બચેલી વાનગીમાંથી ફરી સ્વાદિષ્ટ ડિશ
આજે સવારથી જ ઉષા માસી ગુસ્સામાં હતા. ગઈ કાલે રાતની બધી જ રસોઈ વધી હતી. રસોઈ કરીને હજુ માંડ પરવારીને બેઠા હતા કે તેના નાના પુત્ર શોભનનો ફોન આવ્યો. 'મમ્મી આજે મારા મિત્રની બર્થ ડે પાર્ટી છે એટલે અમે બહાર જવાના છીએ.' શોભનનો ફોન મૂક્યો નથી કે તરત જ બ્રિજેનનો ફોન આવ્યો, 'મમ્મી આજે પૂનાથી મારો મિત્ર આવ્યો છે એટલે તેની સાથે અમે બહાર જમવા જવાના છીએ. અમારી રાહ જોતી નહીં. 'બાકી હતું કે તેના પતિ ભરતભાઈ 'આજે અપચો જેવું લાગે છે. જમવાનો નથી.' કહી દીધું.
આથી બધી જ રસોઈ બગડવાથી ઉષા માસીના મગજનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. 'એક દિવસની વાત હોય તો સાંખી લઈએ. પરંતુ આ તો રોજનું થયું. રોજને રોજ જ રસોઈનો બગાડ થાય છે. આ મોંઘવારીના જમાનામાં આટલો બગાડ પોષાતો હશે.' ઉષા માસીએ મારી પાસે બળાપો કાઢ્યો. પરંતુ હું શું બોલું? મારા ઘરમાં પણ આ જ હાલત હતી. આથી 'તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ' જેમ હું મૌન રહી.
આ ફરિયાદ ઉષા માસીની અને મારી જ નથી ઘર-ઘરમાં આ ફરિયાદ સાંભળવા મળશે. ગેસની ગરમીમાં તપીને મહેનતથી ગૃહિણી રસોઈ બનાવે છે અને બીજે દિવસે એ પદાર્થો ગટરમાં ઠાલવી દેવામાં આવે છે. પરંતુ થોડી અક્કલ વાપરીને એ પદાર્થોમાંથી નવી ખાદ્ય વસ્તુઓ બનાવવામાં આવે તો બધી જ સમસ્યાનંુ નિરાકરણ થઈ શકે છે. આ અક્કલ મને આવી ખરી પરંતુ મોડી મોડી આવી અને જાગ્યા ત્યારથી સવાર ગણીને મેં મારી અક્કલ અને મારી રાંધણ કળાનો સમન્વય કરી આ સમસ્યાનું નિરાકરણ મેળવી દીધું છે અને આજે તમારે માટે કેટલીક ટીપ્સ ...
રોટલી
રાત્રે કરેલી રોટલી ન વધી હોય એવો પ્રસંગ ભાગ્યે જ બને છે. ગરમાગરમ રોટલીઓ ખાવા ટેવાયેલા કુટુંબના સભ્યો રાત્રે વધેલી રોટલી ભાગ્યે જ ખાય છે તો એ રોટલીઓનો કેવી રીતે વપરાશ કરવો તે જોઈએ.
- ચણાના લોટનું ખીરું બનાવી તેમાં ઝીણો સમારેલો ફૂદીનો, કોથમીર, આદું મરચાંની પેસ્ટ, (લસણ ભાવતું હોય તો લસણ પણ નાખી શકાય છે) અજમો, લાલ મરચાંનો પાઉડર, ધાણા જીરું અને મીઠું નાખો. ખીરું જરા જાડું રાખવું.
રોટલીને એક બાજુ આ ખીરું લગાડયા પછી ગરમ તાવી પર તેલ નાખી આ રોટલી બન્ને બાજુથી શેકી લો.
રોટલીના ઝીણા ઝીણા ટુકડા કરો. રાઈ હીંગ લીમડાનો વઘાર કરી આ ટુકડા તેમાં નાખી દો. ત્યાર પછી વલોવેલું દહીં, મીઠું, આદું મરચાં (લસણ ભાવે તો લસણ)ની પેસ્ટ, ધાણાજીરૂ નાખી રોટલીને હલાવો. ત્યાર પછી ઉપરથી કોથમીર અને કોપરું ભભરાવો. વધારેલી રોટલી તૈયાર થઈ જશે. કાંદા ભાવતા હોય તો રાઈ-હીંગનો વઘાર કર્યા પછી કાંદા સાંતળી તેમાં રોટલીના ટુકડા નાખી દો. પાઉં વધ્યા હોય તો તેના પણ ટુકડા કરી આ રીતે વઘારેલા પાઉં થઈ શકે છે.
રોટલીના નાના ટુકડા કરો કઢાઈમાં આ ટુકડા તળી નાખો. પ્લેટમાં મૂકી તેના પર બાફેલા બટાટાનો છૂંદો, દહીં ગાળ કે ખજૂર આમલીની ચટણી, અથવા તો કોથમીરની ચટણી રેડો. ઝીણા સમારેલી કોથમીર તેમજ કાંદા અને લીલા મરચાંની કટકી મૂકો. ચાટ મસાલો ભભરાવી બૂંદી કે સેવ સાથે ખાવાથી સ્વાદિષ્ટ વ્યંજન તૈયાર થઈ જશે.
