શ્રેય અને પ્રેય .
આત્મજ્ઞાાનીઓ, મુમુક્ષો, સત્યનાં પુજારીઓએ શ્રેયનો માર્ગ લીધો, તેમની ડગલેને પગલે આકરી કસોટી થઈ છે.
ભારતીય વિચારધારામાં જીવન જીવવા માટેનાં મુખ્યત્વે બે માર્ગો દર્શાવવામાં આવ્યા છે. શ્રેય અને પ્રેય. શ્રેય એટલે પોતાનાં તથા અન્યો માટેનો આત્મ કલ્યાણ માર્ગ, જે કરવા યોગ્ય છે. એ ઇષ્ટ માર્ગ. જ્યારે પ્રેયનો વિશાળ અર્થ થાય છે, સંસારમાં પ્રિય લાગનારા પદાર્થોનો ઉપભોગ. જીવનનાં અલગ-અલગ તબ્બકે મનુષ્ય સામે અનેક અઘરા પ્રશ્ન ઉભા થતા હોય છે, ત્યારે એના માટે તો નિર્ણય લેવાનું કામ કપરું બની જાય છે કે આમા મારે માટે શું શ્રેય, શું પ્રેય ? એટલેકે જીવનમાંનાં આવા તબ્બકે તેણે યા તો આત્મ કલ્યાણનો માર્ગ કે સુખોપભોગનાં માર્ગ, એ બે માંથી એકની પસંદગી કરવાની રહી.
જો કે મોટે ભાગે માણસ સસ્તા, સુલભ સુખોની ખેવના રાખે છે. સામાન્ય પણે સંસારની ભોગ્ય ચીજોમાં તેનું મન વધારે પ્રમાણમાં વ્યસ્ત રહે છે. તેને હંમેશાં જીવનનાં દેખાતા છીછરા, કામ ચલાઉ સુખો અને આનંદનું આકર્ષણ રહે છે. તે શ્રેયની સાધના છોડીને પ્રેય પાછળ દોટ મૂકે છે, પણ તેણે જે બહારથી સુખ માન્યું હોય છે, તે ખરેખર સુખ નથી, પરંતુ તેનો એક મોહક ભ્રમ છે. આવા ઉપર છલ્લા સુખ શરૂઆતમાં તો મજાઓ છે. પણ તેની પાછળ- પાછળ દુ:ખ-પીડા પણ દોડતા આવે છે.
પરંતુ જે વ્યકિત વિવેકી સ્વભાવ ધરાવે છે. વિચારશીલ છે. તે સંસારનાં ક્ષણિક, ઇન્દ્રિયગત સુખોની અવગણના કરીને, આત્મોન્નતિની સાધનાનો રાહ પકડવાનું યોગ્ય સમજે છે. તેને ખ્યાલ છે કે પોતાના જીવનને સાર્થક બનાવવા, સાચો આનંદ પામવા, આત્મનિરિક્ષણ અને આત્મચિંતન આવશ્યક છે, તેથી જ તેઓ કોઈ પણ સંજોગોમાં શ્રેય કે કલ્યાણની કેડીએ ચાલતા રહે છે.
આ વિષે કેટલાક લોકમાં એવી ગેરસમજ પ્રવર્તે છે. શ્રેય અને પ્રેય એ બે વિરોધી માર્ગો છે. એ બે વચ્ચે અંતિમ છેડાઓની જેમ કોઈ સંબંધ નથી, જાણે તે બે સાવકી માતાનાં સંતાનો. તે મનમાં એવો ખોટો ખ્યાલ ઉભો કરે છે, કે એકને અપનાવવાથી, બીજાનો ત્યાગ કરવો પડે.
શ્રેય અને પ્રેય, વાસ્તવમાં એકબીજાથી વિરોધી માર્ગ નથી, પણ ક્યાંક કયાંક તે મળતા જણાય છે. માનવજીવનમાં એક સર્વસ્થ, તંદુરસ્ત જિંદગી, જીવવા બંન્નેની વત્તે- ઓછે અંશે જરૂર પડયા કરે છે. જેમકે એક સામાન્ય જીવનને સમૃધ્ધ, શાંત, સુખીને સુશોભિત કરવા માટે જેમ પ્રેય માર્ગની જરૂર છે, તેમ તેને સફળ, ઉજ્જવળ, મુક્ત અને સંપૂર્ણ બનાવવા માટે શ્રેય એટલે કે આત્મોન્નતિની સાધનાની પણ એટલી જ જરૂરી છે.
પક્ષીની બે પાંખોની જેમ, માનવજીવનમાં ગૌરવ, સ્વમાંન સાથે સુખ- સમૃદ્ધિ હોવાનું આશ્વશ્યક છે. માટે જ તેની ઉપેક્ષા કર્યા વિના, બંન્નેને સાથે રાખીને આગળ વધતા રહેવામાં મજા છે.
મનુષ્યનાં પોતાના દૈનિક જીવનમાં શ્રેય અને પ્રેય વચ્ચે સમતુલન જાળવીને કદમ માંડવા પડે, જેમકે સંસારિક- પારિવારીક નિર્ણયો, લેવાના હોય ત્યારે એ વખતે જે પ્રેય હોય એ વિષે વિચારવું પડે, પણ જ્યારે અંગત જીવનમાંના પ્રશ્નો વખતે આમાં શ્રેય શું છે, એ જોવું પડે. એ વખતે કડવા નિર્ણયો પણ લેવા પડે. જો કે અંતે તો શ્રેયનો માર્ગ સાચા સુખ તરફ લઈ જાય છે. આ સાધના પ્રારંભમાં કઠીન લાગી શકે, કડવા અનુભવો પણ થાય, પણ છેવટે 'શ્રેય' અમૃત બનીને રહે છે.
શ્રેયની સાધના તલવારની ધાર પર ચાલવા જેવી છે. જેમાં ડગલે પગલે વિધ્નો આવે, સાધકની સતત અગ્નિ પરીક્ષા થાય. પણ તેમને પરિણામ સુખદ મળે, જે આત્મિક શાંતિ અપાવે.
ઇતિહાસમાં જે જે આત્મજ્ઞાાનીઓ, મુમુક્ષો, સત્યનાં પુજારીઓએ શ્રેયનો માર્ગ લીધો, તેમની ડગલેને પગલે આકરી કસોટી થઈ, એમનાં રસ્તા પર કાંટા વેરાયા, પણ છેવટે તો તેમણે પોતાનું લક્ષ્ય પાર પાડયું, અને તેમનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું, જેમકે કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, સોક્રેટીશ, મહાત્મા ગાંધીજી વગેરે.
શ્રેયનો માર્ગ એ સત્યનો જ માર્ગ છે, જે સાધકને પરમાત્માની ઝાંખી કરાવી શકે.