Get The App

દાવત : ગરમીની વચ્ચે શિતળતાનો અહેસાસ કરાવતાં આઈસ્ક્રીમનો આસ્વાદ

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
દાવત : ગરમીની વચ્ચે શિતળતાનો અહેસાસ કરાવતાં આઈસ્ક્રીમનો આસ્વાદ 1 - image

ઓરેન્જ સ્પંજ આઇસ્ક્રીમ

 સામગ્રી: ૭૫૦ ગ્રામ દૂધ, ૧૨૫ ગ્રામ તાજું ક્રીમ, ૧ કપ નારંગી નોગર, ૧ મોટો ચમચો કોર્નફ્લોર, ૧ મોટી ચમચો જિલેટીન, ૨-૪ કપ ખાંડ, ૧ ચમચી ઓરેન્જનું એસેન્સ, ૧૦ ટીપાં અથવા ઇચ્છાનુસાર કેસરી રંગ, ૧ સ્વિસ રોલ. (કોઇ પણ બેકરીમાં મળશે.)

 ઓરેન્જ સોસ માટેની સામગ્રી:- ૧ કપ ખાંડ, ૧-૨ કપ નારંગીનો રસ, ૧ કપ પાણી, ૧ ૧/૨ ચમચી કોર્નફ્લોર, ૧ ચમચી માખણ, ૫ ટીપાં કેસરી રંગ, ૧૦ ટીપાં ઓરેન્જનું એસેન્સ.

 રીત:- દૂધને વીસ મિનિટ સુધી ગરમ કરી ઘટ્ટ થવા દો. દૂધને સતત ચમચાથી હલાવતાં રહો. તેમાં ખાંડ ભેળવો. ખાંડ બરાબર ઓગળી જાય એટલે તેમાં અડધો કપ પાણીમાં ભેળવેલ કોર્નફ્લોર મિક્સ કરો. દૂધમાં ગઠ્ઠા ન જામી જાય એ માટે સતત ચમચાથી હલાવતા રહો. ત્યારબાદ આંચ પરથી મિશ્રણ નીચે ઉતારી લો. જિલેટીનમાં પાણા નાંખી થોડીવાર રહેવા દો. તેને દૂધના મિશ્રણમાં ભેળવો. દૂધ ઠુંડું રહે એટલે એમાં ક્રીમને ફીણીને મિક્સ કરો. નારંગીનો ગર, એસેન્સ અને રંગ પણ ઠંડા દૂધમાં ભેળવી દો. આ મિશ્રણને તમે એગબીટરથી પણ ફીણી શકો. હવે તેને ઢાંકીને ફ્રીઝરમાં મૂકી દો. આ આઇસ્ક્રીમ જામવા લાગે ત્યાર પછી ફરીથી ફીણવાની જરૂર નથી.

ઓરેન્જ સોસ બનાવવાની રીત:- એક નોનસ્ટિક પેનમાં એક ચમચો માખણ નાંખી ગરમ થવા દો. માખણ ઓગળે એટલે તેમાં ખાંડ, પાણી, કોર્નફ્લોર ભેળવી મિશ્રણ તૈયાર કરો. ૨-૩ મિનિટ સુધી ચમચાથી સતત હલાવતાં રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો. હવે તેમાં નીરંગની રસ, એસેન્સ તથા કેસરી રંગ ભેળવી દો. ઓરેન્જ સોસ તૈયાર છે. હવે અડધા કલાક પછી આઇસ્ક્રીમને ફ્રીઝમાંથી કાઢો. સ્વિસ રોલના અડધા ઇંચ જેવડા ગોળ ટુકડા કરો. આ ટુકડાને કોઇ કેક-ડિશમાં ચારે તરફ સજાવી વચ્ચે આઇસ્ક્રીમ ભરો. ઠંડો ઓરેન્જ સ્પંજ  આઇસ્ક્રીમ સોસ સાથે પીરસો.

આઇસ્ક્રીમ પાપડી

 સામગ્રી:- આઇસ્ક્રીમ માટે ૧ લિટર દૂધ, ૨ મોટા ચમચા ઠંડું ક્રીમ, ૨ મોટો ચમચા કોર્નફ્લોર, ૨૦૦ ગ્રામ અથવા સ્વાદ મુજબ ખાંડ, થોડા ટીપાં, ખસનું એસેન્સ અને ખાવાનો લીલો રંગ, ૧ ચમચી આઇસ્ક્રીમ પાઉડર, આઇસ્ક્રીમ જમાવવા માટેના ગોળ સંચા.પાપડી માટેની સામગ્રી:- ૨૦૦ ગ્રામ મેંદો, ૫૦ ગ્રામ માખણ, લોટ બાંધવા માટે ઠંડું પાણી, તળવા માટે ઘી.

