ગોરી જ નહીં ઘઉંવર્ણી-શ્યામવર્ણી સ્ત્રીઓને સોહે ચોકલેટી લિપસ્ટિક

મોટાભાગે એમ માનવામાં આવે છે કે ગૌરવણી પામેલાઓને રાતા કે ઘેરા ગુલાબી રંગની લિપસ્ટિક સુંદર લાગે. આ બંને રંગ તેના ચહેરા પર ઉઠી આવે. જ્યારે ઘઉંવર્ણી કે શ્યામવર્ણી સ્ત્રીઓના અધર પર મરૂન કલરની લિપસ્ટિક વધુ શોભે. પરંતુ આ માન્યતાને ચોકલેટ બ્રાઉન કલર કંઈક અંશે ટક્કર આપે છે.
સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે ઘઉંવર્ણી કે શ્યામવર્ણી રમણીઓની સુંદરતાને નિખારવામાં ચોકલેટી લિપસ્ટિક મહત્વનો ભાગ ભજવે છે. તેઓ આ બાબતે પીઢ અભિનેત્રી રેખા અને માધુરી દીક્ષિતનું ઉદાહરણ આપતાં કહે છે કે આ બંને અદાકારાઓએ પોતાના હોઠ પર બ્રાઉન કલરની લિપસ્ટિકનો જાદુ પાથરી બતાવ્યો છે. વાસ્તવમાં ૯૦ના દશકમાં હમણાંની જેમ લિપસ્ટિકમાં સંખ્યાબંધ શેડ ઉપલબ્ધ નહોતા થતાં. સેલિબ્રિટીઓ હોય કે સામાન્ય મહિલાઓ, દરેકને મર્યાદિત શેડમાં મળતી લિપસ્ટિકમાંથી પસંદગી કરવી પડતી. આવી સ્થિતિમાં તેઓ લાલ, ગુલાબી ઉપરાંત ચોકલેટ બ્રાઉન કલરની લિપસ્ટિક પણ લગાવતી.
તેઓ વધુમાં કહે છે કે લિપસ્ટિકનો આ રંગ ઘઉંવર્ણી યુવતીઓના હોઠ પર ઉઠી આવે છે. જ્યારે શ્યામ વર્ણ ધરાવતી સ્ત્રીઓની ત્વચા આ લિપસ્ટિક સાથે સહેજ ઓછી શ્યામ દેખાય છે. કદાચ આ કારણે જ ૯૦ના દશકમાં બ્લેક, બ્રાઉન અને લેટિનો મહિલાઓ બ્રાઉન લિપસ્ટિક પર પ્રથમ પસંદગી ઉતારતી. તે વખતના મેક-અપ ટ્રેન્ડમાં ચોકલેટી લિપસ્ટિક મોખરાનું સ્થાન ભોગવતી હતી. તે વખતે કેલી લૉરેન્ડ જેવી હૉલીવૂડ અભિનેત્રીઓએ બ્રાઉન લિપસ્ટિકને માનુનીઓમાં પ્રિય બનાવી હતી. જ્યારે આજે હેલી બીબર, અરિઆના ગ્રીનબ્લેટ્ટ અને લારા રાજે ચોકલેટી કલરની લિપસ્ટિકનું મહત્વ વધારી મૂક્યું છે.
જોકે એમ માની લેવાની જરૂર નથી કે ૯૦ના દશકમાં જે રીતે કોકા, કૉફી, નૉગટ અને કેરામલ જેવા બ્રાઉન શેડ પોપ્યુલર હતાં, બિલકુલ એવા જ શેડ વર્તમાન સમયમાં ચાલી રહ્યાં છે. હકીકતમાં સૌંદર્ય નિષ્ણાતોએ તેને થોડી જુદી રીતે લગાવવાની પ્રણાલી શરૂ કરી છે. જેમ કે તેને ગુલાબી શેડ સાથે કે બ્રાઉન લિપલાઇનર સાથે લગાવવામાં આવે છે. એક મેકઅપ આર્ટિસ્ટ તેના વિશે સમજ આપતાં કહે છે..,
સૌથી પહેલા તમારા હોઠના કિનારે બ્રાઉન લિપલાઈનર લગાવો. શક્યત: લિપલાઈનર ડાર્ક ચોકલેટ શેડમાં લો. ત્યાર પછી સહેજ ગુલાબી રંગ ધરાવતી ક્રીમી મિલ્ક ચોકલેટના રંગ જેવા હોઠ પામવા હોઠ પર ન્યુડ પિંક-બ્રાઉન લિપસ્ટિક એપ્લાય કરો. આવી લિપસ્ટિક વધારે પડતી ઘેરી ન લાગે અને લિપ લાઇનર તેમ જ લિપસ્ટિકના શેડ અલગ અલગ ન દેખાય એટલે તેને એક આંગળી વડે હળવેથી થપથપાવ્યા પછી હોઠ પર બ્રાઉન ગ્લોસ લગાવી દો. આ રીતે લગાવેલી લિપસ્ટિક તમારા અધરને રૉયલ ચોકલેટી લુક આપશે.









