મનભાવન મીઠાઈ અને નમકિન
ખમણ ઢોકળાં
સામગ્રી: ૧ વાટકી ચણાનો લોટ, ૧/૨ ચમચી લીંબુનાં ફૂલ, ૧/૨ ચમચી સાજીનાં ફૂલ, (સોડા બાય કાર્બ) ૩/૪ ચમચી મીઠું, ૧/૨ ચમચી ખાંડ, ૧/૨ વાડકી પાણી, ૧/૨ વાડકી છાશ.
વઘાર માટે : ૨ ટેબલ સ્પૂન તેલ, ૧ ચમચી રાઈ, ૧/૪ ચમચી હિંગ, ૨ થી ૩ નંગ લીલાં મરચાં સમારેલાં.
શુશોભન માટે: બારીક સમારેલી કોથમીર, અને કોપરાનું ખમણ.
રીત: (૧) ચણાના લોટમાં પાણી, લીંબુનાં ફૂલ, ખાંડ તથા મીઠું નાંખી બરાબર હલાવી ખીરું બનાવો, ૧૦, ૧૫ મિનિટ રહેવા દો.
(૨) ઢોકળિયામાં પાણી ઉકળવા મૂકો, તેમાં ખમણ બનાવવાની થાળી પણ ગરમ મૂકી.
(૩) સોડાને ૧/૨ કપ પાણીમાં ઓગાળી લોટમાં નાંખી બરાબર હલાવો, એકદમ જ આથો આવી જાય એટલે તરત જ ઉકળતા પાણીમાં મુકેલી થાળીમાં ખીરું પાથરી દો.
(૪) બરાબર ઢાંકણ ઢાંકી દો, ઉપર વજન મૂકો, ૧૦ થી ૧૫ મિનિટમાં તૈયાર થઈ જશે. થોડાં ઠંડા થાય એટલે કટકા કરો.
(૫) પીરસતી વખતે વઘાર કરો. લીલાં મરચાં નાંખો, એકાદ મિનિટ પૂછી છાશ અને ચપટી મીઠું નાંખો.
(૬) છાશ ઉકલે એટલે તેમાં ખમણના કટકા નાંખો, બરાબર મિક્સ કરો, ઉપર ટોપરું, કોથમીર ભભરાવી પીરસો.
ખમણ ઢોકળાં
સામગ્રી: ૫૦ ગ્રામ ચોખા, ૫૦૦ ગ્રામ ચણાની દાળસ ૨ ટેબલ સ્પૂન દહી, ૧ ટી સ્પૂન ખાંડ, ૪ લીલાં મરચાં, ૨ લીંબુ, કોપરાંનું ખમણ, લીલાં ધાણાં, શુશોભન માટે, ૧ ટેબલ સ્પૂન તલ,
રીત: ચણાંની દાળ અને ચોખા ભેગાં કરી કરકરો લોટ દળાવો, તેમાં ૨ ચમચા તેલ, થોડો સોડા અને દહીં નાંખી ખીરું બનાવી. આથાવા માટે રહેવા દો. આથો આવ્યા પછી તેમાં મીઠું, ખાંડ, લીલાં મરચાંનાં કટકાં, હળદર નાંખવી. ૧ વાડકી જેટલું પાણી લઈ, તેમાં ૧ મોટો ચમચો સોડા નાંખવો. થાળીમાં તેલ ચોપડી, ખીરું પાથરી, તેમાં ૨ ચમચી સોડાનું પાણી નાંખી, ઉપર થોડો. લીંબુનો રસ નાંખવો. ઉભરો આવે એટલે હલાવી, તરત જ થાળી ઢોકળિયામાં મૂકી દેવી.
વરાળથી બાફવા બધા ખમણ તૈયાર થાય એટલે કડકા કરી કોપરાનું ખમણ અને લીલાં ધાણાં ભભરાવવા. તેલમાં રાઈ, હિંગનો વઘાર કરી ખમણ ઉપર રેડી દેવો. તરત જ હાથથી થોડા પાણીનાં છાંટા નાંખવા. આથી ખમણ સારા ફૂલે છે. * ખમણ બનાવતી વખતે એનું વાસણ ફીટ બંધ કરવું. ઉપરથી જો વરાળ નીકળી જશે તો પણ ખમણ જોઈએ તેવાં ફૂલશે નહીં કે તેમાં જાળી નહીં પડે.
