Magazines

દાવત : શ્રાવણ માસમાં મજેદાર ફરાળી વાનગીઓ

By GS TEAM
4 Aug 20253 mins read
દાવત : શ્રાવણ માસમાં મજેદાર ફરાળી વાનગીઓ

રાજગરા-શિંગોડાનાં ઢેબરાં

 સામગ્રી : રાજગરાનો લોટ ૬૦૦ ગ્રામ, શિંગોડાનો લોટ ૩૦૦ ગ્રામ, ખાટું દહીં ૩૦૦ ગ્રામ, બાફેલું સૂરણ ૩૦૦ ગ્રામ, લાલ મરચું બે ચમચી, ઘી પ્રમાણસર, મીઠું પ્રમાણસર.

 રીત : એક કથરોટ લઇ તેમાં બંને લોટ ભેગા કરવા. પછી તેમાં ઘીનું ત્રણ ચમચી મોણ નાખવું. પછી એમાં બાફેલું સૂરણ  અને દહીં નાંખીને ભાખરી જેવી કણક બાંધવી.

કણકના ઢેબરાં વણવાં. પછી ગેસ ઉપર તવી ગરમ મૂકી તેના પર ઘી મૂકીને ઢેબરાં બંને બાજુ શેકવા, ગરમા-ગરમ ઢેબરાં બટાટાની સૂકી ભાજી અને લીલા ચટણી સાથે પીરસવા.

સૂરણનાં દહીંવડાં

સામગ્રી : સૂરણ સવા કિલો, ખજૂર ૬૦૦ ગ્રામ, આંબોળિયા ૧૦ નંગ. મીઠું પ્રમાણસર, તેલ તળવા માટે, મરીના દાણા ૮, શેકેલા જીરાનો ભૂકો ૧ ચમચી, લાલ મરચું પ્રમાણસર, ગોળ પ્રમાણસર, દહીં ૧ કિલો, કોથમીર ૧ ઝૂડી.

રીત : સૂરણની છાલ ઉતારવી, પછી એક વાસણમાં પાણી લઇને સૂરણને ધોઇ નાખવું. ત્યારબાદ કૂકરમાં સૂરણને બાફવા મૂકવું. સૂરણ બરાબર બફાઇ જાય એટલે તેનો છૂંદો કરીને તેમાં મીઠું, આદું મરચાં, લાલ મરચું, આખા મરીના દાણા નાખીને પૂરણ તૈયાર કરવું.

પછી એક કડાઇમાં ગેસ ઉપર તેલ ગરમ મૂકીને તેમાં વડા બદામી એવા તળી લેવા. પછી દહીંને વલોવી લેવું પછી ખજૂરી, આંબોળિયામાં મીઠું, મરચું જીરું, ગોળ નાંખીને મિક્સરમાં ચટણી તૈયાર કરવી.

એક ડિશમાં વડા ગોઠવી તેની ઉપર દહીં નાંખવું અને એની ઉપર ગળી ચટણી મીઠું જીરાનો ભૂકો, મરચાંનો ભૂકો, સમારેલી કોથમીર અને સંચળનો ભૂકો છાંટીને પીરસવું.

સૂરણની ભાજી

સામગ્રી : સૂરણ ૫૦૦ ગ્રામ, તેલ તળવા માટે, ૧ લીંબુનો રસ, કોથમીર ૧ ઝૂડી, શીંગદાણાનો ભૂકો ૫૦ ગ્રામ,મીઠું પ્રમાણસર, ખાંડ અડધી ચમચી, મરીનો ભૂકો પ્રમાણસર, જીરું વઘાર માટે, લીલા મરચાંના ટુકડા થોડાં.

 રીત :  સૂરણને પાણીમાં સમારવું, પછી તે બાફી લેવું, સૂરણ બફાઇ જાય એટલે એક કડાઇમાં બે ચમચા તેલ ગરમ મૂકીને જીરાનો વઘાર કરવો અને તેમાં મરચાંના ટુકડા નાખીને સૂરણ વઘારવું. પછી તેમાં મીઠું, મરીનો ભૂકો, લીંબુનો રસ, અને ખાંડ નાંખીને ધીમે તાપે દસ મિનિટ સુધી ગેસ ઉપર રહેવા દેવું. પછી તેની પર કોથમીર ભભરાવીને રાજગરાની પૂરી સાથે સૂરણની ભાજી પીરસવી.

