Get The App

ચૂંચૂં ઉંદર તરતા શીખો...

Updated: Mar 21st, 2020

GS TEAM

Google News
Google News
ચૂંચૂં ઉંદર તરતા શીખો... 1 - image


ચૂંચૂં ઉંદર કહે: અરે યાર...! મને પાણીથી ખૂબ જ ડર લાગે છે...! મને તરતા નથી આવડતું...! હું ડૂબી જઈશ...! આ સિન કાઢી નાખો... બીજો કોઈ સિન કરાવો... 

ગીર જંગલનો હીરો નંબર વન ચૂંચૂં ઉંદર આજે ખૂબ જ ખુશ હતો. ફિલ્મના ડાયરેકટર જિરાફએ ચૂચૂ ઉંદરને પોતાની ફિલ્મમાં એક જોરદાર રોલ આપ્યો હતો. જિરાફે કહ્યું હતું:  ચૂંચૂંજી...! આ ફિલમમાં તમે એકટીંગ કરશોને એટલે અત્યારે તમે જેટલા મોટા હીરો છો.. લોકપ્રિય છો... એના કરતા પણ વધારે તમે સુપરહીટ થઈ જશો...! હું જોરદાર ફિલ્મ બનાવવાનો છું... એક જ મહિનામાં સો કરોડ રૂપિયાની ક્લબમાં આપણી ફિલ્મ આવી જશે... આપણે ઢગલો કમાઈશું નામ... પૈસા અને બીજું બધું જ ...!

ચૂંચૂં ઉદર કહે: હા યાર...! મારી ઈજ્જતનો સવાલ છે.. મારી દરેક ફિલ્મ.  સુપરહીટ જ જાય... આ તમારી ફિલ્મમાં પણ હું જોરદાર મહેનત કરીશ.. ડાન્સ, ફાઈટ, એકટિંગ અને બીજું બધું હું એવું જોરદાર કરીશ ને કે બધા મોંમાં આંગળા નાખી જશે... હું ગીર જંગલનો હીરો નંબર વન છું... મારે મારા ચાહકોને નિરાશ નથી કરવાના... હું હંમેશા ફર્સ્ટ કલાસ કામ જ કરીશ... અપુન જોરદાર હીરો હૈ યાર... યે અપુન કા સ્ટાઈલ હૈ ક્યા ભીડુ...!!

ડાયરેક્ટર જિરાફ ખુશ થતા કહે: મને તમારા પર વિશ્વાસ છે.. એટલે તો તમને અમારી ફિલ્મમાં હીરો બનાવ્યા છે...!

થોડા દિવસ પછી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું.. ચૂંચૂં ઉંદરે ખૂબ જ મહેનત અને ઈમાનદારીથી ડાયરેકટર જેમ કહે તેમ કર્યું....

આજે ડાયરેક્ટર જિરાફે કહ્યું: ચૂંચૂંજી...! આજે સ્વીમિંગ પુલમાં જ ડાન્સ કરવાનો છે.. જોરદાર ફાઈટ પણ કરવાની  છે... અને બીજું ઘણું બધું કરવાનું છે.. બધું જ આજનું શૂટિંગ પાણીમાં જ કરવાનું છે... સ્વીમિંગ પુલમાં પાણી થોડું ઊંડું છે...!!!

ચૂંચૂં ઉંદરને તો આ સાંભળીને ચક્કર આવી ગયા... ચૂંચૂં ઉંદર કહે: અરે યાર...! મને પાણીથી ખૂબ જ ડર લાગે છે...! મને તરતા નથી આવડતું...! હું ડૂબી જઈશ...! આ સિન કાઢી નાખો... બીજો કોઈ સિન કરાવો... પાણીમાં મને નહીં ફાવે તરવાનું ... ડાન્સ... ફાઈટ... વગેરે...!

ડાયરેકટર જિરાફ કહે: અરે ચૂંચૂં હીરો..! તમે બહાદૂર હીરો છો.. આટલા બધા તમે સ્ટંટ કર્યા છે.. ભયંકર જોખમવાળા સિન કર્યા છે.. અને આ તો સામાન્ય છે... તમે ચિંતા ના કરો હું મને નહીં ડૂબવા દઉં...! તમે હિંમત રાખો...!

