દાવત : ભીની ભીની મોસમમાં ઘેરબેઠાં ચટપટી વાનગીઓ બનાવો

વેજ મંચુરિયન
સામગ્રી :૧ કપ છોલીને ખાંડેલા વટાણા, ૧ કપ મોટું છીણેલું ફ્લાવર, ૧/૨ કપ મગની દાળ, ૧/૨ કપ અડદની દાળ, તળવા માટે તેલ, ૨ ચમચા મેંદો, ૧કપ ટામેટાંની પેસ્ટ, ૨ ચમચા ટામેટાં સોસ, ૨ ચમચા સોયાની સોસ, ૧ ચમચી ચીલી સોસ, ૧ મોટી ચમચી આદું લસણ અને લીલાં મરચાંની પેસ્ટ, ૧ ચમચી મરી પાઉડર, મીઠું સ્વાદ મુજબ
રીત : બંને દાળને ૪-૫ કલાક સુધી પલાળીને વાટી લો. તેમાં વટાણા, ફ્લાવર અને મીટું નાખીને ગરમ તેલમાં વડાં તળી લો. ૨ મોટી ચમચી તેલ ગરમ કરીને લસણ, આદું, લીલાં મરચાંની પેસ્ટ સાંતળી લો. ટામેટાંની પેસ્ટ અને ૩ કપ પાણી નાખીને ઉકાળો. પાણીમાં મેંદો મેળવી તેને મિક્સ કરીને ઉકાળો. તેમાં મીઠું, મરચું, ટામેટાં ચીલી અને સોયા સોસ મિક્સ કરીને અંદર વડાં નાખી દો. થોડું પાણી વધુ રેડીને ધીમા તાપ પર વડાં મુલાયમ થાય ત્યાં સુધી ચઢવા દો. પછી સર્વ કરો.
સ્ટફ્ડ ભજિયાં
સામગ્રી : ૪ મોટાં ટામેટાં, ૪ મોટી ડુંગળી, ૨ કપ બાફીને મસળેલાં બટાકાં, ૧ કપ ચણાનો લોટ, તળવા માટે તેલ, ચપટી અજમો.
પૂરણ માટેની સામગ્રી : ૧ કપ છીણેલું પનીર, ૧ કપ ઝીણી સમારેલી ડુંગળી, ૧ ટામેટું ઝીણું સમારેલું, ૧ ચમચો કોથમીર, ૧ સમારેલું લીલું મરચું, ચપટી લાલ મરચું, મીઠું સ્વાદ મુજબ.
રીત : ચણાના લોટમાં મીઠું અને અજમો નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. ટામેટાં અને ડુંગળીને અંદરથી ખાલી કરી પોલાં બનાવી લો.
પૂરણનું મિશ્રણ મિક્સ કરીને તેમની અંદર સારી રીતે ભરી દો. તેમને ઉપરથી મસળેલાં બટાકાંથી બંધ કરી દો. ચણાના લોટના ખીરામાં ડુબાડીને ગરમ તેલમાં તળી લો. તળ્યાં પછી દરેકને બે ટુકડામાં કાપીને પીરસો.
મટર પાલક માફિન્સ
સામગ્રી : ૧૫૦ગ્રામ મેંદો, ૧૨૫ ગ્રામ બાફીને મસળેલાં બટાકાં, ૧/૨ કપ દૂધ,૧/૩ કપ ખાટું ક્રીમ, ૨ ચમચા પીગળેલું માખણ, ચપટી મીઠું, ૩ ચમચા વટાણાના દાણા, ૪ ચમચા ઝીણું સમારેલું પાલક,૧ મસળેલું બટેકું, ૩/૪ ચમચી બેકિંગ પાઉડર.
રીત : એક મોટા વાટકામાં મસળેલાં બટેકાં, દૂધ, ક્રીમ અને માખણ મિક્સ કરો. મેંદો, બેકિંગ પાઉડર અને મીઠું ચાળી લો. હવે બધી સામગ્રી હળવા હાથે મિક્સ કરી લો.
માફિન ટિનને ચીકણું કરી તેમાં મિશ્રણ નાખો. ઓવન ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરી ૧૫-૨૦ મિનિટ સુધી ટીન અંદર મૂકી રાખો. એક સળિયો નાખી જુઓ. જો મિશ્રણ બરાબર તૈયાર થઈ ગયું હશે તો સળીયો તરત બહાર નીકળી આવશે. ઠંડુ કે ગરમ પીરસો.
સ્ટીમ્ડ પાલક રોલ્સ
સામગ્રી :૨ કપ ઝીણી સમારેલી પાલક, ૧ કપ બાફેલાં મસળેલાં બટાકાં, ૨ ચમચાં ચણાનો લોટ, ૧ સમારેલું લીલું મરચું, ૧ સમારેલી ડુંગળી, ૧ ચમચી લસણની પેસ્ટ, ૧ચમચી રાઈ, ૧ ચમચી તેલ, ૭-૮ લીલાં મરચાં, ૨ ચમચાં છીણેલું નાળિયેર, મીઠું સ્વાદ મુજબ.
