સ્પર્ધા નહીં, સહકાર .

'જે આવડત બધા પાસે
હોય તેની સ્પર્ધા યોજાશે.
દરેક પશુ-પક્ષીએ પોતાની
વાત ગાઈને કહેવી પડશે.'
એકવાર જંગલમાં પશુ-પક્ષીઓની રમતગમત સ્પર્ધાનું આયોજન કરવાનું નક્કી થયું. કઈ કઈ રમતનો સમાવેશ કરવો તે વિશે ચર્ચા શરૂ થઈ. કોઈકને દોડતાં આવડે તો કોઈકને ઊડતાં. કોઈક પાણીમાં તરી શકે તો કોઈક ડૂબી જાય. કોઈ વજન ઊંચકી શકે તો અન્યમાં એવી તાકાત ન પણ હોય. પક્ષીઓ નક્કી ન કરી શક્યાં કે સ્પર્ધામાં કઈ રમત રાખવી. ચર્ચાને અંતે, ઘણું વિચારીને જંગલના રાજા વનરાજ સિંહે દરેક પશુ-પક્ષીને પોતાની આવડત જણાવવા કહ્યું. વનરાજે કહ્યું કે જે આવડત બધા પાસે હોય તેની સ્પર્ધા યોજાશે. માહોલ રસપ્રદ બને તે માટે વનરાજે આજ્ઞાા કરી કે દરેક પશુ-પક્ષીએ પોતાની વાત ગાઈને કહેવી પડશે.
પોતાની વાત કહેવાની તક સૌપ્રથમ ચુલબુલ ચકલીને મળી. હવે ચુલબુલને તો ઊડતાં જ આવડે. તે ચાલી શકે ખરી પણ ધીમું ધીમું, જાણે નાનાં નાનાં કૂદકા મારતી હોય તેમ. ચુલબુલ ચકલીએ કહ્યું-
'પાંખ પસારી અમે ઊડતાં,
નીલગગનમાં અમે ઝૂમતાં...
ના કોઈ રોકે, ના કોઈ ટોકે,
સહુ સથવારે અમે ઘૂમતાં...'
ચુલબુલની વાત સાંભળી વનરાજે કહ્યું, 'સારું, આપણે ઉડ્ડયન સ્પર્ધા માટે વિચારીશું.'
પછી વારો આવ્યો તરવર માછલીનો. માછલી ઊડી ન શકે, ચાલી ન શકે, તેને તો માત્ર પાણીમાં તરતાં આવડે. તરવર માછલીએ કહ્યું-
'તરવાની તે કેવી મજા ભાઈ,
તરતાં તરતાં મસ્તી થાય...
ડાબે જમણે ઉપર નીચે,
આગળ ને પાછળ સરકાય.'
તરવરની વાત સાંભળી વનરાજે કહ્યું, 'સારું, આપણે તરણ-સ્પર્ધા માટે પણ વિચારીશું.'
પછી બધાનું ધ્યાન ભોંદુભાઈ હાથી પર ગયું. તે તો પોતાની મસ્તીમાં ડોલતાં ડોલતાં, મોટાં સુપડાં જેવાં કાન અને મોટી સૂંઢ હલાવતાં બધું સાંભળતા હતા. વનરાજે તેમને સૂચન કરવા કહ્યું. પોતાની મદમસ્ત અદાથી ભોંદુભાઈ બોલ્યા-
'ધીમે ડગ ભરતો ભરતો,
ડોલતો ડોલતો ચાલ્યો જાઉં...
સૂંઢને વળી પૂંછડી પણ,
ધીમે ઝૂલ-ઝૂલાવતો જાઉં.'
ભોંદુભાઈની વાત સાંભળી વનરાજે કહ્યું, 'સારું, આપણે ડોલન-સ્પર્ધા માટે પણ વિચારીશું.'
આ સમગ્ર ચર્ચા ચાલતી હતી ત્યારે બકબક બતકભાઈ પોતાની ટેવ પ્રમાણે વચમાં બકબક કર્યા કરતા હતા. રાજા વનરાજે તેમને શાંત રહેવા જણાવ્યું, પરંતુ તેમની બકબક ચાલુ રહેતા રાજાએ તેમને જ પોતાની વાત કહેવા જણાવ્યું. બકબક બતકભાઈ બોલ્યા-
'ધરતી પર ચાલી શકીએ,
પાણીમાં તરતાં રહીએ...
બકબક બકબક કરતાં કરતાં,
એકલદોકલ નવ રહીએ.'
બકબકની વાત સાંભળી વનરાજે કહ્યું, 'સારું, આપણે વક્તૃત્વ સ્પર્ધા માટે પણ વિચારીશું.'
પછી તો એક પછી એક પશુ-પક્ષી આવતાં ગયાં. હાથી આવ્યો, કૂતરો આવ્યો, બકરી ને લોમડી ચકોર કાબર, મેના, પોપટ, કોયલ, કળા કરતો આવ્યો મોર.
બધાંએ પોતપોતાની વાત કરી. આ બધી વાત સાંભળીને વનરાજ નક્કી ન કરી શક્યા કે કઈ સ્પર્ધા રાખવી. અંતે બધાએ ભેગા થઈને શાણા શિયાળને પૂછવાનું નક્કી કર્યું. શિયાળ હોશિયાર હોય છે, તેથી બધા તેની પાસે ગયા. શિયાળે કહ્યું, 'દરેક પશુ-પક્ષીની પોતાની ખાસિયત હોય છે, તેમની પરસ્પર સરખામણી કે સ્પર્ધા કરવાની જરૂર નથી. દરેક પાસે ચોક્કસ આવડત અને ક્ષમતા છે. અહીં કોણ શ્રેષ્ઠ છે તે નક્કી કરવું જરૂરી નથી. બધાં પોતપોતાની રીતે ઉત્તમ છે.'
વનરાજને આ વાત યોગ્ય લાગી. અંતે નક્કી થયું કે સ્પર્ધા નહીં પણ સહકાર જરૂરી છે. જંગલમાં નિયમ બનાવાયો કે જેની પાસે જે આવડત હોય, તેનો ઉપયોગ કરી જંગલની સુંદરતા અને ઉપયોગિતા જાળવવામાં બધાએ મદદરૂપ થવું. હ
- હેમુ ભીખુ / હેમંત વાળા








