Get The App

દિવાળીની નાસ્તા મીઠાઈ

Updated: Oct 14th, 2019

GS TEAM

Google News
Google News
દિવાળીની નાસ્તા મીઠાઈ 1 - image


ફાફડા
સામગ્રી: અડધો કિલો ચણાની દાળ, અડધો કિલો મગની દાળ, પા કિલો મગની દાળ, મીઠું, એક ચમચી ઘી. તળવામા તેલ.

રીત: ચણાની દાળ, મગની દાળ તથા અડદની દાળ મિક્સ કરી બારીક લોટ દળવો. હવે લોટને લઈ તેમાં મીઠું નાખી ખૂબ કઠણ લોટ બાંધવો. એક કલાક રહેવા દેવો. પછી જરાક ઘી અથવા તેલ લઈ ખૂબ ખાંડવો અને કુણવીને નરમ કરવો. જરાક ઘી લઈ થોડો થોડો લોટ લઈ ફાફડા વણવા. ફાફડા ઉપર કપડું ઢાંકતા જવું. ફાફડાને સુકાવા ન દેવા. 

બધા ફાફડા વણાઈ જાય એટલે ગરમ તેલમાં તળી લેવા. ફાફડા જેટલા ફૂલે તેટલા સરસ ફાફડા પાતળા વણવા. એક ફાફડો પહેલાં વણીને તળી લેવો એટલે ખબર પડી જાય કે પોલો થાય છે કે નહીં જો કઠણ લાગે તો ફરી લોટ ખાંડવો અને પાતળું વણવું એટલે બરાબર પોલા ફાફડા થશે.

ત્રિરંગી સત્તપડી
સામગ્રી: ૫૦૦ ગ્રામ મેંદાનો લોટ, મીઠું, લાલ કલર, ગ્રીન કલર, યલો કલર, પા વાટકી  ઘી, પા વાટકી ચોખાનો લોટ તળવા માટે ઘી.

રીત: મેંદાના લોટના ત્રણ ભાગ કરવા. એકમાં લાલ, એકમા લીલો તથા એકમાં યલો કલર નાખી, મીઠું નાખી લોટ હૂંફાળા પાણીથી અલગ અલગ બાંધવો. હવે લોટમાંથી મોટી મોટી પાતળી રોટલી વણી લેવી. ઘીને ગરમ કરી તેમાં ચોખાનો લોટ નાખી પેસ્ટ જેવું બનાવવું.

લાલ રોટલી લઈ તેના ઉપર પેસ્ટ લગાવી ઉપર પીળી રોટલી મૂકી તેના ઉપર પેસ્ટ લગાવી તેના ઉપર લીલી રોટલી મૂકવી તેના ઉપર પેસ્ટ લગાવીને પછી તેનો ગોળ રોલ વાળવો. આવી રીતે બધી રોટલીના રોલ વાળી તેના પાતરાની જેમ કાપા કરી જરાક દબાવીને એક એક વેલણ મારી પૂરી વણવી. ઘી કરમ કરી તેમાં તળી લેવી. ત્રિરંગી સત્તપડી દેખાવમાં જેટલી સરસ લાગશે તેટલી સરસ ખાવામાં પણ લાગશે.

મઠિયા
સામગ્રી: એક કિલો મઠનો લોટ, પા કિલો અડદનો લોટ, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧૫૦ ગ્રામ મરચાં લીલાં, મીઠું પ્રમાણસર, બે ટેબલસ્પૂન તલ, ૧ ટી સ્પૂન અજમો (નાખવો હોય તો) તળવા માટે તેલ.

રીત: અડધો લીટર પાણીમાં મરચાંના ટુકડા તથા મીઠું નાખી પાણી ઉકાળવું. પછી નીચે ઉતારી તેમાં ખાંડ નાખી હલાવવું. હવે આ પાણી ગાળી તેનાથી લોટ બાંધવો. મઠનો તથા અડદનો લોટ ભેગા કરી તેમાં મીઠું, તલ, અજમો નાખી પાણીથી કઠણ લોટ બાંધીને પછી કરતી વખતે લોટને ફુલાવીને નરમ કરી ઘી-લોટમાં રગદોળી પાતળી મોટી પૂરી વણવી. આવી રીતે બધાં મઠિયાં વણીને તૈયાર કરવા. પછી ગરમ તેલમાં તળી લેવા. એરટાઇટ ડબ્બામાં ભરી લેવા.

Tags :