Get The App

ડિઝાઈનર વસ્ત્રોમાં ક્રોશેની બોલબાલા

અંકોડી ગૂંથણના પેચને ડ્રેસ પર લગાડવાથી તેની શોેભામાં ચાર ચાંદ લાગે છે

Updated: Sep 23rd, 2019

GS TEAM


Google News
Google News
ડિઝાઈનર વસ્ત્રોમાં ક્રોશેની બોલબાલા 1 - image


એક સમયે આપણા દાદીમાં અને નાનીમાં ઘરનંું કામ પતાવી ફાજલ સમયમાં ભરત-ગુંથણ કરતા હતા. તે સમયે બપોરના કિટી પાર્ટી કે શોપિંગ કરવાનો કોઈને સપનામાં પણ  વિચાર આવતો નહોતો ત્યારે ભરત ભરવાની સાથે ક્રોશે એટલે કે હૂકવાળા સોયા વડે કરવામાં આવતું અંકોડીનું ગૂંથણકામ પણ  તેઓ કરતાં હતા. ક્રોશિયોના ટેબલક્લોથ કે નેપકીનનું ચલણ તે સમયે ઘણું હતું. સાસરિયે જતી દીકરીને આણામાં આપવા ક્રોશિયોના ખાસ મોટા ટેબલક્લૉથ અને નેપકીન બનાવવામાં આવતા હતા.

પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. અંકોડીનું આ ગૂંથણ ટેબલક્લોથ કે નેપકીન પૂરતું સીમિત ન રહેતાં ડેનિમ સ્કર્ટ, જિન્સ અને કોકટેલ ડ્રેસની નેકલાઈનમાં સ્થાન પામ્યું છે. આંતરરાષ્ટ્રીય રેમ્પ પર ચેનલ , પ્રદા, માર્ક જેકોબ, સ્ટેલા મેકાર્ટની અને રોબર્ટ કાવાલી જેવાના ડિઝાઈનર પરિધાનના લેટેસ્ટ કલેક્શનમાં ક્રોશે જોવા મળે છે. આ જ ટ્રેન્ડ ભારતીય ડિઝાઈનરોના  ડિઝાઈનર પોશાકમાં ઊડીને આંખે વળગે છે.

એક સમયે  ક્રોશિયોનું ગૂંથણકામ વૈભવી ગણાતું હતું. તે બધાના નહિ પણ મોટેભાગે શ્રીમંતોના ઘરમાં જ જોવા મળતું હતું. પરંતુ આજે તે કિંમતી નથી રહ્યું.  હા, સુંદરતા  દ્દષ્ટિએ તેની માગ વધી ગઈ છે. આજે ક્રોશેવાળા ડિઝાઈનર વસ્ત્ર રૂ.૮૦૦ થી ૮,૫૦૦ સુધીમાં સહેલાઈથી મળી જાય છે.

ક્રોશેની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેનો ઉપયોગ કોઈપણ  કપડા પર કરી શકાય છે. સિલ્ક, જ્યોર્જટ, સુતરાઉ કે  ડેનિમ કોઈપણ પ્રકારના કપડાની સાથે ક્રોશે ખૂબ જ સુંદર દેખાય છે. આ જ કારણસર કેટલાક ડિઝાઈનર સિલ્કની સાથે કોર્શિયોનો સમન્વય  કરે છે.

આપણે ત્યાં તો અંકોડીનું ગૂંથણ હાથે જ કરવામાં આવતું હતું.  પરંતુ હવે મશીન દ્વારા પણ અંકોડીનું ગૂંથણ  કરવામાં આવે છે. અર્માનીએ તેમના ટોપ્સમાં મશીન વડે તૈયાર કરેલા કોર્શિયોની આકર્ષક ડિઝાઈનની અનોખી શ્રેણી બનાવી છે. મશીન કોર્શિયો પણ  હાથના બનેલા કોર્શિયો જેટલા જ સુંદર હોય છે.

છતાં ઘણા ડિઝાઈનરો મશીનને બદલે હાથનું ગૂંથણ જ પસંદ કરે છે. હાથે બનાવેલા કોર્શિયોવાળા વસ્ત્રો પહેરવાથી અનોખો આનંદ મળે છે. એમ ઘણી ફેશનપરસ્ત નારીઓનું માનવું છે. ડ્રેસની નીચે ઝૂલ તરીકે અથવા બાયમાં કોર્શિયોનો ઉપયોગ કરવાથી આકર્ષક ડિઝાઈન તૈયાર થાય છે. હવે તોે ક્રોશેની બસ્ટીયર, સરોંગ, હીપ રેપ્સ,  બેલ્ટ્સ અને આર્મબેન્ડ પણ મળે છે.

