Magazines

નારિયેળ: એક અદ્ભુત એનજી ડ્રિન્ક

By GS Team
3 Jan 20202 mins read
This article was originally published on 3 Jan 2020
નારિયેળ: એક અદ્ભુત એનજી ડ્રિન્ક

નારિયેળીનું વૃક્ષ પામ કુળનું વૃક્ષ છે. તેમાં થતા ફળ નારિયેળ  (Coconut) નું પાણી એક જીવન ઉપયોગી તત્વોનો ભંડાર છે.

હિન્દુધર્મમાં નારિયેળનું સાંસ્કૃતિક તેમજ ધાર્મિક મહત્વ છે. નારિયેળના પાકા ફળને ભગવાનને પૂજા વિધિમાં અર્પણ કરવામાં આવે છે, એટલે જ નારિયેળને 'શ્રીફળ'નો દરજ્જો આપવામાં આવેલ છે. 'શ્રી' એટલે વૈભવ, જે ઉત્કૃષ્ટ મનોવૈભવના દર્શન કરાવે છે.

લીલા નારિયેળ જેને આપણે ત્રોફા પણ કહીએ છીએ તેના ઘણા આરોગ્યવર્ધક ગુણો છે, પરંતુ અહીં આપણે વિશેષ રૃપે બજારમાં મળતા બીજા 'સિન્થેટીક એનર્જી ડ્રીન્ક'  સામે સરખામણી કરીશું.

દરેક વ્યક્તિને સ્વસ્થ જીવન માટે 'ઇલેક્ટ્રોલાઇટ્સ'ની જરૃર હોય છે. શરીરમાં ઈલેક્ટ્રોલાઇટ્સનું કામ શરીરમાં પાણીનું બેલેન્સ બરોબર જાળવી રાખવું જેથી સ્નાયુઓ અને જ્ઞાાનતંતુઓ  બરોબર કાર્ય કરી શકે.

નારિયેળના પાણીમાં ભરપૂર માત્રામાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બાયોકાર્બોનેટ્સ જેવા ઈલેક્ટ્રોલાઇટ્સ રહેલા હોય છે.

જ્યારે સ્પોર્ટસમેન વર્કઆઉટ કે કસરત કરે કે રમત દરમિયાન આ ઈલેક્ટ્રોલાઇટ્સનું લેવલ ઘટે છે જેથી ડીહાઇડ્રેશનની સ્થિતિ સર્જાય છે અને થકાવટ તેમજ નિષ્ક્રિયતા અનુભવે છે, પરંતુ વર્કઆઉટ દરમિયાન કે પછી નારિયેળનું પાણી તેને 'ઝડપી' 'રિહાડ્રેટ' કરે છે અને ગુમાવેલો ઈલેક્ટ્રોલાઇટ્સની તુરત ભરપાઇ કરે છે.

આ ઉપરાંત લીલા નારિયેળના પાણીમાં કુદરતી શર્કરા હોય છે જે ગુમાવેલી એનર્જી ફરીથી પ્રદાન કરે છે. લીલા નારિયેળનું પાણી લગભગ સંપૂર્ણપણે ફેટ-ફ્રી હોય છે. આથી જ તેને 'સ્પોર્ટસ ડ્રીન્ક' પણ કહેવામાં આવે છે.

આ સિવાય પણ નારિયેળ પાણીમાં ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઉપયોગી છે. તે એન્ટિઓક્સિડન્ટ છે, તેમાં રહેલ સેલેનિયમ કેન્સર જેવા રોગ માટે જવાબદાર એવા ફ્રી-રેડીકલ્સ સાથે લડવામાં ઉપયોગી છે. તેમાં વિટામીન સી અને વિટામીન બી-કોમ્પલેક્ષ પણ છે. તે ચર્મરોગ, પથરી, ડાયાબિટીઝ, થાયરોડ, બ્લડ સુગર, માઇગ્રેન વગેરે વગેરે  ઘણા રોગોમાં પણ ફાયદાકારક છે.

છેલ્લે, સામાન્ય રીતે નારિયેળીનું વૃક્ષ દરિયા કિનારે ૪-૫ મજલા જેટલી ઊંચાઇનું હોય છે. તેની ટોચે નારિયેળના લુમ્સ, અને ઘણાં તાલાનો ભાર હોય છે, છતાં દરિયા કિનારાની હવાની જબરદસ્ત થપાટો સામે વર્ષો સુધી અડીખમ રહે છે, તે કુદરતની સ્ટ્રકચરલ એન્જીનીયરીંગની કમાલ જ છે ને !

આવી દરિયા કિનારે ઊભેલી નારિયેળી દરેક ઉગતા ચિત્રકાર કે ફોટોગ્રાફનું મનપસંદ દ્રશ્ય છે. દરિયા કિનારે સંધ્યા સમયે ક્ષિતિજ પર કાળા ઘટ્ટ વાદળોમાંથી ડોકાતા આથમતા સૂર્યના લાલચોળ ગોળાના પરિઘને આલિંગતી ઉડતા પંખીની પાંખોની છાયા, હલેસા મારતો નાવડીનો નાવિક અને દરિયા ઉપર ઝળુંબતી  નારિયેળી  અત્યંત મનોહર દ્રશ્ય સર્જે છે !

- જ્યોતિ ખીમાણી