દરિયામાં સર્જાતા મોતના કૂવા : વમળ (વર્હ્લ પૂલ)
ચો માસામાં રસ્તા પર પાણી ભરાયેલું હોય અને કોઈ છિદ્રમાંથી જમીનમાં ઉતરે ત્યારે ચક્રાકાર વમળ સર્જાય છે તે તમે જોયા હશે. સાંકડા મોંવાળી ગળણીમાં પાણી નાખીને જૂઓ તેમાંથી પસાર થતું પાણી ચક્રાકાર ગતિથી ઉતરે છે. પાણી કે પ્રવાહીઓ ખાલી જગ્યા તરફ ગતિ કરે છે. રસ્તો સાંકડો હોય ત્યારે તે ચારે તરફથી દબાણ કરી એક બિંદુ ઉપર કેન્દ્રીત થાય છે અને ચક્રાકાર વમળ બને છે. નદી કે તળાવમાં પણ ભૂતળમાં ખાડો પડે તો સપાટી પર પાણીના વમળ જોવા મળે છે. ચક્રાકાર ફરતાં પાણીની ગતિ અને શક્તિ પ્રચંડ હોય છે. દરિયામાં તો વિરાટ કદના વમળ સર્જાય છે અને ભીષણ શક્તિ ધરાવે છે. આ વમળમાં બોટ કે નાના વહાણ ચક્રાકાર ફરીને તળિયે જઈ પડે છે. સમુદ્રમાં ઘણા સ્થળે આવા વમળ હોય છે. સાગર ખેડૂઓ તેને મોતના કૂવા ગણે છે અને તેનાથી દૂર રહે છે.
સ્કોટલેન્ડ નજીક કોરીવેકનના અખાતમાં વિશ્વનું સૌથી મોટું વમળ આવેલું છે. જાપાનના અવાજી ટાપુ પર એક જોખમી વમળ પ્રસિધ્ધ છે તેને નારૂટો વર્હ્લપૂલ કહે છે. તેમાં લગભગ ૧૮ કિલોમીટરની ઝડપે પાણી ચક્રાકાર ફરે છે અને તે ૬૬ ફૂટના વ્યાસનું છે.