Get The App

દેવ દિવાળીનાં વધામણાં સરખી નવીન મીઠાઈઓ

દાવત - હિમાની .

Updated: Nov 11th, 2019

GS TEAM

Google News
Google News
દેવ દિવાળીનાં વધામણાં સરખી નવીન મીઠાઈઓ 1 - image


પાઈનેપલ સંદેશ
સામગ્રી: બે લિટર દૂધ, એક નાનું બાઉલ દળેલી ખાંડ, બે ચમચા મિલ્ક પાઉડર, છ નંગ પાઈનેપલ સ્લાઈસ (જરાજાડી), ચપટી તજનો ભૂકો. એક ચમચો અખરોટનો ભૂકો, અડધો બાઉલ સાકર, અડધો બાઉલ દહીં, વેનિલા એસન્સ.

રીત: સૌપ્રથમ દૂધને ગરમ મૂકવું. પછી તેમાં દહીં નાખવું, દૂધ ઉકળે અને ફાટી જાય એટલે નીચે ઉતારી લઈ કપડામાં બાંધીને નિતારી લેવું. થાળીમાં મૂકી ઉપર વજન મૂકવું. 

પનીરમાં મિલ્ક પાઉડર દળેલી સાકર તથા બેથી ત્રણ ટીપાં વેનિલા એસેન્સ નાખી બરોબર મસળવું પાઈનેપલના એકદમ નાના ટુકડા કરવા સાકરમાં પાણી નાખી ચાસણી તૈયાર કરવી. તેમાં પાઈનેપલના ટુકડા નાખી થોડી વાર રહેવા દેવું. 

પછી પાઈનેપલને નિતારીને બહાર કાઢવું. તેમાં તજનો ભૂકો તેમજ અખરોટનો ભૂકો નાખવો. પનીરના એકદમ નાના લુઆ પાડી બે પ્લાસ્ટિક વચ્ચે મૂકી જાડી પૂરી વણવી.

એક પૂરી પર થોડું પાઈનેપલનું પૂરણ મૂકી તેના પર બીજી પૂરી મૂકવી. કિનારીઓ હાથ વડે દબાવવી. આ પ્રમાણે બધાજ સંદેશ તૈયાર કરી ફ્રિજમાં મૂકવા. 

રવા કોકોનટ ઘૂઘરા
સામગ્રી: પડ માટે : ૨૫૦ ગ્રામ મેંદો, ૨ ટેબલસ્પૂન ઘી. મોણ માટે, તળવા માટે ઘી.

સ્ટફિંગ:  ૧ વાટકી બારીક રવો, ૧ વાટકી સૂકા કોપરાનું ખમણ, ૧ વાટકી છોલી ખાંડ, ૧ ટી-સ્પૂન એલચી પાઉડર, કિસમિસ. થોડા કાજુ-બદામના ટુકડા (નાખવા હોય તો).

રીત: મેંદામાં ઘીનું મોણ નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. રવાને ગુલાબી શેકવો. કોપરું પણ થોડું શેકી લેવું. ઠંડુ થાય એટલે ખાંડ, એલચી, કિસમિસ તથા કાજુ-બદામ નાખી બધું બરાબર મિક્સ કરવું. હવે  મેંદાના લોટમાંથી થોડો લોટ લઈ નાની પૂરી વણી તેમાં વચમાં ૧ ટેબલ સ્પૂન તૈયાર પૂરણ મૂકી, પૂરીને ડબલવાળી કિનારને દબાવીને નખીયા વાળીને પછી બન્ને છેડાને પકડીને જોઈન્ટ કરી દેવા એટલે ગોળ રિંગ જેવા ઘૂઘરા તૈયાર થશે. તેમાં વચ્ચોવચ્ચ એક લવિંગ ભરાવીને મધ્યમ તાપે ધીમા આછા ગુલાબી તળવા.

માવા મગજના ઘૂઘરા
સામગ્રી: પડ માટે : ૨૫૦ ગ્રામ મેંદો, ૨ ટેબલસ્પૂન ઘી મોણ માટે, તળવા માટે ઘી.

સ્ટફિંગ સામગ્રી:  ૨૫૦ ગ્રામ માવો, ૧૨૫ ગ્રામ દળેલી ખાંડ, ૧૦૪ ગ્રામ મગજતરીનાં બી, એલચી પાઉડર.

રીત: મેંદામાં ઘીનું મોણ નાખી મધ્યમ કઠણ લોટ બાંધવો. માવાને ખમણીને એક વાસણમાં લઈ ગેસ પર ગુલાબી શેકવો. પછી ઉતારી લેવો. ઠંડો થાય એટલે તેમાં ખાંડ નાખવી. મગજતરીનાં બીને ધીમા તાપે શેકીને તેમાં નાખવાં. બધું બરાબર મિક્સ કરી એલચી પાઉડર  નાખી બરાબર મિક્સ કરવું.