સૂરણની ખીચડી

 સામગ્રી : સૂરણ ૭૫૦ ગ્રામ, શીંગદાણાનો બારીક ભૂકો ૨૫૦ ગ્રામ, ઘી પ્રમાણસર, કોથમીર ૧ ઝૂડી, ખાંડ ૩ ચમચી, વાટેલા આદુ મરચાં બે ચમચી, લીંબુનો રસ પ્રમાણસર, લવિંગ ૩-૪ નંગ, તલ ૧ ચમચી, તજ ૧-૨.

 રીત :  સૂરણની છાલ ઉતારી તેને ખમણી નાંખવું, પછી આ છીણને પાણીમાં થોડીવાર પલાળી રાખવું. ત્યારબાદ તપેલીમાં ઘી મૂકી તેમાં તજ અને લવિંગનો વઘાર કરવો.

પછી સૂરણના છીણને ખૂબ જ નીચોવી વઘારવું, શીંગોડાનો બારીક ભૂકો તેમાં નાખવો, પછી મીઠું, તલ અને આદુ-મરચાં અને ખાંડ નાખવી.

ત્યારબાદ તેને ખૂબ જ ધીમા તાપે ચડવા દેવું. આ છીણ બરાબર ચડી જાય એટલે નીચે ઉતારી લીંબુનો રસ નાખીને હલાવવું. પછી એની ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવી ગરમા-ગરમ પીરસવું.

શિંગોડાનો શીરો

 સામગ્રી : શિંગોડાનો લોટ ૧૫૦ ગ્રામ, ઘી પ્રમાણસર, ખાંડ ૧૫૦ ગ્રામ, દૂધ પ્રમાણસર, ૩ એલચીનો ભૂકો.

 રીત :  એક વાસણમાં ઘી લઇને તેને ગેસ ઉપર ગરમ મૂકવું અને તેમાં શિંગોડાનો લોટ લાલ થાય ત્યાં સુધી શેકવો. પછી તેમાં ગરમ દૂધ નાખવું અને થોડીવાર હલાવ્યા કરવું. પછી તેમાં ખાંડ  નાંખીને હલાવવું. છુંટું પડે અને ઘટ્ટ મિશ્રણ બને એટલે નીચે ઉતારીને ઉપરથી એલચીનો ભૂકો છાંટવો.

શિંગોડાની ખાંડવી

સામગ્રી : શિંગોડાનો લોટ ૪૦૦ ગ્રામ, છાશ ત્રણ વાટકી, કોપરાનું ખમણ દોઢ વાટકી, મીઠું પ્રમાણસર, રાઇ ૧ ચમચી, હિંગ ચપટી, વાટેલા આદુ મરચાં ૧ ચમચી, કોથમીર ૧ ઝૂડી, જીરું ૧ ચમચી.

રીત : એક જાડા તપેલામાં શિંગોડાનો લોટ લેવો. તેમાં છાશ અને મીઠું નાંખીને ખીરું બનાવીને તેને બાફવા  મૂકવું. આ દરમિયાન તેને સતત હલાવતા રહેવું. લોટ બફાઇ જાય એટલે તેમાં વાટેલાં આદુ મરચાં નાંખીને હલાવવું પછી તેને પાટલા ઉપર પાથરવું, પછી તેના રોલ બનાવી લેવા. અને તેના કટકા કરવા. 

ત્યારબાદ એક કડાઇમાં તેલ લઇને તેને ગેસ ઉપર ગરમ મૂકીને તેમાં રાઇ-જીરૂ અને હિંગનો વઘાર કરીને ખાંડવીના કટકા વઘારવા. પછી તેને સમારેલી કોથમીર અને કોપરાનું ખમણ ભભરાવીને ગરમા-ગરમ પીરસવી.

- હિમાની