રાઈ, હિંગનો વઘાર કરી કાંદા સાંતળો. કાંદા સંતળાઈ જાય પછી છૂંદો કરેલા બટાટા નાખો. ત્યાર પછી હળદર, લાલ મરચાંની ભૂકી, ગળપણનો શોખ હોય તો થોડી ખાંડ અને મીઠું નાખો. હવે ઝીણા ટુકડા કરીને રોટલી આ મસાલામાં નાખો. ગેસ પરથી વાસણ ઉતારી લીંબુ નીચોવો. (સ્વાદ પ્રમાણે) અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો ગરમાગરમ નાસ્તો તૈયાર?
રોટલીનો વીંટોવાળી તેને તળી નાખો વીટાના પોલાણમાં ટામેટા સોસમાં ભેળવેલા 'બિન્સ' નાખી દો. મેક્સિકન 'ટાકો'નો ભારતીય અવતાર તૈયાર થઈ જશે.
ચોખા
રાત્રે વધેલો ભાત ફ્રીજમાં મૂકી રાખવાથી બીજે દિવસે ચાઈનીસ ફ્રાઈડ રાઈસ બનાવતા વાર નહીં લાગે. જોઈતા પદાર્થ એકઠા કરી ચાઈનીસ ફ્રાઈડ રાઈસ બનાવતા તો તમને આવડતું જ હશે.
ભાત રવો, ખાટું દહીં એક સરખા પ્રમાણમાં લઈ બરાબર મિક્સ કરો. ઇડલી જેવું ખીરું તૈયાર કરવા થોડું પાણી ઉમેરી ત્યાર બાદ એકાદ ચપટી જેટલો ખાવાનો સોડો ઉમેરો. ઉપરથી, રાઈ, હીંગ, લીલા-મરચાનાં ટુકડા કાળી અડદ દાળ તેમજ લીમડાનો વઘાર કરો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી ઇડલીના સ્ટેન્ડમાં ખીરું રેડી વરાળમાં બાફી નાખો. નાસ્તા માટે ગરમાગરમ રવા ઈડલી તૈયાર થઈ જશે.
ભાતને છૂંદી એમાં સ્વાદ પ્રમાણે મસાલો નાખી તેમાં ચણાનો થોડો લોટ ભેળવી સ્વાદિષ્ટ ભજીયા પણ બનાવી શકાય છે.
મીઠાઈ
સાધારણ રીતે મીઠાઈ જલ્દી બગડતી નથી. પરંતુ બંગાળી મીઠાઈ બગડી જતા વાર લાગતી નથી. તમારે ગભરાવાની જરૂર નથી.
કઢાઈમાં દૂધ ઉકાળો દૂધ જાડું થતાં તેમાં ખાંડ, પિસ્તા, બદામ તેમજ એલચીનો ભૂકો નાખો. રસગુલ્લાને નીચોવી તેમાંથી સિરપ કાઢી નાખો. આ રસગુલ્લાને દૂધમાં નાખો રસમલાઈ બની જશે.
માવાની મિઠાઈનો ભૂકો કરી તેને ઉકાળીને ઘટ્ટ કરેલા દૂધમાં નાખી ફ્રીઝરમાં મૂકો. આ પદાર્થ સ્વાદિષ્ટ કુલફીની ગરજ સારશે.
નારિયેળ ખમણી તેને કઢાઈમાં શેકો. જરા લાલાશ પડતું થાય તો તેમાં ખાંડ નાખી હલાવો. ત્યાર પછી માવાની મિઠાઈનો ભૂકો નાખો. ઠંડુ પડયા પછી લાડુની જેમ વાળી ખાવાના ઉપયોગમાં લો.
બુંદી લાડુનો ભૂકો કરી લાલાશ પડતા શેકી લો. ઉપરથી તાજી મલાઈ કે વેનિલા આઈસ્ક્રીમ રેડીને ખાઈ શકાય છે.
કેટલાંક અન્ય પદાર્થોનો ઉપયોગ:-
ભાતનું ઓસામણ કાંજી બનાવવામાં કે લોટ બાંધવાના ઉપયોગમાં લઈ શકાય છે. પનીર બનાવ્યા પછી વધેલાં પ્રવાહીથી લોટ બાંધવાથી રોટલી નરમ થશે. આ ઉપરાંત આ પ્રવાહી રસાવાળું શાક કે દાળ બનાવવામાં પણ વાપરી શકાય છે.
પરંતુ આ બધા પદાર્થો ફરી ઉપયોગમાં લેતા પૂર્વે તે બગડી તો ગયા નથી એની ચકાસણી કરી લેવી આ પદાર્થો બગડી ગયાં હોય તો તેને વાપરવાનો કોઈ અર્થ નથી. બાકી રાત્રે વધેલા પદાર્થને સ્વાદિષ્ટ બનાવવામાં કોઈ વાંધો નથી.
- નીલા