ડેઇઝી શાહ સફળતાનો બધો શ્રેય સલમાનને આપવા તૈયાર નથી

- 'દર્શકોએ થિયેટરોમાં 'જય હો' જોઈ અને એમને એ ગમી, પરંતુ ફિલ્મ બહુ ઉપડી નહિ, કારણ કે મૂવીને ખરાબ ચીતરવા માટે મોટા પાયે પીઆર વર્ક કરવા પાણીની જેમ પૈસા ખર્ચાયા હતા...'
સલમાન ખાન સાથે કરિઅરની શરૂઆતમાં કામ કરનાર એકટ્રેસોને એક સામાન્ય સમસ્યા નડે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો તો ઠીક દર્શકો પણ એવું માનવા લાગે છે કે આ હિરોઈનની સફળતા કે નિષ્ફળતા બધુ સલમાનભાઈને આભારી છે. મોટા ઘટાટોપ વૃક્ષની છાયામાં ઉગતા દરેક છોડને આવી સમસ્યા નડે છે. ગુજરાતી પરિવારની ડેઈઝી શાહે ભાઈજાન સાથે ૧૨ વરસ પહેલા 'જય હો' ફિલ્મ કરી ત્યારથી એને 'સલમાન પ્રમોટેડ હિરોઈન'નું લેબલ લાગી ગયું છે. ડેઈઝીએ જાત મેહનતથી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું હોવા છતાં એના કરિઅર અને એની સિદ્ધિઓનો શ્રેય સલમાનને જ અપાય છે.
તાજેતરમાં એક ઇવેન્ટમાં મીડિયા સાથેના ઇન્ટરએક્શનમાં ડેઈઝી (૪૧) એ લાંબા સમયથી લોકોના મગજમાં ઘર કરી ગયેલી એવી માન્યતાનું ખંડન કરતા કહ્યું કે આવા ખોટા ખયાલ હેઠળ મારું હાર્ડ વર્ક ઢંકાઈ જાય છે. કોઈને મારો સંઘર્ષ દેખાતો નથી. 'આવું લોકોના મગજમાં ઘર કરી ગયેલી માનસિકતાને કારણે થાય છે. સમાજ એવું વિચારવા ટેવાઈ ગયો છે કે એક સ્ત્રી કોઈ પ્રશંસા પાત્ર કામ કરે અને એનું નામ થાય તો એની પાછળ જરૂર કોઈ (પુરુષ)નો હાથ હોવાનો. એને જરૂર કોઈની મદદ મળી રહી છે. આમ જોવા જાવ તો એમાં કશું ખોટું નથી. આજે હું કોઈને મદદ કરું છું તો એટલા માટે કે ભૂતકાળમાં મને પણ કોઈએ હેલ્પ કરી હતી. આ એક ચેન (સાંકળી) છે. એક વ્યક્તિ તમને હેલ્પ કરે, તમે બીજાને હેલ્પ કરો. એ રીતે ચેન ચાલ્યા કરે. પરંતુ લોકો એ દ્રષ્ટિકોણથી જોતા નથી. હવે તો મને એનું દુખ પણ નથી લાગતું. હું એ ચક્રમાંથી નીકળી ચુકી છું. હું આવી કમેન્ટ્સની આદિ થઈ ગઈ છું,' એમ ૨૦૧૧માં કન્નડ ફિલ્મ 'ભદ્રાથી' ડેબ્યુ કરનાર એક્ટર કહે છે.
લગભગ એક દાયકા સુધી કોરિયોગ્રાફર ગણેશ આચાર્યની આસિસ્ટંટ રહી ચુકેલી શાહે કન્નડ ઉપરાંત 'જય હો' અને 'હેટ સ્ટોરી ૩' જેવી હિન્દી ફિલ્મો અને ગુજરાતી સિનેમામાં પણ કામ કર્યું છે. ૨૦૧૪માં સલમાન સાથેની એની ફિલ્મ 'જય હો'ને મળેલા રિસ્પોન્સને યાદ કરતા ડેઈઝી કહે છે, 'એ વખતના રાજકીય માહોલ સહિત અમુક બાહરી બાબતોએ મૂવીની રિલિઝને અસર કરી હતી. મૂવી રિલિઝ થઈ ત્યારે એના વિશે ઘણી વાતો થતી હતી. ૨૦૧૪ની સાલ હતી અને કેન્દ્રમાં નવી પાર્ટીની સરકાર આવી રહી હતી. એટલે રાજકીય વાતાવરણ ગર્મ હતું. લોકો એવું વિચારતા હતા કે અમે કોઈ પાર્ટી તરફ ઢળેલા છીએ એટલે અમારા પ્રમોશન્સે પણ જુદો વળાંક લીધો. એ ધારણા સદંતર ખોટી હતી. એની વે, દર્શકોએ થિયેટરોમાં જઈ 'જય હો' જોઈ અને એમને એ ગમી. પરંતુ ફિલ્મ બ હુ ઉપડી નહિ કારણ કે મૂવીને ખરાબ ચીતરવા માટે મોટા પાયે પીઆર વર્ક કરવા પાણીની જેમ પૈસા ખર્ચાયા હતા,' એમ મિસ શાહ સખેદ કહે છે.