 રીત:- દૂધને એક જાડા તળીયાવાળા વાસણમાં ગરમ કરો. એક ઉભરો આવે એટલે આંચ ધીમી કરી ૧૦-૧૫ મિનિટ સુધી ઉકળવા દો. એક કપમાં કોર્નફ્લોર, આઇસ્ક્રીમ પાઉડર તથા થોડું ઠંડું પાણી ભેળવી આ મિશ્રણને ઉકળતા દૂધમાં નાંખી ઝડપથી હલાવો. દૂધનું મિશ્રણ તળીયે ચોટે નહીં તેનું ધ્યાન રાખી સતત હલાવતાં રહી ઘટ્ટ થવા દો. ત્યારબાદ મિશ્રણ નીચે ઉતારી લઇ ઠંડું પડવા દો. એકદમ ઠંડું થઇ જાય એટલે તેમાં ઠંડું ક્રીમ, એસેન્સ અને લીલો રંગ ભેળવી મિક્સિમાં વલોવો. ત્યારબાદ તેને એલ્યુમિનિયમના વાસણમાં રેડી ફ્રીઝમાં મૂકી દો. ૧૫-૨૦ મિનિટ બાદ આઇસ્ક્રીમ જામવા લાગે કે તરત તેને ચમચાથી ખૂબ હલાવી ફરી જામવા મૂકો. ૧૦-૧૫ મિનિટ બાદ ફરી એકવાર હલાવી. ગોળ સંચામાં ભરી ફ્રીઝમાં મૂકી દો. સંચાને ઢાંકીને જ રાખો. આઇસ્ક્રીમ જામતો હોય ત્યારે વચ્ચેના સમયગાળામાં મેંદામાં માખણ નાંખી બરાબર ભેળવો અને ઠંડા પાણીથી કડક લોટ બાંધો. તેને ૧૫-૨૦ મિનિટ સુધી ઢાંકી રાખો. તે પછી ફરીથી ગુંદી પોચો બનાવો. આ લોટમાંથી  નાના લૂઆ બનાવી પાતળી ગોળ પૂરીઓ વણો. જેમાં આઇસ્ક્રીમ જામવા મૂક્યો હોય, તે સંચાના માપની ગોળ પાપડી કાપી કાંટાંથી તેમાં કાણાં પાડો જેથી પૂરી ફૂલે નહીં.  પૂરીની કિનારીને થોડી થોડી કાપો આથી ઝાલર જેવું બની જશે. આમ લોટની ઝાલરની ડિઝાઈનવાળી પાપડી બનાવી ગરમ ઘીમાં આછા બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. તમારી ઇચ્છા હોય તો ઓવનમાં બેક પણ કરી શકો. 

ઠંડાં ટમેટાંના કપ

 સામગ્રી:- ૬-૮ મોટા કદના કડક લાલ ટામેટાં, ૨૫૦ ગ્રામ માવો, ૨૦૦ ગ્રામ અથવા સ્વાદ મુજબ દળેલી ખાંડ, ૧-૪ ચમચી જાવંત્રીનો ભૂકો, ૬ ટ ૬ના એલ્યુમિનિયમના ફોઇલના ૬ ટુકડા, સજાવટ માટે પિસ્તાંની કતરણ.

 રીત:- ટામેટાને ધોઇ, લૂછી તેમના પર ચમક લાવવા માટે તેલનો ચીકણો હાથ લગાવો. હવે ધારદાર ચપ્પુથી ટામેટાંની ઉપરથી નાની સ્લાઇસ (ટીપકું) કાપો અને સ્ફપથી ટામેટાંનો ગર કાઢી લો. આ રીતે બધા ટમેટાંનો ગર કાઢી લઇ તેમના કપ બનાવો. ટામેટાના ટોપકાંને સાચવી રાખો. ટામેટાના ગરને મિક્સિમાં ક્રશ કરી ગળણીથી ગાળી લો જેથી તેના બી નીકળી જાય. હવે માવો, ખાંડ, જાવંત્રીનો ભૂકો, કાજુનો ભૂકો અને ટામેટાંનો ગર બધાને ભેળવી ખૂબ ફીણો, જેથી એકસરખું ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય. જો મિશ્રણ વધારે પડતું ઘટ્ટ લાગતું હોય તો તેમાં થોડું દૂધ ઉમેરી શકો. આ મિશ્રણને એક વાસણમાં કાઢી ફ્રીઝમાં મૂકો. પાંચ-સાત મિનિટ પછી ફરીથી વલોવી ફ્રીઝમાં મૂકી દો. ફરી પાંચ-સાત મિનિટ પછી વલોવી ટામેટાના કપમાં પ્રમાણસર ભરી દો. તેમના ઉપર ટામેટાના ટોપકાં ગોઠવી દો. દરેક ભરેલા ટામેટાને એક એક જુદા જુદા એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટીને ફ્રીઝમાં મૂકી દો અને બરાબર ઠરવા દો. પીરસતી વખતે ઠંડાં ટામેટાના કપને ઉંડી પ્લેટમાં મૂકો. ધારદાર ચપ્પુથી ઉપરનું ટોપકું કાપી ટામેટાના ચાર ભાગ કરો. ત્યારબાદ પિસ્તાંની કતરણથી સજાવટ કરી, ટામેટાના કપ મહેમાનોને આપો જેથી તેમની ઠંડક અને સ્વાદ તે માણી શકે.

