Get The App

બાળકને ન્યુમોનિયાઃ આટલું જાણો

- ખૂબ નાના બાળકોના ઓક્સિજનેશન જાણવા ''બ્લડ ગેસ''નામનો લોહીનો ટેસ્ટ કરવામાં આવે

- ચાઈલ્ડ કેર : ન્યુમોનિયા

Updated: Jan 5th, 2021

GS TEAM


Google News
Google News
બાળકને ન્યુમોનિયાઃ આટલું જાણો 1 - image


- ન્યુ મોનિયા ફેફસાનો રોગ છે, તેમના વાયુકોષોમાં ચેપ લાગે, તેમાં ઓક્સિજનની પ્રક્રિયા ન થાય, ચેપ ફેફસામાં પ્રસરે, પરુ થઇ શકે. 

શું થાય ? : નવજાત બાળકોનાં લક્ષણો અસ્પષ્ટ હોય બાળક ધાવણ લે નહીં. સૂનમૂન રહે, ભારે તાવ રહે, શ્વાસમાં ઠસકા બોલે, ભૂરૂ પડી જાય. તમારા ડોકટરને બતાવો. બાળકને ભારે ખાંસી રહે. તાવ રહે, શ્વાસ લેતા ગળામાં અને પેટમાં ખાડા પડે, સૂઇ ન શકે, પ્રવાહી પણ ન લઇ શકે. અપૂરતા પોષણવાળા બાળકો બહુ બીમાર થાય. ખૂબ લાંબો સમય લક્ષણો રહે તો શક્ય છે ન્યુમોનિયા, ટી.બી.ના કારણે હોય. જ્યારે ખાંસી સારવાર છતાંય ૧૫ દિવસમાં ન મટે તો ન્યુમોનિયા હોવાની શક્યતા રહે છે.

નિદાન : બાળક પ્રતિમિનિટ ૫૦થી વધારે વાર શ્વાસ લે, ખાઇ-પી શકે નહીં, ખાડા પડે, ન્યુમોનિયા હોઇ શકે. ડોકટર એક્સ-રે અને લોહીની તપાસ દ્વારા નિદાન નક્કી કરશે. ખૂબ નાના બાળકોના ઓક્સિજનેશન જાણવા ''બ્લડ ગેસ''નામનો લોહીનો ટેસ્ટ કરવામાં આવે. જો કે બધા જ કેસમાં નિદાન કરવા  માટે ટેસ્ટ ફરજિયાત નથી.

સારવાર : નવજાત, ભારે બીમારીવાળા અને દવા મોઢેથી ન લઇ શકે તેવા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરી નસમાં દવા-એન્ટિબાયોટિક આપવા પડે. અશક્તિ માટે પોષણ આપવા ગ્લુકોઝ આપવામાં આવે છે. શ્વાસમાં તકલીફ પડતી હોય તેને ઓક્સિજન આપવામાં આવે છે. ''સેચ્યુરેશન મોનિટર'' નામના સાધન વડે ઓક્સિજનની ઉણપ જાણી શકાય છે ત્રણ-ચાર દિવસમાં સુધારો થતા ઈન્જેકશનને બદલે મોઢેથી દવા આપી શકાય. નવજાત બાળકને ઈન્જેકશન દ્વારા જ  બધો કોર્સ આપવો જરૂરી બનશે. ન્યુમોનિયા શબ્દથી ગભરાશો નહીં. સામાન્ય કેસને અને મોટી ઉંમરના બાળકોને બધી જ સારવાર દવા, ગોળીઓથી આપી શકાય, તેનો કોર્સ ૧૦થી ૧૪ દિવસ માટેનો પૂરો કરજો.

દવા વિષેનો સંપૂર્ણ નિર્ણય તમારા ડોકટરને લેવા દો. બાળકને તાવ, શ્વાસ અને કેટલું ખાધું-પીધું તેની માહિતી ડોકટરને આપવી જરૂરી છે. તાવ હોય તો તાવની દવા આપવી, તાવ વધવા દેવો નહીં, જરૂર પડે પોતા મૂકવામાં વાંધો નહીં. કોર્સ શરૂ કર્યા પછી તાવ ઉતરતા ૩થી ૮ દિવસ લાગશે. ડોકટરની તપાસ કરાવતા રહેવી. એલર્જી - શ્વાસ કે ખૂબ ખાંસી રહે તો ડોકટર, નિબ્યુલાઇઝ નામના સાધન વડે શ્વાસ માર્ગમાં દવા આપશે. ખાંસી માટે ડોકટરની સલાહ મુજબ કફસિરપનો ઉપયોગ કરવો બાળકને તાવ અને શ્વાસ સુધરતા હોય અને ખાંસી ચાલુ રહે તો ચિંતા ન કરશો. ખાંસી મટતા ૭થી ૧૦ દિવસ થઇ શકે. ઘરગથ્થુ ઉપચારો ડોકટરની સલાહ મુજબ કરો. શરદી-ખાંસી વધે તેવા ઠંડા પીણા, આઈસ્ક્રીમ કે ઠંડા ફળો ન આપવા. એ.સી.ના બ્લો સામે ન રાખવું. ધૂળમાં ન લઇ જવું. ડોકટરની સલાહ મુજબ આરામ આપવો જરૂરી છે. સારવાર પૂરી થયા પછી અમુક કેસમાં સુધારો ન લાગે તો ફરીથી એક્સ-રે પડાવવામાં આવે છે કે ટી.બી.ના ટેસ્ટ કરાવવામાં આવે છે.

ન્યુમોનિયાની રસી ઃ પ્રથમ વર્ષમાં ત્રણ ડોઝ અને બીજા વર્ષમાં બુસ્ટર ડોઝ મૂકાવો જોઇએ. રસી 'પેઇન લેસ' હોય છે. મોંઘી હોય છે. તમારા ડોકટરની સલાહ લઇને મૂકાવો. ધ્યાન રહે કે રસી એક માત્ર ન્યુમોનિયા થતો રોકવાનો ઉપાય નથી. બાળકનું પોષણ, વિકાસ, સ્વચ્છતા અને માતા-પિતાની સાવધાની જ આ ગંભીર રોગથી બચાવશે. - મૌલિક બક્ષી

Tags :