Magazines

દાવત : બંગાળી વાનગીઓની રસલહાણી

By GS TEAM
23 Jun 20254 mins read
દાવત : બંગાળી વાનગીઓની રસલહાણી

છોલાર ડાલ

 સામગ્રી :ચણાની દાળ ૧ વાટકી, જીરું ૧/૨ ચમચી, મરચું ૧/૨ ચમચી, હળદર ૧/૪ ચમચી લીલી એલચી બે, ત્રણ લવીંગ, ૧ ઈંચની તજ, ૧/૪ વાટકી નાળિયેરના બારીક કકડા, મીઠું, ખાંડ, વઘાર માટે ૧ ટેબલ સ્પૂન ચોખ્ખુ ઘી, સુકા લાલ મરચા, બે ત્રણ તમાલપત્ર અડધી ચમચી જીરું.

 રીત : દાળ બાફતી વખતે ગરમ મસાલો નાખીને બાફો, જીરું, જાડું વાટીને વઘારમાં નાખો. નાળિયેરના કકડા મીઠું, ખાંડ નાખો, આપણે બનાવીએ છીએ એવી પાતળી દાળ ન બનાવતાં જાડી જ રાખવી. બંગાળી વાનગીમાં ચપટીખાંડ બધા જ પદાર્થોમાં નાખવામાં આવે છે.

ભોપાદોઈ (બાફેલું દહીં)

 સામગ્રી : ૧ ડબો મિલ્કમેઈડ, ૧/૨ લીટર  દૂધ ઉકાળીને ૧ કપ કરો, ૪ કપ શ્રીખંડના યંત્રથી ગાળેલું મોળું દહીં, ૫ ખજૂર ગર કાઢીને વાટી લેવા.

 રીત : આ બધું સાહિત્ય એકત્ર કરી કુકરમાં ડબ્બો મૂકી બાફીને ઠંડુ કરો. ઉપર બદામ પિસ્તાના ટુકડા નાખો.

બંગાળમાં આ વાનગી બનાવતી વખતે તાડનો ગોળ વાપરે છે. સ્વાદ સુંદર લાગે નહીં તો દહીં વગેરે વધું એકત્ર કર્યા પછી ચાખીને થોડી ખાંડ નાખવી. ખજુર નાખવાને કારણે સ્વાદ અને રંગ સારો થાય છે. અને પૌષ્ટિકતા પણ વધે છે. સજાવવા માટે ગુલાબની પાંખડીઓ નાખવામાં આવે છે.

પાટી શાપ્ટા

 સામગ્રી : બે વાટકી ચોખાનો લોટ, ૧ ૧/૨ લીટર દૂધ,  (દોઢ લીટર) ૧ નાળિયેરનું ખમણ, ખાંડ અને એલચીની ભૂકી જરૂર પ્રમાણે.

 રીત : નાળિયેરના પાણીમાં ચોખાનો લોટ બે ચમચી ખાંડ ૧ ચપટી મીઠું નાખી બાફો.

નાળિયેરનું ખમણ અને ખાંડ નાખી તેનો માવો તૈયાર કરો.  દોઢ લીટર દૂધ ઉકાળી ઘટ્ટ બનાવો. થોડી ખાંડ અને જાયફળ ભૂકી નાખો. 

બાફેલા લોટમાં નાળિયેરમાં માવો ભરીને ઢોસાની જેમ રોલ બનાવો. એક ઊંડી પ્લેટમાં રાખી તેની ઉપર ઘટ્ટ બનાવેલું દૂધ રેડો. ગરમ અથવા ઠંડુ પિરસો. તદ્દન નવતર પ્રકારની વાનગી છે.

હિંગરેદમ આલૂ 

(હિંગ નાખેલ દમઆલૂ)

 સામગ્રી :નાના બટેટા ૧/૨ કિલો, દહીં ૧/૨ કપ, આદુની પેસ્ટ ૧ ટી.સ્પૂન, હિંગ ૧/૪ ચમચી કાપેલા ત્રણ લીલા મરચાં મીઠું સ્વાદ જેટલું.

પાંચ ફોડણ : વધારે માટે આ પાંચ ચીજો બંગાળીઓ ઉપયોગમાં લે છે. ૧ ચમચી વરિયાળી, ૧ ચમચી ડુંગળીના બીજ, ૧ ચમચી જીરું, ૧ ચમચી મેથી, ૧ ચમચી રાઈ, આ બધું એકત્ર કરી એક ડબલીમાં રાખો.

 રીત : બટેટા બાફી છોલી ગુલાબી તળી લો, એ જ ધીમા પાંચ ફોડણ નાખી વઘાર તૈયાર કરો. દહીં હળદર હિંગ એકત્ર કરી હલાવી વઘારમાં નાખો. થોડું પાણી નાખો. તળેલા બટેટા નાખો. ગરમ કરો. મીઠું અને કોેથમીર ઉમેરી ગરમાગરમ પિરસો.