ફ્રેચ શબ્દ ક્રોક અથવા ક્રોશ પરથી 'ક્રોશે' શબ્દ લેવામાં આવ્યો છે.  ક્રોકનો અર્થ થાય છે 'હુક' જેમાં અંકોડીવાળા સોયાથી ગૂંથણ કરવામાં આવે છે. આ  સોયામાં દોરાનો એક છેડો ભરાવીને આંગળીઓની મદદથી ક્રોશિયોનું ગૂંથણ ભરવામાં આવે છે.

આધુનિક સમયમાં આ પધ્ધતિમાં પણ ઘણા ફેરફાર થયા છે. પહેલાં આપણા દાદીમા સફેદ રંગના દોરાથી જ અંકોડીનું ગૂંથણ કરતા હતા. પરંતુ હવે તો વિવિધ રંગના દોરા અને જાતજાતની ડિઝાઈનથી ક્રોશિયોનું ગૂંથણ કરવામાં આવે છે. એકવખત ગૂંથણ તૈયાર થઈ ગયા પછી તેના પર થોડું ભરત કરી બીડ્સ કે રંગીન પથ્થર લગાડીને વધુ આકર્ષક બનાવવામાં આવે છે. કેટલાક અગ્રણી ડિઝાઈનર ક્રોશેમાં સિકવન્સ લગાડે છે જ્યારે અન્ય કેટલાક એન્ટિક રત્ન અને સિકવન્સ બંને લગાડે છે.

ક્રોશેનું ગૂંથણ એટલું સુંદર રીતે ગૂંથવામાં આવે છે કે વર્ષોે સુધી સુંદરતા અકબંધ રહે છે. તે કારણે પહેલાંના જમાનામાં માતા પોતાની દીકરીને તેના લગ્ન સમયે પોતે પોતાના આણામાં લાવેલા નેપકીન અને ટેબલવેર આપતી હતી. આમ, એક પેઢીથી બીજી પેઢીને ક્રોશેની અમૂલ્ય ભેટ મળતી હતી. આજે વળી પાછી તેની ડિઝાઈનને ડિઝાઈનરોએ અપનાવીને લેટેસ્ટ ટ્રેન્ડમાં અનોખંું સ્થાન આપ્યું છે.

ડ્રેસમાં લેસને  બદલે ક્રોશેનો નેકલાઈન કે નીચે ઝૂલ તરીકે ઉપયોગ થઈ શકે છે. તેની બાંય લગાડવાથી ડ્રેસની આભા બદલાઈ જાય છે. ડેનિમ કે જ્યોર્જટના સ્કર્ટની સ્લીટમાં કે એકબાજુ ક્રોશેની ડિઝાઈન બનાવતાં તે આગવું દેખાય છે.

જિન્સ પેન્ટમાં નીચે બોટમ પાસે કરેલી સ્લીટમાં પણ ક્રોશે શોભી ઊઠે છે. ક્રોશેના પેચવર્ક પણ ડ્રેસ પર મૂકી શકાય છે. કેટલીક ફેશનેબલ માનુની તો ક્રોશેના ટોપ્સ બનાવડાવે છે. સ્કર્ટ અને જિન્સ પર આવા ટોપ્સ આકર્ષક દેખાય છે. સ્વરોવસ્કી ક્રિસ્ટલ જડેલો ક્રોશેનો પટ્ટો ડિઝાઈનર પરિધાનની  શોભામાં ચાર ચાંદ લગાવે છે.

જ્વેલર્સો પણ ક્રોશેની ડિઝાઈન પ્રત્યે આકર્ષાયા છે. એક જ્વેલરી ડિઝાઈનરે ગુલાબી અને ભૂરા રત્નો જડેલા ક્રોશે અને લેધરના જેકેટ બનાવ્યા છે. આવા બ્રેસલેટ રૂ.૯૦૦ થી ૩,૦૦૦ની કિંમતમાં મળે છે. કેટલીક કોર્શિયોની શોખીન મહિલાઓ તો ખાસ  ક્રોશેની બિકીની,  ડ્રેસ કે કોકટેલ ડ્રેસ બનાવે છે. ઉનાળામાં આ પરિધાનની માગ વધારે હોય છે.  શૉલ કે સિલ્ક રૅપની ઉપર  ક્રોશેના પેચ લગાડવાથી સુંદર દેખાય છે. જ્યારે ક્રોશેના બટવા જરૂરી એસેસરીઝમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

જો તમે થોડી જ સુઝ ધરાવતાં હો અને તમારી પાસે ક્રોશેની લેસ કે જુના નેપકીન હોેય તો તેના પેચ તમારા ડ્રેસ પર લગાડીને ડિઝાઈનર પરિધાન તૈયાર કરી શકશો.

Tags :