આઇસ્ક્રીમ ઘૂઘરા અને કરકરા કાજુ

 સામગ્રી:- ૧ લીટર દૂધ, ૨૦૦ ગ્રામ ખાંડ, ૧ મોટો ચમચો કોર્નફ્લોર, બ્રેડની ૬ સ્લાઇસ, થોડા ટીપાં સ્ટ્રોબેરીનો રંગ અને એસેન્સ, તળવા માટે ૧૦૦ ગ્રામ ઘી, શેકેલા કરકરા કાજુના ટુકડા, લીલી કેન્ડી સજાવટ માટે.

 રીત:- એક જાડા તળીયાવાળા તપેલામાં દૂધ ગરમ કરો. ઉભરો આવે પછી આંચ ધીમી કરી દઇ પાંચ-સાત મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાં ખાંડ નાંખી તે ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો. હવે એ ઉકાળેલા દૂધમાંથી અડધું દૂધ એક તપેલીમાં કાઢી લઇ જુંદું રાખો. એક વાટકીમાં કોર્નફ્લોર લઇ તેમાં ઠુંડું પાણી રેડી મિશ્રણ બનાવો. આ મિશ્રણને ઉકળતાં દૂધમાં નાંખી ઝડપથી હલાવો, જેથી તેમાં ગઠ્ઠા ન જામે. દૂધ એકદમ ઘટ્ટ થઇ જાય એટલે નીચે ઉતારી લઇ ઠંડું થવા દો. ત્યારબાદ તેમાં સ્ટ્રોબેરી એસેન્સ અને રંગ ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને આઇસટ્રે અથવા એલ્યુમિનિયમના ઉંડા વાસણમાં રેડી ફ્રીઝમાં મૂકી દો. આઇસ્ક્રીમ જામવા લાગે ત્યારે ફ્રીઝમાંથી કાઢી મિક્સિમાં નાંખી ફીણ થાય ત્યાં સુધી વલોવો. ત્યારબાદ તરત જ આઇસ્ક્રીમને ટ્રેમાં કાઢી ફ્રીઝમાં જામવા મૂકી દો. આઇસ્ક્રીમ જામવા લાગે ત્યારે ફ્રીઝમાંથી કાઢી મિક્સિમાં નાંખી ફીણ થાય ત્યાં સુધી વલોવો. ત્યારબાદ તરત જ આઇસ્ક્રીમને ટ્રેમાં કાઢી ફ્રીઝમાં જામવા મૂકી દો. આઇસ્ક્રીમ સરસ રીતે જામે તે માટે મિશ્રણને એક-બે વાર વલોવવું જોઇએ. છેલ્લે આઇસ્ક્રીમના ગોળ સંચામાં મિશ્રણ ભરી ફ્રીઝમાં જામવા મૂકી દો. આ દરમિયાન એક કડાઇમાં ઘી ગરમ કરો. બ્રેડની સ્લાઇસને વાટકીની મદદથી ગોળાકાર કાપી ઘીમાં આછા બાદમી રંગની થાય ત્યાં સુધી તવો અને પેપર પર મૂકી રાખો. તપેલીમાં જુદા કાઢેલા દૂધમાં તળેલી બ્રેડને પલાળો. લગભગ ૧૫-૨૦ મિનિટમાં બ્રેડ પલળી જશે. આ બ્રેડને સાચવીને છૂટી પાડી એક મોટી પ્લેટમાં ગોઠવી ફ્રીઝમાં ઠંડી થવા મૂકો.પીરસતાં પહેલાં દૂધમાં પલાળેલી એક સ્લાઇસ પર સ્ટ્રોબેરી આઇસ્ક્રીમનો નાનકડો ટુકડો મૂકો. ત્યારબાદ બ્રેડને વચ્ચેથી વાળી દઇ ઘૂઘરા જેવો આકાર આપી બન્ને હાથથી વચ્ચેથી દબાવીને ઠંડી કરેલી પ્લેટમાં મૂકી દો. આ રીતે જેટલા જરૂરી હોય, તેટલા આઇસ્ક્રીમ ઘૂઘરા બનાવી ઠંડી કરેલી પ્લેટમાં ગોઠવતાં જાવ તેના પર કાજુના ટુકડા અને લીલી કેન્ડીથી સજાવટ કરી મહેમાનોને પીરસો. આ આઇસ્ક્રીમ બનાવતી વખતે બધી વસ્તુઓને બરફમાં ઠંડી કરીને રાખો અને આઇસ્ક્રીમ ઘૂઘરા ઝડપથી બનાવો જેથી આઇસ્ક્રીમ ઓગળી જાય ત્યાર પહેલાં પ્લેટ મહેમાન પાસે પહોંચી જાય. 

- હિમાની