રીત : પાલક, ડુંગળી, બટાકાં, ચણાનો લોટ, સમારેલાં લીલાં મરચાં અને લસણને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી ૨-૩ મોટાં રોલ્સ બનાવી પ્રેશર કૂકરમાં પાણીની ઉપર લગભગ ૧૫-૨૦ મિનિટ રાખીને બાફો. તેમને ઠંડા પડવા દો. હવે તેના નાના નાના ગોળ ટુકડા કરી લો.
તેલ ગરમ કરીને તેમાં રાઈનો વઘાર કરી સમારેલા લીલાં મરચાં નાખો. આ વઘારને રોલ્સ ઉપર નાખો. છેલ્લે નાળિયેરથી સજાવીને પીરસો.
મકાઈના લોટનાં ભજિયાં
સામગ્રી :૧ કપ મકાઈનો લોટ, ૨ ચમચા ચણાનો લોટ, ૧/૨ ચમચી અજમો, ૨ ચમચા સમારેલી મેથી, ૧ મોટું સમારેલું બટાકું, ૨ સમારેલી ડુંગળી, ૨ સમારેલાં લીલાં મરચાં,ચપટી લાલમરચું, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે તેલ.
રીત : બધી સામગ્રી મિક્સ કરીને પાણીની સાથે ભજિયાં જેવું ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. તેલ ગરમ કરીને ભજિયાં તળી લો. લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો.
રવાનો લીલો ઢોસો
સામગ્રી : ૧ કપ રવો, ૧ ચમચો મેંદો, ૧ ચમચી ચણાનો લોટ, ચપટી લાલ મરચું, ૨ ઝીણી સમારેલી ડુંગળી, ૨ ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ૧/૨ કપ ઝીણી સમારેલી પાલક, મીઠું સ્વાદ મુજબ.
રીત : ૧/૨ તાજું નાળિયેરને છીણી લીલાં મરચાંની સાથે ઝીણું વાટી લો.
તેમાં દહીં સાથે મીઠું મિક્સ કરી દો.રવો મેંદો, ચણાનો લોટ, મીઠું અને મરચાને મિક્સ કરી પાણી સાથે ઘટ્ટ ખીરું બનાવીને ૧/૨ કલાકસુધી ઢાંકીને મૂકી દો.તેમાં સમારેલી શાકભાજી સારી રીતે મિક્સ કરી નાખોએક નોેનસ્ટિક તવા પર ૨ ચમચા જેટલું મિશ્રણ નાખીને બંને બાજુ સારી રીતે શેકી લો અને નાળિયેરની ચટણી સાથે પીરસો.
ફ્લાવર સદાબહાર
સામગ્રી : ૧ મોટું ફ્લાવર,૧ કપ છીણેલું પનીર, ૧ સમારેલી ડુંગળી,૧ સમારેલું ટામેટું, ૧ ચમચો કોથમીર, ૨ સમારેલાં લીલાં મરચાં, ૧/૨ કપ બાફેલાં વટાણાં, ૧કપ વ્હાઈટ સોસ, ૧૦-૧૨ સમારેલા કાજુ ૨૦-૨૫ કિશમિશ, ૨ ચમચા છીણેલું પનીર અથવા ચીઝ, ૧/૨ કપ ટામેટાની પેસ્ટ.
વ્હાઈટ સોસ માટેની સામગ્રી : ૨ ચમચા મેંદો, ૧ ૧/૨ કપ દૂધ, ૧/૨ કપ પાણી, ૨ મોટી ચમચી માખણ, ૧/૨ ચમચી મરી પાઉડર,મીઠું સ્વાદ મુજબ.
રીત : માખણ ગરમ કરીને તેમાં મેંદાને હળવો શેકો. પછી દૂધ અને પાણી નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. મીઠું અને મરી નાખીને મિક્સ કરો. ફ્લાવરના ડાખળાં કાઢી લો. ફ્લાવરની વચ્ચે ઉપરથી ગોળ આકારમાં થોડો ભાગ કાપી લો. ત્યારબાદ ફ્લાવરને અંદરથી ખાલી કરી લો. તેને મીઠાનાં પાણીમાં બફાઈ જાય ત્યાં સુધી બાફો. પછી પાણીમાંથી બહાર કાઢી લો. વ્હાઈટ સોસ અને ટામેટાંની પેસ્ટને મિક્સ કરી લો. અડધા ભાગના સોસમાં બધી સામગ્રી મિક્સ કરીને ફ્લાવરની અંદર ભરી દો. ત્યારબાદ બેકિંગ ડિશમાં મૂકી દો. તેના પર બાકી વધેલો સોસ નાખી દો. ચીઝ નાખીને ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ ગરમ ઓવનમાં ૧૫-૨૦ મિનિટ સુધી બેક કરો અને પછી સર્વ કરો.
- હિમાની