ખમણ ઢોકળાં - ચણાની દાળનાં
સામગ્રી: ૫૦૦ ગ્રામ ચણાની દાળ, ૧૦૦ ગ્રામ દહીં, ૪ નંગ લીલાં મરચાં (તીખાશ પ્રમાણે), ૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ, લીલાં ધાણા પ્રમાણસર. મીઠું, હળદર, સોડા, બેકિંગ પાવડર, તેલ, રાઈ, હિંગ.
રીત: ચણાની દાળને એક રાત પાણીમાં પલાળો, સવારે નીતારી લઈ કરકરી વાટી લો. તેમાં દહીં ચપટી સોડા નાંખી, સરસ ફીણીને દાળમાં આથો આવે માટે રહેવા દો, વધુ ફિણશો વધુ પોચાં વધુ જાળેદાર બનશે, આથો આવે એટલે તેમાં મીઠું, થોડીક હળદર,લીલાં મરચાંના બારીક કટકા, અને અડધી ચમચી બેકિંગ પાવડર નાંખી હલાવવું, થાળીને તેલ લગાડી ગરમ કરી તેમાં ખીરું પાથરો. ઠંડા પડે એટલે કટકા કરી નાળિયેરનું ખમણ અને લીલા ધાણા ભભરાવો,તેલમાં રાઈ-હિંગનો વઘાર કરવો.
માવાનાં ગુલાબજાંબુ
સામગ્રી: ૧ કિ.લો. મોળો માવો. ૨૫૦ ગ્રામ મેંદો, ૫૦૦ ગ્રામ પનીર, ખાવાનો રંગ, કેસરનું એસેન્સ, લીંબુનો રસ અડધી ચમચી, દૂધ-ઘી પ્રમાણસર.
રીત: માનો અને પનીરને ખમણી ભૂકો બનાવવો, ત્યારબાદ તેમાં મેંદો અને આરારૂટ ભેળવો. આ મિશ્રણમાં થોડું દૂધ અને ચપટી સોડા નાંખી થોડીવાર રહેવા દેવું. તેમાંથી લૂઆ કરી ગોળ કે લંબગોળ આકાર આપી ઘીમાં તળી લેવાં. એક તપેલીમાં ખાંડ લઈ ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી ઉકળવા મૂકવું, ઉકળે એટલે લીંબુનો રસ નાંખી મેલ ઉપર તરી આવે તો કાઢી લો. દૂધમાં પીળો રંગ નાંખી આ મિશ્રણ ચાસણીમાં નાંખી ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપે ગરમ રાખવી, તેમાં બધાં ગુલાબજાંબું નાંખી થોડી વાર રાખી ઉતારી લેવું,
દૂધ પાવડરના ગુલાબજાંબુ
સામગ્રી: ૧૫ થી ૧૬ ટેબલ સ્પૂન દૂધ પાવડર, ૨૫૦ ગ્રામ ખાંડ, ૪ ટેબલ સ્પૂન મેંદો, ૪ ટેબલ સ્પૂન મોળું દહીં, ચપટી સોડા, એલચી, દૂધ, ઘી જોઈતા પ્રમાણમાં કેસર.
રીત: એક વાસણમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાંખી ઉકળવા મૂકવું, મેલ કાઢવા માટે એક ચમચી દૂધ અને એક ચમચી પાણી નાંખી મેલ કાઢો.
કેસરને ગરમ કરી દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. ચાસણી એકતારી કરો, ગરમ જ રાખો.
મિલ્ક પાવડરમાં મેંદો, દહીં અને ચપટી સોડા નાંખી લોટ તૈયાર કરો. તેના મસળી લૂઆ કરો, વચ્ચે એલચી દાણો મૂકી ગોળ જાંબુ વાળવા, કઢાઈમાં ઘી ગરમ કરી ગુલાબજાંબુ તળી લો, અને ગરમ ચાસણીમાં નાંખવાં. ઠંડા પડે પછી ઉપયોગમાં લઈ શકાય છે.