Magazines

વાળની સામાન્ય સમસ્યા .

By GS TEAM
16 Mar 20265 mins read
વાળની સામાન્ય સમસ્યા                               .

સુનિતાની ઉંમર તો હજુ માંડ ૩૦ વર્ષની હતી. તેના વાળમાં રુક્ષતા વધતી જતી હતી.  સુનીતા આ સમસ્યાથી બહુ જ પરેશાન હતી. તેને સમજાતું નહોતું કે શું કરવું. ઘણાં  બ્યુટિપાર્લરોમાં ગઈ અને પોતાના વાળનો ઈલાજ કરાવવાનો વિચાર કર્યો.

આનાથી સુનીતાને કોઈપણ જાતનો લાભ તો ન થયો, બલકે ડ્રેન્ડ્રફ અને વાળ ખરવાનું જરૂર શરૂ થઈ ગયું. સુનીતાને એવું લાગતું હતું કે હવે તેના વાળનો કોઈ બીજો  ઈલાજ બાકી નથી રહ્યો. આ રીતની પરેશાની માત્ર સુનીતાની જ નહોતી, ૩૨ વર્ષની ઉંમરમાં રેખાને પણ વાળની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો. આ ઉંમરમાં જ તેના વાળ સફેદ અને છેડેથી તૂટેલા થવા લાગ્યા હતા.

વાળ શરૂઆતથી જ સુંદરતાને  માટે બહુ જ જરૂરી માનવામાં આવતા હતા. સમય અને ફેશનના બદલાતા અંદાજથી વાળનું મહત્ત્વ અધિક વધી રહ્યું છે. કદાચ આ કારણથી જ વાળ માટે બધા જ પ્રકારનાં ઉત્પાદનો  પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. જરૂર  એ વાતની છે કે આ ઉત્પાદનોનો  સાચી રીતે ઉપયોગ કરવામાં આવે. નાની ઉંમરમાં જ લોકોને વાળની તમામ પ્રકારની બીમારીઓ થવા લાગી છે. આમાં વાળનું ખરવું, અકાળે સફેદ થવા, વાળમાં ખોડો અર્થાત ડેન્ડ્રફ હોવું અને બે છેડાવાળા વાળ હોવાની સમસ્યાઓ સામેલ છે. આ બધી બીમારીઓનું સૌથી મોટું કારણ ખાણીપીણીનું યોગ્ય અને પૌષ્ટિક ન હોવું  છે.

આજકાલ લોકો આ પ્રકારનો ખોરાક બહુ જ ઓછો ખાય છે જેમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ હોય. સમયસર પૂરતી ઊંઘ પણ નથી લેવામાં આવતી. મોટાભાગનો એ પ્રકારનો ખોરાક લેવાય છે જેનાથી પેટ ખરાબ થાય છે. એની અસર આપણા વાળ પર પણ થાય છે, જેનાથી તેઓ બીમારીઓથી ઘેરાઈ જાય છે.

ડેન્ડ્રફ અર્થાત ખોડો જોવામાં સફેદ કે આછા ભૂરા રંગનો હોય છે, તે ત્વચાની મૃત કોશિકાઓ હોય છે, જે ત્વચાનાં બહારનાં પડ પર જામી જાય છે. ડેન્ડ્રફ અર્થાત ખોડો બે પ્રકારનો હોય છે. પહેલા પ્રકારનો ખોડો તૈલી હોય છે અને બીજા પ્રકારનો સૂકો હોય છે. તૈલી ખોડારૂપી મૃત કોશિકાઓ ત્વચાની સપાટી પર જ ચોંટી જાય છે. આ કારણે આને તૈલી ખોડાનાં નામથી ઓળખવામાં આવે છે. જોવામાં તે ત્વચાના રંગ સાથે મેળ ખાતો હોય છે. સૂકો ખોડો ત્વચામાં ભેજ નહીં હોવાને કારણે દેખાવા લાગે છે. જ્યારે આપણે વાળને ઓળીએ છીએ ત્યારે આ ખોડો કાંસકી  સાથે સાથે કપડાં પર પણ ખરવા લાગે છે. આનો રંગ સફેદ હોય છે.

વાળનું ખરવું

વાળ ખરવા એ એક સામાન્ય બીમારી છે. દરેક વયની વ્યક્તિને આ સમસ્યા નડતી હોય છે. દરેક વ્યક્તિ આને દૂર કરવા ઈચ્છતી હોય છે. વાળ ખરવાથી વ્યક્તિની સુંદરતા ઓછી થઈ જાય છે. અકાળે વૃદ્ધત્વ આવી જાય છે. આનાથી સમગ્ર પર્સનેલિટીને અસર થતી હોય છે.

કારણ:  ચિંતા, તાણ, હાર્ટ અને લિવરની બીમારી,  પાણીમાં વધુ સ્વિમિંગ કરવાથી, કેમિકલનો ઉપયોગ કરવાથી અને ખાવામાં પૌષ્ટિક વસ્તુનો ઓછો ઉપયોગ કરવાથી વાળ ખરવા લાગે છે. ક્યારેક ક્યારેક લાંબી બીમારીને કારણે લેવામાં આવતી દવાઓને કારણે પણ માથાના વાળ ખરતા હોય છે. પેટ ખરાબ હોય, માથામાં ખોડો હોય તો પણ વાળ ખરવા લાગે છે.