શુકતોની

 સામગ્રી :  એક શક્કરિયું, બે બટેટા, એક કારેલું, બે પરવળ, એક રીંગણું, કેળાના પાન બે,  સરગવાની બે સીંગ, વટાણા, મૂળો બધી ચીજોના મોટા મોટા કકડા કરી રાખો.

 મસાલો : ૧ ઈંચ આદુ, ૧ ચમચી રાઈ, પંચ ફોડણ, ૧ ચમચી, બે તમાલપત્રો, થોડું દૂધ, ૨ ટેબલ સ્પૂન ખાંડ અને મીઠું.

 રીત : તેલ ગરમ કરી પંચ ફોડણ અને તમાલપત્રો નાખો. બધા શાકના કકડા નાખી સાંતળો. વાટેલો મસાલો, ખાંડ મીઠું અને પાણી નાખી શાક નરમ થાય એટલું બાફો છેવટે દૂધ નાખો. રસો ઘટ્ટ રહેવા દેવો.

સંદેશ

 સામગ્રી : ૧ કિલો દૂધ, ૨૦૦ ગ્રામ જેટલી ખાંડ ૨-૨ એલચીના દાણાનો બારીક ભૂકો, થોડો કપૂર.

 રીત : દૂધને ઉકાળો, તેમાં લીંબુનો રસ નાખો. દૂધ ફાટી જાય તેને મલમલના કપડાથી ગાળી લો. માવો અને પાણી અલગ થઈ જશે. માવો થોડો સમય કપડામાં જ બાંધીને રાખો એટલે તેમાંથી ઘણું ખરું પાણી નીકળી જશે. માવાના વજનથી ૧/૪ ભાગની ખાંડ લો. માવા સાથે ભેળવી માવો અને ખાંડ વાટીને મુલાયમ મિશ્રણ બનાવો. એલચીનો પાવડર અને કપૂર ભેળવી તેને ગરમ કરો. કડછીથી આ મિશ્રણ હલાવ્યા કરો. જ્યારે આ મિશ્રણ કડછી સાથે ચોંટતું બંધ થાય એટલે નીચે ઊતારી લો. ગોળ, ચપટા અથવા ગમે તે આકારના બીબા સાંચાને ઘી ચોપડીને તેમાં ગરમગરમ આ મિશ્રણ નાખી દબાવીને આકાર પાડી લો. પ્લેટમાં સમાવી રાખો. ઠંડા થાય ત્યારે આ સંદેશ પિરસો.

લૂચી પૂરી

 સામગ્રી : ૩ વાટકી  મેંદો, ૨ ટેબલસ્પૂન વનસ્પતિ ઘી, ૧ ટેબલસ્પૂન સાબુદાણા મીઠું જરૂર જેટલું.

 રીત : આ બધું એકત્ર કરી ઘટ્ટ બાંધો. પૂરી વણો, બહુ લાલ તળશો નહીં, મોટી પૂરી વણીને વચ્ચે કાપો અને તળો, એટલે ફૂલે ત્યારે ઘૂઘરા આકારની દેખાય.  એમાં સાબુદાણાને બદલે એક બાફેલા બટેટાનો છુંદો પણ નાખી શકાય.

છનાર પોલાવ  (પનીર નાખેલો પુલાવ)

 સામગ્રી : દોઢ વાટકી બાસમતી ચોખા, ૧/૨ વાટકી મટરના દાણા ૧/૨ વાટકી પનીરના ગુલાબી તળેલા કકડા, ૨ તમાલપત્ર, ૪ લવીંગ ૨ ઈંચ તજ, ૨ લીલી એલચી, ૩ લીલા મરચાં, મીઠું, ખાંડ, સજાવવા માટે કાજુ અને થોડી તળેલી સફેદ દ્રાક્ષ

 રીત : ત્રણ ટેબલ સ્પૂન વનસ્પિત ઘી ગરમ કરો. બધા જ મસાલા અને ચોખા તેમાં નાખી સારી રીતે સાંતળો, મટર, લીલા મરચા નાખો. મીઠું ખાંડ નાખો પાણી ઉમેરો. છૂટો ભાત બનાવો. ત્યારબાદ થોડા પનીરના કકડા, કાજુ અને સફેદ દ્રાક્ષ નાખો. હલાવીને સારી રીતે બફાવા દો. પિરસતી વખતે વધેલા કાજૂ અને પનીરના કકડા તેમ જ ધોળી દ્રાક્ષ નાખો.

આ પુલાવ બનાવતી વખતે જો ભાવતું હોય તો બે ટેબલ સ્પૂન મલાઈનું દહીં અને ખાંડ એકત્ર કરીને નાખો. સ્વાદ ખૂબ જ સરસ થશે. એ જ રીતે મટરને સોડાના પાણીમાં બાફીને ઉપરથી નાખો તો તેનો રંગ સુંદર લાગશે. 

- હિમાની