ચૂંચૂં ઉંદર માંડમાંડ સ્વીમિંગ પુલમાં શુટીંગ કરવા તૈયાર થયો... જિરાફે 'એકશન' કહ્યું... એટલે ચૂંચૂં ઉંદરે સ્વીમિંગ પુલમાં ભુસકો માર્યો ... એના નાકમાં પાણી ભરાઈ ગયું... ડુબવા લાગ્યો... એકટિંગ ભૂલી ગયો અને ચીસો પાડવા લાગ્યો... ઓ બાપારે... મરી ગયો... બચાવો... બચાવો... બચાવો...ની બૂમો પાડવા લાગ્યો... શૂટિંગમાં જેટલા પ્રાણીઓ હતા બધા દોડી આવ્યા... ચૂંચૂં ઉંદરને પાણીમાંથી બહાર કાઢ્યો.... ચૂંચૂં ઉંદર બેહોશ થઈ ગયો હતો...!! તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા... ડૉક્ટરે સારવાર કરી.. બે દિવસ પછી ચૂંચૂં ઉંદર સ્વસ્થ થઈ ગયો...

ડાયરેક્ટર જિરાફ ચૂંચૂં ઉંદરના ઘેર ખબર કાઢવા ગયા... ચૂંચૂં ઉંદરે શરમાઈને કહ્યું: 'સૉરી  યાર..! હું ડરી ગયો.. મને તરતા નથી આવડતું...! પાણીથી ખૂબ જ ડર લાગે છે...! મારા લીધે તમારી ફિલ્મનું શૂટિંગ અટકી ગયું અને તમને પૈસાનું ઘણું નુકસાન થયું... આઈ એમ વેરી સૉરી...!'

જિરાફ કહે: 'અરે ચૂંચૂંજી...' આવું તો થયા કરે..! ડરને કા નહીં...! તમારો ડર દૂર કરવા.. તમને તરતા શીખવાડવા માટે આપણે એક કોચની વ્યવસ્થા કરી દીધી છે... એક જ અઠવાડિયામાં એ તમારો પાણીનો ડર દૂર કરી દેશે. તરતા શીખવાડી દેશે... અને જોરદાર એકસપર્ટ કરી દેશે..! 

ચૂંચૂં ઉંદર કહે: 'હા ભાઈ હા...' હું હિંમત હારી જાઉં એવો હીરો- નથી જ ... રોજ નવું નવું શીખવાનું છે.. કાલથી જ હું તરવાની પ્રેકટિસ કરીશ...!!

બીજા દિવસથી સ્વીમિંગ પુલમાં તરવાનું શીખવાડવા માટે કોચ મંટુ વાંદરો આવી ગયો... બે જ દિવસમાં ચૂંચૂં ઉંદરનો ડર દૂર ભગાવી દીધો... બીજા ચાર દિવસમાં તો ચૂંચૂં ઉંદર સરસ તરતા શીખી ગયો.. ફિલ્મનો ખાસ સિન હતો . સ્વીમિંગ પુલમાં તરવાનો.. ડાન્સ કરવાનો.. ફાઈટ કરવાનો...

બે દિવસ પછી જિરાફે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું.. ચૂંચૂં ઉંદરે ખૂબ જ જોરદાર - ધમાકેદાર સ્વીમિંગ પુલમાં શૂટિંગ કર્યું... સરસ એકટિંગ ... ડાન્સ... ફાઈટ.. તરવાનું બધું જ ખૂબ જ સુંદર અને દિલધડક કર્યું... ફિલ્મની શુટીંગ પુરી થઈ. ફિલ્મ રિલીઝ થઈ. અને ખૂબ જ સુપરહિટ થઈ... એક જ મહિનામાં સો કરોડ રૂપિયા કમાઈ... ડાયરેકટર જિરાફે ચૂંચૂંને ખૂબ જ અભિનંદન આપ્યા... ચૂંચૂં ખૂબ જ ખુશ હતો. એ બધાને કહેતો હતો:  'જો ડર ગયા સમજો મર ગયા...!'

Tags :