Get The App

શિયાળામાં પૌષ્ટિક પકવાનોની જ્યાફત

દાવત - જ્યોત્સના .

Updated: Dec 2nd, 2019

GS TEAM

Google News
Google News
શિયાળામાં પૌષ્ટિક પકવાનોની જ્યાફત 1 - image


લીલા કોપરાની મૈસૂર

સામગ્રી: ૨૦૦ ગ્રામ લીલા કોપરાનું ખમણ, ૨૦૦ ગ્રામ ઘી, ૨૦૦ ગ્રામ ખાંડ, ૪ નંગ એલચી.

રીત: નાળિયેરનું ખમણ, ઘી અને ખાંડ એક જાડા તપેલામાં (કઢાઈમાં)  ભેગું કરી ગેસ ઉપર પાંચ મિનટ ધીમા તાપે હલાવવું, પછી તાપ વધારે રાખવો અને એક સરખું ગોળ ફરતું હલાવવું. ઘી છૂટું પડયા બાદ એકદમ ફુલીને જાળી પડે અને સહેજ બદામી રંગ થાય એટલે થાળીમાં પાથરી દેવું. ઉપર તરત જ વાટેલી એલચી ભભરાવવી.

ગરમ હોય ત્યારે જ સહેજ કડક થાય એટલે કાપા પાડી દેવા. એક તરફથી ત્રણ ચાર ટુકડા કાઢી લેવા જેથી તે જગ્યાએ વધારાનું ઘી એકઠું થશે. ઠંડુ પડે પછી ટુકડા સારી રીતે ઉખાડી શકાશે.

મકાઈનું હલવાસન

સામગ્રી:  ૬ નંગ મકાઈ, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧/૨ લીટર દૂધ, ઘી, જાયફળ, એલચી, જાવંત્રી, ખસખસ, વરખ.

ચમકાઈના દાણા વાટી ઘીમાં સાંતળવા. ધીમે તાપે ગુલાબી થાય એટલે એની અંદર ખાંડ નાંખવી.

ખાંડનું પાણી બળી જાય અને પુરણ ઘટ્ટ થાય એટલે અંદર વાટેલી એલચી, ખસખસ, જાયફળ, જાવંત્રી નાંખી હલાવી થાળીમાં ઘી લગાડી પાથરી ગોળાકાર (ચપટા) કરી ઉપર વરખ લગાડવો.

ચીકુનો હલવો

સામગ્રી: ૨ ડઝન પાકાં ચીકુ, ૫૦૦ ગ્રામ માવો, ૧૨૫ ગામ ચોકલેટ પાવડર, ૧ કિલો ખાંડ, ૧૨૫ ગ્રામ ઘી, વરખ, એલચીનો ભૂકો, ૩ ચમચી ઘી. 

રીત: ચીકુને છોલી બી કાઢી ચમચાથી એકરસ બનાવવાં. માવાને ઘીમાં બદામી રંગનો શેકવો. ખાંડની બે તારની ચાસણી બનાવી અંદર ચીકુ, ચોકલેટનો પાવડર તથા માવો નાંખી હલાવી જાડુ થવા આવે એટલે નીચે ઉતારી લેવું. એલચી નાંખી થાળીમાં ઠારવું. ઉપર વરખ લગાડવો. 

રસબુંદી

સામગ્રી:- ૪ લીટર દૂધ, ૨ વાટકી ચણાનો લોટ, ૨ વાટકી ખાંડ, તળવા માટે ઘી, બદામ, પિસ્તા, ઈલાયચી, વરખ, કેસર, ચારોળી, દળેલી સાકર.

દૂધને એક તપેલીમાં મૂકી, સગડી ઉપર ધીમા તાપે ઉકાળવું. બાસુંદી જેવું જાડું થાય એટલે નીચે ઉતારી અંદર દળેલી સાકર પ્રમાણસર નાંખી ઠંડુ કરવા ફ્રીજમાં મૂકવું. બાસુંદી જરા મોળી રાખવી કારણ કે અંદર ગળી બુંદી આવશે એટલે વધારે ગળી લાગશે.

ચણાના લોટમાં પાણી નાંખી, બુંદી માટેનું ખીરું તૈયાર કરવું. અંદર બે ચમચી ગરમ ઘી નાંખવું. એક કઢાઈમાં ઘી ગરમ કરી ઝીણા ઝારાથી બુંદી પાડવી. સાકરની એક તારની ચાસણી બનાવી અંદર બુંદી નાંખી બહાર કાઢી લેવી. પીરસતી વખતે બાસુદીમાં આ બુંદી નાખી અંદર બદામ - પિસ્તા વગેરે નાંખવા. ઉપર વરખ મૂકવો. જમ્યા પછી ઠંડી રસ બુંદી ખાવી.

Tags :