સામાન્ય રીતે વાળને ખરતા રોકવા માટેનો કોઈ અસરકારક ઉપાય નથી. થોડા  ઘરગથ્થુ ઉપાયો દ્વારા વાળને ખરતા રોકી શકાય છે. પ્રથમ ઉપાય છે, એક ગ્લાસ રમને કોઈ બોટલમાં નાખો. તેમાં ડુંગળીના ચાર ટુકડા કરીને નાખો. બોટલનું ઢાંકણું બંધ કરી દો. આ બોટલને લગભગ ૪૮ કલાક સુધી તડકામાં રાખો.    તે પછી ડુંગળીના ટુકડાને કાઢીને ફેંકી દો. વધેલા પદાર્થને માથામાં લગાડો. તે પછી વાળને ધોઈ નાખો. વાળને ખરતા રોકવાનો બીજો ઉપાય છે, બે ચમચી મેથીદાણાને ત્રણ ચમચી દહીમાં નાખીને પલાળો. બીજા દીવસે તેને વાળમાં લગાવીને ૨૦ મિનિટ રાખો. તે પછી હૂંફાળા પાણીથી ધોઈ નાખો. આ રીતે વાળને બીમારીઓથી બચાવી શકાય છે. જેનાથી વાળ કાળા અને ચમકદાર રહેશે.

* ખોડો થવાનું સૌથી મોટું કારણ પેટ ખરાબ હોવાનું છે.

* વાળમાં પર્મિંગ, સ્ટ્રેટનિંગ અને કલર કરવાને કારણે વાળ પર ખરાબ અસર પડે છે, જેનાથી ત્વચા મૃત બની જાય છે. ખોડો આમાંથી ઉત્પન્ન થાય છે.

* વાળમાં સારી રીતે શેમ્પૂનો ઉપયોગ  ન કરવાથી પણ ખોડો વધી જાય છે.

* તડકામાં વધુ રહેવાથી પણ ખોડો થઈ જાય છે.

* જેના માથામાં ખોડો હોય તેની કાંસકી અને ટુવાલનો ઉપયોગ કોઈ બીજું કરે તો તેને પણ ખોડો થઈ શકે છે.

ઉપાય : ખોડો કાઢવા માટે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. એ વ્યક્તિની કાંસકી અને ટુવાલનો  ક્યારેય ઉપયોગ ન કરો જેના માથામાં ખોડો હોય. ખાવાપીવામાં પણ પૌષ્ટિક્તાનો ખ્યાલ રાખો. ખોરાકમાં ફણગાવેલું  અનાજ, દૂધ, દહીં, સેલડ અને લીલાં શાકભાજીનો ઉપયોગ કરો. ખોડો દૂર કરવા માટે અનેક પ્રકારની થેરપિનો ઉપયોગ કરવામાં આવે છે. ટોમેટો થેરપી   દ્વારા પણ ખોડાનો  ઈલાજ થઈ શકે છે. આને માટે ટામેટાંના માવાને પ્લાસ્ટિક બાઉલમાં કાઢીને રાખો. આને સારી રીતે  મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં લીંબુના થોડાં ટીપાં નાખો. આને માથામાં તાળવામાં લગાવો. જ્યારે સુકાઈ જાય ત્યારે   ધોઈ નાખો.

ખોડો કાઢવા માટે  એપલ થેરપીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આમાં બે સફરજન લઈને તેને છીણી નાખવામાં આવે છે. આ પેસ્ટને તાળવા પર લગાવો. ૪૦ થી ૪૫ મિનિટ પછી તેને ધોઈ નાખો. અઠવાડિયામાં બેવાર જરૂર કરો.

વાળ સફેદ થવા

વાળની  બીજી મોટી સમસ્યા છે અકાળે વાળ સફેદ થવા. દરેકની ચાહત ઘેરા  અને લહેરાતા વાળ હોય. આજકાલ સફેદ  વાળની સમસ્યા જોર પકડતી જાય છે. સફેદ વાળ દેખાવમાં ખરાબ લાગે છે. આ દૂર કરવા માટે અનેક ઉપાય કરવામાં આવે છે.

કારણ :* નાની ઉંમરમાં ડાયાબિટીસ હોય તો વાળ અકાળે સફેદ કરી દે છે.

* જે વ્યક્તિને હંમેશાં શરદી રહેતી હોય.

* વાળમાં વધુ કેમિકલવાળી વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ વાળ સફેદ થાય છે.

* માથાનો દુખાવો કે સાયનસ જેવી બીમારીને કારણે વાળ સફેદ થઈ જાય છે.

* ખાવાપીવામાં ઊણપને કારણે પણ વાળ સફેદ થઈ જાય છે.

ઉપાય : વાળને અકાળે સફેદ થતાં અટકાવવા માટે મીઠા લીમડાનાં પાન (કરીપત્તા)નું નિયમિત સેવન કરો. આનાથી વાળને સફેદ થતાં અટકાવી શકાય છે. આંબળા, શિકાકાઈ  અને  પાઉડરને લોખંડની કડાઈમાં પલાળીને રાખો. આખી રાત રાખ્યા પછી સવારે  મેંદીમાં મિક્સ કરી વાળમાં લગાવો. અઠવાડિયામાં બેવાર આ પ્રયોગ કરવાથી વાળને સફેદ થતાં અટકાવી શકાય છે.

- અવન્તિકા