બાંધાને અનુરૂપ પોશાક પહેરીને વટથી મહાલો
પામેલાઓ પોશાકની ખરીદી કરવા જાય ત્યારે તેમની સૌથી પહેલી મૂંઝવણ એ હોય કે અમને કયો ડ્રેસ સારો લાગશે? એકવડો બાંધો ધરાવતી યુવતીઓને તો કોઈપણ પરિધાન સરસ જ લાગે. પરંતુ પુષ્ટકાય, સ્થૂળકાય મહિલાઓ માટે સમસ્યા સર્જાય. જે ડ્રેસ ખભા પાસેથી બંધ બેસે તે પેટ પાસેથી ટાઈટ થાય અને જે ડ્રેસ પેટ-નિતંબ-સાથળ પાસે ફીટ બેસી જાય તે ખભા પરથી ઉતરી જાય. આવી સ્થિતિમાં કરવું શું? જોકે આ સમસ્યા શી રીતે નિવારવી તેના વિશે જાણકારી આપતાં ફેશન ડિઝાઈનરો કહે છે...,
સૌથી પહેલા તમારા ફિગરને ઓળખો. ત્યાર પછી તેના ઉપર કેવો ડ્રેસ સારો લાગશે તે નક્કી કરો. તેઓ કેવા ફિગર પર કેવો પોશાક ફીટ બેસે તેની માહિતી આપતાં કહે છે જેમનું શરીર ઓરસ-ચોરસ, એટલે કે એથલેટ જેવું હોય તે તમને મોટાભાગના બધા ડ્રેસ સારાં લાગશે. તેમાંય લેયરર્ડ ટોપ, સ્લીવલેસ કે સ્ટ્રેપલેસ જેકેટ તેમાં વધુ જચશે.
આ પ્રકારના પરિધાનને કારણે તમારું ફિગર વળાંકવાળુ લાગશે. વળી તેમાં તમારી કટિ અને ગરદનનો ભાગ હાઈલાઈટ થતો હોવાથી તમે નોખા તરી આવશો. તેઓ અભિનેત્રી રાધિકા આપ્ટેનો દાખલો આપતાં કહે છે કે આ અદાકારાને આવા પરિધાન કેટલાં સરસ લાગે છે. તેથી રાધિકા જેવું ફિગર ધરાવતી યુવતીઓએ નિઃસંકોચપણે પ્લીટેડ સ્કર્ટ, બૂટ કટ ડેનિમ, પેપ્લમ અને ઓફ શોલ્ડર ટોપ, ઓવરસાઈઝ ડ્રેસ ઈત્યાદિ પહેરવા.
એપલ આકારના ફિગર પર વી-નેક ડ્રેસ સુંદર લાગશે. આ સિવાય તેમને એ-લાઈન, એમ્પાયર કટ, હાઈ સ્લીટ્સ તેમ જ ઘેરા રંગના પરિધાન ખૂબ જચશે. બોલીવૂડ અદાકારા નેહા ધૂપિયાનો બાંધો એ-લાઈન છે. તે મોટાભાગે આ પ્રકારના તેમ જ ખુલતા (ગાઉન જેવા) પોશાકમાં જોવા મળે છે. આ પેટર્ન તેના બાંધાને બંધ બેસે છે.
વિવિધ ફિગર ટાઈપમાં આવરગ્લાસ શ્રેષ્ઠ ગણાય છે. બોલીવૂડ અભિનેત્રીઓ કરીના કપૂર ખાન, કેટરીના કેફ આવરગ્લાસ બાંધો ધરાવતી હોવાથી આપણે તેમના દેહ સમક્ષ ટગર ટગર તાકી રહીએ છીએ. ફેશન ડિઝાઈનરો કહે છે કે આવી રમણીઓ પોતાના અંગવળાંકો સુંદર રીતે હાઈલાઈટ કરી શકે છે. તેઓ એકદમ ખુલતા ડ્રેસ પર ટાઈટ કમરપટ્ટો પહેરે એટલે તેમની નાજુક કટિ તરત જ ઉડીને આંખે વળગે. આ સિવાય તેઓ ગમે તેટલાં તંગ કપડાં પહેરે તોય ભદ્દી ન લાગે, બલ્કે તેમનો એકવડો બાંધો કોઈને પણ ઈર્ષ્યા ઉપજાવે.
ઈલેના ડિ'ક્રુઝ અને જેનિફર લોપેઝ જેવો, એટલે કે જામફળ આકાર (પેર શેપ)નો બાંધો ધરાવતી માનુનીઓ માટે ખુલતી પેન્ટ, એ-લાઈન સ્કર્ટ અને રફલ ટોપ, ક્રોપ ટોપ, બોટ નેક ડ્રેસ, ડીપ નેક ટોપ અચ્છા વિકલ્પો છે. ડીપ નેક ટોપ પહેરવાથી સામી વ્યક્તિનું ધ્યાન તમારા શરીરના નીચેના હિસ્સામાં ભાગ્યે જ જશે. તેઓ ચાહે તો નેક પાસે વર્ક કરેલો ડ્રેસ પણ પહેરી શકે.
ફેશન ડિઝાઈનરો વધુમાં કહે છે કે તમારા બાંધાને અનુરૂપ પરિધાન તમારામાં અનોખો આત્મવિશ્વાસ પેદા કરે છે. તમે કોઈપણ પ્રસંગમાં જાઓ ત્યારે આ રીતે પહેરેલો વ્યવસ્થિત પોશાક તમારામાં લઘુતાગ્રંથિ પેદા થવા નથી દેતો. પરિણામે તમારું ધ્યાન વારંવાર તમારા ડ્રેસ પર નથી જતું અને તમે જે તે પ્રસંગ મનભરીને માણી શકો છો.