Magazines

વગર પૈસાની અકસીર દવા માટી

By GS TEAM
16 Sep 20252 mins read
વગર પૈસાની અકસીર દવા માટી

- ઉપચાર માટે ઉપયોગ થતી માટી સ્વચ્છ, નરમ અને ઝેરી પદાર્થોથી રહિત હોવી જોઈએ

માટી માનવ જીવન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ખેતીથી લઈને દૈનિક જીવનમાં આરોગ્ય ઉપચાર સુધી, માટીનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. આપણા પૂર્વજો માટીને માત્ર ધરતીની ચાદર તરીકે જ નહોતાં જોતા, પરંતુ આરોગ્યપ્રદ ઉપાય તરીકે તેનો વ્યાપક ઉપયોગ કરતા હતા. આજે પણ માટી એક કુદરતી ઔષધિ સમાન છે, જે અનેક સમસ્યાઓમાં આરામ આપે છે.

માટી કઈ લેવી અને કેવી રીતે તૈયાર કરવી ?

- ઉપચાર માટે ઉપયોગ થતી માટી સ્વચ્છ, નરમ અને ઝેરી પદાર્થોથી રહિત હોવી જોઈએ.

- માટી ખેતર, બગીચો કે નદી-તળાવની સ્વચ્છ જગ્યાએથી લેવી યોગ્ય છે.

- રસ્તા કે ગટરના આસપાસની માટી ક્યારેય ઉપયોગમાં લેવી નહીં.

- તળાવમાંથી માટી લેવી હોય તો લગભગ ત્રણ ફૂટ ઊંડાઈએથી કાળી માટી કાઢવી.

- ખેતરની માટી હોય તો તેમાંથી કાંકરા, ઘાસના મૂળ, પ્લાસ્ટિક કે અન્ય કચરો દૂર કરવો.

- માટી તૈયાર કરવાની રીત

૧. માટી લાવી કચરો દૂર કરવો. ૨. ચાળણી કે જાળીમાંથી પસાર કરી વધુ ઝીણી બનાવવી. ૩. લીમડાના પાણીમાં ૮-૧૦ કલાક પલાળવી. ૪. સૂર્યપ્રકાશમાં ૨૪ કલાક સુકાવવી.

આ રીતે તૈયાર કરેલી માટીનો લેપ અથવા પાટી શરીર પર સારો પ્રભાવ પાડે છે.

આંખ પર માટીની પાટી

આંખમાં સોજો, દુ:ખાવો કે થાક અનુભવાય ત્યારે ઠંડી માટીની પાટી મૂકવાથી રાહત મળે છે. ૨૦થી ૩૦ મિનિટ સુધી પાટી રાખવાથી લાલાશ ઓછી થાય છે, ચશ્મા પરની નિર્ભરતા ઘટે છે અને આરામ મળે છે.

પેટ પર માટીની પાટી

ગેસ, કબજિયાત, અજીરણ, એસિડિટી જેવી સમસ્યાઓમાં પેટ પર માટીની પાટી ખૂબ અસરકારક છે. સામાન્ય રીતે નવ ઈંચ પહોળી અને બે-અઢી ફૂટ લાંબી પાટી પેટ મૂકી શકાય છે. ખાલી પેટે મુકવામાં આવતી પાટી પાચનશક્તિ સુધારે છે અને ઠંડક આપે છે.

ચામડીના રોગોમાં માટી

ચામડીના રોગો જેમ કે દાદ, ખંજવાળ, ફોલ્લી વગેરેમાં માટી લગાડવાથી ચામડી શુદ્ધ થાય છે. સૂર્યસ્નાન કર્યા પછી શરીર પર માટીનો પાતળો લેપ લગાડવાથી ઠંડક મળે છે અને ચામડીને તાજગી મળે છે.

દાઝ માટે માટી

નાના દાઝ માટે માટી અસરકારક ઉપાય છે. દાઝેલા ભાગ પર ઠંડી માટી લગાડવાથી બળતરા ઘટે છે, દુ:ખાવો ઓછો થાય છે અને આરામ મળે છે.

ગરમ માટીની પાટી

ક્યારેક ઠંડીની જગ્યાએ ગરમ માટીનો ઉપયોગ કરવો લાભદાયી સાબિત થાય છે. ઉકળેલા પાણીમાં ભીની માટી ભેળવી બનાવેલી પાટી ખાસ કરીને છાતીનો દુ:ખાવો, ન્યુમોનિયા અથવા સાંધાના રોગોમાં ઉપયોગી છે.

નિષ્કર્ષ : 

માટી માત્ર ખેતી માટે જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ કુદરતી ઔષધિ છે. સ્વચ્છ રીતે તૈયાર કરેલી માટી આંખ, પેટ, ચામડી અને નાના દાઝ ઉપરાંત બીજા પણ અનેક રોગોમાં આરામ આપે છે. ખર્ચ ઓછો, જોખમ ઓછું અને આરામ વધારે - એ જ માટીના ઉપાયની ખાસિયત છે. આધુનિક દવાઓની સાથે પરંપરાગત માટીના ઉપાયો અપનાવીએ તો સ્વાસ્થ્યમાં બેવડો અને ઝડપી લાભ મેળવી શકાય.

- પ્રજ્ઞોશ પટેલ