Magazines

ફિટનેસ અંગેની મૂંઝવણ દૂર કરો .

By GS TEAM
1 Dec 20255 mins read
ફિટનેસ અંગેની મૂંઝવણ દૂર કરો                     .

- ફેટફ્રી ડાયટ કેવી રીતે લઈ શકાય?

સંપૂર્ણત : ફેટફ્રી ડાયટ લેવું લગભગ મુશ્કેલ છે. જોકે ફેટ એવી કોઈ ખરાબ વસ્તુ પણ નથી કે તેને આહારમાંથી દૂર કરી દેવામાં આવે. જો આપણે એક્ટિવ રહીને એક સારું જીવન જીવીએ અને નિયમિત કસરત કરીએ, તો ફેટથી ગભરાવાની કોઈ જરૂર નથી.

સૌથી પહેલાં તો એ વાત જાણી લો કે ફેટ આપણા ખોરાકનો એક મહત્ત્વનો ભાગ છે. એક રીતે જોઈએ તો ફેટ થવાનું કારણ ઘણાખરા અંશે આપણી રસોઈ બનાવવાની પદ્ધતિ પર આધારિત હોય છે.

રસોઈ બનાવતી વખતે આપણે રસોઈમાં ફેટનું પ્રમાણ ઓછું કરી શકીએ છીએ. રસોઈ બનાવતી વખતે તેલનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો.  ભોજનની સોડમ કે સ્વાદ માટે ખોરાક ખાવાના બદલે તેની પૌષ્ટિકતા પર ધ્યાન આપવું જોઈએ. આના માટે ખોરાકને તળવાના બદલે શેકીને અથવા બાફીને પણ બનાવી શકાય છે.

બીજું, ફેટ આપણા શરીરમાં  મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એક રીતે જોઈએ તો આપણને તેની જરૂર પણ છે. વાસ્તવમાં દ્રાવ્ય વિટામિન્સ જેવાં કે - વિટામિન એ, ડી, કે ને આપણે ફક્ત ફેટ દ્વારા જ આપણા શરીરમાં લઈએ છીએ. હોર્મોન્સને નિયંત્રિત કરવા માટે પણ શરીરમાં ફેટની જરૂર હોય છે.

ત્રીજી વાત એ કે મહત્ત્વના ફેટી એસિડ પણ આપણને ખોરાકમાંથી જ મળે છે.  આપણું શરીર તેને નથી બનાવતું. તમે તેને અળસીના બીનું તેલ, સિંગતેલ, તલ, દૂધીનાં બી,  બદામ, જેતૂનનું તેલ વગેરેમાંથી મેળવી શકો છો.

ફક્ત ફેટ-ફ્રી ડાયટ વિશે  વિચારતાં પહેલાં મહત્ત્વનું એ છે કે તમે  સારી ફેટ  અને તેના યોગ્ય પ્રમાણને તમારા ભોજનમાં સામેલ કરવાનું વિચારો, ફેટફ્રી ખોરાકમાં ફક્ત ફળ અને શાકભાજી જ હોય છે. એવું નથી કે ફેટ ન વધે તેનું ધ્યાન રાખવાથી વજન વધશે નહીં. ખોરાકમાં બ્રેડ, ભાત, દાળ વગેરે વધારે પ્રમાણમાં ખાવાથી તમારું વજન વધી શકે છે.

૭ મહિનામાં  મેં મારું ૯ કિલોગ્રામ વજન ઘટાડયું છે. પરિણામે મને ખૂબ હળવાશ લાગે છે. મેં ૮૨.૫ કિલોગ્રામથી વજન ઘટાડવાનું  શરૂ કર્યું અને હવે મારું વજન ૭૩.૫ કિલોગ્રામ છે. હવે મારે મારું  લક્ષ ૭૧ કિલોગ્રામ કરવાનું  છે અને મને વિશ્વાસ છે કે હું  મારા આ લક્ષને  પણ હાંસલ કરી લઈશ. મારે એ જાણવું છે કે ભવિષ્યમાં  હું મારું વજન નિયંત્રણમાં કેવી રીતે રાખી શકું, કારણ કે હું જાણું છું કે વજન  ઘટાડવાથી મારા શરીરની ૭૫ ટકા બીમારીઓ દૂર થઈ ગઈ છે.

તમે તમારું વજન આટલું ઘટાડયું તે ખૂબ જ સારી વાત છે.  હકીકતમાં તો કસરત અને યોગ્ય ખોરાક તમારા શરીરને સામાન્ય રીતે કાર્ય કરવા માટે મદદરૂપ થાય છે. આ રીતે પોતાને ચુસ્ત અને તંદુરસ્ત રાખવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ.

ખોરાકને વ્યવસ્થિત રીતે નિયંત્રિત કરીને ફિટનેસને કઈ રીતે જાળવી શકાય છે?

