Magazines

દાવત : ભેજવાળી ઋતુમાં ગરમ ગરમ પીણાં

By GS TEAM
30 Jun 20253 mins read
દાવત : ભેજવાળી ઋતુમાં ગરમ ગરમ પીણાં

હોટ ચોકલેટ ડ્રિંક

 સામગ્રી : ૧/૪ લિટર દૂધ, ૨ ચમચા ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર, ૧ ચમચી ખાંડ, ૧ ચમચી કોકો પાઉડર, ૧ ચમચી ડેરી ચોકલેટ.

 રીત :  ડેરી ચોકલેટને છીણીને જુદી મૂકો. દૂધ ઉકાળો તેમાં ખાંડ, ચોકલેટ પાઉડર અને કોકો પાઉડર નાખો અને હેન્ડ મિક્સરથી ચર્ન કરો. ગ્લાસમાં  નાખો અને ઉપરથી છીણેલી ચોકલેટ ભભરાવીને સર્વ કરો. આ ડ્રિં બાળકોને બહુ ભાવે છે.

બદામકેસર શેક

સામગ્રી : ૧૨ નંગ બદામ, ૮-૧૦ કેસરનાં તાંતણાં, ૧/૪ ચમચી એલચી પાઉડર, ૨ ચમચી ઝીણાં સમારેલાં પિસ્તાં, ૩ ચમચી ખાંડ, ૧/૪ ચમચી ગુલાબજળ, ૨ ગ્લાસ દૂધ.

રીત : બદામને રાત આખી પાણીમાં પલાળીને રાખો. પછી સવારે છાલ કાઢીને થોડા દૂધની સાથે ઝીણી પીસી લો. કેસરનાં તાંતણાંને ગુલાબજળમાં પલાળી દો. દૂધને ઉકાળો. 

જ્યારે દૂધ ઊકળવા લાગે ત્યારે તેમાં બદામની પેસ્ટ, ખાંડ, નાની એલચી પાઉડર અને કેસરને ઘૂંટીને મિક્સ કરી દો. ધીમી આંચ પર ૫ મિનિટ રાખો. ગરમ ગરમ દૂધને ગ્લાસમાં નાખો અને પિસ્તાંને ઉપરથી છાંટીને સર્વ કરો. આ દૂધ ઠંડા વાતાવરણમાં પીવાનું સારું લાગે છે.

ગુડનાઈટ ડ્રિંક

સામગ્રી : ૧ ગ્લાસ દૂધ, ૧ ચમચી ખાંડ, ૧/૪ ચમચી હળદળ, કેસરનાં થોડાં તાંતણાં, ચપટી એલચી પાઉડર, ૧/૪ ચમચી સૂંઠ પાઉડર.

રીત : દૂધમાં બધી વસ્તુ નાખીને ઉકાળો અને ગ્લાસમાં નાખીને ગરમ ગરમ જ પીઓ. આનાથી ઊંઘ સારી આવે છે.

કસ્ટર્ડ પેય

સામગ્રી : ૨ ચમચા સ્ટ્રોબેરી અથવા અન્ય કોઈ પણ સ્વાદનો કસ્ટર્ડ પાઉડર, ૧ ગ્લાસ દૂધ, ખાંડ સ્વાદાનુસાર.

રીત : દૂધ ઊકળવા મૂકો. કસ્ટર્ડ પાઉડર અને ખાંડને મિક્સ કરો. પછી થોડું ઠંડું દૂધ અથવા પાણીથી પેસ્ટ બનાવી લો. ઊકળતા દૂધમાં તેને નાખો અને એક ઊભરો આવે પછી ગ્લાસમાં ભરી સર્વ કરો. બાળકોને આ બહુ જ ભાવે છે.

ઈન્સ્ટન્ટ મોચા કોફી

સામગ્રી : ૨ કપ પાણી, ખાંડ સ્વાદાનુસાર, ૨ ભાગમાં મોચા કોફી, ૧/૨ ચમચી ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર.

