનના લાકડાંની જરૂર પડે ! ' કઠિયારાના મનમાં વાત વસી ગઈ. રાજા મરે તો લાકડાં વેચાય. હવે કઠિયારો રાજાના મહેલની સામે લાકડાંનો ભારો લઈને બેસે, મનમાં એક જ રટણ, રાજા મરે તો લાકડાં વેચાય-લાકડાં વેચાય તો ધન મળે.

રાજા રોજ કઠિયારાને નજર સામે જુએ. તેમણે મંત્રીને બોલાવી આ કઠિયારાની તપાસ કરાવડાવી. કઠિયારો મહેલની સામે જ કેમ બેસે છે? મંત્રી કઠિયારાને મળ્યો પૂછયું કઠિયારો ભોળો હતો. જે હતું તે સાચેસાચું કહી દીધું. મંત્રી દંગ રહી ગયો. તેણે રાજાને વાત કરી. કઠિયારો રાજાના મરવાની રાહ જુએ છે ! જો કે ત્યારે તો રાજાએ તેની વાત મન પર ના લીધી. પણ આ તો રોજનું થયું ! હવે રાજા જ્યારે ઝરૂખામાંથી કઠિયારાને જુએ ત્યારે તેને પોતાનું મોત દેખાય. રાજા ઉદાસ રહેવા લાગ્યો. શરીર કથળવા લાગ્યું. બેચેની વધી ઘઈ. વૈદ્ય બોલાવ્યો. વૈદ્યથી રોગ પકડાયો નહિ. મોટા રાજવૈદ્યને બોલાવ્યા રાજવૈદ્યે નાડી તપાસી. શરીર તપાસ્યું, રોગ પકડાયો નહિ. પણ રાજવૈદ્ય માણસના મનની વાત જાણી લે એવો માનસશાસ્ત્રી હતો. તે મંત્રીને મળ્યો. રાજાના રોગની વાત જાણી લીધી. આ તો વહેમનો રોગ છે. તે સવારે રાજા પાસે ગયો. 'મહારાજ, રોગ પરખાઈ ગયો છે. તમારે રોજ સવાર-સાંજ ચંદનના ઝાડનું તાજું દાતણ કરવું પડશે.' ચંદનના દાતણની વ્યવસ્થા માટે કઠિયારાને બોલાવ્યો. ભાઈ તારે રોજ સવાર-સાંજ રાજાજી માટે ચંદનના વૃક્ષનું તાજું દાતણ લાવી આપવું પડશે. બદલામાં તને રોજ બે સોનાના સિક્કા મળશે. કઠિયારો ખુશ થઈ ગયો. તે રોજ વનમાં જાય. ચંદનનું તાજું દાતણ કાપી લાવે. રાજાને આપે. હવે તો ધન મળવા લાગ્યું. એટલે તેણે પ્રભુને રાજા માટે લાંબા આયુષ્યની પ્રાર્થના કરી. રાજા સાજો થઈ ગયો. કઠિયારો ધન મેળવી ધન્ય થઈ ગયો. હજુ બધાને એમ જ વહેમ હતો કે ચંદનના દાતણથી રાજાને જીવનદાન મળ્યું છે.

સંબંધમાં પ્રેમ મળે કે ના મળે, ધન મળે કે ના મળે, યશ મળે કે ના મળે. માન મળે કે ના મળે, ખોટા વિચારો કરી વ્યગ્ર ના થવું. વહેમ રાખી નાની વાતને વધારીને મનને દુ:ખીના કરવું. શરદીને ટી.બી.નો રોગ ના સમજવો. શરીર છે, ફેરફાર તો થવાનો જ. સાધારણ ફેરફારથી ગભરાઈ ના જવું. વિચારોમાં વહેમ હશે તો ભવ્ય પાર્ટીના મખમલી કાર્પેટ પણ બેસણાના પાથરણા જેવી લાગશે. રોગ નથી. માત્ર વહેમ છે. એ વહેમને સાચો સાબિત કરવા વારેઘડીએ બોડી ચેકઅપ કરાવી ટેસ્ટના કરાવવા. રોગ હેરાન નહિ કરે એનાથી વધારે રોગની ફડક હેરાન કરશે. વહેમના ધક્કાઓથી જીવન ચગદાઈને મડદાલ થઈ જાય એ પહેલાં ચેતી જવું. ઘર હોય, સગવડ હોય, કુટુંબ હોય, થોડી પ્રતિષ્ઠા હોય- પછી શાંતિ માટે શું જોઈએ? થનગનાટથી , મસ્તીથી ઉમંગથી, લહેરથી, જોશથી જીવવું. વૈશાખમાં વાતાવરણમાં લૂ વરસતી હોય છતાં ગુલમહોર રાતું-પીળું થઈને મસ્તીથી ઝૂલતું હોય છે.

- સુરેન્દ્ર શાહ