લાક્ષાગૃહનું ષડયંત્ર - શત્રુની ચાલથી સાવધ રહો; સતર્કતા જ રક્ષા છે

- આજની કથા
લાક્ષાગૃહની કથા મહાભારતનું એ પ્રકરણ છે જે ષડયંત્ર, સતર્કતા, માહિતી અને અસ્તિત્વ ટકાવી રાખવાની કળા, આ ચારેયને એક સાથે રજૂ કરે છે. આ કથા પૂછે છે કે શું તમે એ ભવનને ઓળખી શકો છો જે તમને બાળી નાખવા માટે બનાવવામાંઆવ્યું છે?
લાક્ષાગૃહ ષડયંત્ર: સતર્કતા જ જીવન-રક્ષા છે
હસ્તિનાપુરની રાજસભામાં પાંડવોની વધતી જતી પ્રતિષ્ઠા દુર્યોધન માટે અસહ્ય બની રહી હતી. યુધિષ્ઠિરની ધર્મનિષ્ઠા, ભીમનું પરાક્રમ, અર્જુનનું ધનુષકૌશલ્ય - ચારેબાજુ પાંડવોની પ્રશંસા થતી હતી, દુર્યોધનનો અહંકાર અને ઇર્ષ્યા એક ષડયંત્ર બનીને ઉભરી આવ્યા. તેણે તેના મામા શકુનિ અને મંત્રી પુરોચન સાથે મળીને એક કુટિલ યોજના બનાવી. ધૃતરાષ્ટ્રને સમજાવ્યા કે પાંડવોને વારણાવત નગરમાં મોકલવામાં આવે ત્યાં એક ભવ્ય ઉત્સવનું આયોજન છે. ધૃતરાષ્ટ્ર ફરી એકવાર પુત્ર-મોહમાં આવીને સંમત થઈ ગયા.
પુરોચનને વારણાવત મોકલવામાં આવ્યો. તેણે ત્યાં લાખ (રાળ), ઘી અને તેલ જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થોથી બનેલું એક ભવ્ય ભવન 'લાક્ષાગૃહ' તૈયાર કર્યું. યોજના સરળ અને ક્રૂર હતી : પાંડવો જ્યારે ગાઢ નિદ્રામાં હોય, ત્યારે ભવનમાં આગ લગાવી દેવી. બધા બળીને મરી જશે અને આ એક અકસ્માત લાગશે.
માતા કુંતી સાથે પાંડવો વારણાવત પહોંચ્યા. તે ભવન દેખાવમાં અત્યંત સુંદર હતું, પરંતુ વિદુરની દૂરદ્રષ્ટિએ પહેલેથી જ સંકેત આપી દીધો હતો. વિદુરે યુધિષ્ઠિરને વિદાય આપતી વખતે સાંકેતિક ભાષામાં સાવધ કર્યા હતા : 'જંગલ અગ્નિ વિના પણ સળગી શકે છે. તેથી, ત્યાં એ જ બચે છે જે રસ્તો જાણતો હોય. ઇન્દ્રિયોને જાગૃત રાખજો.' યુધિષ્ઠિર સમજી ગયા. તેમણે ભવનની સામગ્રી તપાસી. લાખની ગંધ અને દીવાલોની બનાવટ પરથી બધું જ ઓળખી લીધું. વિદુરે ગુપ્ત રીતે સુરંગ ખોદનાર એક કારીગરને મોકલી આપ્યો હતો. તેણે રાતના અંધારામાં ભવનની નીચેથી એક ગુપ્ત સુરંગ બનાવી જે જંગલમાં ખુલતી હતી.
એક વર્ષ વીતી ગયું. પુરોચન યોગ્ય તકની રાહ જોતો હતો. પાંડવોએ સમય પારખીને એક રાત્રે એક નિષાદ મહિલા અને તેના પાંચ પુત્રોને ભોજન પર બોલાવ્યા. તેઓ અતિથિ હતા અને મદિરાના નશામાં સૂઈ ગયા. રાતના અંતિમ પ્રહરમાં ભીમે પોતે ભવનમાં આગ લગાવી, સૌથી પહેલા પુરોચનના રૂમમાં. ભવન ભડભડ સળગી ઉઠયું. પાંડવો અને કુંતી સુરંગ વાટે નીકળીને ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. સવારે હસ્તિનાપુરને સમાચાર મળ્યા કે પાંડવો લાક્ષાગૃહમાં બળી મર્યા છે. દુર્યોધને ઉત્સવ મનાવ્યો, પરંતુ વિદુર મૌન રહ્યા કારણ કે તેઓ વાસ્તવિકતા જાણતા હતા.
કથાના મુખ્ય બોધપાઠ
* સતર્કતા એ જીવનનો પ્રથમ ધર્મ: વિદુરનો સંદેશ આ કથાનો આત્મા છે - 'આંખો ખુલ્લી રાખો'. સતર્કતા એ માત્ર ડર નથી, તે વિવેકની સક્રિય અવસ્થા છે. ચાણક્યએ પણ કહ્યું છે કે, જે શત્રુની ચાલને પહેલા વાંચી લે છે, તે જ જીવતો રહે છે.
* ષડયંત્રનું મનોવિજ્ઞાાન: લાક્ષાગૃહ બહારથી ભવ્ય, સુંદર અને આરામદાયક હતું. જીવનમાં પણ એ પ્રસ્તાવો અત્યંત આકર્ષક લાગે, જે તકો પરિશ્રમ વગર મળે ત્યાં સતર્ક થવું જરૂરી છે. આકર્ષક પેકેજિંગમાં ઝેર હોઈ શકે છે.
* માહિતી અને વિશ્વસનીય નેટવર્ક: વિદુર પાસે સચોટ માહિતી-તંત્ર હતું. આજના વિશ્વમાં પણ વિશ્વસનીય માહિતી અને સતર્ક મિત્રો સૌથી મોટી સંપત્તિ છે. જેની પાસે સાચી માહિતી છે તે ષડયંત્રથી બચી શકે છે.
* શક્તિહીનનું મૂલ્ય: આ કથાનું એક કડવું સત્ય એ પણ છે કે શક્તિશાળીના ષડયંત્રની કિંમત હંમેશા નિર્બળ લોકોએ ચૂકવવી પડે છે. નિષાદ પરિવારે તે પાપનો બોજ ઉઠાવ્યો જે દુર્યોધને ઘડયો હતો.
* પલાયનથી પુન:નિર્માણ: પાંડવો વારણાવતથી ભાગ્યા, પણ તે કાયરતા નહીં પણ એક વ્યૂહાત્મક પીછેહઠ હતી. ક્યારેક પોતાની શક્તિ બચાવીને સમયની પ્રતીક્ષા કરવી એ જ સૌથી મોટી રણનીતિ હોય છે.
નિષ્કર્ષ : શત્રુ હંમેશા શસ્ત્ર લઈને નથી આવતો. તે ક્યારેક ભેટ લઈને આવે છે. ક્યારેક તક બનીને, તો ક્યારેક મિત્રના વેશમાં. જે તેની ગંધ ઓળખી લે છે તે જીતે છે, અને જે આંખો મીંચીને વિશ્વાસ કરે છે તે લાક્ષાગૃહમાં બળી જાય છે.