રીત :  પાણીમાં ખાંડ નાખીને ઉકાળો. ૨ કપમાં ૧-૧ સેશેનો મસાલો નાખો અને ઉપરથી ખાંડવાળું ગરમ પાણી રેડી દો. ચમચીથી હલાવો અને થોડો ચોકલેટ પાઉડર ઉપરથી ભભરાવો. સ્વાદિષ્ટ સુગંધિત કોફી તૈયાર છે.

મસાલા હર્બલ ટી

સામગ્રી : ૪ કપ પાણી, ૨ કપ દૂધ, ૧/૪ ચમચી તજ ભૂકો, ૧/૪ ચમચી નાની એલચી વાટેલી, ૧/૨ ઈંચ ટુકડો પીસેલું આદું, ૧/૪ ચમચી કાળાં મરી વાટેલાં, ૮-૧૦ તુલસીનાં પાન, ૨ લવિંગ, ૬ ચમચી ખાંડ, ૪ ચમચી ચાની પત્તી.

રીત :  વાસણમાં પાણી, દૂધ, તજ, નાની એલચી, કાળાં મરી, તુલસીનાં પાન અને ખાંડ નાખીને ઉકાળો. તે પછી  આદું અને ચાની પત્તી નાખો. એક ઊભરો આવે પછી ૨ મિનિટ માટે ઢાંકીને રાખો. પછી કપમાં કાઢીને સર્વ કરો.

દહીં શોરબા

 સામગ્રી : ૧ કપ તાજું દહીં, ૨ ચમચી કોર્નફ્લોર, ૧ ચમચો સમારેલી ડુંગળી, ૧ ચમચી ઝીણું સમારેલું લીલું મરચું, ૧ ચમચી આદું સમારેલું, ૧ ચમચી ઝીણું સમારેલું ટામેટું, ૧/૨ ચમચી જીરું, ૧/૨ ચમચી ઘી, મીઠું સ્વાદાનુસાર, થોડી સમારેલી કોથમીર સજાવટ માટે.

 રીત : દહીંમાં કોર્નફ્લોર, મીઠું અને ૧/૨ કપ પાણી નીખીને ફીણો. એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં જીરું તતડાવો. પછી ડુંગળી અને આદું મરચાં નાખી દો. ૧ મિનિટ સાંતળો, પછી તેમાં દહીં નાખી દો અને સારી રીતે હલાવતાં રહો. એક ઊભરો આવે પછી સર્વિંગ બાઉલ કે કપમાં રેડો અને કોથમીરને ઉપરથી ભભરાવીને સર્વ કરો.

ડેટ્સ મિલ્ક શેક

સામગ્રી : ૧/૨ કપ બી વિનાની ખજૂર, ૧/૨ લિટર દૂધ, ૨ ચમચા ખાંડ, ૧ ચમચો કાજુ બાફીને પીસીને બનાવેલી પેસ્ટ, ૧ ચમચી બદામ પેસ્ટ, ચપટી જાયફળ પાઉડર, સજાવટ માટે દાડમના દાણા.

રીત : ખજૂરને ચોખ્ખા પાણીમાં સારી રીતે ધોઈને ૧/૨ કપ ગરમ દૂધમાં ૧ કલાક માટે પલાળી દો, જેથી નરમ થઈ જાય. પછી હેન્ડમિક્સર ગ્રાઈન્ડ કરો. દૂધ ઉકાળો. તેમાં કાજુબદામ પેસ્ટ, જાયફળ પાઉડર, ખાંડ અને ખજૂરની પેસ્ટ નાખો. એકવાર ફરી હેન્ડમિક્સરથી ચર્ન કરો અને ગરમ ગરમ શેક સર્વિંગ બાઉલ કે ગ્લાસમાં નાખો અને દાડમના દાણાથી સજાવીને સર્વ કરો. આ ડ્રીંક ઠંડીમાં બહુ જ સારં્ રહે છે.

- હિમાની