હવે તૈયાર લોટમાંથી થોડો થોડો લોટ લઈ નાની નાની પૂરી વણવી. હવે એક પૂરી લઈ તેમાં વચ્ચે એક ટેબલ સ્પૂન સ્ટફિંગ મૂકી ઉપર બીજી પૂરી મૂકી કિનારીને દબાવીને બંધ કરી નખીયા વાળવા. આવી રીતે બધા ઘૂઘરા તૈયાર થાય એટલે મધ્યમ તાપે આછા ગુલાબી તળવા. બે-ત્રણ દિવસ બહાર રહેશે, વધારે દિવસ રાખવા હોય તો ફ્રિઝમાં રાખવા.

ડ્રાયફૂટ ઘૂઘરા

સામગ્રી: ૨૫૦ ગ્રામ મેંદો, ૨ ટેબલસ્પૂન, ઘી મોણ માટે, તળવા માટે ઘી.

સ્ટફિંગ: ૧૦૦ ગ્રામ બદામ, ૧૦૦ ગ્રામ કાજુ, ૨૫ ગ્રામ પિસ્તા, ૨૫ ગ્રામ કિસમિસ, એલચી, કેશર તથા જાયફળ પાઉડર- પ્રમાણસર ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ.

રીત: મેંદામાં ઘીનું મોણ નાખી મિડિયમ કઠણ લોટ બાંધવો. હવે બદામ તથા કાજુનો ભૂકો કરવો. પિસ્તાના બારીક ટુકડા કરવા. હવે કાજુનો ભૂકો, બદામનો ભૂકો, પિસ્તા, કિસમિસ, એલચી, જાયફળ, કેશર તથા ખાંડ બધુ મિક્સ કરી પૂરણ તૈયાર કરવું. મેંદાના લોટમાંથી નાનો ગોરણો લઈ પૂરી વણવી પૂરીને હાથમાં લઈ વચ્ચે એક ટેબલસ્પૂન સ્ટફિંગ મૂકી પૂરીને ડબલવાળી કિનારને જરાક પાણીવાળી આંગળી કરીને દબાવીને નખીયા વાળવા નખીયા વાળવા ન ફાવે તો કિનારને દબાવીને પટ્ટીવાળી દેવી. આ રીતે બધા ઘૂઘરા વાળી લ્યો પછી લોયામાં ઘી ગરમ મૂકી મધ્યમ ધીમા તાપે આછી ગુલાબી ઝાંય પડે તેવા ઘૂઘરા નાખવા. ઠંડા થાય એટલે એરટાઈટ ડબામાં પેક કરીને રાખી દેવા.

નવરત્ન ઘૂઘરા
સામગ્રી: પડ માટે: ૨૫૦ ગ્રામ મેંદો, ૨ ટેબલસ્પૂન ઘી મોણ માટે, તળવા માટે તેલ તથા પ્રમાણસર મીઠું.

સ્ટફિંગ: ૧ વાટકી સૂકા કોપરાનું સલી ખમણ, ૧ વાટકી સફેદ તલ, લાલ મરચું, હીંગ, હળદર, ગરમ મસાલો, ૧ ટેબલસ્પૂન વરિયાળી, ૧ ટેબલસ્પૂન ધાણા, દળેલી ખાંડ, આમચૂર પાવડર તથા મીઠું બધું પ્રમાણસર લેવું, પણ ચડિયાતો મસાલો કરવો તો જ ચટાકેદાર લાગશે.

રીત: મેંદાના લોટમાં ઘીનું મોણ નાખી, મીઠું નાખી સાધારણ કઠણ લોટ બાંધવો હવે કોપરાના સળી ખમણને જરાક શેકવું. તલને પણ શેકી લેવા. હવે તેમાં બાકીનો બધો જ મસાલો નાખવો. બધું બરાબર મિક્સ કરવું. મેંદાના લોટમાંથી થોડો લોટ લઈ પૂરી વણી તેમાં ૧ ટેબલસ્પૂન સ્ટફિંગ ભરી પૂરીને ડબલ વાળી કિનારને દબાવીને નખીયા વાળવા આવી રીતે બધા જ ઘૂઘરા તૈયાર કરવા પછી તેલમાં ધીમા તાપે ગુલાબી તળવા. આ ઘૂઘરા ૮-૧૦ દિવસ સુધી બગડતા નથી. વળી દિવાળીમાં  આ ચટાકેદાર ઘૂઘરા તમારા મહેમાનને ખુશખુશાલ કરી દેશે.

વિવિધતા... ઘૂઘરામાં વિવિધતા લાવવા તમે લોટમાં કલર નાખી કલરિંગ ઘૂઘરી કરી શકો. અલગ-અલગ આકાર કરી શકો. જેમ કે પાન બીડા- સમોસા, વોનટોન એવા આકાર પણ થાય વળી ઉપર કલરથી ડિઝાઈન કરીને તળોતો ડિઝાઈનવાળા ઘૂઘરા પણ થાય. યલો કલરના ગોળ ઘૂઘરા કરી નીચે લોટથી ડાંડીને પાન કરોતો ફૂલ પણ બને. મરચાંનો આકાર પણ આપી શકાય.

Tags :