ઠંડીનાં રક્ષાકવચ .
શિયાળાની ઠંડીમાં આપણે સાચવી રાખેલૈા સ્વેટર, રજાઈ, ધાબળા વગેરે કાઢીએ છીએ. તે ઉપરાંત મેથી લાડુ, અડદિયો પાક, સાલમપાક, વિવિધ શાકભાજી તથા ફળફળાદી ખાઈને તાજામાજા બની જઈએ છીએ. જેથી આખું વરસ વાંધો આવતો નથી.
સ્વેટર : શીત ઋતુમાં ઘેરા રંગો પહેરવાથી વ્યક્તિત્ત્વ આકર્ષક દેખાય છે. તેથી જ રંગબેરંગી સ્વેટરનું ચલણ સૌથી વધારે હોય છે. શિયાળામાં ઈન્દ્રધનુષના સપ્તરંગ પણ ઓછા પડે છે. છતાં મોટાભાગના સ્વેટર, કાર્ડિગન અને પુલઓવર ઘેરા અને મલ્ટીકલરના હોય છે.
બજારમાં રંગબેરંગી સ્વેટરોનો ટ્રેન્ડ જોવા મળે છે. લગભગ દોઢ સો રૂપિયાથી માંડીને હજારો રૂપિયાના સ્વેટર મળે છે. ઘણી વખત બજારમાં એક્સપોર્ટનો રીજેક્ટ થયેલો માલ પણ મળે છે. તો બધા જ ડિઝાઈનર કલેક્શનમાં સુધ્ધાં ઘેરા રંગના ઊનનું આકર્ષણ જ જોવા મળ છે. સ્વેટર સાથે મલ્ટીકલરના સ્ટોકીંગ્સ અને કેપ પણ મળે છે.
આ વર્ષે આછા રંગો બ્રાઉનના વિવિધ શેડ તથા ગ્રે જેવા રંગો આઉટ થઈ ગયા છે. અને લાલ, લીલો, ભૂરો, પીળો, કેસરીજેવા રંગોની બહાર જોવા મળે છે. તે ઉપરાંત આ વર્ષે 'લાલ' રંગ હોટ ગણાય છે. તેમાંય ધોવાઈને થોડો ફેડ થઈ ગયેલો લાલ રંગ તો વધારે સારો ગણાય છે.
રજાઈ / ધાબળા : ઠંડી શરૂ થતાં જ પ્રાણીઓ જેમ ગરમાટો મેળવવા તેના દરમાં છુપાઈ જાય છે તેમ આપણે પણ રજાઈ અને ધાબળાની અંદર ઘુસીને ગરમી મેળવીએ છીએ. ખરેખર, કડકડતી ઠંડીમાં રજાઈ કે ધાબળો ઓઢીને પડયા રહેવાથી અનોખો આનંદ મળે છે. તે જ પ્રમાણે સવારના પહોરમાં રજાઈ ઓઢીને ગરમાગરમ ચાની ચુસ્કીઓ લેવાથી પણ શરીર તાજગીસભર બની જાય છે.
આ વર્ષે બ્રોકેડ અને બ્લોક પ્રિન્ટની રજાઈનો ટ્રેન્ડ છે. તે ઉપરાંત રેગ્યુલરમાં બુટ્ટી, બોર્ડર અને ફ્લોરલ પ્રિન્ટ પણ ચાલે છે. તે ઉપરાંત કેટલીક મીક્સ એન્ડ મેચ પેટર્નથી બેડરૂમની શોભા વધી જાય છે.પહેલાં તો ફક્ત કાળા રંગના ધાબળાનું ચલણ હતું. પણ હવે ધાબળામાં પણ તમને ઘણા રંગો મળે છે. જેમ કે, ભૂરો, કથ્થાઈ, ગ્રે વગેરે હવે તો હળવા વજનના ધાબળા પ્રવાસમાં પણ લઈ જવા સગવડભર્યાં લાગે છે.