તમારા ભોજનમાં કાર્બોહાઈડ્રેટ્સની સાથેસાથે પ્રોટીન પણ લો. તમે બ્રેકફાસ્ટમાં ૨ બ્રેડ સ્લાઈસની સાથે ૩ ઈંડાની વાઈટ આમલેટ લઈ શકો છો. જો તમે શાકાહારી હો, તો મલાઈ વગરના  દૂધમાં વાઈટ ઓટ્સ લઈ શકો છો. તેમાં તમે સફરજન અને એક ચપટી તજ પણ નાખી શકો છો. રાંધેલા  ન હોય તેવા ઓટ્સનું પ્રમાણ એક મુઠ્ઠી જેટલું રાખવું. એ પછી સ્નેક્સમાં ફળ કે સ્પાઉટ્સ પણ લઈ શકો છો. જમવામાં દાળ, શાક, સેલડ, દહીં વગેરે નિયમિત લેવું જોઈએ. જમવામાં ભાત પણ લઈ શકાય છે, પરંતુ ભાતનું પ્રમાણ ૮ મોટા ચમચાથી વધારે હોવું જોઈએ નહીં.

ખોરાકમાં ભાતના વિકલ્પ રૂપે તમે ૨ મધ્યમ આકારની રોટલી પણ લઈ શકો છો. આ જ પ્રમાણેનો ખોરાક રાત્રે ભોજનમાં પણ લેવો જોઈએ, પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાતનું ભોજન સૂવાના સમય કરતાં ૧-૨ કલાક પહેલાં લેવું જોઈએ. સાંજે નાસ્તામાં તમે સ્નેક્સની સાથે ૧ ગ્લાસ કોલ્ડ કોફી અને ૧ સેન્ડવિચ લઈ શકો છો.

જો તમે  માંસાહારી હો, તો તમે ૧ ઈંડાના સફેદ ભાગની સાથે એગ સેન્ડવિચ અથવા ૨ વેજિટેબલ સેન્ડવિચને પણ ખોરાકમાં સામેલ કરી શકો છો.

હું મારું વજન ઘટાડવા માટે ફેટ ઘટાડવા માગું છું. કોઈ ઉપાય જણાવો?

ફેટ બર્નથી ફેટ  ઘટાડવી યોગ્ય નથી, આવું કરવું નુકસાનકારક હોય છે. હા, એક વાત સાચી છે કે આનાથી તમને ઝડપી રિઝલ્ટ મળે છે એટલે કે તમારી ફેટ પણ ઘટી જાય છે, પરંતુ આ બધી વસ્તુઓની સાઈડ ઈફેક્ટ્સ પણ હોય છે. આમ પણ ફેટ બર્નર્સ હાલમાં જ બજારમાં આવ્યા છે, એટલે હકીકતમાં તો કોઈ જાણતું જ નથી કે તે કેટલી હદ સુધી  નુકસાનકારક થઈ શકે છે.

એક વાત એ પણ છે કે જેવા તમે તેને (વેટ બર્નર્સ) ખાવાનું બંધ કરશો કે તરત તમારું વજન પહેલાં જેટલું જ વધી જશે,  જેટલું તે આ વેટ બર્નર્સની મદદથી ઘટાડયું હતું.  એટલા માટે જ તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી.

શું તમે દરરોજ શક્તિ મેળવવા માટે ગ્લુકોઝ લો છો?  ના, કારણ કે તમે શક્તિ મેળવવા માટે ખોરાક લો છો, તો એ જ રીતે તમારે રોજ એક્સર્સાઈઝ પણ કરવી જોઈએ અને વજન ઘટાડવા માટે તમે કેવા પ્રકારનું ભોજન લો છો તેનું પણ  ધ્યાન રાખો.

કસરત,  બેડમિંટન, ટેબલ ટેનિસ અથવા ક્રિકેટ વગેરેને તમારી ઈચ્છા પ્રમાણે તમારો રોજિંદો ક્રમ બનાવો. અઠવાડિયામાં ૨ વખત યોગાસન કરવાની સાથેસાથે અઠવાડિયામાં ૨ વખત વોક પર પણ જાઓ. ૬ દિવસના વર્કઆઉટ પછી તમે ટેવાઈ જશો અને જ્યારે પ્રમાણસર ભોજનમાં ઓછી કેલરી લેશો અને એક્સર્સાઈઝ કરવાથી કેલરી બર્ન થશે તો વજન આપમેળે જ ઘટવા લાગશે.

હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છું, પણ વાંચતી વખતે મને ઘણીવાર ઊંઘ આવી જાય છે, ખાસ કરીને જમ્યા પછી. તો મારે કેવો ખોરાક લેવો જોઈએ જેથી વાંચતી વખતે મને ઊંઘ આવે નહીં.

આ કોઈ ગંભીર બાબત નથી. તમે નિયમિત જમવાનું રાખો, પણ પ્રમાણ થોડું ઓછું રાખવું.  વાંચતા પહેલાં જમવામાં કાર્બોહાઈડ્રેટ્સનું વધારે પ્રમાણ ન હોય તેવું ખાસ ધ્યાન રાખો. ભોજનમાં પ્રોટીન્સ  અને કાર્બોહાઈડ્રેટ્સ સંતુલિત પ્રમાણમાં લો. આનાથી તમારી સ્ફૂર્તિ અને ઊર્જા જળવાઈ રહેશે. ખોરાક લેવાનું ટાળશો નહીં.

આનાથી  તમને નબળાઈ અને થાક  લાગશે નહીં અને સાથે જ એકાગ્રતા પણ જળવાશે નહીં.  તમારા ભોજનમાં બાજરો અને રાગીની રોટલી લો.  આનાથી એકાગ્રતા વધવાની સાથેસાથે ધ્યાન કેન્દ્રિત રહેશે અને તમારી વિચારવાની અને સમજવાની શક્તિમાં વધારો થશે.