કાશ્મીરના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી શાલમાં પણ આ વર્ષે ભૂરો,કાળો, ઘેરા લાલ, મરુન, લીલો, બ્રાઉન જેવા રંગોની ફેશન છે. ઘણી શાલ બનતાં તો લગભગ ત્રણ મહિના લાગે છે. ગુલાબ, લીલી અને અન્ય ફૂલોની ડિઝાઈનની માંગ તો કાયમની હોય જ છે. પુરુષો માટે પણ ખાસ સ્ટોલ્સ આવે છે. ઘણા સ્ટોલ્સ કુદરતી ઊનમાંથી સિલ્ક અથવા પશ્મીના સાથે બનાવવામાં આવે છે. તન્છૅોઈમાં સોનેરી દોરાથી ભરતકામ કરવામાં આવે છે. સ્ટોલ્સમાં બંધગળા અને શેરવાની ઉપર પણ સારો લાગે છે.
આહાર : શિયાળામાં પૌષ્ટિક આહાર અને ફળોનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત બને છે. શિયાળામાં શાકભાજી પણ વિપુલ પ્રમાણમાં મળે છે. એટલે તેને ખાવાથી જરૂર વિટામીન અને પ્રોટીન મળે છે. સવારના ઠંડી ઉડાડવા ગરમાગરમ આદુવાળી ચા પીવાની શરૂઆત કરવી જોઈએ.
શિયાળામાં આપણા શરીરમાં કેટલાંક મેટાબોલિક ફેરફારો થાય છે. જેના કારણે શરીર વધારે ચરબી સંગ્રહિત કરે છે. જે તેને ઠંડીની વિરુધ્ધ બચાવે છે અને તેથી જ આપણને ભારે ખાવાની ઈચ્છા થાય છે. બને તો તલ અને શીંગને દિવસ દરમિયાન ખાતા રહો આનાથી પ્રોટીન મળે છે અને ચરબી જમા થતી નથી. તે ઉપરાંત તમે શરીરને ગરમાવો આપવા ઘઉં અને ચણા જેવા કઠોળનો ઉપયોગ વધારે કરો.શિયાળામાં રાત લાંબી અને દિવસ ટૂંકો હોય છે એટલે આખી રાત બાદ સવારના પહોરમાં ખૂબ ભૂખ લાગે છે. અને તેથી સવારના ભારે નાસ્તો કરવો. તળેલા પદાર્થો ખાવાથી તમારા શરીરમાં ચરબીનો ભરાવો થાય અને તમને ગરમી લાગે. પરંતુ શરીર બનાવવાનો આ અખતરો ખોટો છે.
ઠંડી ઠંડી હવામાં તીખું મરચું પણ ગરમાવો આપે છે. તેથી મરી, તજ, લવિંગ , એલચી અને કેસર જેવા તત્ત્વો તીખા લાગે છે છતાં તમારી રક્તનળીને ખોલે છે અને ગરમીને પ્રસરવાનો ટેકો આપે છે.ઘણા લોકો એવું માને છે કે, માંસ અને ઈંડા ખાવાથી શરીરમાં ગરમી આવે છે. પરંતુ તેનાથી તરત જ કંઈ ફરક પડતો નથી. કારણ કે કાર્બોહાઈડ્રેટ કરતાં પ્રોટીનને બળતાં વાર લાગે છે. હા, ગરમાગરમ ચીકન સૂપથી શરીરમાં ગરમી આવી જાય છે.
તે ઉપરાંત અન્ય ગરમાગરમ સૂપ કે ગરમ પાણી પીવાથી પણ શરીરનું ઉષ્ણતામાન વધે છે. આ ઋતુમાં ગાજર, તથા લીલા શાકભાજી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને પોષણ પણ મળે છે. ચામાં ગળપણ માટે મધ કે ગોળ ઉમેરો. આનાથી વધારે પ્રમાણમાં ફ્રુકટોઝ મળશે જે સાકર કરતાં ઝડપથી પચી જાય છે અને તાત્કાલિક ગરમી આપે છે.
જો શાકભાજી તમે કાચા-સલાડરૂપે ન ખાઈ શકો તો તેનો ગરમાગરમ સૂપ પીવો જોઈએ. શિયાળામાં થતા ચેપની સામે લસણ આપણું રક્ષણ કરે છે. કારણ કે, શરીરનું તાપમાન જાળવવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેની પ્રતિકારક શક્તિ નબળી પડવાની પૂર્ણ શક્યતા છે. આદુથી તમારી શ્વાસનળી ક્લીયર થાય છે અને કફ થતો નથી. જેથી શરદી થતી નથી.